લોકહૈયામાં બીરાજેલા હેમુ ગઢવીની ઓચિંતી વિદાયને પાંચ દાયકાનો સમય જોત જોતામાં પસાર થયો છે. હેમુભાઇ જાણે કાર્યક્રમો – નાટકો તથા આકાશવાણીના માધ્યમથી સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પહોંચ્યા હતા. અચાનક તેઓના જવાથી લોકસાહિત્યના ચાહક વર્ગમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો. આમ થવા પાછળના કારણો પણ હતા. હેમુ ગઢવીની ખોટ કોણ પૂરી શકશે ? લોકોના મનમાં આ પ્રશ્ન ઘોળાતો હતો. આવા ચિંતા તથા આતુરતાના કપરા કાળમાં જાંબુડાની ધરતીનું ધાવણ ધાવીને ઉછરેલો એક યુવાન ચારણ લોકસાહિત્ય જગતના મેદાનમાં આવ્યો. નમ્રતા – વિવેક તથા સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આ કલાકારે સાહિત્ય સેવાના પડકારરૂપ કાર્યમાં અને કપરા કાળમાં ઝંપલાવ્યું. આ કલાકારના બુલંદ અને મીઠા અવાજ તરફ લોકસાહિત્યના ચાહકોનું ધ્યાન ગયું. જાંબુડાના આ લાખાભાઇ ગઢવી હેમુભાઇની ખોટ પૂરવાના યથાશક્તિ પ્રયાસ કરવા લાગ્યા. તેમના અનેક જાહેર કાર્યક્રમોમાં હેમુભાઇને યાદ કરીને તેઓએ પોતાની શૈલિથી સાહિત્યની લહાણ કરી. જગતે તેને પૂરા ભાવથી આવકારી તથા બીરદાવી. જીવનના આઠ દાયકાની સફળ યાત્રા કરીને લાખાભાઇ હમણાંજ આપણી વચ્ચેથી વિદાય થયા. લોકસાહિત્યનું એક ઝળાહળા વટવૃક્ષ ધરાશાયી થયું. લાખાભાઇની વિદાય અનેક ચાહકો – સાહિત્ય પ્રેમીઓને આકરી લાગી. જાંબુડા ગામના અનેક પુણ્યશ્ર્લોક લોકોની યાદીમાં લાખાભાઇનું નામ ઝળહળે છે. મેઘાણી કેન્દ્રનો હેમુ ગઢવી એવોર્ડ લાખાભાઇને પૂ.મોરારીબાપુના હસ્તે તા.૧૧/૦૯/૨૦૧૬ના રોજ રાજકોટ મુકામે આપવાનું નકકી થયેલું છે. આ બાબતનો આનંદ સ્વાભાવિક રીતે જ અનેક સાહિત્ય પ્રેમીઓને થયો છે.
કેટલીક સંસ્થાઓનું એ સદ્દભાગ્ય હોય છે કે સંતનો સ્નેહ તે સંસ્થાને નિરંતર મળતો રહે છે. મેઘાણી કેન્દ્ર તે રીતે ધન્યભાગી છે. પૂ.મોરારીબાપુના કરકમળથી ૧૨ મી માર્ચ-૨૦૧૨ના રોજ મેઘાણીકેન્દ્રનું દીપ પ્રાગટ્ય થયું. બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં દરેક એવોર્ડ વિતરણના કાર્યક્રમો થયાં. કેન્દ્રની પ્રતિષ્ઠા તેના કાર્યો થકી વૃધ્ધિ પામી છે. રાજય સરકારની લોકસાહિત્યની સરવાણીને જીવંત તથા સમૃધ્ધ બનાવવા માટેની આ અનોખી પહેલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સહર્ષ ઝીલી છે અને કેન્દ્રના કાર્યને ગતિ તેમજ બળ પૂરા પાડેલા છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી મહેન્દ્રભાઇ પાડલીયા તથા હાલના વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણે અસરકારક નેતૃત્વ પૂરું પાડેલું છે. આજીવન સરસ્વતી ઉપાસક ર્ડા. બળવંત જાની તથા કાર્યશીલ અધ્યાપક ર્ડા.અંબાદાન રોહડિયાની કાળજી અને નિષ્ઠા કેન્દ્રની સિધ્ધિઓમાં જોવા મળે છે. પ્રતિષ્ઠિત હેમુ ગઢવી એવોર્ડ પ્રથમ લોક સાહિત્ય જગતના ઉજવળ નામ સમાન પદ્મશ્રી દિવાળીબેન ભીલને ૨૦૧૫ના વર્ષમાં આપવામાં આવ્યો. ૨૦૧૬ના વર્ષનો હેમુ ગઢવી એવોર્ડ લાખાભાઇ ગઢવીના ફાળે જાય છે. શ્રી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં પણ દર વર્ષે મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષનો મેઘાણી એવોર્ડ શ્રી શિવદાનભાઇ ઝુલાને ફાળે જાય છે. ઝુલા સાહેબે સરકારી સેવા સાથે સાથે સાહિત્યની પણ આજીવન સેવા કરેલી છે. ઉત્તર ગુજરાતની ભૂમિના આ સંતાન પર માતા સરસ્વતીના આશીર્વાદ ઉતરેલા છે. ઉમ્મર તથા શારીરિક તકલીફોની પરવા કર્યા સિવાય શિવદાનજીએ પોતાનું સર્જનકાર્ય આગળ ધપાવ્યું છે. ઉત્તર ગુજરાતના ઘણાં સર્જકોની પ્રભાવી રચનાઓનો પરિચય આપણે શિવદાનભાઇના લખાણો થકી પામી શકયા છીએ. શિવદાનભાઇ પહેલા મેઘાણી એવોર્ડ સર્વ શ્રી ભગવાનદાસ પટેલ, હસુભાઇ યાજ્ઞિક, કનુભાઇ જાની, શાંતિભાઇ આચાર્ય તથા જોરાવરસિંહ જાદવ જેવા સુપ્રતિષ્ઠિત વિદ્દવાનોને આપવામાં આવેલો છે.
સમાજમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. સમાજનો એક મોટો વર્ગ નાટક– સંગીત–નૃત્ય જેવા કલાના સ્વરૂપને માણતો પણ હોય છે. આવી અલગ અલગ પ્રકારની અનેક પ્રસ્તુતિઓમાં લોકસાહિત્યનું એક જૂદુ સ્થાન જોવા મળે છે. લોકસાહિત્ય થકી આપણાં સંસ્કાર–સંસ્કૃતિની અનેક વાતો બહોળા જન સમૂદાય સુધી પહોંચી છે. હેમુ ગઢવી એવોર્ડ આવી સમાજ ઉપયોગી સાહિત્ય સેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણીકેન્દ્ર તરફથી આપવામાં આવે છે. લાખાભાઇ તથા ભીખુદાનભાઇ (જૂનાગઢ) જેવા આપણાં મોટા ગજાના સાહિત્ય મર્મીઓએ સમાજમાં સંસ્કાર સિંચન થાય તેવી વાતો કરી છે. લાખાભાઇ ઘણાં વર્ષો સુધી તેમના સમયના સૌથી વધારે લોકપ્રિય કલાકાર રહ્યાં. આવું સ્થાન આટલા વર્ષો સુધી જાળવી રાખવું તે સામાન્ય ઘટના નથી. લાખાભાઇ સાથે કાર્યક્રમોમાં ભાગ લેનાર કલાકારો પાસેથી અવારનવાર એ વાત સાંભળવા મળી છે કે લાખાભાઇ હમેશા પોતાની તથા સાથી કલાકારોની ગરિમા જળવાય તે બાબતમાં સજાગ રહેતા હતા. આકાશવાણીમાં લાખાભાઇનું રેકોર્ડિંગ સારા એવા પ્રમાણમાં છે. લાખાભાઇનો બુલંદ કંઠ આજે પણ રેડિયો પર ગાજતો – ગૂંજતો રહે છે. હેમુભાઇએ ફિલ્મી ગીતોમાં પદાર્પણ કર્યું અને તેની એક જૂદી ભાત પણ લોકો જોઇ શક્યા. પરંતુ દૂર્ભાગ્યે હેમુભાઇ ત્યારબાદ લાંબુ રહ્યાં નહિ. લાખાભાઇએ આ દિશામાં ઠાઠથી પ્રયાણ કર્યું અને ફિલ્મોમાં પોતાનો સુરીલો કંઠ રેલાવ્યો. આઇએનટી જેવી સુપ્રસિધ્ધ સંસ્થાના નાટકોને પણ લાખાભાઇના સ્વરે શોભાયમાન કર્યા.
જાહેર કાર્યક્રમોમાં પ્રેક્ષકોને જકડી રાખવાની એક આગવી સૂઝ તથા સમજ લાખાભાઇમાં હતી. ભાવનગરના એક ડાયરાના કાર્યક્રમમાં કવિશ્રી દાદની એક પ્રસિધ્ધ રચના રજૂ કરવા માટે પ્રેક્ષકોમાંથી ફરમાઇશ આવી. પ્રેક્ષકોના ફરમાઇશને લગતા આવા ગણગણાટ વચ્ચે કોઇકે કહ્યું કે, આ રચના તો હમણાંજ બીજા એક જાણીતા કલાકાર ડાયરાના એક કાર્યક્રમમાં રજૂ કરીને ગયા છે. ચકોર લાખાભાઇના ધ્યાન બહાર આ કોમેન્ટ કેવી રીતે જાય ? આ પછી લાખાભાઇએ બાજી સંભાળી. બ્રહ્માનંદ સ્વામીના એક ચારણી શૈલિના છંદથી તેમણે શ્રીગણેશ કર્યાં. લોકોને બ્રહ્માનંદ સ્વામીના શબ્દની તાકાત અને લાખાભાઇના સ્વરની તાકાતનો પરિચય થયો. એકચિત્તે અને શાંતિપૂર્વક લોકો હવે લાખાભાઇ કઇ પ્રસ્તુતિ કરશે તેની ઉત્સુકતામાં બેઠા હતા. હવે લાખાભાઇએ જે શબ્દો કહ્યાં તેમાં ચારણની ચતુરાઇ અને હાજર જવાબીપણાંની પ્રતિતિ થાય છે. લાખાભાઇએ પ્રેક્ષકો સાથે આંખ મીલાવી વિશ્વાસપૂર્વક કહયું :
‘‘ અમારા કવિ દાદની રચના રજૂ કરવાની હમણાંજ ફરમાઇશ થઇ. રચના તો અદ્દભૂત છે. પરંતુ કોઇકે એમ પણ કહ્યું કે આ રચના તો હમણાંજ સાંભળી છે તેથી તેની ફરી પ્રસ્તુતિ શા માટે કરવી ? પરંતુ મિત્રો ! દરેક પ્રસ્તુતિ સમાન નથી હોતી ભલે રચના એકજ હોય. આપણો અનુભવ છે કે ઘઉંના ફાડા એકજ હોય પરંતુ તેમાંથી થૂલી પણ બને અને મનભાવન લાપસી પણ બની શકે અને મિત્રો ! આ લાખો ગઢવી આજે તમને લાપસી પીરસવાનો છે ! ’’ અને પછી તરતજ બુલંદ કંઠે કવિ દાદની અમર તથા અપ્રતિમ રચના ઉપાડી.
ધડ ધીંગાણે જેના માથા
મસાણે, એનો પાળિયો
થઇને પુજાવું, ઘડવૈયા !
મારે ઠાકોરજી નથી થાવું
આજે અનેક વર્ષો પછી સ્મૃતિમાંથી એ વાત ખસતી નથી કે આ રચના પૂરી થયા બાદ જે તાળીઓનો અવિરત ગડગડાટ લાંબા સમય માટે ગૂંજતો રહ્યો તેવો અનુભવ ભાગ્યેજ થયો છે. લાખાભાઇ કલાકારોમાં ‘‘ મુઠ્ઠી ઊંચેરા ’’ હતા.
ભગતબાપુએ લખ્યું :
‘‘ચારણો સૌ સરસ્વતીને સેવે
ગીત રામાયણ ગાય ’’
પિતાના રામાયણના સંસ્કાર લાખાભાઇને મળ્યા હતા. રામાયણ તથા સૌરાષ્ટ્રની રસધાર અને કાગવાણીની અનેક રચનાઓ આ દેવીપુત્રના ગળે શોભતી હતી.
હેમુભાઇ બહુ વહેલા ગયા. બચુભાઇ (વઢવાણ) તથા વેલજીભાઇ ગજજર પણ એક અલગ છાપ છોડીને સીધાવ્યા. ઇસ્માઇલ વાલેરા, ઇશ્વરદાન તથા દાદુભાઇ ખુમદાનની અણધારી અને વહેલી વિદાય સૌને આઘાત આપી ગઇ. ભાઇ હરસુરની મધુર યાદો તેની વિદાય પછી પણ સ્મૃતિમાં લીલીછમ રહી છે. આજે સંસ્કારની આ મોંઘેરી ધરોહરને સાચવી ભીખુદાનભાઇ અને કીર્તિદાન જેવા નામી કલાધરો અજવાળા પાથરે છે જેની નોંધ ભારત સરકારે લીધી છે.દાન અલગારી કે જીતુદાન ટાપરીયાનો લાભ સાહિત્યપ્રેમીઓને મળતો રહે છે. અનેક નવા ચહેરાઓ લોકસાહિત્યના આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે અને તેમને ભારે સફળતા પણ મળેલી છે. આ યુવાન કલાકારો આપણાં સાહિત્યનું ઉજળું ભવિષ્ય સૂચવે છે. આ બધી ઉજળી ધરોહર વચ્ચે લાખાભાઇની વિદાય એ એક ભાતીગળ વટવૃક્ષ જેવા વ્યક્તિત્વની વિદાય છે. દુષ્કાળ સો વર્ષે પડે તોય આકરો લાગે તેવી આ બાબત છે. પૂ.આઇ શ્રી સોનબાઇમા તથા ભગતબાપુની પ્રસન્નતા લાખાભાઇએ ભરપૂર મેળવી હતી. આવી કૃપા દ્રષ્ટિ એ લાખાભાઇની ખરી મૂડી છે. સાહિત્ય પ્રેમીઓના વિશાળ સમૂહમાં દિલમાં લાખાભાઇનું સ્થાયી સ્મારક રચાયેલું છે. લાખાભાઇ ગયા તેનો અફસોસ તો સાહિત્ય જગતમાં સર્વત્ર છે.
મીઠપવાળા માનવી
જગ છોડી જાશે,
કાગા એની કાણ,
ઘરોઘર મંડાશે.
Leave a comment