પ્રાર્થનાનો ક્રમ જીવનભર જાળવનાર ગઇ સદીના તથા આવનારી અગણિત સદીઓના મહામાનવે જીવનના છેલ્લા દિવસે પણ પ્રાર્થનાનો ક્રમ બરાબર જાળવ્યો. પોતે ઊઠ્યા અને મનુબહેનને પણ ઉઠાડ્યા. સવારના પહોરમાંજ મનુબહેનને મહાત્માની સૂચના મળી :
‘‘ આજે મારે થાકે ન થાકે છતાંયે હો માનવી ન લેજે વિસામો ’’ એ ભજન સાંભળવું છે. આપણાં ભજનો – સંતોની વાણીની અવિરત અમૃતધારામાં ગાંધી નામના આ યુગપુરુષને કેટલી શ્રધ્ધા હશે ! નિત્યક્રમમાં અસાધારણ નિયમિતતા જાણે એમનીજ. સવારના પહોરમાં બંગાળીનો પાઠ પણ કર્યો. જીવનમાં જેને નિરંતર નૂતન દર્શન કરવું હોય તેણે પોતાની વિદ્યાર્થીવૃત્તિને મરવા દેવી જોઇએ નહિ તેનો સંદેશ બાપુના આવા રૂટીનમાંથી સહેજે પ્રગટે છે. સાંજની પ્રાર્થના સભા પહેલા બાપુ સરદાર સાહેબ સાથે તન્મયતાથી વાતો કરતા હતા. આથી પ્રાર્થનામાં જવામાં થોડો વિલંબ થયો. આ વાતનો અણગમો પણ સ્પષ્ટ શબ્દોમાં ગાંધીજીએ વ્યક્ત કર્યો તેમ મનુબહેન પોતાની નોંધમાં ટપકાવે છે. આ મહાપુરુષના જીવનના છેલ્લા દિવસોની વ્યસ્તતા તથા વ્યગ્રતાની અસામાન્ય વાતો મનુબહેન ગાંધી થકી આપણે મેળવી શક્યા. મનુબહેનના આ લખાણોને મોરારજીભાઇએ ઉચિત રીતે બીરદાવ્યા છે. બીજી ઓક્ટોબર-૧૮૬૯ ના દિવસે જગતમાં આવેલા ગાંધી ૩૦મી જાન્યુઆરી-૧૯૪૮ ના દિવસે મહાપ્રયાણ કરી ગયા. જો કે ગાંધી વિચાર સૂર્ય – ચંદ્રના પ્રકાશની જેમ આવનારા તમામ કાળમાં અનેક લોકોને માર્ગદર્શક અને પોષક બની રહેશે. કવિ જયંત પાઠકે ગાંધી અને તેમના વિચારોને સૃષ્ટિનું સનાતન રસાયણ કહ્યા છે તે કવિનું સત્ય દર્શન છે.
ગયા ગાંધી તમે !
ના, ના, તમે તો નવજીવન
કલેશથી કલાન્ત સૃષ્ટિનું
રસાયણ સનાતન.
ગાંધીજીના વિરાટ તથા ભાતીગળ વ્યક્તિત્વના અનેક પાસા હતા. ગાંધીજીને જેમણે હસતા જોયા નથી તેમણે ગાંધીજીને પૂરા ઓળખ્યા નથી તેવું પંડિત નહેરુજીનું કથન ગાંધી – વ્યક્તિત્વના હળવાશના પાસાનો નિર્દેશ કરે છે. જ્યારે તક મળે ત્યારે વિનોદ કરવાની વૃત્તિ પણ ગાંધીમાં પ્રબળ હતી. ૧૯૩૮ નો હરિપુરા કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારનો એક પ્રસંગ શ્રી અમૃતલાલ વેગડે આલેખ્યો છે. બાપુને શાંતિનિકેતનવાળા પ્રસિધ્ધ ચિત્રકાર નંદલાલ બસુ પ્રિય હતા. બાપુ નંદબાબુને સર્જનાત્મક કલાકાર ગણાવતા હતા. હરિપુરા આવવા માટે બાપુએ નંદબાબુને આગ્રહ કર્યો. નંદબાબુ સ્વસ્થ ન હતા છતાં ગાંધીજીના આગ્રહને કારણે આવ્યા. બાપુ તેમને આગ્રહ કરીને તિથલ (વલસાડ) લઇ ગયા. તિથલના દરિયાકાંઠે નંદબાબુ તેમના ચંપલ ઉતારીને ભીની તથા સુંવાળી રેતીના સ્પર્શની અનુભૂતિ કરતા દૂર સુધી ફરવા જતા રહ્યા. નંદબાબુ પાછા આવીને ચંપલને શોધે છે. તે સમયે તેઓ જુએ છે તો બાપુ તેમના ચંપલની જાગૃત ચોકીદારી કરતા ખડા છે ! નંદબાબુને પાછા આવેલા જોઇ બાપુએ એજ મુક્તહાસ્ય કરીને કહ્યું : ‘‘ હું જાણતો હતો કે આ તારાં ચંપલ છે. હું એમ ઇચ્છતો નહોતો કે કોઇ કૂતરું આવીને તારું એક ચંપલ લઇ જાય અને બીજું ચંપલ નિસાસા નાખતું પડ્યું રહે ! ’’ બાપુની વાત સાંભળી નંદબાબુ તાજુબ થઇ ગયા તથા આ ઘટના પછી કેટલાયે દિવસ ચંપલ પહેરી ન શક્યા. હરિપુરા અધિવેશનમાં પણ બાપુએ નંદબાબુને પોતાની કુટીર પાસેજ ઉતારો અપાવ્યો. બાપુના દર્શન કરવા આદિવાસી મહીલાઓનું એક ટોળું બાપુની કુટીરમાં આવ્યું. ગાંધીજીને વિનોદ સૂઝ્યો. એમણે મળવા આવેલી બહેનોને કહ્યું : ‘‘ જુઓ, સામે પેલી ઝૂંપડીમાં બંગાળના એક મોટા મહાત્મા ઉતરેલા છે. એમના દર્શન કરતા જજો. ’’ મહીલાઓ આશીર્વાદ લેવા માટે નંદલાલ બસુના ઉતારે ટોળે વળી. નંદબાબુની મુંઝવણનો પાર નહિ. તેઓ કંઇ સમજી પણ ન શક્યા. પાછળથી ગાંધીજીએ હસતા હસતા રહસ્યસ્ફોટ કર્યો ત્યારે બાપડા નંદબાબુને બાપુના આ કાવતરાની જાણ થઇ. જીવનની રસિકતા તેમજ પવિત્રતા બન્નેને સમાંતરે ટકાવી રાખે તેવા બાપુ સર્વગુણ સંપન્ન હતા. શાયર શેખાદમ આબુવાલાએ આ વાત સુંદર શબ્દોમાં લખી છે.
નમ્રતામાં ચન્દ્ર તો
ગૌરવ મહીં સૂરજ હતો,
સ્નેહમાં સાગર હતો,
સંયમ મહીં પંકજ હતો.
એમ તો કંઇ કેટલી
ઉપમા તને આપી શકાય,
આટલું શું બસ નથી –
ઇન્સાનોમાં એકજ હતો !
ગાંધીજીના શબ્દોમાં સ્પષ્ટતા તથા ભાષામાં પ્રવાહી સરળતાના કારણે લોકોને સમજાવવી મુશ્કેલ જણાતી હોય તેવી વાત પણ સામાન્ય લોકો સુધી પહોંચી શકતી હતી. ગુજરાત સાહિત્ય પરિષદના યાદગાર અધિવેશનમાં કવિગુરુ ટાગોરની ઉપસ્થિતિ સમગ્ર સભાને એક અનેરુ ગૌરવ અપાવનારી બની રહી હતી. ટાગોરે અંગ્રેજીમાં પ્રવચન કર્યું. એકતો કવિગુરુની સાહિત્યકાર તરીકેની હીમાલય સમાન પ્રતિભા અને તેમાંયે સાહિત્ય પરિષદમાં તેમનું મનનીય વક્તવ્ય અંગ્રેજી ભાષામાં થયું એટલે ભાવકોએ માંગણી કરી : આ પ્રવચનનું ગુજરાતીમાં ભાષાંતર સંભળાવો. કવિગુરુની આ વાણીનું ભાષાંતર અશક્ય છે તેમ સાહિત્યકારોને લાગ્યું. આ પડકાર પણ કોશ ચલાવનાર કિસાનને સમજાય તેવું સરળ સાહિત્ય રચવાની હિમાયત કરનાર મહાત્માએ સ્વેચ્છાએ ઝીલી લીધો. ગાંધીજીએ પરિષદની સભામાં ટાગોરના પ્રવચનનો ગુજરાતી તરજુમો રજુ કર્યો. ગાંધીનું ભાષાંતર કવિગુરુના ભાવમય તથા ચિંતનયુક્ત શબ્દોને જનસામાન્યને સમજાય તેવી સરળ ભાષામાં રજૂ કરતું હતું. આ ઘટનાનો સંદર્ભ આપીને શ્રી ઝવેરચંદ મેઘાણી લખે છે કે તળપદી લોકવાણીના મજબૂત સહારે ગાંધી અશક્યને પણ શક્ય બનાવે છે. સાહિત્યમાં પણ ગાંધીગીરીના જ્વલંત દસ્તાવેજ સમાન આ ઘટના છે.
નારાયણ દેસાઇએ લખ્યું છે તેમ ગાંધીનું જીવન એક ભવ્ય તથા ઉજ્વળ અસફળતાની કહાની સમાન છે. જો કે આ યાત્રા કારુણ્યમૂર્તિ બુધ્ધ તથા ભગવાન ઇસુની જીવનયાત્રાની જેમ કદાચ અસફળ હોય તો પણ તેના થકી માનવતાના તથા કરુણા સભર સ્નેહના સર્વોચ્ચ દર્શન થયા છે. બાપુએ એક નૂતન ઇતિહાસનું સર્જન કર્યું. જગત આજે પણ તેનું સન્માન કરે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment