: મીઠાં અને મર્મી માનવની વિદાય :

લોકહૈયામાં બીરાજેલા હેમુ ગઢવીની ઓચિંતી વિદાયને પાંચ દાયકાનો સમય જોત જોતામાં પસાર થયો છે. હેમુભાઇ જાણે   કાર્યક્રમો – નાટકો તથા આકાશવાણીના માધ્યમથી સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પહોંચ્યા હતા. અચાનક તેઓના જવાથી લોકસાહિત્યના ચાહક વર્ગમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો. આમ થવા પાછળના કારણો પણ હતા. હેમુ ગઢવીની ખોટ કોણ પૂરી શકશે ? લોકોના મનમાં આ પ્રશ્ન ઘોળાતો હતો. આવા ચિંતા તથા આતુરતાના કપરા કાળમાં જાંબુડાની ધરતીનું ધાવણ ધાવીને ઉછરેલો એક યુવાન ચારણ લોકસાહિત્ય જગતના મેદાનમાં આવ્યો. નમ્રતા – વિવેક તથા સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આ કલાકારે સાહિત્ય સેવાના પડકારરૂપ કાર્યમાં અને કપરા કાળમાં ઝંપલાવ્યું. આ કલાકારના બુલંદ અને મીઠા અવાજ તરફ લોકસાહિત્યના ચાહકોનું ધ્યાન ગયું. જાંબુડાના આ લાખાભાઇ ગઢવી હેમુભાઇની ખોટ પૂરવાના યથાશક્તિ પ્રયાસ કરવા લાગ્યા. તેમના અનેક જાહેર કાર્યક્રમોમાં હેમુભાઇને યાદ કરીને તેઓએ પોતાની શૈલિથી સાહિત્યની લહાણ કરી. જગતે તેને પૂરા ભાવથી આવકારી તથા બીરદાવી. જીવનના આઠ દાયકાની સફળ યાત્રા કરીને લાખાભાઇ હમણાંજ આપણી વચ્ચેથી વિદાય થયા. લોકસાહિત્યનું એક ઝળહળા વટવૃક્ષ ધરાશાયી થયું. લાખાભાઇની વિદાય અનેક ચાહકો – સાહિત્ય પ્રેમીઓને આકરી લાગી. 

ચારણોના કેટલાક સુવિખ્યાત ગામોની યાદી બનાવીએ તો જાંબુડાનું નામ તેમાં અવશ્ય આવે. આજે પણ ૭૦-૮૦ ચારણ કુટુંબો જાંબુડામાં રહે છે. લાંબા – જાળફળા – પાલીયા – ઠાકરીયા અને ભાન જેવી અલગ અલગ અટક ધરાવતા ચારણ કુટુંબોના સંપ-સુલેહ અકબંધ રહેલા છે. ગામને આ પ્રતિષ્ઠા તેના અનેક સજ્જન –સેવાભાવી તથા વિદ્વાન વ્યક્તિઓને કારણે મળે તે સ્વાભાવિક છે. હજુ ગઇકાલ સુધી આપણી વચ્ચે રહી સમાજ તથા સાહિત્ય જગતને માર્ગદર્શન પૂરું પાડનાર પાલીયા સાહેબની સ્મૃતિ જાંબુડાને યાદ કરતાં તરતજ થાય છે. એજ રીતે લાખાભાઇ મુળુભાઇ અને રાજાણી (લાંબા) કુટુંબના દેવસુરબાપુ જેવા અનેક રત્નો આ ગામે સમાજના ચરણે ધર્યા છે. લોકસાહિત્યના મર્મજ્ઞ અને સમર્થ વાહક લાખાભાઇ આ બધા પુણ્યશ્લોક લોકોના વારસદાર છે. 

સમાજમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. સમાજનો એક મોટો વર્ગ નાટક – સંગીત – નૃત્ય જેવા કલાના સ્વરૂપને માણતો પણ હોય છે. આવી અલગ અલગ પ્રકારની અનેક પ્રસ્તુતિઓમાં લોકસાહિત્યનું એક જૂદુ સ્થાન જોવા મળે છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે લોકસાહિત્ય થકી આપણાં    સંસ્કાર – સંસ્કૃતિની અનેક વાતો બહોળા જન સમૂદાય સુધી પહોંચી છે. લાખાભાઇ તથા ભીખુદાનભાઇ (જૂનાગઢ) જેવા આપણાં મોટા ગજાના સાહિત્ય મર્મીઓએ સમાજમાં સંસ્કાર સિંચન થાય તેવી વાતો કરી છે. લાખાભાઇ ઘણાં વર્ષો સુધી તેમના સમયના સૌથી વધારે લોકપ્રિય કલાકાર રહ્યાં. આવું સ્થાન આટલા વર્ષો સુધી જાળવી રાખવું તે સામાન્ય ઘટના નથી. લાખાભાઇ સાથે કાર્યક્રમોમાં ભાગ લેનાર કલાકારો પાસેથી અવારનવાર એ વાત સાંભળવા મળી છે કે લાખાભાઇ હમેશા પોતાની તથા સાથી કલાકારોની ગરિમા જળવાય તે બાબતમાં સજાગ રહેતા હતા. આકાશવાણીમાં લાખાભાઇનું રેકોર્ડિંગ સારા એવા પ્રમાણમાં છે. લાખાભાઇનો બુલંદ કંઠ આજે પણ રેડિયો પર ગાજતો – ગૂંજતો રહે છે. હેમુભાઇએ ફિલ્મી ગીતોમાં પદાર્પણ કર્યું અને તેની એક જૂદી ભાત પણ લોકો જોઇ શક્યા. પરંતુ દૂર્ભાગ્યે હેમુભાઇ ત્યારબાદ લાંબુ રહ્યાં નહિ. લાખાભાઇએ આ દિશામાં ઠાઠથી પ્રયાણ કર્યું અને ફિલ્મોમાં પોતાનો સુરીલો કંઠ રેલાવ્યો. આઇએનટી જેવી સુપ્રસિધ્ધ સંસ્થાના નાટકોને પણ લાખાભાઇના સ્વરે શોભાયમાન કર્યા.

જાહેર કાર્યક્રમોમાં પ્રેક્ષકોને જકડી રાખવાની એક આગવી સૂઝ તથા સમજ લાખાભાઇમાં હતી. ભાવનગરના એક આવાજ ડાયરાના કાર્યક્રમમાં કવિશ્રી દાદની એક પ્રસિધ્ધ રચના રજૂ કરવા માટે પ્રેક્ષકોમાંથી ફરમાઇશ આવી. પ્રેક્ષકોના ફરમાઇશને લગતા આવા ગણગણાટ વચ્ચે કોઇકે કહ્યું કે, આ રચના તો હમણાંજ બીજા એક જાણીતા કલાકાર ડાયરાના એક કાર્યક્રમમાં રજૂ કરીને ગયા છે. ચકોર લાખાભાઇના ધ્યાન બહાર આ કોમેન્ટ કેવી રીતે જાય ? આ પછી લાખાભાઇએ બાજી સંભાળી. બ્રહ્માનંદ સ્વામીના એક ચારણી શૈલિના છંદથી તેમણે શ્રીગણેશ કર્યાં. લોકોને બ્રહ્માનંદ સ્વામીના શબ્દની તાકાત અને લાખાભાઇના સ્વરની તાકાતનો પરિચય થયો. એકચિત્તે અને શાંતિપૂર્વક લોકો હવે લાખાભાઇ કઇ પ્રસ્તુતિ કરશે તેની ઉત્સુકતામાં બેઠા હતા. હવે લાખાભાઇએ જે શબ્દો કહ્યાં તેમાં ચારણની ચતુરાઇ અને હાજર જવાબીપણાંની પ્રતિતિ થાય છે. લાખાભાઇએ પ્રેક્ષકો સાથે આંખ મીલાવી વિશ્વાસપૂર્વક કહયું :

‘‘ અમારા કવિ દાદની રચના રજૂ કરવાની હમણાંજ ફરમાઇશ થઇ. રચના તો અદ્દભૂત છે. પરંતુ કોઇકે એમ પણ કહ્યું કે આ રચના તો હમણાંજ સાંભળી છે તેથી તેની ફરી પ્રસ્તુતિ શા માટે કરવી ? પરંતુ મિત્રો ! દરેક પ્રસ્તુતિ સમાન નથી હોતી ભલે રચના એકજ હોય. આપણો અનુભવ છે કે ઘઉંના ફાડા એકજ હોય પરંતુ તેમાંથી થૂલી પણ બને અને મનભાવન લાપસી પણ બની શકે અને મિત્રો ! આ લાખો ગઢવી આજે તમને લાપસી પીરસવાનો છે ! ’’ અને પછી તરતજ બુલંદ કંઠે કવિ દાદની અમર તથા અપ્રતિમ રચના ઉપાડી.

ધડ ધીંગાણે જેના માથા

મસાણે, એનો પાળિયો

થઇને પુજાવું, ઘડવૈયા !

મારે ઠાકોરજી નથી થાવું

આજે અનેક વર્ષો પછી સ્મૃતિમાંથી એ વાત ખસતી નથી કે આ રચના પૂરી થયા બાદ જે તાળીઓનો અવિરત ગડગડાટ લાંબા સમય માટે ગૂંજતો રહ્યો તેવો અનુભવ ભાગ્યેજ થયો છે. લાખાભાઇ કલાકારોમાં ‘‘ મુઠ્ઠી ઊંચેરા ’’ હતા. 

ભગતબાપુએ લખ્યું :

‘‘ચારણો સૌ સરસ્વતીને સેવે

ગીત રામાયણ ગાય ’’

પિતાના રામાયણના સંસ્કાર લાખાભાઇને મળ્યા હતા. રામાયણ તથા સૌરાષ્ટ્રની રસધાર અને કાગવાણીની અનેક રચનાઓ આ દેવીપુત્રના ગળે શોભતી હતી. 

હેમુભાઇ બહુ વહેલા ગયા. બચુભાઇ (વઢવાણ) પણ એક અલગ છાપ છોડીને સીધાવ્યા. ઇશ્વરદાનની તથા દાદુભાઇ ખુમદાનની અણધારી અને વહેલી વિદાય સૌને આઘાત આપી ગઇ. ભાઇ હરસુરની મધુર યાદો તેની વિદાય પછી પણ સ્મૃતિમાં લીલીછમ રહી છે. આજે સંસ્કારની આ મોંઘેરી ધરોહરને સાચવી ભીખુદાનભાઇ અજવાળા પાથરે છે. જેની નોંધ ભારત સરકારે લીધી છે. દાન અલગારી કે જીતુદાન ટાપરીયાનો લાભ સાહિત્યપ્રેમીઓને મળતો રહે છે. અનેક નવા ચહેરાઓ લોકસાહિત્યના આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે અને તેમને ભારે સફળતા પણ મળેલી છે. આ યુવાન કલાકારો આપણાં સાહિત્યનું ઉજળું ભવિષ્ય સૂચવે છે. લાખાભાઇની વિદાય એ એક ભાતીગળ વટવૃક્ષ જેવા વ્યક્તિત્વની વિદાય છે. દુષ્કાળ સો વર્ષે પડે તોય આકરો લાગે તેવી આ બાબત છે. પૂ.આઇ શ્રી સોનબાઇમા તથા ભગતબાપુની પ્રસન્નતા લાખાભાઇએ ભરપૂર મેળવી હતી. આવી કૃપા દ્રષ્ટિ એ લાખાભાઇની ખરી મૂડી છે. સાહિત્ય પ્રેમીઓના વિશાળ સમૂહમાં દિલમાં લાખાભાઇનું સ્થાયી સ્મારક રચાયેલું છે. 

મીઠપવાળા માનવી

જગ છોડી જાશે,

કાગા એની કાણ,

ઘરોઘર મંડાશે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑