: પ્રજા વત્સલ રાજવી : રુસ્વા મઝલૂમી :

કોઇ સત્તાધારી વ્યક્તિ સત્તા કેટલા સમય માટે ભોગવે છે તે વાત ઐતિહાસિક વિગતોની જાળવણી કરવા માટે જરૂર ઉપયોગી થાય. પરંતુ શાસનમાં ટૂંકા ગાળા માટે પણ રહેલ શાસકનું સ્થાન તેના કાર્યોથી પ્રજાના હૈયામાં કોતરાઇ જતું હોય છે. ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. આપણે સ્વાધિનતા મેળવી તે પહેલા બ્રિટીશ હકૂમત ઉપરાંત દેશી રજવાડાઓનું પણ એક અલગ અસ્તિત્વ તથા ઓળખ હતી. સૌરાષ્ટ્રમાં તો આ સંખ્યા અન્ય કોઇ પ્રદેશની તુલનામાં વધારે હતી. દેશી રજવાડાઓના રાજવીઓ પૈકી ઘણાં રાજવીઓ પ્રજાનો સ્નેહ અને સ્વૈચ્છિક આદર મેળવી શક્યા ન હતા. પરંતુ કેટલાક રાજવીઓ તેમની પ્રજાવત્સલતાના કારણે લોકસમૂહમાં ખૂબજ માનીતા અને આદરપાત્ર બન્યા હતા. મોટા રજવાડાઓના રાજવીઓમાં તો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલ નરેશ ભગવતસિંહજીનું નામ આ સંદર્ભમાં તરતજ યાદ આવે છે. પરંતુ ખોબા જેવડા નાના ગામ પાજોદ (જૂનાગઢ જિલ્લો) જેવા નાના રાજ્યના રાજવી મોટા ગજાના માનવી હતા તે વાત ઇતિહાસમાં હમેશા જીવંત અને પ્રેરણાદાયક રહેશે. પાજોદના આ ગુલાબી શાયર તથા ઉદાર મનના રાજવી દરબાર સાહેબ શ્રી ઇમામુદૃીનખાન બાબી ઉત્તમ કક્ષાના સર્જક હોવા ઉપરાંત ઉત્તમ ગુણો ધરાવતા શાસક હતા. પાજોદના શાસક તરીકેનો માત્ર બાર વર્ષનો સમયગાળો (૧૯૩૫-૧૯૪૭) આ રાજવીને અનેક યુગોની કીર્તિ અપાવે તેવો ઉજળો છે. વર્ષ ૨૦૧૫ માં આ રાજવી શાયરની જન્મ શતાબ્દી આવી અને ગઇ. રુસવા સાહેબને તેમની જન્મ શતાબ્દી નીમિત્તે સવિશેષ યાદ કરવામાં આવ્યા. પરંતુ તેમની સ્મૃતિ તો અનેક સાહિત્ય રસિકોના દિલમાં ચિરસ્થાયી છે. દરબાર સાહેબની કેટલીયે સ્મૃતિઓ સર્વ શ્રી રજનીકુમાર પંડ્યા તથા બિરેન કોઠારીની કાળજીપૂર્વકની જહેમતને કારણે પુસ્તક સ્વરૂપે સચવાઇ છે તે આનંદની વાત છે. આશાપુરા ઔદ્યોગિક જૂથ મુંબઇની સહાયના કારણે આ દસ્તાવેજીકરણ શક્ય બનેલું છે. 

જે કાળમાં રાજવીને જે વિચાર આવે તે જ કાયદો એવી સ્થિતિ હતી ત્યારે પાજોદ દરબારે પાડેલા જૂદા ચિલા આશ્ચર્ય અને અહોભાવ ઉપજાવે તેવા છે. એક પ્રસંગ નોંધાયો છે. પાજોદ ગ્રામસભા ભરાયેલી હતી. રાજવી તેમાં ઉપસ્થિત હતા. ગામના તમામ લોકો તેમાં હાજર રહી શકતા અને તેમને કોઇ પ્રશ્ન કે રજૂઆત હોય તો નિર્ભયતાપૂર્વક કરી શકતા. આવી એક ગ્રામસભામાં કોઇ નાગરિકે દરબાર સાહેબને રજૂઆત કરી. ગ્રામજને પોતાની વાત ગ્રામસભામાં રજૂ કરતાં દરબાર સાહેબને કહ્યું : ‘‘ આપ ક્યારેક થોડા દિવસો માટે બહારગામ ગયા હો ત્યારે અમારે કોઇ સમસ્યા ઊભી થાય તો તેનો ઝડપી નિકાલ થતો નથી. રાજ્યના અમલદાર સુધી જવું મુશ્કેલ અને મા સાહેબ (બેગમ) તો ઓઝલમાં હોય. અમારે મા સાહેબને મળીને કહેવું શી રીતે ? ’’ ગ્રામજને વિશેષ સ્પષ્ટતા કરતાં જણાવ્યું. રાજવીએ સમસ્યાનો તરતજ ઉકેલ કર્યો. તેમણે જાહેર કર્યું કે ‘‘ રાજ્યનો કોઇપણ નાગરિક હવે મા સાહેબને વિના સંકોચે કે વિના રોકટોકે મળી શકશે. પ્રજા તો અમારા સંતાન સમાન છે. તેમની તે વળી ઓઝલ શી હોય ! ’’ ભલે એક નાના રાજ્યના રાજવીનો આ નિર્ણય હોય. પરંતુ શાસનકર્તા અને લોકસમૂહ વચ્ચે નિરંતર સંવાદ તથા સંપર્કનું આ તત્વ આજે પણ એટલુંજ સાંપ્રત તથા આવશ્કય છે. Good governance નો આ અભિન્ન ભાગ છે. રુસ્વા સાહેબે લખેલી અનેક પંકિતઓમાં તેમનો અનોખો મિજાજ પ્રગટ થતો જોવા મળે છે. 

મોહતાજ ના કશાનો હતો,

કોણ માનશે ? મારોય એક

જમાનો હતો કોણ માનશે?

‘રૂસ્વા’ કે જે શરાબી મનાતો

રહયો જગે, માણસ બહુ

મજાનો હતો, કોણ માનશે ?

જૂનાગઢ જિલ્લાના પાજોદના આ સદાકાળ દરબાર સાહેબનું નામ ઇમામુદૃીનખાન હતું. ગાંધીજી જે વર્ષમાં આફ્રિકાથી પરત આવીને મુંબઇ બંદરે ઉતર્યા તે ૧૯૧૫ના વર્ષમાં ડિસેમ્બર માસની ૧૧મી તારીખે પાજોદ દરબાર સાહેબ શ્રી ઇમામુદૃીનખાનનો જન્મ થયો હતો. પાજોદ દરબાર કવિઓના કવિ અને રાજવીઓના રાજવી હતા. ઉર્દૂ તથા ગુજરાતીમાં યાદગાર ગઝલો ઉપરાંત નવલિકાઓ તેમજ સ્મૃતિચિત્રો તથા ઘટનાઓનું વિપુલ સર્જન કરીને આ રાજવી શાયર કલાપીની જેમ સદાકાળ જીવંત તથા પ્રાસંગિક રહયા છે. આવા ધન્યનામ શાયરોની સ્મૃતિના અડિખમ મહેલો કલાપી કહે છે તેમ આજે પણ ઉન્નત મસ્તકે ઊભા છે. 

કુરંગો જયાં કૂદે ટોળાં

પરિન્દાના ઊડે ટોળાં

કબૂતર ઘૂઘવે છે જયાં

અમારા મહેલ ઊભા ત્યાં.

દેશ આઝાદ થયો ત્યારે બ્રિટીશ હકૂમત હેઠળનો વિસ્તાર તો આપોઆપ ‘યુનિયન ઓફ ઇન્ડિયા’ માં જોડાયો. પરંતુ જે પ્રદેશો સ્થાનિક રાજવીઓની હકૂમત હેઠળ હતા. તેમને વિકલ્પ પસંદ કરવાની તક મળી. કોઇ પણ રાજવી સ્વતંત્ર પણ રહી શકે અને પસંદગી મુજબ હિન્દુસ્તાન કે પાકિસ્તાનમાં જોડાઇ શકે તેવી વ્યવસ્થા હતી. જૂનાગઢના બાબી વંશના નવાબોનું શાસન હતું. જૂનાગઢ જિલ્લાના માણાવદર-બાંટવા અને સરદારગઢ તાલુકાઓ પણ જૂનાગઢના બાબી વંશના નવાબના સગાંઓને મળ્યા હતા. જૂનાગઢના તત્કાલીન શાસક નવાબ મહાબતખાને દીવાન શાહનવાઝ ભુટ્ટોની સલાહ પ્રમાણે પાકિસ્તાન સાથે જોડાવાનું પસંદ કર્યું. શામળદાસ ગાંધી તથા આરઝી હકૂમતે પ્રજાના સંપૂર્ણ સહકારથી નવાબનું આ સ્વપ્ન સિધ્ધ થવા ન દીધું તે એક રોમાંચક ઇતિહાસ છે. પરંતુ જૂનાગઢના આ અંતિમ શાસકના જ પિતરાઇ ખાનસાહેબ શ્રી ઇમામુદૃીનખાનજી (પાજોદ)એ રાજકોટમાં ભારત સરકારના પ્રાદેશિક કમિશ્નરશ્રીને લખી જણાવ્યું કે પાકિસ્તાન સાથે જોડાવાની વાત તેમને મંજૂર ન હતી. આ પ્રજાવત્સલ રાજવીએ જણાવ્યું કે પ્રજાની ઇચ્છા વિરૂધ્ધ પાકિસ્તાન સાથેના જોડાણખત પર સહી કરવાનો તેમને અધિકાર પણ ન હતો ! પાજોદ દરબારની આ પહેલ ભારત સરકારને તે કાળની વ્યૂહરચનામાં સમયસરના તથા ઉપયોગી પુરવાર થયા હતા. શાયરી અને સંવેદનશીલતા જેમને વારસામાં મળ્યા હતા તેવા આ પાજોદના છેલ્લા રાજવી પ્રજા કલ્યાણના રંગે રંગાયેલા હતા. ૧૯૩૫માં પાજોદની ગાદી સંભાળીને તેમણે આ પ્રજાલક્ષી વલણની સૌને ખાતરી કરાવી આપી હતી. સાંપ્રત સમયમાં કદાચ સૌને નવાઇ લાગે તેવા અન્યાયી વેરા પણ કેટલાક રાજવીઓ વસૂલ કરતા હતા. પાજોદમાં પણ રાજવી કુટુમ્બમાં લગ્ન પ્રસંગ હોય તો રાજ્યની દરેક  વ્યક્તિએ રાજ્યને કર ભરવાનો રહેતો હતો. આ વેરાની પ્રથા દરબાર સાહેબે ૧૯૩૫ પછી રદ કરાવી હતી. પ્રજાને ગાડા-બળદ સહિત રાજ્ય તરફથી વેઠ પર બોલાવવામાં આવે તેવી પ્રથા હતી. દરેક માટે આવવુ ફરજિયાત હોવાથી કોઇ આનાકાની માટે તો અવકાશ જ ન હતો. દરબાર સાહેબે આ પ્રથામાં પણ સુધારો કરાવ્યો. આવા અનેક પ્રજાલક્ષી નિર્ણયોને કારણે રુસ્વા લોક હૃદય પર સ્નેહનું શાસન કરતા હતા. આથી જ રાજ્ય ગયું તો પણ પ્રજાનો અખંડ સ્નેહ તેમને મળતો રહ્યો. પાજોદ દરબાર સાહેબ જીવનના અંતિમ શ્વાસ લગી સતત ઔદાર્ય તથા સ્નેહની પ્રતિતિ જગતને કરાવતા રહ્યા. કસોટીઓ તો જીવનમાં અનેક આવી પરંતુ તેઓ જ લખે છે તેમ શાયર ‘રુસ્વા’ હમેંશા ‘ખાલી’ છતા ‘ભરપૂર’ રહી શક્યા. 

રંગ છું હું, રોશની છું, નૂર છું,

માનવીના રૂપમાં મનસૂર છું.

કૈં નથી તોયે જુઓ શું શું નથી

હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,

આમ છું ખાલી છતા ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રુસ્વા’ નથી

ખૂબ છું બદનામ પણ મશહૂર છું.

કવિઓમાં ઉપનામ ધારણ કરવાની એક સામાન્ય પ્રથા હતી. આ પ્રથા આજે પણ પ્રવર્તમાન છે. પાજોદ દરબાર સાહેબે પોતાના ‘રુસ્વા મઝલૂમી’ ઉપમાન માટે ફરી ફરી સાંભળવી ગમે તેવી કથા કહી છે. રુસ્વાને બાંટવામાં યોજવામાં આવેલા એક પ્રસંગમાં એક ફકીરનો ભેટો થયો. ફકીર મઝલૂમશાહ ઓલિયા તરીકે ઓળખાતા હતા. રુસ્વાએ આ મસ્ત ફકીરને પાજોદ આવવાનું નિમંત્રણ આપ્યું. ફકીર યોગાનુયોગ દરબાર સાહેબના ઓચિંતા મહેમાન થયા. દરબાર સાહેબ મિત્રો સાથે પાર્ટી કરતા હતા. પાર્ટીમાં વીસ્કી લેવાનું ચલણ હતું. ફકીર આવ્યા એટલે વીસ્કીના ગ્લાસ આમન્યા ખાતર સંતાડીને દરબાર સાહેબે દિલના ઉમળકાથી ફકીરનો સત્કાર કર્યો. ફકીરને ચા આપવામાં આવી. ચા પીતા પીતા ફકીરે દરબારને કહ્યું તે શબ્દો સ્મૃતિમાંથી ખસે તેવા નથી. અલગારી ફકીર કહે છે: ‘‘ બેટે, તુમ લોગ જો પીતે થે વો પીઓ. જબ અલ્લાહ સે નહિ ડરતે તો ફકીર સે ડરને કી ક્યા જરૂરત ! બંદે સે ડરો નહી, પિતે વખ્ત જબ સાહબ સે ડરો તબ પિના છોડ દેના…! ’’ ફકીરના નામ જેવી જ તેના શબ્દોમાં નિર્દોષતા હતી. મઝલૂમનો અર્થ નિર્દોષ તેવો થાય છે. ફકીરની સ્મૃતિ ચિરંજીવી કરવા અલગારી ફકીરના નામ પરથી રુસ્વા ‘મઝલૂમી’ બન્યા. જેમની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલે છે તે ઘાયલ સાહેબ તથા શાયર રુસ્વાને પરસ્પર અસાધારણ સ્નેહ તથા આદર હતા. ઘાયલ સાહેબ કહેતા કે આ અમૃતલાલ લાલજી ભટ્ટ (ઘાયલ સાહેબનું નામ)ને વિખ્યાત શાયર બનાવનાર તો પાજોદ દરબાર છે. સર્જકોની એકબીજા તરફની આવી લાગણીનું દર્શન પ્રસન્નતા જન્માવે તેવું છે.

વતન તથા વતનના માનવીઓ સાથે અસાધારણ ઘરોબો ધરાવતા આ શાયરે જાહેરમાં કહેલું કે મુત્યુ બાદ તેમની દફનવિધિ  પાજોદના જ કબ્રસ્તાનમાં કરવામાં આવે. દિલ્હીના છેલ્લા મોગલ શહેનશાહ બહાદુરશાહ ‘ઝફર’ ની મહેચ્છાનો પડઘો પાજોદ દરબાર રુસ્વા સાહેબની આ ઝંખનામાં જોવા મળે છે. ‘રુસ્વા મઝલુમી’ તેમના સાહિત્ય સર્જનથી સદાકાળ જીવંત અને ધબકતા રહેવાના છે. તેઓ જીવનમાં સરળતા તથા ઉદારતા માટે મિત્રોમાં પ્રિય હતા. 

મજા કૈ આવી ગઇ છે

આ સાદાઇમાં રુસ્વા’ !

કદી આડંબરોની પાસમાં

જાવું નથી ગમતું.

દેશ આઝાદ થયો અને ભારત સરકાર સાથે તમામ દેશી રાજ્યોનું જોડાણ થાય તે કપરી કામગીરી સરદાર પટેલે હાથ પર લીધી. અનેક રાજવીઓએ સરદાર સાહેબની વાત સ્વીકારી લીધી અને આવનારા સમયને પારખીને નિર્ણય કર્યો. પરંતુ કેટલાક લોકો પોતાની સત્તા અને સંપત્તિ ગુમાવવાની વાત આવતા ઉશ્કેરાઇ ગયા અને ભારત સરકારની યોજનાને નિષ્ફળ બનાવવા પ્રયાસો પણ કર્યાં. કેટલાક રાજવીઓએ તેમને મહત્તમ વળતર મળે તથા વધારેમાં વધારે મિલકત તેઓ ધરાવી શકે તે માટે દબાણ જૂથો ઊભા કરવાના પણ પ્રયાસો કરી જોયા. પાજોદની ઘટના આ બધાથી જૂદી છે તેમજ ઊડીને આંખે વળગે તેવી છે. પાજોદમાં પણ અનેક ખેડૂતો પેઢી દર પેઢીથીજે જમીન ભોગવતા હતા તેનો માલિકી હક્ક દરબાર સાહેબનો હતો. આઝાદી પછી મહેસૂલી તંત્ર કાર્ય કરતું થયું ત્યારે કેટલાક ખેડૂતોના ધ્યાનમાં આ વાત આવી. જેનો માલિકી હક્ક રેવન્યુ રેકોર્ડમાં હોય તે સ્વેચ્છાએ હક્ક જતો કરે તો સરળતાથી જે તે ખેડૂતનું નામ તે મિલકતના માલિક તરીકે દાખલ કરી શકાય. દરબાર સાહેબની આવી સંમતિ મેળવી લેવા તંત્રના અધિકારીઓએ ખેડૂતોને જણાવ્યું. ખેડૂતો પોતાના દરબાર સાહેબ પાસે ગયા. જે મુશ્કેલી હતી તેની વિગતો સમજાવી. દરબાર સાહેબ ત્વરિત ઉકેલના માણસ. કહે : ‘‘ ચિંતા નહિ, ચાલો, હું કલેકટર કચેરીએ આવું. ’’ ઓફિસે આવીને અધિકારીઓને રાજવીએ કહ્યુ. ‘‘ પાજોદની કોઇપણ મિલકત જે ખેડૂતના નામે ચાલતી હોય તે ખેડૂતની ગણવી. તેના પર મારો કોઇ હક્ક લાગુ પડતો નથી. આ માટે મારું જે પ્રકારનું લખાણ જરૂરી હોય તે કહો તો હું લખી આપું. ભવિષ્યમાં પણ કોઇ પ્રશ્ન ઊભો થાય તો મારી આ આજની રજૂઆતને માન્ય ગણવી. ’’ ઇતિહાસમાં નાની મોટી જમીનો માટે જીવસટોસટના જંગ ખેલાયાના અનેક દાખલા છે. પરંતુ આ રુજુ હ્રદયના રાજવી શાયર પોતાના આવા ઉદાર તથા અનોખા વર્તન થકી કાળના અવિરત પ્રવાહમાં પોતાનું નામ અમીટ કરતા ગયા છે. 

આયખાની અદબ સમજ છે ધરમ

સત્યને માપવાનો ગજ છે ધરમ

માનવી પ્રત્ગે માનવીની દોસ્તી

મુખ્ય યાને ફરજ છે ધરમ.

જીવનમાં અનેક પ્રકારની તડકા – છાંયાની પળો આ શાયરને ડગાવી શકી નથી. પોતાના ખમીરની મૂડીના બળે તેમણે અનેક પડકારો ઝીલ્યા છે અને મુસીબતોમાં પણ આ રાજવી શાયર મહોર્યા છે. 

રમે છે ભગ્ન હૈયામાં

અમર આબાદીની આશા

હશે વેરાન પણ કરશું

અમે ગુલઝારની વાતો.

સદા હસતા  જિગરના ઘાવ

ખુદ એનો પુરાવો છે.

અમે તો ફૂલ માની છે

સદા તલવારની વાતો.

આપણી ભાષાના સમર્થ શાયર ઘાયલ સાહેબે રુસ્વા મઝલૂમી માટે લખેલા શબ્દો આ રાજવીની આબેહૂબ છબી ઊભી કરે તેવા બળકટ છે. 

આન ને બાન એટલે રુસ્વા

ઠાઠ અને શાન એટલે રુસ્વા

નથી પાસે જમીન કે જાગીર

છતાં સુલતાન એટલે રુસ્વા

મીર ગાલિબનો દાગ મોમિનનો

એક દીવાન એટલે રુસ્વા.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑