: વાટે…. ઘાટે…. : પત્રકારત્વને દિશા તથા દ્રષ્ટિ આપનાર મનીષી :

‘‘ જેમની સત્તાનો સૂર્ય કદી અસ્ત પામતો નથી ’’ તેવી ઉક્તિ પ્રચલીત હતી તે બ્રિટીશ સત્તાધિશોએ તેમની હકૂમતના ઊંડા તથા મજબૂત પાયા સમગ્ર હિન્દુસ્તાનની ભૂમિમાં ખોડી દીધા હતા. તેમનો વિરોધ કરવાનો કોઇ વિચાર પણ કેમ કરી શકે ? વિરોધ કરનાર મરજીવાઓ માટે આંદામાનની જેલ કે ફાંસીનો ફંદો તૈયાર રાખવામાં આવતો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓ કેટલાક સુખદ અપવાદને બાદ કરતાં બ્રિટીશ હકૂમતના આ ગોરા શાસકો સહેજ પણ નારાજ ન થાય તે રીતે પોતાનું શાસન સંભાળતાં હતાં. પ્રજાનું કલ્યાણ એ બ્રિટીશ અમલદારો કે દેશી રજવાડાઓની અગ્રતા ન હતી. આથી અન્યાયી સાયમન કમીશન સામે ૧૯૧૯ માં દેશના અન્ય સ્થાનો જેમ સૌરાષ્ટ્રના લીંબડી (જિલ્લો : સુરેન્દ્રનગર) નગરમાં નગરજનોની એક યાત્રા કાઢવામાં આવી તે સામાન્ય રીતે દેશી રજવાડામાં બને નહિ તેવી ઘટના હતી. લીંબડીમાં યોજવામાં આવેલી આ રેલીનો હેતુ જાણીતા ક્રાંતિવીર લાલા લજપતરાયને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ આપવાનો હતો. પંજાબના આ અડીખમ આગેવાન (લાલ – બાલ અને પાલ પૈકીના એક) સાયમન કમીશનનો વિરોધ કરવા માટે યોજવામાં આવેલી વિશાળ કૂચની આગેવાની કરતા હતા. આ કૂચના યાત્રિકો પર ગોરા શાસકોની પોલીસે આડેધડ તથા બેરહમી પૂર્વક લાઠીચાર્જ કર્યો. બ્રિટીશ સત્તાધિશોના આ પાશવી બળનું નિદર્શન ભારતીય લોકોના વિરોધને મૂળમાંથીજ દબાવી દેવા માટે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં લાલાજી ગંભીર રીતે ઘવાયા અને માતૃભૂમિને મુક્ત કરવાનું સ્વપ્ન હૈયામાં ધારણ કરીને શહીદ થયા. સમગ્ર દેશમાં વિરોધનો એક સ્વયંભૂ ઝૂવાળ પેદા થયો. લીંબડી નગરમાં યોજવામાં આવેલી આ શોકયાત્રાનો હેતુ લાલાજીની શહાદતને વંદન કરવાનો તથા તેમને ભાવાંજલી આપવાનો હતો. શોકયાત્રામાં હાજર રહેવું એટલે સત્તાધિશોને નારાજ કરવા એ બાબત સૌ સમજતા હતા. આથી સ્વાભાવિક રીતેજ ઘણાં લોકો આ બાબતથી અળગા રહેલા હતા. પરંતુ આ શોકયાત્રામાં એક વ્યક્તિની હાજરી સૌ કોઇનું ધ્યાન ખેંચે તેવી હતી. લીંબડીના ન્યાયધીશ હોવા છતાં સફેદ સાફો ધારણ કરીને અમૃતલાલ શેઠ આ યાત્રાનું નેતૃત્વ સંભાળતા હતા. આ બાબતનો અર્થ સ્પષ્ટ હતો. આ દેશપ્રેમી ન્યાયધીશ રાજ્યની નોકરીમાં રહીને મુંગા મોઢે અન્યાય સહન કરવા તૈયાર ન હતા. ‘શૂર સંગ્રામકો દેખ ભાગે નહિ’ એ ઉક્તિ પ્રમાણે તેઓએ સુવિધાપૂર્ણ જિંદગી સ્વેચ્છાએ છોડીને માભોમની મુક્તિ માટે તથા દૂભ્યા – દબાયેલાની વાચા બનવા માટે અડગ નિર્ધાર કર્યો હતો. સંઘર્ષનો આ માર્ગ આકરો હતો. જે પ્રદેશમાં તેઓ પ્રવેશ કરવાના હતા તે પ્રદેશ પણ અજાણ્યો હતો. પરંતુ શેઠ સાહેબનો નિર્ણય અડગ અને અફર હતો. અંગ્રેજોના શાસન તથા કેટલાક દેશી રજવાડાઓના અન્યાયી તથા આપખૂદ શાસનથી પ્રજા ત્રસ્ત બની હતી. પ્રજાની આ મુંગી વેદનાને વાચા આપવાનો નિડર તથા બુલંદ સિંહનાદ અમૃતલાલ શેઠે કર્યો હતો. આથી અમદાવાદ જિલ્લાની સરહદે આવેલા રાણપુર ગામમાં ધૂણી ધખાવીને અખબાર શરૂ કરવાનું અમૃતલાલ શેઠે નક્કી કર્યું. ‘‘સૌરાષ્ટ્ર’’ અખબારનો ઐતિહાસિક પ્રારંભ થયો. પત્રકારત્વના ક્ષેત્રમાં એક ઉજ્વળ તથા ભાતીગળ ઘટનાના આ રીતે મંડાણ થયા. શેઠ સાહેબની આ વિરલ યાત્રામાં ક્રમશ: ફૂલછાબનો જન્મ થયો તથા જન્મભૂમિ જૂથ જેવી પ્રતિષ્ઠિત તેમજ ધ્યેયલક્ષી સંસ્થાનું નિર્માણ થયું. ‘‘સૌરાષ્ટ્ર’’ પત્રનું પ્રકાશન એ સમગ્ર ગુજરાતની મુક્તિ સંગ્રામની તવારીખનું એક શાનદાર પ્રકરણ છે. મહાત્મા ગાંધીના જન્મ દિવસે બીજી ઓકટોબર – ૧૯૨૧ના દિવસે ‘‘સૌરાષ્ટ્ર’’ પત્રનો પ્રારંભ થયો. પહેલા અંકના તંત્રીલેખના અમૃતલાલ શેઠે લખેલા શબ્દો આ મહાકાર્યની ગરિમા પ્રગટ કરે તેવા છે. 

‘‘ દિલમાં ઉમેદ રાખવી મનુષ્યની સેવા કરવાની… એ મનુષ્ય ભલે ગમે તે હોય… રાજા હોય કે રંક, સ્વધર્મી હોય કે પરધર્મી… તે સર્વની ભેદબુધ્ધિ સિવાય સેવા કરવી. મોટાથી દબાયા સિવાય કે નાનાને દૂભવ્યા સિવાય લોકકલ્યાણની પ્રવૃત્તિ આદરવી. ’’ 

‘‘ અમારુ આ પત્ર જ્યાં જુલ્મો થતાં જોશે, જ્યાં અન્યાય થતો દેખાશે ત્યાં પોતાનું સઘળું બળ તેની સામે વાપરશે. તીવ્રતાપૂર્વક અવાજ  ઉઠાવશે. ’’ 

આવી અહાલેક જગવનાર અમૃતલાલ શેઠના પત્રકારત્વને બચુભાઇ રાવતે ‘‘ ઊંઘતા દેશની જાગૃતિ ’’ માટેના એક સફળ સાધન તરીકે ગણાવ્યું. મહાત્મા ગાંધીએ અમૃતલાલ શેઠ તથા સૌરાષ્ટ્ર પત્રની અંતરનાદનેજ અનુસરવાની પધ્ધતિને ધન્ય કહીને ઉમેર્યું :

‘‘ આવી શુધ્ધ, પૂર્ણ શાંત સ્વતંત્રતા ‘‘સૌરાષ્ટ્ર’’ સહુને શીખવો એમ હું ઇચ્છું છું. ’’ પડકારોને પડકારનારા શેઠ સાહેબ આફતથી ડરે તેમ ન હતા. 

નથી જાણ્યું અમારે પંથ

શી આફત ખડી છે

ખબર છે એટલી કે

માતની હાકલ પડી છે

જીવે મા માવડી એ

કાજ મરવાની ઘડી છે

ફીકર શી જયાં લગી

તારી અમો પર આંખડી છે.

મેઘાણીભાઇના આ અમર શબ્દો ‘‘સૌરાષ્ટ્ર’’ અખબારના નમ્ર છતાં મક્કમ ધ્યેયમંત્ર સમાન બની રહયાં. નર્મદ, હાજી મહમ્મદ અલારખિયા શિવજી, શામળદાસ ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા કે છગન ખેરાજ વર્મા જેવા સમર્પિત પત્રકારોની હરોળમાં અમૃતલાલ શેઠ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્ર પત્ર શરૂ થયું તેના બીજાજ વર્ષે ઝવેરચંદ મેઘાણી ૧૯૨૨ માં સૌરાષ્ટ્રમાં જોડાયા અને સૌરાષ્ટ્રની સુદીર્ધ તથા સુવિખ્યાત યાત્રામાં એક નૂતન પ્રાણના સંચાર થયા. 

અમૃતલાલ શેઠનો જન્મ ૨૫ મી ઓગસ્ટ-૧૮૯૧ના દિવસે લીંબડીમાં થયો. આ માસમાંજ જન્મ ધારણ કરનાર મેઘાણીભાઇ તથા શેઠ સાહેબની સ્મૃતિની મીઠી સુગંધ શ્રાવણ માસની ભીની માટીમાંથી નિરંતર વહેતી રહેલી છે. છ દાયકા પહેલાં શેઠ સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી પરંતુ પત્રકારત્વના ક્ષેત્રે તેમણે ચઢાવેલો સુવર્ણ કળશ આજે પણ ઝળહળી રહેલો છે. 

સત્યના માર્ગે ચાલીને લોકમીજાજનો ભાવ-જુવાળ પ્રગટાવીને શેઠસાહેબે પત્રકારત્વના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. ૨૦૧૫-૧૬નું વર્ષ અમૃતલાલ શેઠની સવાસોમી જન્મજયંતિનું યાદગાર વર્ષ છે. કલમના આ કર્મનિષ્ઠ સીપાહીને સ્મરણ કરીને તેમની સ્મૃતિને વંદન કરવાનો અવસર છે. આજના પત્રકારત્વને અમૃતલાલ શેઠની કથા માર્ગદર્શક બની શકે તેવી છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑