ચારણી સાહિત્ય એ પ્રકૃતિ તથા પરમેશ્વરની આરાધના કરતું શાસ્ત્ર છે. આ સાહિત્યના મેઘધનુષી રંગોમાં વીરતાના પ્રસંગોનું પણ અનેરું મહત્વ છે. શૂરવીરો અને દાતારોને ચારણ કવિઓએ આરાધ્યા છે અને જીવતા જાગતા રાખ્યા છે. અન્ય સૌ કદાચ આ લોકોને વિસરી ગયા હોય તો પણ ચારણી સાહિત્યના કાળજયી પ્રવાહે સંતો અને શૂરોને ફરી ફરી જગત સાહિત્યના કેન્દ્રસ્થાને મૂક્યા છે. પ્રાચીન દૂહો છે.
માત, પિતા, સુત, મેહળા, બાંધવ બીસારેહ,
શૂર દતાં સતિયાં ચરિત, ચારણ ચીતા રેહ.
સાહિત્યની આ ઉજળી પરંપરાના એક સમર્થ વાહક હરદાસજી મિસણ ગણાયા છે. હરદાસજી પરમ શિવભક્ત હતા. આ શિવભક્ત સર્જકના સાહિત્યમાં શિવત્વના પાવનકારી દર્શન થાય છે. હરદાસજી મિસણે ‘જાલંધર પુરાણ’ ની રચના કરીને સાહિત્ય સર્જનમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરેલું છે. તમામ રસોનું અદ્દભૂત મિશ્રણ એ હરદાસજીની રચનાઓ અમૂલ્ય લક્ષણ છે. દીર્ઘકથામૂલક કૃતિમાં સાહિત્ય અને શૈલિના બળકટ સંયોજનથી ભાવકનો રસ સતત જળવાતો રહે છે. આ નિર્લેપ દેવીપુત્રના જીવનમાં પણ જગતે ઉચ્ચ માનવીય મૂલ્યોનું દર્શન કરેલું છે. ‘જાલંધર પુરાણ’ એ મધ્યકાલિન ચારણી સાહિત્ય પરંપરાનું એક ઉજળું રત્ન છે. ચારણી સાહિત્યની ‘જાલંધર પુરાણ’ જેવી સુવિખ્યાત રચનાઓનું સુયોગ્ય ભાષાંતર દેશની અન્ય ભાષાઓમાં પણ થાય તો આ મહામૂલા સાહિત્યની સુગંધ અનેક ભાવકો સુધી વિસ્તરી શકે.
Leave a comment