ગઢડામાં પરમ ભક્ત દાદા ખાચરના દરબારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સહજાનંદ સ્વામી પોતાના બે તેજસ્વી શિષ્યો સાથે નિજાનંદથી બેઠા હતા. આ બે પ્રતાપી શિષ્યો સ્વામી મુક્તાનંદ તથા સ્વામી બ્રહ્માનંદ હતાં. જગતના કલ્યાણ માટે તથા આત્મ ઉન્નતિ માટે તેઓ સહજાનંદ સ્વામી સાથે વાર્તાલાપ કરતા હતા. મહારાજે તે સમયે જે વાત કરી તે સુપ્રસિધ્ધ વચનામૃતનો ભાગ છે. ઉપરાંત આપણાં શાસ્ત્રોએ કહેલી વાતનું તેમાં દ્રઢિકરણ થયેલું જોવા મળે છે. મહારાજે કહ્યું કે જેની આત્મ નિષ્ઠા દ્રઢ થાય છે તેની ધીરજ કદી ડગતી નથી. ભગવાનમાં કે જે પરમ તત્વમાં માનવીને શ્રધ્ધા હોય તો તેનાથી કલ્યાણ તરફની ગતિ થાય છે. સિધ્ધિ એ તો પરિપકવ નિશ્વય કે શ્રધ્ધાનું જ સાહજિક ફળ છે. આપણાં સમર્થ સંતો-ભગવંતોમાં પ્રતાપી તથા આજે પણ જેમના વચનનો પ્રભાવ વિશાળ જનસમુદાય ઉપર છે તેવા સહજાનંદ સ્વામીનો સમાવેશ થાય છે. સહજાનંદ સ્વામી સહીતના આપણાં સંતોએ ઈશ્વર તરફની એકનિષ્ઠ શ્રધ્ધાની વાત કરી છે. આ શ્રધ્ધાના બળે તથા તેની યથાર્થ પૂર્તિ માટે તેઓએ માનવસેવાનું મૂલ્ય પણ એટલુંજ આંકેલું છે. આથી ગુજરાતમાં તેમજ દેશમાં ચાલતી અનેક શૈક્ષણિક સંસ્થાઓ તથા આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે તથા વિકસી છે. મનુષ્યથી શ્રેષ્ઠ કોઇ નથી તેવા ઉમદા વિચારથી આવી સંસ્થાઓ મનુષ્ય માત્રની અવિરત સેવામાં રોકાયેલી છે. સેવાની સાથેજ પોતાનું કાર્ય સાધવાની નિડરતાના ગુણો પણ આવી સંસ્થાઓના અનેક સેવાભાવી લોકોમાં જોવા મળે છે. સહજાનંદ સ્વામીના જીવનોપદેશમાં પણ ભક્તિ તથા સ્નેહ સાથેજ વીરત્વના દર્શન થયા કરે છે. સહજાનંદ સ્વામીની ભક્તિ તથા વીરતા અને ખમીર જેમના લોહીમાં વણાયેલા છે તેવા બ્રહ્માનંદ સ્વામીના પદોમાં આથી જ વીરતાપૂર્ણ ભક્તિનું પવિત્ર દર્શન થાય છે. અહીં નટવરને ભજવાની ભાવના તો છે જ પરંતું તે માટે મોંઘામાં મોઘું બલિદાન સ્વેચ્છાએ તથા આનંદપૂર્વક આપવાની ખુમારી પણ છે.
રે શિર સાટે નટવરને વરીએ,
રે પાછું તે પગલું નવ ભરીએ …..
રે અંતર દ્રષ્ટિ કરી ખોલ્યું,
રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું,
એ હરિ સારૂં માથું ધોળ્યું.
રે સમજયા વિના નવ નીસરીએ,
રે રણમધ્યે જઇને નવ ડરીએ
ત્યાં મુખ પાણી રાખી મરીએ…
રે પહેલું જ મનમાં ત્રેવડીએ,
રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ
જો ચડીએ તો કટકા થઇ પડીએ ….
રે રંગ સહિત હરિને રટીએ
રે હાક વાગે પાછા નવ હઠીએ
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ….
રે શિર સાટે નટવરને વરીએ.
બ્રહ્માનંદ સ્વામિની રચનાઓ કાળના કપરા પ્રવાહમાં ઝાંખી પાંખી થાય તેવી નથી. બ્રહ્માનંદ સ્વામીની ઉપરની રચનામાં મીરાં, નરસિંહ તથા ગંગાસતીના કાવ્યોમાં પ્રગટ થયેલી ધીરતાપૂર્ણ તેમજ વીરતાપૂર્ણ ભક્તિનું જ પ્રતિદર્શન થાય છે. જીવનમાં શ્રેષ્ઠ વસ્તુ મેળવવા માટે બલિદાન પણ મોંધુ જ હોય. ૧૯૩૦ માં સાબરમતીની સાક્ષીએ ચપટી મીઠું ઉપાડવાનો નિર્ણય કરીને વિશ્વની તે સમયની સમર્થ સત્તાને મુઠ્ઠી હાડકાના એક માનવીએ પડકારવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય પણ શિર સાટેનો જ હતોને ! નિશ્ચયની પૂર્તિ માટે ‘‘કાગડા-કૂતરાના મોતે’’ મરવાની પૂર્ણ તૈયારી પણ સાથે જ હતી. ભગતસિંહ તથા બટુકેશ્વર દત્ત નામના વિચારશીલ તથા સુશિક્ષિત યુવાનોએ નેશનલ એસેમ્બલીમાં બોમ્બનો વિસ્ફોટ કર્યો. (૧૯ર૯) નાસી છૂટવાનો વિકલ્પ હોવા છતાં હિમાલયની દ્રઢતા ધારણ કરીને ત્યાં જ ઉભા રહ્યાં. કારણ માત્ર એટલું જ કે ગમે તે ભોગે માતૃભૂમિની મુક્તિ પ્રાપ્ત કરવાનું મોંધુ અને ઉજળું લક્ષ હતું. શિર જાયે તો જાયે, આઝાદી ઘર આયે. આથી જ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ડગલું ભરતા પહેલાં વિચાર કરીને જ ડગ માંડવું. પરંતુ એક વખત આગળ વધ્યા પછી રણમધ્યેથી પાછા ફરવાની વાત મનમાં કદી આવવી જોઇએ નહીં. ભક્તિ અને વીરતા તો એક જ સીક્કાની બે બાજુ છે. શાસ્ત્રોએ સમજાવેલી વાત હોય કે સ્વામી શ્રી સહજાનંદે પ્રબોધેલી શિખ હોય. આ બન્ને વાતને લોકસમૂહ સુધી પહોંચાડવાની અને તેના માધ્યમથી સમાજમાં ખમીર પ્રગટાવવાની બ્રહ્માનંદ સ્વામીની અજોડ સર્જન શક્તિ આપણાં સાહિત્યનો એક ઉજળો તથા મૂલ્યવાન હિસ્સો છે. સાશ્વત સત્યોને આવી ખળખળ વહેતાં ઝરણાં જેવી સહજતા-સરળતાથી રજૂ કરવાની બ્રહ્માનંદ સ્વામીની શક્તિને કારણે જ તેમના પદો ચિરંજીવીતાને પામ્યા છે. માત્ર સંપ્રદાયના વર્તુળમાં નહીં પરંતુ જગતના ચોકમાં કોઇપણ કાળે ટકી રહે તેવા સર્જન બ્રહ્માનંદ સ્વામીના છે.
હરિના માર્ગે ચાલવાનો નિર્ધાર કરનાર આપણાં આ ભક્ત કવિઓ-સંતોએ શૂરવીરતાનો માર્ગ જ અપનાવ્યો છે. એ જ માર્ગ તોરલે જેસલને પ્રબોધેલો. આ માર્ગનું દર્શન પાનબાઇને ગંગાસતીએ કરાવેલું. પ્રીતમ પણ આ માર્ગે જ ચાલ્યા છે અને સૌનું ધ્યાન શબ્દોના સાથિયા પૂરીને તે તરફ દોરલું છે.
હરિનો મારગ છે શૂરાનો,
નહિ કાયરનું કામ જોને.
પરથમ પહેલું મસ્તક મૂકી,
વળતી લેવું નામ જોને.
માથા સાટે મોંધી વસ્તુ,
સાંપડવી નહિ સહેલ જોને.
મહાપદ પામ્યા તે મરજીવા,
મૂકી મનનો મેલ જોને.
બ્રહ્માનંદ સ્વામીના તેજસ્વી શિષ્ય દેવાનંદ સ્વામી પાસેથી જ ગુજરાતી સાહિત્યના ઘેઘૂર વડલા સમાન કવિશ્વર દલપતરામ કાવ્ય તત્વની દિક્ષા પામ્યા હતાં. આ સંતોના શબ્દો તેમના ઉજળા જીવનમાં તેમજ ઉત્તમ કરણીમાંથી સહજ રીતે પ્રગટ્યા હતા. તેમનો હેતુ ફકત કીરતારને રીઝવવાનો જ હતો. આથી જ તેમની મસ્તીનો તોર અસ્ખલિત રીતે તેમની વાણીમાં વહેતો રહેલો હતો.
સતિ, શૂર અરૂ સંત, તીનુકા એક તાર,
જરે, મરે, સુખ પરહરે, તબ રીઝે કીરતાર
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment