એક પરીચિત અને સુશિક્ષિત યુવાનને તેના મોંઘા અને આધુનિક મોટરબાઇક સાથે બેઠેલો જોયો. એક જાણીતી આઇટી કંપનીમાં તે સારા પગારથી કામ કરે છે. ઓફિસ જવાના સમયે અને શેરીના અંદરના ભાગમાં તેને બેઠેલો જોયો તેથી નવાઇ લાગી. તેના મોં પર ગુસ્સા મિશ્રીત કંટાળાનો ભાવ જોતાં થોડું વિશેષ કુતૂહુલ થયું. નજીક જઇને પૂછ્યું : ‘‘ કેમ ઓફિસે નથી જવું ? તબિયત તો બરાબર છે ને ? ’’ યુવાનનો જવાબ આશ્ચર્ય તથા આઘાત પમાડે તેવો હતો. તેણે કહ્યું : ‘‘ ઓફિસે પહોંચવાનું મોડું થાય છે એજ તો મોકાણ છે. ઓફિસે જતાં જે ચાર રસ્તા અનિવાર્ય રીતે ઓળંગવા પડે તેમ છે ત્યાં ટ્રાફિક પોલીસના માણસો ખોટી હેરાનગતિ કરે છે. ’’ જવાબ સાંભળીને નવાઇ લાગી. સમજાયું પણ નહિ એટલે યુવાનેજ સ્પષ્ટતા કરી : ‘‘ હેલ્મેટ ન પહેર્યું હોય તેને ઊભા રાખે છે અને દંડ કરે છે ’’ આ એક બનેલી ઘટના છે. પરંતુ આ પ્રસંગ એકલદોકલ નથી. કોઇપણ કાયદો જે કદાચ આપણાં હિતમાં હોય તો પણ તેનું પાલન કરવાની વૃત્તિ સામાન્યરીતે આપણે કેળવી નથી. કાયદાનું પાલન કરવું તે સભ્ય સમાજના દરેક નાગરિકની પ્રથમ ફરજ છે તે વાત જાણે કે આપણે વિસારી હોય તેમ લાગ્યા કરે છે. કાયદાનો કે નિયમનો ભંગ કરવામાં કેટલીકવાર એક છૂપો આનંદ થાય છે. સમાજના સુચારુ સંચાલન માટે એક નિયમોનું માળખું બનાવવામાં આવે છે. સમાજમાં રહેતા નાગરિકો માટે આ નિયમોનું પાલન કરવું તે નાગરિક ધર્મ છે. બંધારણીય હક્કો મેળવવા માટે આપણે જાગૃત હોઇએ તે સારી વાત છે. પરંતુ નાગરિક સમાજ જો પોતાની ફરજોના નાગરિક ધર્મનું પાલન કરે તોજ બાકીના નાગરિકોને તેમના હક્ક ભોગવવા મળે એ સીધી સાદી વાત છે. મારું વાહન જો હું રસ્તાની વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ પાર્ક કરું તો ટ્રાફિકમાંથી સરળ અને ઝડપી રીતે પસાર થવાનો અન્ય નાગરિકોનો હક્ક તરતજ નંદવાય છે. કાયદો કે નિયમ અન્યાયકર્તા કે અવ્યવહારુ હોય તો તેનો પ્રતિકાર કરવાનો લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણો હક્ક છે. પરંતુ જ્યાં સુધી કોઇ કાયદો અસ્તિત્વમાં છે ત્યાં સુધી તો તેનું પાલન કરવું તે આપણો નાગરિક ધર્મ છે. આ વાત સદીઓ પહેલા સોક્રેટીસે એથેન્સના અને સમગ્ર વિશ્વના નાગરિકોને પોતાના જીવનનું બલિદાન આપીને શીખવી. મહાત્મા ગાંધીએ જીવનના ડગલે ને પગલે નાગરિક ધર્મ – સમાજ ધર્મ નિરંતર અને ક્યારેક તો કપરા સંજોગોમાં પણ એકનિષ્ઠાથી નીભાવ્યો. લોક સમૂહને અસરકારક સંદેશ આપવાની આ બાપુની નિરાળી પદ્ધતિ હતી. આપણે કેમ તેનાથી વિમુખ થતાં જઇએ છીએ ? દેશ આઝાદ થયો છે તેની ઉજવણીના શુભ પ્રસંગે આવાત સમાજ વિચારતો થાય તે આજની જરૂરિયાત લાગે છે. જે નાગરિક ધર્મનું મહત્વ સમજતા હોય તેમણે શરૂઆત તો પોતાની જાતથીજ કરવી પડશે. ઉપદેશો – ભાષણોની અસર ન થાય એવું બને પરંતુ કેટલીક વ્યક્તિઓ દ્વારા આ બાબતમાં સાચી દિશાનું આચરણ બીજા માટે માર્ગદર્શક તથા પ્રોત્સાહક બની રહેશે. શહેર કે નગરની વચ્ચે આવેલું રેલ્વેનું ફાટક ટ્રેઇન પસાર થાય ત્યારે રાહદારીઓની સલામતી માટે બંધ રાખવું જરૂરી બને છે. આ સ્થિતિમાં પણ ક્યારેક એવા દ્રષ્યો જોવા મળે છે કે નાના વાહનચાલકો ફાટકને થોડું ઊંચુ કરી અને જાત તથા વાહનને નમાવીને ફાટક ખુલે તે પહેલા નીકળી જવાના પ્રયાસ કરે છે. નિયમને તેના પાલન દ્વારા સહેજ પણ નમન નહિ કરનાર શૂરવીરો આવા સમયે ખાસ્સુ નમીને નીકળી જવા માટે અંગ કસરતના જાહેર પ્રયોગ કરે છે ! ક્યારેક અકસ્માત સર્જાય ત્યારે આપણે એક સમાજ તરીકે ઊંડી ખીન્નતા પણ અનુભવીએ છીએ. પરંતુ તેને રોકવાનો કોઇ ઉપાય વિચારતા નથી. આ એક જાણીતી બાબત છે. માત્ર ટીકાત્મક વલણ પ્રગટ કરવાથી સાચી દિશાનું અને સ્થાયી કાર્ય નહિ થાય. કારણ કે ટીકા કરનારાઓ પણ મહદ્દ અંશે કોઇને કોઇ પ્રસંગે પોતાનો નાગરિક ધર્મ ચૂકી ગયા હોય છે. કાયદો કે અસરકારક વહીવટીતંત્ર ફેર જરૂર પાડી શકે પરંતુ તે બાબતમાં પણ ઘણીવાર સમય જતાં બન્ને પક્ષે (નાગરિકો તથા સત્તાવાળાઓ) અલગ અલગ કારણોસર શિથીલતા આવતી જોવા મળે છે. તંત્રના વ્યાપની પણ એક મર્યાદા છે. આથી યોગ્ય કાનૂન અને તેના અમલ પર જાગૃત નજર રાખનાર તંત્ર ઉપરાંત સમાજે પણ કંઇક કરવું પડશે. આવા સમયે નાનાભાઇ ભટ્ટ તથા દર્શક જેવા કેળવણીકારો યાદ આવ્યા સિવાય રહેતા નથી. તેમણે જે શિક્ષણની વાત કરી તે ખરા અર્થમાં કેળવણી હતી. ‘ કેળવે તે કેળવણી ’ ના સૂત્રને તેઓ જીવી ગયા અને અનેક કિશોર – તરુણોને ખરા અર્થમાં કેળવ્યા. દર્શક નાનાભાઇની શિક્ષણ પ્રથાના સાંપ્રતકાળમાં પણ ઉપયોગી થાય તેવા તત્વોનો સમાવેશ આપણી શિક્ષણ વ્યવસ્થામાં કરવા અંગે પણ વિચારી શકાય. બાળકો તથા કિશોરોમાં નાગરિક ધર્મ રોપવામાં આવે તોજ ભવિષ્યમાં નાગરિક ધર્મ તરફ સભાન હોય તેવા જવાબદાર નાગરિકોનું નિર્માણ થઇ શકે. વ્યક્તિગત રીતે પણ દરેક નાગરિકે પોતાની ફરજ કે નાગરિક ધર્મ વિશે સજાગ થવું પડશે અને સક્રિય રહેવું પડશે. ઉપદેશો – લેખો કે ભાષણોથી જે કામનો વ્યાપ નહિ થાય તે કામનો પ્રસાર વ્યક્તિગત આચરણથી સરળ તથા અસાધારણ ઝડપી બની શકશે.
‘‘અન્ય લોકો નાગરિક ધર્મ ન બજાવે તો આપણે કેમ બજાવીએ ?’’ એ વૃત્તિને પ્રયત્નપૂર્વક દૂર રાખવા જેવી છે. કોઇ નહિ કરે તો કરશે કોણ ? કવિ ઉશનસના શબ્દો યાદ આવે છે.
કોક જણે તો કરવું પડશે ભાઇ !
એક જણે તો કરવું પડશે ભાઇ !
કશુંયે ના કરવાની કેવી આ તામસ હરીફાઇ !
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment