: સંસ્કૃતિ : : આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે : : ઝીણા ઝરમર વરસે મેહ :

દન ગણંતા જેઠે ગયો

કાળી ઘટા ઘન કાઢ

એણી પેરે કાના આવજો !

આયો માસ અષાઢ.

આપણો નાળ સંબંધ – આપણો સહજ સંબંધ પ્રકૃતિ સાથે અભિન્ન રીતે બંધાયો છે. અષાઢી બીજનો દિવસ કોરો જાય અને વરસાદ રાહ જોવરાવે ત્યારે તમામ લોકોને મનમાં કંઇક ખટક્યા કરે છે. જીવનમાં કંઇક ખૂટતું હોય, કશુંક ઓછું હોય તેવો ભાવ થયા કરે છે. વરસાદ સાથે ગ્રામ જીવન – કૃષિ જીવનને તો આર્થિક પરિબળોને કારણે પણ એક જોડાણ હોય છે. વરસાદ આવે તો જ કૃષિકારને ખેતીની આબાદીનો અનુભવ થાય. પરંતુ આજે તો દેશની કૂલ વસતીનો ઘણો મોટો ભાગ શહેરો કે નાના નગરોમાં વસે છે. શહેરીકરણની અવિરત ચાલતી પ્રક્રિયાના કારણે ગામડાઓમાંથી નગરોમાં વસવાટ કરવા માટે જનાર લોકોની વણઝાર મંદ પડતી નથી. આથી ખેતીના વ્યવસાય સાથે કે પશુપાલનના વ્યવસાય સાથે કોઇ સીધો સંબંધ ન ધરાવતા હોય તેવા લોકોને વરસાદની પરવા નથી તેમ માની શકાય તેવું નથી. શહેરીજનો પણ અનેક કારણોસર વરસાદની કાગડોળેજ રાહ જોતા હોય છે. આ બાબત એ વાતનું આશ્વાસન આપે છે કે પ્રકૃતિ સાથેનો આપણો નાતો કોઇ મર્યાદિત ગણતરી પર આધારીત નથી. પૃથ્વી તથા પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ ક્ષીણ થયો હોય તેમ કહેવું તે પૂર્ણ સત્ય નથી. વરસાદ થાય કે તરતજ વરસાદી મોજ લેવા આપણાં તમામ લોકો નીકળી પડે છે તે દ્રશ્ય જોવું આહલાદક હોય છે. ઋતુઓ સાથેનો આ સંબંધ જે કવિ કુલગુરુ કાળિદાસે ગાયો હતો તે આજે પણ અતીતની ધૂણી જેમ ધખી રહેલો છે, જીવંત છે. વરસાદની જેમ કુદરતી જળાશયો માટે પણ નગરજનોના મનમાં એક ખેંચાણ રહે છે. ભૂજ (કચ્છ) માં હમીસર તળાવ છલકાય (ઓગને) ત્યારે નગરજનોના ચહેરા પણ એક વિશેષ પ્રસન્નતાનો ભાવ આજે પણ નીરખી શકાય છે. પ્રકૃતિના આવા બદલાતાં સ્વરૂપને કળાત્મક રીતે વ્યક્ત કરતાં ઋતુગાનનો એક અનોખો મહિમા આપણાં સમાજ જીવન સાથે સૈકાઓથી જોડાયેલો રહ્યો છે. આપણાં ગુજરાતી ફીલ્મના નિર્માતાઓએ આવા ગીતો – પ્રસંગોને કેન્દ્રમાં રાખીને બોક્સ ઓફિસ હીટ ફિલ્મો બનાવી છે. પ્રકૃતિમાં પરિવર્તન થાય તેની નોંધ ગ્રામજનો લેતા હોય છે અને તેમના અંતરની લાગણી લોકજીભે ચડેલા ગીતોથી વહેતી થાય છે.

વા વાયા ને વાદળ ઉમટ્યાં –

ગોકુળમાં ટહુક્યા મોર….

મળવા આવો સુંદરવર શામળિયા-

તમે મળવા તે નાવો શા માટે

નહિ આવો તો નંદજીની આણ-

મળવા આવો સુંદરવર શામળિયા.

      પ્રકૃતિમાં પહેલા વરસાદની સુગંધ પ્રસરે અને તરતજ લોકસમુહને આ નર્તન સાથે જોડાયેલા નંદલાલનું સ્મરણ થાય છે. આમ જૂઓ તો જીવનનો ઉલ્લાસ આવા લોકજીભે ચડેલા ગીતોમાં ઊભરાતો જોઇ શકાય છે. આ ગીતોની સરળતા એજ કદાચ તેની ભવ્યતા છે. વૃંદગાનની આવી સરળતા અને પ્રસંગને અનુરૂપ ભાવ ઉત્કટતાને કારણે તેઓ ચિરંજીવી થયા છે. ગવાતા રહ્યા છે. હમેશા ઝીલાતા રહ્યા છે અને કદાચ બદલાતા સમયમાં પણ તેમનો ઠસ્સો ભવિષ્યમાં અકબંધ રહેશે. આ ગીતો માનવ સંબંધોને જોડનારા રહ્યા છે. આથીજ કાકાસાહેબ જેવા વિદ્વાન લોકગીતને ‘સાહિત્યનું મૂળ ધન’ કહે છે. ગીતો થકીજ આપણાં લોકનૃત્યો અસ્તિત્વમાં આવ્યા છે અને ટકી શક્યા છે. લોકગીતોની રચના કોણે કરી હશે તેનો કોઇ ઉત્તર મળી શકતો નથી. લોકગીતોના ઉદ્દગમનો સ્ત્રોત ‘જ્ઞાત છતાં અજ્ઞાત’ તેવું શ્રી જયમલ્લ પરમારે નોંધેલું છે. મેઘાણીભાઇએ એક પીઢ સંશોધક તરીકે લખેલા શબ્દો ફરી ફરી સાંભળવા ગમે તેવા છે. :

      ‘‘ જગતના ઉત્તમ ગણાતા કાવ્યની આછી ઘેરી રેખાઓ ધારણ કરતી આ કંઠસ્થ કૃતિઓ ઉપર કયા અથવા તો એકસામટા કેટલા સર્જકોનો હાથ ફર્યો હશે તેની ગમ આપણને પડતી નથી. ’’

મેઘો ચડિયો રે કાળી

કાંઠીનો મેઘ, આજનો

ચઢાઉ મેઘ વરસિયો.

પહેલો વરસ્યો મારા

દાદાને દેશ,પછી

વરસ્યો બધાયે દેશમાં.

      કાળી કાંઠીનો મેઘ વરસ્યો છે તેનો અપૂર્વ આનંદ દૂર સુદૂર બેઠેલી દીકરીને થાય છે. પરંતુ મેઘ પહેલા તો મારા દાદાના દેશમાં વરસ્યો છે તેમ કહીને ક્યારના છૂટી ગયેલા પિતૃગ્રહ સાથેનું દીકરીનું સ્નેહ જોડાણ મેઘના આવા મીઠા આગમન સાથે જોડાય છે. નારી જીવનના ભાવો આપણાં લોકગીતોમાં એક અનોખી ઉત્કટતાથી ઝીલાયા છે. વરસાદમાં પ્રિયજનની વિદાય અનેક કોડ જેના મનમાં છે તેવી માનુનીને ખટકે છે. આ સમય ચાકરી (નોકરી)એ જવાનો નથી તેની સ્મૃતિ તાજી કરાવે છે.

આભમાં ઝીણી ઝબૂકે

વીજળી રે, ઝીણા ઝરમર

વરસે મેહ, ગુલાબી

નહિ જાવા દઉં ચાકરી રે.

      પરમેશ્વર તથા પ્રકૃતિની એકસૂત્રતા કે અભિન્નતા નરસિંહે નીહાળી છે. આવા દર્શન પછી નરસિંહના ગજાના કવિને જે ઊર્મિ ઉછાળ થયો તેનો પ્રસાદ આપણી ભાષાના અસંખ્ય લોકોએ મનભરીને આરોગ્યો છે. નરસિંહનું મેઘ અને માધવનું આ ભાતીગળ દર્શન અમર રહેવા સર્જાયું છે.

મેહુલો ગાજે ને માધવ

નાચે, રુમઝુમ વાગે પાયે

ઘૂઘરડી રે, તાલ પખાલ

વજાડે રે ગોપી, વહાલો

વજાડે વેણુ વાંસલડી રે.

ધન બંસીવટ ધન જમનાતટ

ધન ધન આ અવતાર રે

ધન નરસૈયાની જીભલડી ને

જેણે ગાયો રાગ મલ્હાર રે.

      નરસિંહને મેઘ તથા માધવના દર્શનની ધન્યતાનો અનુભવ થયો. વર્ષાઋતુના દર્શનથી ધન્ય થવાનો આ સમય છે. શરત માત્ર ભવ્યતા નીરખવા સજ્જતા કેળવવાની છે.

      ગાંધી અને કવિગુરુ ટાગોર એ સૃષ્ટિને કુદરતે આપેલી અનોખી ભેટ છે. ટાગોરના કાવ્યોમાં વર્ષાનો ઉલ્લાસ પ્રગટ થયો છે અને જે વિવિધ ભાવ ઝીલાયા છે તેના રંગછાંટણાં આપણી ભાષામાં થયા છે. આવું મેઘધનુષી કાર્ય મેધાણીએ કરીને આપણાં પર ઋણ ચડાવેલું છે. ટાગોરની ‘સોનાર તરી’ નો ભાવ મર્મી મેધાણીએ આપણી ભાષામાં આબાદ ઉતારી જાણ્યો છે. શ્રમિક નારીના ભાવનું આ અદ્દભૂત અનુસર્જન છે.

ગાજે ગગને મેહુલિયા રે

વાજે વરસાદ-ઝડી. નદીપૂર

ઘૂઘવિયાં રે, કાંઠે બેઠી

એકલડી ! મેં તો ધાન

વાઢી ઢગલાં કરીઆ, ડૂંડા

ગાંસડી ગાંસડી એ ભરિયાં

ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં

ભીંજુ ઓથ વિનાની રે

અંગે અંગે ટાઢ ચડી,

મારા નાના ખેતરને રે

રોઢે હું તો એકલડી.

      વર્ષાના વધામણાં કર્યા સિવાય કોઇ કવિ રહી શકે નહિ. લોકગીતોનો ભાવ તો મોટોભાગ તહેવારો અને વર્ષા આસપાસ ભ્રમણ કરે છે અને સૌને રંગ તરબોળ કરે છે. મેધાણી કે કારાણીએ ધૂળ ઘોયાનું કાર્ય કર્યું. ઉત્તમ પ્રકારના લોકગીતો-કથાઓ-દોહા અને સોરઠાઓનું સંશોધન તથા સંપાદનનું કાર્ય તો સારી રીતે થયું. પરંતુ આ ગીતો-લોકકથાઓ પોતાના મેઘકંઠીલા સ્વરે આપણાં લોકગાયકોએ વહેતા કર્યા. આવા લોકપ્રિય કલાકારો ઘણાં છે પરંતુ લોકસાહિત્યના સંદર્ભમાં હેમુ ગઢવી -વેલજીભાઇ ગજ્જર તથા ઇસ્માઇલ વાલેરાનું પ્રદાન યાદ આવ્યા સિવાય રહે નહિ.

      કાવ્ય સ્વરૂપની જેમજ ગદ્ય સ્વરૂપમાં પણ લોકભાષા – લોકસંવાદ લાવવાનું કાર્ય મેઘાણીએ સબળ રીતે કરેલું છે. ભાષાની એક અલગ મધુરતા તેમજ તાકાતનો અનુભવ તે વાંચતા હોઇએ ત્યારે થાય છે. આપણાંમાંથી અનેક લોકોએ આ બાબતનો અનુભવ કર્યો હશે. કચ્છ -સૌરાષ્ટ્રના અનેક માલધારી (પશુપાલક) ભાઇઓ વરસાદનો અભાવ હોય તેવા વર્ષોમાં ઘાસ-પાણીની સમસ્યાનો સામનો કરતા હોય છે. આથી પોતાના પશુઓના નિભાવ માટે તેઓ સ્થળાંતર કરતા હોય છે. પશુ તરફનો તેમનો સ્નેહ તેમજ આર્થિક આધાર હોય છે. આથી સ્થળાંતરની અનેક સમસ્યાઓનો હિંમતથી સામનો કરીને તેઓ સારો વરસાદ હોય અને ઘાસચારો ઉપલબ્ધ હોય તેવા પ્રદેશમાં જતા રહે છે. પરંતુ અષાઢી સાંજના અંબર ગાજે કે તરતજ તેમને વતનની યાદ આવે છે. આવા એક દેવીપુત્ર માલધારી પોતાની અર્ધાંગનાને જે શબ્દોમાં મેઘદર્શન કર્યા પછી વાત કરે છે તે મેધાણીભાઇએ આબાદ ઝીલી છે. અહીં ઉપમાઓ પણ નવતર છે. સંવાદ સાંભળી – સમજીને માણવા જેવો છે.

      ‘‘ભણે ચારણ્ય ! જોઇ લે, આપડા મલકને માથે અષાઢની રિછડીયું નીકળીયું ! જો, જો ! મોળો (મારો) વાલોજી સાચા મોતીડાંજ વરસે છે   હો ! ખમા મોળી આઇને ! (માતાજીને) હવે તો ભીંસુ (ભેંસો) હાથણિયું થાશે, ચારણ્ય ! હાલો, હાલો આપણે  દેશ. ’’

      વિશાળ આ સૃષ્ટિમાં જીવતા આપણે સૌ આ ભોળા પશુપાલકની જેમ કુદરત અને તેની સમગ્ર સૃષ્ટિ તરફ સૌંદર્ય માણી શકે તેવી સ્નેહની નજરે જોતા શીખવાનો થોડો પણ પ્રયાસ કરવાનો સંકલ્પ કરીએ. ફાયદો આપણોજ છે હો !

Leave a comment

Blog at WordPress.com.

Up ↑