ભાવનગર જિલ્લાના સમુદ્ર કિનારાના સુપ્રસિધ્ધ નગર મહુવાથી ‘કતપર’ ગામ આમ તો ચાર માઇલ જેટલું થાય. ગામની બહેનો પગે ચાલીને કતપરથી મહુવા મજૂરી કામ કરવા જાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની કાળી મજૂરી કર્યા પછી પેટનો ખાડો માંડ પૂરાય. આથીજ ગામના લોકોએ મેઘાણીભાઇને કહ્યું કે ‘‘ મજૂરી ન કરે તો ખાય શું ? ’’ જીવતરની આ વરવી છતાં વાસ્તવિક વેદના મેઘાણીના ગીતોમાં પ્રગટે છે. દરિયા કાંઠાના ગામમાં સ્વાભાવિક રીતેજ ખારવા કોમની વસતી હોય છે. દરિયાદેવના ખોળે માથું મૂકીને જીવતરનું નાવ હંકારી જનાર આ કોમની અથાગ સાહસવૃત્તિની અનેક કથાઓ સાંભળવા મળે છે. સંઘર્ષનેજ સ્વેચ્છાથી અપનાવીને આજીવીકા કમાવાનું કામ જોખમી તો ખરુંજ. પરતું આ જોખમનો પડકારજ યુવાન ખારવાને આકર્ષે છે. જોખમી વ્યવસાયના કારણે થતી ખુવારી યુવાન ખારવાને રોકી શકતી નથી. શ્રમિકોનો આ સમૂહ કાળને પણ પડકારીને દરિયાની છાતી પર જીવતરના ડગ માંડે છે. શ્રમિકોના આવા દરેક સમૂહને પોતાનું ગીત-સંગીત હોય છે. સંગીતનું આ તત્વ તેમના ખમીરને પ્રોત્સાહીત કરે તેવું હોય છે. તેમના જીવનની અનેક ખટમીઠી ઘટનાઓને શબ્દદેહ આપીને તેની પ્રસંગોપાત અભિવ્યક્તિ આવા ગીત-સંગીતના માધ્યમથી થતી રહે છે. તેમના રાગ અને ઢાળ પણ વિશિષ્ટ પ્રકારના હોય છે. આપણા પ્રિય કવિ ઝવેરચંદ મેધાણીતો આજીવન અભ્યાસુ તથા સંશોધક હતા. આથી સાગરજાયાઓના આ ગીતો જનસમૂહ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેવી તેમની નિરંતર ખેવના રહેતી હતી. તેમની સંશોધન યાત્રામાં કતપર ગામના અનેક કૂબામાં ગરીબીને ઓઢીને જીવતર વ્યતિત કરનાર મહીલાઓનું દર્શન મેધાણીભાઇને થયું. ઉઘાડા અને અધભૂખ્યા બાળકો પણ નીહાળીને કવિની વેદનાએ કલમના માધ્યમથી આ મૂંગી વેદનાને શબ્દદેહ આપી જગતના ચોકમાં મૂકી. સાગરના સૌંદર્યની કવિતાઓ તો લખાય પરતું આ સાગરપેટા માનવીઓની વેદના અને કરુણાની વાતો કેમ ન લખાય ? સાચું જીવન કાવ્ય કદાચ આ દિવ્ય અને ભવ્ય કલ્પના જગતથી બહાર નીકળીએ તો સંભળાય છે. મેઘાણી જેવા કવિજ આ વેદનાનું સંગીત સરવા કાને ઝીલી શકે અને પછી તેને અસંખ્ય ભાવકો સુધી પહોંચાડી શકે. મેધાણી લખે છે : ‘‘ સાચા સ્વરો તો ઝીલે છે એ શાયર કે જેણે જગતના કરોડો ખલાસી–બાળકની ફફડતી જનતાને હૈયે કાન માંડ્યા હશે ’’ આ વ્યવસાય સાથે જોડાયેલા કુંટુંબની અનેક મહિલાને દરિયાદેવના ખોળે રમતા પતિ – પુત્ર કે ભાઇના માઠા સમાચાર સાંભળવાનું જાણે કે નસીબમાં લખાયેલું છે. દરિયાકાંઠાના આ ગામડાઓની બહેનોના ગીતો સાંભળવા માટે સંશોધક મેઘાણીએ કેટલી બધી અંગત મુશ્કેલીઓ વેઠી હશે તે સમજી શકાય તેવી વાત છે. પરતું તેમના આ અજોડ પ્રયાસોથીજ સાગર કિનારાના લોકગીતો આપણાં સુધી પહોંચ્યા છે. મેઘાણીભાઇએ આ વેદના ઝીલી છે અને આકંઠ પીધી છે. દરિયાની ખેપ કરવા જતા પતિના સંદર્ભમાં બહેનો ગાય છે. તેમાં જીવતર તરફનો આશાવાદ પણ કેવો બળકટ છે !
જોબનિયાં મારા મલબારી
પંથમાં હાલ્યા, જોબનીયાં
કાલ્ય આવતાં રેશે.
જોબનીયાં મારા નાકુંની
નથડી મેલી, જોબનીયાં
કાલ્ય આવતાં રેશે.
મેધાણીભાઈ નોંધે છે : ‘‘ કોઇ તૂટેલ નાવના વેરણછેરણ પાટિયાં જેવા આ ગીતો ખંડિત છતાં પણ ગાનારીઓની અંતરતમ ઊર્મિની ઊંચી કક્ષા સૂચવતાં હતા. ’’ શ્રમિક મહિલાઓની વેદનાનું જે ચિત્ર ઝવેરચંદ મેધાણીના કાવ્યોમાં કે તેમણે સંપાદિત કરેલા લોકગીતમાં ઝીલાયું છે તે અહોભાવ ઉપજાવે તેવું છે. આથીજ આપણી ભાષાના સમર્થ સર્જક મકરંદ દવે લખે છે કે મેઘાણીના વ્યક્તિત્વમાં એક સ્ત્રીત્વ રહ્યું હતું. આથીજ કદાચ મહીલાઓ તેમની પાસે મુક્ત અને મીઠા કંઠે અલગ અલગ ભાવના ગીતોની રેલમછેલ પ્રસન્નતાથી કરતી હશે !
મેઘાણીએ અગવડતાઓથી ભરેલી ખેપો ખેડીને પીડીતો – શ્રમિકોની વેદના નજરોનજર નિહાળી છે અને તેના ગીતો ગાયા છે. તેમની કથાઓ લખી છે. આવા અસંખ્ય લોકો જીવનમાં આર્થિક સંકડામણ અનુભવતા હશે પરતું તેમના અંતરના અમી ઝરણાં સૂકાયા ન હતાં તેની પ્રતિતિ આ સંશોધક કવિને સ્પષ્ટ રીતે થઇ હતી. મેધાણીભાઇના સાહિત્યના માધ્યમથી આપણે પણ આ સંવેદના ઝીલી શકીએ છીએ. ‘‘ પીડિતો પ્રત્યેના સમભાવના ગીતો અંગેની કોઇની સૌથી વધુ સજ્જતા હોય તો એ મેઘાણીની હતી. ’’ તેવું કવિ ઉમાશંકર જોશીનું વિધાન કેટલું યથાર્થ છે ! ‘‘ ઘણ રે બોલેને એરણ સાંભળે ’’ જેવી મેઘાણીની રચનાઓ કાળજયી છે.
ઘણ રે બોલેને એરણ
સાંભળે હો….જી…બંઘુડો બોલે
ને બેનડ સાંભળે હો…જી…
ભઠ્ઠિયું જલે રે બળતા પોરની..
ઘમણ્યું ધખે રે ધખતા પોરની…
ખન ખન અંગારે ઓરાણાં,
કસબી ને કારીગર ભરખાણાં :
ક્રોડું નર જીવતાં બફાણાં-
તો ય પૂરા રોટા નવ શેકાણાં :
હો એરણ બેની ! ઘણ રે બોલેને….
ઝવેરચંદ મેધાણીએ નગરજનોને પાળિયા, દેરીઓ, ગામડાનું જીવન અને માલધારીઓ – શ્રમિકોના પ્રશ્નોમાં રસ લેતા કર્યાં. સમાજમાં શિક્ષિત કે સુખી વર્ગ તેમના કરતાં પ્રમાણમાં ઓછા સાધનો કે શિક્ષણ ધરાવતા વર્ગ તરફ નાકનું ટેરવું ચડાવીને દ્રષ્ટિ કરે તો આ દ્રષ્ટિમાં રહેલી અનેક મર્યાદાઓનું ભાન મેઘાણીભાઇને વાંચીને થયા સિવાય રહેતી નથી. ભેદની ભીંત્યુ ને ભાગવાનો પ્રયાસ આ રાષ્ટ્રીય શાયરે બખૂબી કરેલો છે.
શ્રાવણની ભીનાશ લઈને આવતી વદ પાંચમે (ઓગસ્ટ-૨૮) જન્મેલા આ કવિએ સૌને ભીંજવ્યા છે. ગાંધી અને ટાગોરથી શરૂ કરી સામાન્ય ભાવક સુધી મેઘાણી એકજ સરખા વિસ્તર્યા છે. તેમની અમૂલ્ય લેખણીને કવિ શ્રી દુલા ભાયા કાગે યર્થાથ બીરદાવી છે.
લેખક સુધળા લોકની
ટાંકુ તોળાણી, વધી તોલે
વાણીયા : તારી લેખણ મેધાણી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment