: સંસ્કૃતિ : સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક્ક છે : તે લઇનેજ જંપીશ :

‘‘ સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ હક્ક છે અને હું તે લઇનેજ    જંપીશ ’’ એ સૂત્ર કોઇ વિધાન કરવા ખાતર વહેતું મૂકાયેલું ન હતું. આ સૂત્ર એ અવિરત સંઘર્ષ તથા સમર્પણના બળે કરવામાં આવેલો સિંહની ગર્જના સમાન પ્રભાવી નાદ હતો. સૂત્ર જગતના ચોકમાં નિર્ભયતાથી તથા છલોછલ આત્મવિશ્વાસથી રજૂ કરનાર નર કેસરી બાળગંગાધર એ ખરા અર્થમાં ‘લોકમાન્ય’ હતા. મહારાષ્ટ્રના રત્નાગિરી પ્રદેશનું આ રત્ન ગાંધીયુગ પહેલા ભારતીયોની શ્રધ્ધાનું કેન્દ્ર સમાન હતું. ‘કેસરી’ અખબારના સર્જક અને સંચાલક લોકમાન્ય તીલક હિન્દુસ્તાનની પ્રજામાં જોમ પેદા કરનાર મોભી હતા. ઇ.સ. ૧૮૫૬ ના જુલાઇ માસની ૨૩મી તારીખે ટિળકનો જન્મ થયો હતો. આથી લોકમાન્ય ટિળકની સવિશેષ સ્મૃતિ જુલાઇ માસમાં થાય તે સ્વાભાવિક છે. લાલ – બાલ અને પાલની ત્રિપુટીએ આઝાદી પ્રાપ્ત કરવા ગોરા શાસકોની ભીખ માંગવા માટે નહિ પરંતુ અવિરત સંઘર્ષ કરવા વ્યાપક લોકમત ઊભો કર્યો હતો. ૧૮૦૯ માં તીલકની ધરપકડ કરીને બ્રિટિશ સરકારે મુકદ્દમો ચલાવ્યો. આપણાં દેશના કેટલાક કાનૂની મુકદ્દમાઓ યાદગાર રહેલા છે. ટિળક સામેનો કેસ અને તેનો બચાવ એ પણ આપણાં ઐતિહાસિક તથા અનોખા દસ્તાવેજ સમાન છે. કેસ ચલાવનાર ન્યાયમૂર્તિઓની જૂરી સામે તેમણે પોતાનું ૨૧ કલાકનું જાનદાર તથા તર્કબધ્ધ સંબોધન રજૂ કર્યું. ટિળકની બુધ્ધિ પ્રતિભા તથા કાનૂની સમજ તેમાં સ્પષ્ટ રીતે તરી આવે તેવા હતા. આઝાદ થવા મથામણ કરતાં દેશના લોકોની અંતરની અકળામણને તિલક મહારાજે જાણે અદાલતના આંગણે શબ્દદેહ આપેલો હતો. તેમની સામે મૂકવામાં આવેલા તેમના અખબારી લખાણો અંગેના આરોપ સામે તેઓએ એક નિડર પત્રકારને છાજે તેવી દલીલ કરી. તેમણે અદાલતને જણાવ્યું કે પરિસ્થિતિ જ્યારે ઉગ્ર અને અશાંત હોય ત્યારે અશાંતિના કારણો સરકારના મનમાં ઠસાવવાની પત્રકાર તરીકે તેમની ફરજ હતી જે તેમણે નિષ્ઠાથી બજાવી હતી. આ બાબત લોકમાન્યના મતે પ્રજાના વ્યાપક હિત માટે કરવી જરૂરી હતી અને તેમનો અખબારી ધર્મ પણ હતો. તેમણે કેટલાક સરકારના ટેકામાં રહીને પ્રજાહિત વિરૂધ્ધ લખાણ કરતા અખબારોની નિષ્ઠા બાબતમાં સણસણતો પ્રશ્ન પણ રજૂ કર્યો. જુરીને ટિળકના લખાણો રાજદ્રોહથી ભરપૂર જણાયા. ટિળકની સત્ય હકીકતો પર આધારીત તર્કબધ્ધ દલીલો સામે એડવોકેટ જનરલની શાસન તરફી દલીલોને માનવા તરફ જૂરીનો ઝૂકાવ રહ્યો. ટિળકને દેશમાંથી બહાર મોકલવા માટે દેશ નિકાલની સજા કરવામાં આવી. આ સજા પણ છ વર્ષની લાંબી અવધિ માટે ફરમાવવામાં આવી. ટિળકના યાદગાર શબ્દોનો તે ક્ષણે દેશ શાક્ષી બન્યો. તેમણે ગર્જના કરી. 

‘‘ જૂરી ગમે તે કહે પરંતુ હું નિદોર્ષ છું. વ્યક્તિ તથા રાષ્ટ્રનું ભાગ્ય ઘડનાર આ અદાલત કરતા વધુ ઉચ્ચ શક્તિ અસ્તિત્વ ધરાવે છે. જે ધ્યેયના કારણે હું લડી રહ્યો છું તેનો ઉત્કર્ષ મારી મુક્તિ કરતા મારી યાતનાથી થશે. ’’ કાળની તે ક્ષણોને ટિળક મહારાજની વાણીએ પાવક બનાવી. રામપ્રસાદ ‘‘બિસ્મીલ’’ ના શબ્દો યાદ આવે.

વક્ત આને દે બતા દેંગે

તુજે ઐ આસમાં

હમ અભીસે ક્યા બતાયે

ક્યા હમારે દિલ મેં હૈ

સરફરોશી કી તમન્ના

અબ હમારે દિલ મેં હૈ.

લોકમાન્યને ક્રાંતિકારીઓ તરફ એક વિશેષ લગાવ હતો. શિર ઉપર કફન બાંધીને પૂર્ણ બલિદાનની ભાવના સાથે નીકળી પડેલા આ મરજીવાઓના દબાણની અસર ગોરી સરકારે વખતો વખત અનુભવી છે. ટિળક યુવાન હતા ત્યારે પુનામાં વાસુદેવ બળવંત ફડકેને તેમણે ક્રાંતિની મશાલ ઉપાડતા નીરખ્યા હતા. ટિળકના મન પર આવી ઘટનાઓની ઊંડી અસર હતી. રાસબિહારી બોઝ, નાના સાહેબ પેશ્વા તેમજ વિખ્યાત ક્રાંતિકારી ચાફેકર બંધુઓ તરફ તેમની અંતરની શ્રધ્ધા હતી. આમછતાં અવિરત અને દીર્ઘ બંધારણીય લડત દેશને મુક્ત કરવા માટે અનિવાર્ય છે તેની પણ પ્રતિતિ તેમને હતી. ‘કેસરી’ સમાચાર પત્રના માધ્યમથી તેઓ દેશના મુક્તિ સંગ્રામમાં પૂરકબળ બને તેવી ઘટનાઓ –વિગતો સીફતપૂર્વક પ્રકાશિત કરતા હતા. અખબારના માધ્યમથી વ્યાપક જનસમૂહને જાગૃત કરવાની આ અસરકારક પ્રથા તરફ બ્રિટીશ અમલદારોની હમેશા કરડી નજર રહી હતી. ક્રાંતિવીરોના કાર્યોનો ટિળકનો બચાવ તર્કબધ્ધ અને પ્રભાવી રહેલો હતો. ૧૮૫૬ માં ટિળકનો જન્મ થયેલો. ૧૮૫૭ માં બ્રિટીશ સત્તાને ઉથલાવી નાખવાનો પ્રયાસ થયેલો. આ ઐતિહાસિક પ્રયાસને મળેલી નિષ્ફળતાના કારણોના ટિળક ઊંડા અભ્યાસુ હતા. ભવિષ્યની લડતમાં આવી ક્ષતિઓ ન રહે તેવા સ્વસ્થ વિચારો તેમણે અનેક યુવાનોમાં મનમાં ઊંડે સુધી રોપ્યા હતા. દાદાભાઇ નવરોજી અને લોકમાન્ય તરફથી મુક્તિ માટેની ચળવળના મજબૂત પાયા નાખવામાં આવ્યા હતા. તેણે ગાંધીજીના કાર્યને થોડું સુગમ બનાવ્યું હતું. 

જાણીતા વિદ્વાન શ્રી એન. સી. કેલકરના મતે ટિળકે નૂતન રાષ્ટ્રીય ઉત્સવોની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. લોકમાન્યને સાંપડેલી અનેક યશ કલગીઓમાં આ એક મહત્વની યશ કલગી છે. લોકમાન્યની આ કામગીરી વ્યૂહાત્મક રીતે પણ ખૂબજ અસરકારક પુરવાર થઇ હતી. ‘ગણપતિ બાપા મોરીયા’ અને સ્વાભિમાની વીર શિવાજી મહારાજની સ્મૃતિમાં ઉત્સવોના માધ્યમથી ઉજવણી થાય અને તેમાં દેશની મુક્તિના કાર્યને વેગ મળે તેવું આયોજન થાય તેવી ચોક્કસ ગણતરી ટિળકની હતી. ઇતિહાસકારોના મતે ટિળકનું ચાતુર્ય ઉત્સવો શરૂ
કરવામાં તો છેજ પરંતુ તેને એક સામુદાયિક સ્વરૂપ આપીને પ્રજામાં રાષ્ટ્રીય ઉત્સાહનું સર્જન કરવામાં સવિશેષ છે. ઉત્સવો થકી સામાન્ય લોકો પણ એક અલગ ખુમારી સાથે મુકિત સંગ્રામમાં જોડાયા. વર્ગભેદ નાબૂદ કરવાના સામાજિક સુધારા સમાન કામમાં પણ આ ઉત્સવોનો ફાળો હતો. ઉત્સવોની જેમ જ અખબારના જાનદાર લખાણોથી પ્રજાની નૈતિક શક્તિ તથા જાગૃતિ ઊભી કરવાની પણ તેમની ખાસ આવડત હતી. યોગ્ય સમયે કોઇવાર ક્રાંતિકારીનો સંદર્ભ લઇને તેઓ પોતાની વાત અસરકારક રીતે વ્યક્ત કરી શકતા હતા. વાસુદેવ બળવંત ફડકેની શહાદતને બીરદાવતા તેમણે ‘કેસરી’ માં યાદગાર શબ્દો લખ્યા. 

‘‘ આ પ્રખ્યાત-ગાંડો દેશભક્ત (ફડકે) મુઠ્ઠીભર ખેડૂતોનો સાથ લઇ સરકારનું પ્રજાસત્તાક સ્વરૂપ પ્રસ્થાપિત કરવા ઇચ્છતો હતો. અંગ્રેજી શાસનને ઉથલાવવાનો પ્રયાસ કરતા મુઠ્ઠીભર અર્ધભૂખ્યા માણસોની એક પળ માટે પણ આ પત્રના વાચકો અને અમારા ‘કૃપાળુ શાસકો’ કલ્પના કરે તેમ અમે ઇચ્છીએ છીએ ! ’’  કવિ કરસનદાસ માણેકના શબ્દો આ સંદર્ભમાં સ્મરણપટ ઉપર આવે તેવા છે.

એ નેતા એ વાણી

એ વીરો અટંકી

એ આઝાદી પ્યાસી

જવાંમર્દી જંગી, એ મૃત્યુની

મહેફીલ જીવન રકત-રંગી

થયા સૌ સદાના પ્રજા-પ્રાણ-સંગી

ભગવદ્દગીતાના પ્રખર અભ્યાસુ ટિળક મહારાજ ખરા અર્થમાં       ‘‘ કર્મના માલિક ’’ હતા તેવું સુવિખ્યાત ચિંતક રોમા રોલાનું તારણ સર્વથા ઉચિત છે. પંડિત નહેરુએ આથીજ લોકમાન્યને ‘‘ આધુનિક ભારતના ઘડવૈયા ’’ કહીને બીરદાવ્યા હતા. લાલ-બાલ-પાલની ત્રિપુટીએ કોંગ્રેસની કાયાપલટ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ટિળકના સાથી બિપિનચંદ્ર પાલે પશ્ચિમી શિક્ષણ મેળવ્યા પછી એક પ્રખર રાષ્ટ્રભકત તરીકેની છાપ ઊભી કરી હતી. બિપિનચંદ્ર પાલે ભારતના આર્થિક શોષણની તર્કબધ્ધ વિગતો શ્રેષ્ઠ અભ્યાસુને છાજે તેવી રીતે જગત સમક્ષ રજૂ કરી હતી. પંજાબના ક્રાંતિવીર લાલા લજપતરાય સહિત આ લાલ-બાલ અને પાલની ત્રિપુટીએ ગોરી સરકાર સામે મજબૂત પડકાર ફેંકયો હતો.

ભગવદ્દગીતા માટે ટિળકને એક વિશેષ લગાવ આજીવન રહ્યો. તેમના પિતા જીવનની અંતિમ ક્ષણો ગણતા હતા ત્યારે પિતાને ભગવદ્દગીતા અને તેનો મરાઠીમાં થયેલો ભાવાર્થ સમજાવવાનું થયું હતું. આ સમયે ભગવદ્દગીતા સાથે પરિચય થયો તે કાયમ રહ્યો તેમ ટિળકે લખ્યું છે. ગીતા-રહસ્ય દ્વારા તેમણે દેશના મુકિત સંગ્રામના પ્રયાસોને કર્મયોગ ગણાવી અવિરત અને સંઘર્ષયુક્ત કર્મ કરવાની દિશા બતાવી હતી. ગીતા પરના તેમના પ્રવચનો પણ ખૂબ પ્રસિધ્ધ થયા હતા. જેલમાં રહીને ભગવદ્દગીતા રહસ્ય લખનાર આ પ્રતિભા-સંપન્ન વિદ્વાને સૌને માટે એક ચિરસ્થાયી વિચારભાથું પૂરું પાડેલું છે. જેલમાં તેમનો અભ્યાસુ સ્વભાવ ઓર નિખર્યો હતો. ૧૯૦૮ થી ૧૯૧૪ સુધીનો આકરો જેલવાસ આ સાધકે અનેક અંગત મુશ્કેલીઓ વચ્ચે દીપાવી જાણ્યો હતો. 

લોકમાન્યનું જીવન ઘટના પ્રચુર તથા ભાતીગળ રહ્યું. ૧૯૨૦ ની પહેલી ઓગસ્ટે થયેલા તેમના મૃત્યુએ દેશના લાખો લોકોને વ્યથિત કર્યા. યાદગાર અંતિમવિધિ મુંબઇમાં થઇ. મુંબઇમાં આવો સાર્વત્રિક શોકનો પ્રસંગ અગાઉ ક્યારે પણ નોંધાયો નથી તેમ અનેક લોકોએ લખ્યું. ગાંધીજી-પંડિત નહેરુ-મૌલાના શોકતઅલી જેવા મહાનુભાવો અંતિમવિધિમાં હાજર હતા. ચોપાટીના પટ ઉપર ઘૂઘવાતા મહાસાગરની સાક્ષીએ તેમનો દેહ પંચમહાભૂતમાં મળી ગયો. ગાંધીજીએ દેશના અસંખ્ય લોકોની અંતરની લાગણીને વાચા આપતા નવજીવનમાં   લખ્યું. : 

‘‘ અભિનવ ભારતના જનક તરીકે તેમનું નામ ઇતિહાસમાં અજરામર થશે. આખું મુંબઇ પોતાના લોકમાન્યને વળાવવા નીકળ્યું હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આવું મૃત્યુ આજલગી આ જમાનામાં કોઇ લોક નાયકને ભાગે નથી આવ્યું. ’’

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑