: બંદર છો દૂર છે : જાવું જરૂર છે : બેલી તારો તુંજ છે :

  જીવનમાં કેટલાક પ્રસંગો એવા બને છે કે જે સ્મૃતિમાં ચિરસ્થાયી રહે છે. આવા પ્રસંગોમાંથી જે સંદેશ ઝીલાય છે તે જીવનના એક અમૂલ્ય ભાથા સમાન બની રહે છે. થોડા વર્ષો પહેલાં જાણીતા ફોટોગ્રાફર તથા સરળ સ્વભાવના પારસી બાનુ હોમાય વ્યારાવાલાને અમદાવાદમાં મળવાનું થયું. જીવનના નવ દાયકાથી વધારે સમય શાન અને ખુશહાલીથી વિતાવનાર આ જાજ્વલ્યમાન વ્યકિતત્વ ધરાવતા સન્નારી આપણી વચ્ચે આજે સદેહે રહયા નથી. તેમની અનેક કુશળતાઓ તેમજ સંઘર્ષના સમયમાં પણ સ્થિર રહેવાની શકિત બાબતમાં વાત કરી શકાય. પરંતુ એક વાત તેમના સ્વમુખે સાંભળવા મળી તે તેમની રમૂજી વૃત્તિ ઉપરાંત જીવન તરફના આત્મવિશ્વાસથી છલોછલ તેવા વિધેયાત્મક અભિગમની પ્રતિતિ કરાવે છે. હોમાયબહેન કહે કે તેઓ વ્યવસાયી ફોટોગ્રાફર એટલે એક રાજકીય આગેવાનના જન્મ દિવસના શુભ પ્રસંગે તેઓ જન્મ દિવસનો કાર્યક્રમ કેમેરામાં કેદ કરવા માટે ગયા. આ સમયે પણ હોમાય પ્યારાવાલા સાત દાયકાનું હર્યુંભર્યું જીવન વ્યતિત કરી ગયા હતા. જેમને કેન્દ્રમાં રાખીને ફોટોગ્રાફી કરવાની હતી. તેઓ ઉમ્મરમાં હોમાયબેનથી અડધા જ હતા. આથી ફંકશન પૂરું થયા પછી યજમાન મહાશયે છુટ્ટા  પડવાના સમયે હોમાયબેનનો આભાર માનીને એક હળવી ટકોર કરતા કહયું : 

‘‘વારું ત્યારે મારા આવતાં જન્મ દિવસે તમે જ મારો ફોટો પાડી શકો તેમ હું ઇચ્છું છું.’’ યજમાન રાજકીય આગેવાને કહયું. બીજીજ ક્ષણે હોમાય વ્યારાવાલાનો સણસણતો જવાબ આવ્યો. ‘‘હાજી, જરૂર હું પણ એમજ ઇચ્છું છું. તેમ થશે પણ ખરું કારણ કે તમારું સ્વાસ્થ્ય હજુ તો સારું લાગે છે!’’  યજમાન સહિતના સ્થળ પર હાજર રહેલા સૌ લોકો ડઘાઇ ગયા પરંતુ હોમાય વ્યારાવાલા તો એજ ખુમારી તથા ઠસ્સાથી સ્થળ છોડીને ચાલતાં થયાં. ત્વરિત રમૂજ કરી લેવાની શકિત ઉપરાંત આ ઘટના જીવન તરફના સ્વસ્થ, કર્મઠ અને આશાવાદી અભિગમનો પરિચય કરાવે છે. અડચણો તો છેજ, વાદળો ઘેરાયા છે અને દરિયાનો મિજાજ પણ તોફાની છે પરંતુ સફરતો સ્વબળે તય કરવાની જ છે. કવિ સુંદરજી બેટાઇએ આ વાત સરસ રીતે શબ્દોમાં મઢી છે.

ફંગોળે તોફાની તીખાતા વાયરા

મૂંઝાયે અંતરના હોયે જે કાયરા

મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે..

બંદર છો દૂર છે જાવું જરૂર છે.

બેલી તારો બેલી તારો બેલી તારો તું જ છે !

એકવાર નૌકા ઝૂકાવી પછી નાવિકને ઉછળતા દરિયાઇ મોજાનો કયાં ડર હોય છે? તોફાની મોજારૂપી નાની-મોટી મુસીબતોને પાર કરવાનું નૈતિક બળ એજ જીવનની ખરી મૂડી છે. આ મૂડી આપણે ગાંઠે બાંધીયે નહિ અને આપણી હવે પછીની પેઢીને વારસામાં આપીએ નહિ તો આપણે એક મહત્વની સામાજિક જવાબદારી નિભાવી નથી તેમ ગણાશે. તેના માઠા પરિણામો આપણે જ ભોગવવા પડશે. આપણે જીવનના પ્રતિકૂળ સંજોગોમાં નિર્ભયતા તેમજ મક્કમતા ધારણ કરવાનું શીખ્યા છીએ ખરાં ? આપણે નિર્ભયતાનો આ ગુણ આપણાં બાળકોમાં સિંચાય તેવા પ્રયાસો કર્યા છે ખરા ? જો જાગૃતિપૂર્વક આમ કરીએ તોજ આપણો આઝાદ દેશ એક સ્વસ્થ રાષ્ટ્ર બની શકે. સ્વસ્થ રાષ્ટ્રની પાયાની શરત સ્વસ્થ નાગરિક સમાજ છે. જીવનમાં હારનો આભાસ પણ અનુભવીને જો જીવનરસ સૂકાય તો જરૂર આપણે આપણાં ઘડતરમાં કયાંક ચૂકી ગયા છીએ તેમ માનવું પડે. પરીક્ષામાં ધારણા કરતાં ઓછા માર્કસ આવે તો તેને જીવનની આખરી તથા નિર્ણયાત્મક નિષ્ફળતા કેમ કરીને માની શકાય ? માનવીનું જીવન એ ઇશ્વરે આપેલો અમૂલ્ય પ્રસાદ છે. આ મોંઘામૂલા  પ્રસાદને ફેંકી દેવાનું કે વેડફી નાખવાનું પગલું ભરવાનો આપણો અધિકાર નથી. કબીર સાહેબ કહે છે તેમ જીવનની આ ચાદર તો કાળજી અને જતનથી ઓઢવા માટે છે. 

સમાજમાં બાળકોને જે સંસ્કારનું સિંચન થાય તેમાં શિક્ષણનો ભાગ મહત્વનો છે. માત્ર શાળાકીય શિક્ષણજ નહિ પરંતુ ઘરમાં માતા-પિતા તરફથી મળતું અવૈધિક શિક્ષણ પણ સરખાજ મહત્વનું છે. ઘણાં બધા લોકો પંડિત નહેરુજીની જેમ પુત્રી પ્રિયદર્શીનીને પત્રો લખી શિક્ષણના કેટલાક મૂલ્યવાન સ્વરૂપોનું કદાચ દર્શન ન કરાવી શકે. પરંતુ સંસ્કારની ચાર સારી વાતો તો કહી જ શકે. કુંટુંબના સંસ્કારો બાળ માનસ પર સદાકાળ માટે કોતરાઇ જતા હોય છે. વિનોબાજીના જીવનમાં ઔદાર્ય તથા ભગવતગીતા તરફથી પ્રીતિ એ તેમના માતાએ જ સિંચેલા સંસ્કાર હતા તે વાત બાબાના લખાણો જોતાં સ્પષ્ટ થાય છે. ગર્જના કરતી ગિરીમાળાઓ વચ્ચે શિવાને નિર્ભયતાનો પાઠ મા જીજાબાઇએ જ ઘૂંટાવ્યો હતો. અબ્રાહમ લિંકને તેના વિશ્વ પ્રસિધ્ધ થયેલા શિક્ષકને લખેલા પત્રમાં અનેક બાબતો પોતાના બાળકને શીખવવા માટે શિક્ષકને વિનંતી કરી હતી. તેમાંની એક બાબત એ હારને પચાવી જવાનો ગુણ પોતાના પુત્રમા કેળવાય તે શીખવવા માટે પણ લિંકને શિક્ષકને વિનંતી કરી હતી. જીવનમાં હાર કે જીત અથવા ઉતાર-ચઢાવ તો આવે જ. આ દરેક સ્થિતિમાં સ્વસ્થતા જાળવવાનું કિશોર શીખે તો આત્મહત્યા જેવી ક્ષૂલ્લક બાબતનો એ કદી વિચાર પણ નહિ કરે. જો આવા સંજોગોમાં માતા-પિતાજ સ્વસ્થતા ગુમાવે તો તેની અવળી તથા ઊંડી અસર બાળ માનસ પર થયા વગર રહેતી નથી. કુદરતે તો કપરા કાળમાંયે ટકી રહેવાય તેવા અનેક આયુધો કૃપા કરીને આપ્યા છે. તેનો ઉપયોગ કરવાનું તો આપણે જ શીખવું પડે ને !  

ત્રણ વાના મુજને મળ્યા

હૈયું, મસ્તક હાથ

બહું દઇ દીધું નાથ!

જા, ચોથું નથી માંગવું !

કવિ ઉમાશંકર જોશીના આ શબ્દો હૈયામાં સંઘરીને જીવીએ અને તેમ કરીને એક સ્વસ્થ ઉદાહરણ હવે પછીની પેઢીઓ સમક્ષ રજૂ કરીએ તે આજના દિવસની જરૂરિયાત છે. સમસ્યા આપણી છે. એકાદ આત્મહત્યા થાય તો પણ તેની વ્યકતિગત ઉપરાંત સમાજની સામૂહિક જવાબદારી પણ છે. વ્ય્વસ્થાઓ બદલવી પડે તો બદલીએ. માનવ જીવનને વેડફાઇ જતું અટકાવવાના પ્રયાસથી વિશેષ અગ્રતા ધરાવે તેવી કોઇ બાબત નથી. આત્મહત્યાને રોકવા માટેના જે પ્રયાસો તાજેતરમાં હાથ ધરવામાં આવ્યા છે તે પણ આવકાર્ય તથા અભિનંદનને પાત્ર છે. કામ મોટું છે પરંતુ અશક્ય નથી જ. સમસ્યાના આ બિહામણા સમુદ્રને નાથવા રામસેતુ બાંધવો પડશે. આપણે સૌએ પેલી ખિસકોલીની જેમ જુસ્સાથી એક કાંકરી પણ ઊંચકીને બંધ બાંધવાના કાર્યમાં સહભાગી થવું પડશે. આપણે આ માટે તેયાર છીએ ? 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑