: ક્ષણના ચણીબોર : ગંગાસતી એમ બોલીયા રે, તમે થાજો સતગુરુના દાસરે : 

આપણાં પ્રાચીન ગ્રંથો વેદો તથા ઉપનિષદોની જ્ઞાનગંગામાં રુષિકાઓની વાણીને સમાજનો આદર ખોબે અને ધોબે મળ્યો હતો તેજ પ્રકારે મધ્યકાલિન સાહિત્યમાં પણ વિદુષિઓએ ભક્તિમાર્ગમાં મહત્વનું તેમજ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ બન્ને સ્થિતિમાં વિદુષીઓની વાણીમાં રહેલું સત્વ તથા તેની તેજસ્વીતા હતી. જાતિના કારણે તેમનો દરજ્જો ક્યારે પણ નીચો કે ઉતરતો ગણાયો નથી. ગાર્ગી તથા લોપામુદ્રાની હરોળમાં હક્કથી બેસી શકે તેવી ભક્તિમાર્ગની પણ આપણી કવયિત્રીઓ છે. ગંગાસતી, તોરલ, લોયણ કે લીરબાઇ જેવી સમર્થ કવયિત્રીઓના વાણી પ્રવાહે કાળ પર પોતાની અમીટ છાપ છોડી છે. ઉપાસના તથા આત્મજ્ઞાનની જાગૃતિના માર્ગે કોઇ જાતિ વિશેષને પ્રાધાન્ય નથી તે હકકીત પણ ખૂબ સંતોષ તથા ગૌરવ અપાવે તેવી છે. સંતવાણીના આ સમર્થ સર્જકોએ જ્ઞાન અને ભક્તિની હેલી વરસાવી છે. સમાજે તેને એટલાજ આદર સત્કારથી ઝીલી છે. ભક્તિ આંદોલનનો ઇતિહાસ આપણાં સમગ્ર ઇતિહાસમાં મહત્વનું તથા હેતુપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીં મહીમા માત્ર હરિ-ભજનનોજ છે. 

જાતિ-પાતિ પૂછે નહિ કોઇ,

હરિકો ભજે સો હરિકા હોઇ.

એક સમયે ગોહિલવાડ તરીકે ઓળખાતા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપરા ગામમાં ભક્તિભાવપૂર્ણ જીવન જીવતા ભાઇજીભાઇ સરવૈયાને ત્યાં ગંગાબા (ગંગાસતી)નો જન્મ થયો હતો.

ગંગાસતી તથા પાનબાઇ સમવયસ્ક તથા ભક્તિના રંગે રંગાયેલા હતા. ગંગાબાનું લગ્ન થતાં પાનબાઇ પણ તેમની સેવા માટે તે સમયની પ્રથા મુજબ ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામે ગયા હતા. સાંસારિક વ્યવહારો વચ્ચે જળકમળવત્ રહીને તેઓ આધ્યાત્મિક માર્ગના સોપાન એક પછી એક સર કરતા જતા હતા. ગંગાસતીના અગાધ જ્ઞાનનું પાન તેમની અમૃતમયી વાણીથી સતત વહેતું રહેલું છે. પાનબાઇને પૂર્ણ જ્ઞાનનું દર્શન કરાવવા સંતવાણીના માધ્યમથી દેવોને પણ દુર્લભ તેવા તેજસ્વી શિખરોનું દર્શન ગંગાસતીએ કરાવ્યું તે આપણાં સંત સાહિત્યનો અમૂલ્ય તેમજ સદાકાળ જીવંત વારસો છે. સાંપ્રત સમયમાં પણ તેમાંથી નિષ્પન્ન થતો બોધ હિતકારી છે. 

મેરૂ રે ડગે પણ જેના મન ના ડગે 

મરને ભાંગી પડે રે ભરમાંડ રે, 

વિપદ પડે પણ વણસે નહિ, 

ઇ તો હરિજનના પરમાણ રે… 

ભાઇ રે ! હરખને શોકની નાવે જેને હેડકીને, 

શિશ તો કિયા કુરબાન રે, 

સતગુરૂ વચનમાં શૂરા થઇ ચાલે, 

જેણે મેલ્યા અંતરના માન રે… 

ભાઇ રે ! નિત્ય રેવું સતસંગમાં રે, 

જેને આઠે પોર આનંદ રે, 

સંકલ્પ વિકલ્પ એક નહિ ઉરમાં 

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે…

ભાઇ રે ! ભગતિ કરોતો એવી રીતે કરજો પાનબાઇ, 

રાખજો વચનુમાં વિશ્વાસ રે, 

ગંગાસતિ એમ બોલિયાં રે 

તમે થાજો સતગુરૂજીના દાસ રે… 

મેરૂ રે ડગે ને જેના મન ના ડગે 

મરને ભાંગી પડે ભરમાંડ રે. 

ઉપરના જાણીતા પદને જોતાં એમ લાગે કે જીવન જીવવા માટેના ઉત્તમ આચાર-વિચારને પ્રવાહી તથા લોકભોગ્ય શૈલિમાં અભિવ્યક્ત કરવાની કળા આપણાં સંત સાહિત્યના સર્જકોને જાણે સહજ રીતે પ્રાપ્ત થઇ હતી. મેરુ પર્વતની સ્થિરતા ધારણ કરીને તથા સંશય માત્રને દૂર રાખીને જીવન જીવવાનો ઉપાય ગંગાસતીએ સૌને માટે તેમની તેજોમય વાણીથી સુલભ કર્યો છે. વિપત્તી તો આવે અને જાય, હરખ અને શોકની લાગણી તો ધૂપ-છાવ સમાન અસ્થાયી છે તેથી પરમતત્વમાં શ્રધ્ધા ધરાવનાર તેવી સ્થિતિમાં વ્યાકુળ શી રીતે થાય ? સતગુરૂના વચનનો આધાર લઇને તથા અહમનો ત્યાગ કરીને નિર્મળતાના માર્ગે ચાલવાનું ગંગાસતીનું આહવાન છે. ગુરુ પૂર્ણિમાના પાવક પ્રસંગે ગુરુને વંદન કરીએ કે તેમના તરફ આદર પ્રગટ કરીએ ત્યારે ગંગાસતીએ ‘સતગુરુ’ ના વચનનો આધાર લેવા કહેલું છે તે બાબત સ્મૃતિમાં રાખવી હિતાવહ છે. પાનબાઇના માધ્યમથી આવા અનેક ઉત્તમ વિચારોનું ભાથું ગંગાસતીએ જગતને બંધાવ્યું છે. માયાના અટપટા સ્વરૂપમાંથી મુક્તિ પણ સદ્ વચનોમાં શ્રધ્ધા રાખીને તથા શૂરા થઇને જીવન વ્યતિત કરનારને પ્રાપ્ત થાય છે તેનું સમર્થન ગંગાસતીએ કર્યું છે. ભક્તિમાં શ્રધ્ધા એ પાયાનું તત્વ છે. માનવ જીનવમાં પણ શ્રધ્ધાના પ્રાગટ્ય સિવાય શુષ્ક વિચારથી જીવનયાત્રા તેજોમય કે આનંદમય થતી નથી તેવો અનુભવ છે. આથી આપણી શ્રધ્ધાનું કેન્દ્ર જ્યાં હોય ત્યાં શ્રધ્ધા રાખીને તેમજ વચનમાં વિશ્વાસ રાખીને જીવનની પ્રતિક્ષણે આનંદમાં રહેવાની અમૂલ્ય ચાવી ગંગાસતીએ પાનબાઇને બતાવીને તેના સરળ છતાં ધારદાર શબ્દોથી આપણાં સૌ માટે સુલભ બનાવી છે. 

સર પ્રભાશંકર પટ્ટણી જીવનની સંધ્યાકાળે તા.૧૬/૦૧/૩૮ ના દિવસે ભાવનગર રાજ્યના ઝાંઝમેર ગામમાં જાય છે. ગામની પ્રાથમિક શાળાની મુલાકાત કરે છે. પ્રાથમિક શાળાના બાળકોએ સમૂહમાં ભજન ઉપાડ્યું અને પટ્ટણી સાહેબને સંભળાવ્યું : ‘‘ મેરુ રે ડગે પણ જેના મન ના ડગે…’’ પટ્ટણી સાહેબ ભજનના ભાવ તથા શાળાના બાળકોની પ્રસ્તુતિથી ભાવ વિભોર અને પ્રસન્ન થયા. શિક્ષકની પણ પ્રસંશા કરીને તેમણે કહ્યું કે ભલે અભ્યાસનું એકાદ પ્રકરણ વિદ્યાર્થીઓને ભણાવવાનું રહી જાય પરંતુ આવા સારા તથા અર્થસભર પદ શીખવવાથી ભવિષ્યમાં સંસ્કારી તથા સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. પટ્ટણી સાહેબનું આ મંતવ્ય આજે પણ એટલુંજ પ્રસ્તુત લાગે છે. 

સંત સાહિત્યની આવી અનેક રચનાઓથી મધ્યયુગનું સાહિત્ય સમૃધ્ધ તથા દૈદિપ્યમાન થયું છે. શ્લોક તથા લોક વચ્ચેનું અંતર નાબૂદ કરવામાં સંતવાણીના સર્જકોએ સિંહફાળો આપેલો છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑