કેટલાક ધન્યનામ સંત કવિઓનું માત્ર નામ સ્મરણ કરીએ ત્યાંજ અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય છે. ગાંધીજી કહેતા એમ ‘ કોશીયા ’ (કૂવામાંથી કોશ વાટે ખેતીના હેતુ માટે પાણી ખેંચનારો શ્રમિક – ખેડૂત)ને પણ સમજાય તેવી સરળ ભાષામાં સાહિત્ય લખાવું જોઇએ. આપણાં મધ્યયુગના સંતોની સરળ ભાષામાં લખાયેલી રચનાઓમાં વેદોની વાણી ઘૂઘવી રહી છે. રવિ-ભાણ સંપ્રદાયના રવિ સાહેબ (ઇ.સ.૧૭૨૭-૧૮૦૪) આવા એક ઉચ્ચ કોટીના સર્જક તથા સાધક હતા. નિર્મળતા – સહજતાનો ધોધ સરળ સ્વરૂપે રવિ સાહેબની સંતવાણીમાં પ્રગટ્યો છે.
મેં પનિહારી રામકી, છીલર જળે ન નહાઉ,
પડદા તોડ પિયાળે પેઠું, નિરમળ જળ ભરી લઉ.
જેનું અનુસંધાન પરમતત્વ સાથે સંધાયેલું હોય તેને છીછરા જળમાં – જગતની અસ્થાયી બાબતોમાં શા માટે રસ પડે ? તીરે ઊભા રહી તમાશો જોનારા આ સંતો નથી. કવિ શ્રી બાલમુકુન્દ દવેના શબ્દો યાદ આવે.
છીછરા જળમાં હોય શું નહાવું
તરવા તો મઝધારે જાવું
ઓર ગાણામાં હોય શું ગાવું
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
ભાણ સાહેબ એ કબીર પરંપરાના સુપ્રસિધ્ધ તથા પ્રભાવી સંત થયા. રવિસાહેબ એ ભાણ સાહેબના સમર્થ તથા સુવિખ્યાત શિષ્ય છે. ભાણ સાહેબની કૃપાનો તેમના જીવનમાં મોટો મહિમા છે.
ધરણી નહિ આકાશ નહિ,
નહીં દિવસ કે રાત્રી,
અલખ પુરૂષ પ્રકાશિયા,
નહિ દીવો કે બાતી.
રવિ સાહેબ કહે છે તેમ આ સંતો સ્વયં પ્રકાશિત છે. ‘ પારકા તેજ ને છાયા ’ ઉછીના લઇને તેઓ જીવ્યા નથી. આથીજ તેમની વાણીનો ઉજાસ આજે પણ ઝળાહળા છે. કારણ કે આ વાણી ‘કાલજયી’ છે. જગતના સંતોના મેળામાં આપણી ભાષાના કોઇ પ્રતિનિધિ સંતને મોકલવા હોય તો એ માટે રવિ સાહેબ સર્વ પ્રકારે સુયોગ્ય છે તેવી સાંઇ મકરન્દની વાત ખૂબજ ઉચિત છે. આ સંતોને ગુરુની કૃપા ફળી છે. આ કૃપા થકીજ તેઓને સ્નેહ તથા ભક્તિના અમૂલ્ય પદાર્થો સાંપડ્યા છે.
આનંદ ઘડી, હેતે ભજવા હરિ,
મારો સાહેબો સોહાગી મળિયા
આનંદ ઘડી…
પ્રેમનો પિયાલો મારા ગુરૂજીએ પાયો,
નુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ.
સત શબદ મારા ગુરૂએ સુણાયો,
જોતાં ને જોતાં અમને વસ્તુ જડી.
રુદિયા કમળમે હુવા અજવાળા,
તખત તરવેણી પર જ્યોતું ખડી
કહે રવિરામ સંતો ભાણ પ્રતાપે,
અગમ આસન ઉપર સુરતા ચડી,
મારો સાહેબો સોહાગી મળીયા…
ભજન એ આપણાં મધ્યકાળના સાહિત્યનું કદાચ સૌથી વધારે લોકપ્રિય થયેલું કાવ્ય સ્વરૂપ છે. ખૂબજ પ્રભાવી તેમજ સરળ વાણીને કારણે તેની પહોંચ ખૂબજ વિસ્તૃત છે. સંસ્કૃત પ્રધાન પૂજા – અર્ચનાની ભાષા કદાચ જન જન સુધી પહોંચવી અને પહોંચે તો પણ સમજાવી મુશ્કેલ હતી. જ્યારે સંતોની આ વાણી માનું દૂધ જે સહજતાથી શિશુના ગળે ઉતરી જાય અને પચે તેવી સુપાચ્ય અને પોષક હતી. સાદગી અને સરળતાના આભૂષણો તેની શોભા હતા. રવિ સાહેબ ફરમાવે છે તેમ જેને ‘સાહેબ’ સાથે મેળાપ થયો છે તેને તો ક્ષણે ક્ષણ આનંદ અને ઉલ્લાસપૂર્ણ બની જાય છે. રવિ સાહેબનું આ દર્શન તે અનુભૂતિનું દર્શન છે. આ દર્શન તો રવિરામને થયું પરંતુ તરતજ ઉમેરે છે કે આ ઉપલબ્ધી પોતાની કોઇ વ્યક્તિગત સિધ્ધિ કે વિશિષ્ટતાને કારણે નથી. આ તો ગુરુ ભાણ સાહેબની પ્રસન્નતા તથા ઉદારતાના પ્રતાપ છે. ગુરુ કૃપાથીજ રવિ સાહેબ પોતાને તથા ‘ભાણફોજ’ ના બીજા શિષ્યોને અમૂલ્ય જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો છે તેમ કહે છે. ‘સબસે ઊંચી પ્રેમ સગાઇ’ નો મંત્ર સંતવાણીના સર્જકોએ ગાયો છે તથા તે કારણથી લોકસમૂહમાં પ્રસર્યો છે. આ સંતોએ જીવનભર વિચરણ કર્યું. ઉદારતા, સ્નેહ તથા સહિષ્ણુતાના પાઠ જનજનને પઢાવ્યા. ‘‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’’ નો સંદેશ પોતાના વાણી-વર્તન થકી વહેતો કર્યો.
બંગાળમાં ઘણાં લાંબા કાળથી મરમી તથા માનવતાપ્રધાન બાઉલ લોકોની ઉજળી ભક્તિ પરંપરા ચાલી આવે છે. કવિગુરૂ ટાગોરની રચનાઓ પર પણ તેનો પ્રભાવ હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં રવિભાણ સાહેબની ઉજળી પરંપરા પણ આવીજ પ્રભાવી, નિર્મળ તથા જીવન માટે પથદર્શક છે. તેથીજ તે વાણી સર્વકાળે પ્રાસંગિક છે. મધ્યયુગના આ સંતોની વાણીમાં સરળતા છે. સંત સાહિત્ય સૂર્ય પ્રકાશની જેમ સર્વને સુલભ છે. પંથ કે સંપ્રદાયના વાડામાં આ સંતો બંધાયા નથી. નાત જાતના કોઇ ભેદ આ સંતોએ માન્યા નથી. જ્યાં અન્યાય કે પાખંડનું દર્શન થાય ત્યાં તેને ખુલ્લી રીતે આ સંતોએ પડકારેલું છે. સમર્પણ તથા નિરાભિમાનીતા એ તેમની વાણીમાં અને જીવનમાં અભિન્ન તાણાંવાણાંની જેમ ગૂંથાયા છે. ગંગાસતીએ ગાયું છે :
ભક્તિ કરવી તેને
રાંક થઇને રહેવું ને
મેલવું અંતરનું અભિમાન રે.
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવી
કરજોડી લાગવું પાય રે…
ભક્તિમાર્ગના સંતો ભજનવાણીમાં સોળે કળાએ મહોરી ઊઠ્યા છે. તેમની રચનાઓ લોકજીભે ચડીને પ્રસરી છે. આજે પણ આ રચનાઓ સતત ગવાતી અને સંભળાતી જોવા મળે છે. વાણીના આંતરિક સત્વ સિવાય આવું કેવી રીતે બની શકે ? સતારશા જેવા ભજનવાણીના ઉપાસકોએ સાચો માર્ગ ગ્રહણ કરવા પ્રેરણા પૂરી પાડી છે.
ન જાવું ન જાવું કુમાર્ગે કદાપિ
વિચારી વિચારીને પગલાં ભરું છું…
શું પૂછો છો મુજને કે હું શું કરું છું
મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું.
સંત જ્ઞાનેશ્વરના અર્થસભર શબ્દોને મકરંદભાઇ યાદ કરાવે છે. ‘સંત કૃપાદીપકુ સોજવળ અસે’ સંતોનો કૃપાદીપ ઝળહળી રહ્યો છે એજ આપણું સદ્દભાગ્ય છે. આ કૃપાદીપનું અજવાળું સૌને સદાકાળ સુલભ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment