: સંસ્કૃતિ : : સ્નેહ અને કરુણાની મૂર્તિ : મહારાજ રવિશંકર :

બ્રિટીશ સરકાર સામેના દેશના કેટલાક જાણીતા સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. મહારાજ તેમાં સત્યાગ્રહી ખરાજ. ગોરી સરકારે તેમની ધરપકડ કરી તેના સમાચાર દેશભરમાં ફેલાયા. આ પ્રસંગે ગાંધીજીએ એપ્રિલ-૧૯૨૮ માં રવિશંકર મહારાજને લખેલો પત્ર હૈયામાં કોતરી રાખવા જેવો છે. બાપુ લખે છે : 

ભાઇ શ્રી રવિશંકર,

તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેનાથી સંતુષ્ટ. ટાઢ અને તડકો તમારે મન સરખા. ચીંથરા મળે તો ઢંકાઓ. હવે જેલમાં જવાનું સદ્દભાગ્ય પણ તમને પહેલું. જો ઇશ્વર અદલાબદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે અદલાબદલી કરું. તમારો અને દેશનો જય હો ! – બાપુના આશીર્વાદ. 

સમગ્ર વિશ્વ જે વ્યક્તિનો સદીના મહામાનવ તરીકે આદર કરે છે તેવા સાબરમતીના સંત મહાત્મા ગાંધીજીનું આવું પ્રમાણપત્ર મેળવનાર ‘‘ રાજ વિનાના મહારાજ ’’ તથા તેમનું સામાજિક સદ્દભાવ પ્રગટાવવાનું કાર્ય આજે પણ અનેક પ્રસંગે યાદ આવે છે. બદલાતા કાળખંડમાં મહારાજનું જીવન કદી પણ અપ્રાસંગિક થાય તેવું નથી. મૂઠી ઊંચેરા આ માનવી માનવ સમાજના ચિરંતન આભૂષણ સમાન છે. સૌમ્ય સ્વભાવ અને પૂર્ણ વિવેક મહારાજના વ્યક્તિત્વમાં અભિન્ન અંગ સમાન હતા. 

કિસીકો ન હો સકા

ઉસ કે કદકા અંદાઝ

વો આસમા થા

પર સર ઝુકાકે ચલતા થા.

કાળના વાવાઝોડા પ્રસંગોપાત આકરા પણ હોય છે. સમાજને ક્યારેક તેની ગંભીરતા પણ વિલંબથી સમજાય છે. જ્યારે માહોલમાં શીતળતાનો મૃદુ સ્પર્શ હોય ત્યારે ખાસ કોઇ ચિંતા કરવાનું આપણાં સ્વભાવમાં નથી. તરસ લાગે ત્યારે કૂવો ખોદવાની વૃત્તિ વ્યક્તિગત કે સામુહિક સ્વભાવમાં હોય તો એ સ્વસ્થતાની નિશાની નથી તેવું પાઠ્યપુસ્તકોમાં જરૂર ભણાવાય છે. પ્રવચનોમાં પણ આ વાત ભારપૂર્વક કહેવાય છે. પરંતુ આપણે આ વાત આત્મસાત કરી છે ખરી ? વ્યવહારમાં ઉતારી છે ખરી ? જવાબ પ્રોત્સાહક કહેવાય તેવો મળી શકતો નથી. સમાજ જીવન નાની સરખી બાબતમાં પણ ડહોળાય અને આપણાં ભાંડુઓ તરફનો માનવ સહજ સદ્દભાવ આપણે ગુમાવીઓ તો માત્ર ભૌતિક સુવિધાઓમાં વ્રધ્ધિને પ્રગતિ કહેવામાં અતિશયોક્તિ થશે. આવી એકાંગિ પ્રગતિ ભૌતિક સમૃધ્ધિ સાથે શાંતિ લાવી શકશે નહિ. સમાજના નબળા ભાંડુનો હક્ક છીનવીને કોઇ વિશેષાધિકાર ભોગવીઓ તો આવું સુખ કે સુવિધા ક્ષણિક હશે. તેના અનેક ભયસ્થાનો પણ તેની સાથે જોડાયેલા રહેશે. વિનોબાજીની શીખના સંદર્ભમાં કવિ શ્રી કાગે લખ્યું હતું : જડપેલું અમી અમર કરશે (પણ) અભય નહિ આપી શકશે. આવો વિકટ સમય હોય ત્યારે એક સ્વસ્થ સમાજની રચના તેમજ સમર્પિત સામાજિક નેતૃત્વની આવશ્યકતા અનેક લોકો અનુભવતા રહે છે. જ્યારે પણ આવી અનુભૂતિ થાય ત્યારે તેનો ઉકેલ શોધવા માટે રવિશંકર મહારાજની સૌમ્ય મૂર્તિ નજર સામે તરવરે છે. 

તમે…. મહારાજ…. !

રાજ વિનાના રાજ…

માનવ મનના મહારાજ…

છતાં નથી ક્યાં તમારા રાજ… ?.

અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં દાદાની અમીભરી આંખના શિતળ છાયે મહારાજના સ્વાનુભવની અનેક વાતો સાંભળીને મેઘાણીભાઇએ ધન્યતા અનુભવી છે. મહારાજ તથા મેઘાણીભાઇની આ મુલાકાતના પરિણામેજ વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી શકે તેવી ‘માણસાઇના દીવા’ ની વાતોએ જગતમાં નૂતન પ્રકાશ પાથર્યો. રુક્ષ તથા અવિચારી દેખાતા કે ઓળખાતા વર્ગની અમીરાતની તેમજ ખમીરની વાતો મહારાજના અમૂલ્ય અંગત અનુભવોમાંથી જગતને  પ્રાપ્ત થઇ. મેઘાણીભાઇ પોતાના જીવન સંગ્રામ સાથે જોડાયેલા પ્રસિધ્ધ ‘‘ફૂલછાબ કાર્ટૂન કેસ’’ ના સંદર્ભમાં અમદાવાદ હતા ત્યારે તેમને સર્વ પ્રથમ રવિ-દર્શન થયું અને આ મંગળ મૂર્તિ કવિના દિલમાં ઊંડી ઊતરી જવા પામી. મેઘાણીભાઇ મહારાજનું pen – picture આપતાં લખે છે : ‘‘પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણને ટાઢતડકે ત્રાંબાવરણી બનાવી, ટીપીને કોઇ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, બંડીએ અને પીળી ટોપીએ, ઉઘાડે તથા મોટે પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હમેશાને માટે વસી ગઇ છે’’ મહારાજ તથા મેઘાણીના ઐતિહાસિક તથા ઉપકારક મિલનને કારણે મહીકાંઠાની જનતાના વિશેષ તેમજ સોંસરવા દર્શનનો તેમજ તેમના જીવનની અદભુત વાતોનો અનુભવ સમગ્ર વિશ્વને થયો. 

મગનભાઇ જો. પટેલ (મ.જો.) હમણાં સુધી આપણી વચ્ચે સદેહે શોભતા હતા. મ.જો. તો મોટા ગામતરે ગયા પણ તેમની નજરે દાદાનું (રવિશંકર મહારાજનું) દર્શન કરવું તે મનમાં પરાવાર પ્રસન્નતા પ્રગટાવે તેવું છે. રાધનપુરમાં મ.જો. દાદાને મળ્યા અને દાદાના થઇને જીવવાનો તેમણે સંકલ્પ કર્યો. દાદા ગામડાઓનો થકવી નાખે તેવો પગપાળા પ્રવાસ કરીને સાંજે રાધનપુર પાછા આવે છે. વાતવાતમાં લાંબા પગપાળા પ્રવાસના થાકની વાત કરે છે. મ.જો. દાદાના પગ દાબીને તેમનો થોડો થાક ઓછો કરવા પ્રયાસ કરે છે. પરંતુ મ.જો. લખે છે કે જેવા તેઓ મહારાજના પગનો સ્પર્શ કરે છે તો તરતજ જાણે વીંછીએ ડંખ દીધો હોય તેમ બન્ને પગ પાછા ખેંચી લે છે. વાત્સલ્યભાવથી મ.જો.ને પગ દાબવાની સ્પષ્ટ ના કહી તેમને આરામ કરવાનું કહે છે. ક્યારે પણ કોઇની સેવા સ્વીકારવાની સહેજ પણ તૈયારી નહિ. સ્વામી આનંદે મહારાજ માટે લખેલા શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે. 

‘‘ હું તો રોજ સવાર – સાંજ માળા – પ્રાર્થના વખતે ‘‘પુણ્યશ્લોકો નલોરાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર’’ સાથે મહારાજનું નામ આધુનિક પુણ્યશ્લોકોમાં વર્ષોથી લેતો હોઉ છું. પુણ્યશ્લોક એટલે પુણ્યનો પહાડ. મહારાજ ગુજરાતના સૌથી ઊંચા સેવક અને સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે. ’’ સ્વામીદાદા સિવાય આવા સટીક શબ્દોમાં ગુણાનુરાગ કોણ કરી શકે ?

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૯/૦૬/૨૦૧૬.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑