: લાખેણા માડુ : લખુબાપુ :

મીઠપ વાળા માનવી

જગ છોડી જાશે

કાગા એની કાણ

ઘરોઘર મંડાશે.

લખુબાપુ ઓચિંતા જ ગયા એનો આંચકો સમગ્ર સમાજે અનુભવ્યો. ‘ બાપુ ’ નું સંબોધન હક્કથી પામેલા આ મર્મી માનવ અનેક દિકરીઓને માતૃતુલ્ય સ્નેહ આપીને ગયા. જૂનાગઢ છાત્રાલયમાં અભ્યાસ કરતી દિકરીઓની દુવાથી લખુભાઇ યુવાનને પણ શરમાવે એટલું કામ અને પરિશ્રમ મોટી ઉમ્મરે પણ કરતા હતા.

લખુભાઇ જે પરિવારમાંથી આવે છે તે પરિવાર માત્ર આપણાં સમાજમાંજ નહિ પરંતુ દરેક સમાજમાં આદરને પાત્ર બનેલું છે. મેઘાણંદબાપાના મેધાવી વ્યકિતત્વથી પ્રભાવિત થઇને ક. મા. મુનશી જેવા મોટા ગજાના સાહિત્યકારે તેમને નિરક્ષર સાક્ષર કહીને બીરદાવ્યા હતા તે જાણીતી ઘટના છે. મેઘાણંદબાપાના ઉજળા સંસ્કાર તેમના સુપુત્ર મેરૂભાબાપુ અને તેમના તમામ ભાઇઓમાં જગતે જોયા અને અનુભવ્યા. શીલ, સૌજન્ય અને નખશીખ ગરવાઇના અવતાર સમાન મેરૂભાબાપુએ સમગ્ર સમાજની શોભા વધારી છે. મેરૂભાના અનુજ પિંગળશીબાપુને કવિ ઉમાશંકર જોશીએ શીલભદ્ર સાહિત્યકાર કહીને બીરદાવ્યા હતા. ‘‘હરિની હાટડીએ હટાણું’’ કરનાર સુવિખ્યાત કવિ પિંગળશીભાઇ લીલા આ કૂળના સંસ્કાર ઓઢીને જીવ્યા અને સમાજને દિપાવ્યો. લગભગ અડધી સદી પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ ચારણી સાહિત્યકારોનું જાહેર સન્માન કર્યું ત્યારે આ પાંચ સન્માનિત દિગ્ગજોમાંથી બે ભાઇઓની જોડી તો આ એક જ લીલા કુંટુંબમાંથી હતી. આ રીતે લખુભાઇએ પણ પોતાના આવા પ્રતાપી કુંટુંબની આભથી ઊંચેરી શાખમાં પૂર્તિ કરી છે તેમ ચોકકસ કહી શકાય.

છેલ્લાં થોડા વર્ષોમાં સંસ્થાઓ ઊભી કરવા કરતાં પણ આવી સંસ્થાઓનો હેતુ સિધ્ધ થાય તે રીતે ચલાવવાનું કામ વધારે મુશ્કેલ થયું છે. સમાજના ઘણાં લોકોની આવી લાગણી તથા ચિંતા છે. પિંગળશીભાઇ પાયક કે પચાણભાઇ (કચ્છ) જેવા સમર્પિત લોકોની ખોટ અનુભવી શકાય છે. આવા સંજોગોમાં જૂનાગઢ કન્યા છાત્રાલયનું સંચાલન જે રીતે લખુભાઇ તથા તેમના સાથીઓએ કર્યું તે વિશિષ્ટ છે અને દાખલારૂપ છે. સંસ્થા શરૂ થયા પછી દરેક વર્ષે તેની પ્રગતિ ઉત્તરોત્તર વધતી જોવા મળી છે. સંસ્થામાં રહીને અભ્યાસ કરતી રાજ્યના જૂદા જૂદા વિસ્તારોની દિકરીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી રહી છે. છેલ્લા થોડા વર્ષોના પરિણામો તરફ નજર કરીએ તો આ વાત વધારે સ્પષ્ટ થાય છે. પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી લખુભાઇનો ફોન આવે ત્યારે દિકરીઓની આ સિધ્ધિની વાત કરતા લખુભાઇ સોળે કળાએ ખીલી ઊઠતા હતા. દિકરીઓના માવતર અનુભવે તેથી પણ જાણેકે વિશેષ ગૌરવ અને પ્રસન્નતા લખુભાઇ અનુભવતા હતા. આત્મિયતાની આવી લાગણી ભાગ્યેજ જોવા મળે છે. લખુભાઇની સારા કામ માટેની ટહેલને સમાજે પણ ભાવપૂર્વક વધાવી લીધી છે. એક સંસ્થા ઊભી થાય અને પગભર થાય તે પણ નોંધપાત્ર ઘટના ગણાય. લખુભાઇએ તો એક સંસ્થાનું ઉત્તમ સંચાલન કરીને અલગ તથા સ્વતંત્ર સમાજવાડીનું નિર્માણ કર્યું તે ભાગ્યેજ જોવા મળે તેવી ઘટના છે. સમાજમાં જે લોકો સંસ્થાઓનો વહીવટ કરે છે. તેમને લખુભાઇનો કાર્યદક્ષ વહીવટ હંમેશા પ્રેરણા તથા માર્ગદર્શન પૂરું પાડશે. 

લખુબાપુની વધતી ઉમર સાથે જોડાયેલી નાની મોટી શારીરિક તકલીફો હોય તે સ્વાભાવિક છે. ઉપરાંત છેલ્લા બે ત્રણ વર્ષોમાં કેટલીક અંગત તકલીફોનો પણ તેમને સામનો કરવો પડ્યો હતો. આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ લખુભાઇ કદી ડગ્યા નથી, થાક્યા કે હાર્યા નથી. જીવનના અનેક આધાતો ઝીરવીને પણ તેમણે સ્નેહ અને સમર્પણના ઝરણા હસતા મુખે વહેતા કરેલા છે. ભગતબાપુના આ શબ્દો જાણે એમના માટેજ લખાયા હોય તેવી પ્રતિતિ થયા કરે છે. 

ખુશખુશના મેવાને સહુ

આગળ ધરી દેજે

ભરી લેજે ઊનો નિસાસો એકલો

તારા સુંદર વાજિંત્રો

મિત્રોને દઇ દેજે,

લઇ લેજે તારો તંબૂર એકલો

જૂનાગઢની સંસ્થાના સુંદર વાજિંત્રને સમાજની સનમુખ ધરી દઇને એકતારાના તારે મોટું ગામતરું કરનાર લખુબાપુ વિસરી ન શકાય તેવા સ્વજન હતા. લખુભાઇ જયારે મળે ત્યારે સમાજની દરેક સંસ્થા બાબત કાળજીથી ચર્ચા કરતા. તેમની મહેચ્છા દરેક સંસ્થાને ફૂલી-ફાલેલી જોવાની હતી એજ રીતે  સમાજના લોકો વચ્ચે અખંડ સ્નેહની સરવાણી નિરંતર વહેતી રહે તે તેમની અભિલાષા હતી. આવા ‘સદેખા’ માણસની ખોટ વરતાયા કરશે. લખુભાઇને પસંદ પડે તેવી અંજલી શબ્દોથી નહિ પરંતુ તેમને વહાલા હતા તેવા કામ કરીનેજ આપી શકાય. જૂનાગઢ કન્યા છાત્રાલયમાં શિક્ષણ પામેલી દરેક દિકરીની ભાવી પ્રગતિમાં લખુભાઇની તનતોડ મહેનતનું નિરંતર દર્શન થતું રહેશે. લખુબાપુ ગયા એ વાત સ્વીકારવા મન માનતું નથી. સમગ્ર સમાજ લખુભાઇના કુંટુંબને લાગેલા આઘાતમાં સહભાગી છે. ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં લખુભાઇના ઉજળા અને જાગતા હોંકારાની ખોટ વરતાયા કરશે તે નિર્વિવાદ છે. 

વી.એસ.ગઢવી

ગાંધીગનર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑