કવિ શ્રી દુલા ભાયા કાગ લખે છે : ‘‘ જે ધરતીએ આપણને ઝીલ્યા, જે ધરતીએ આપણને પોષ્યા તે ધરતીને યાદ ન કરીએ તો શા કામનું ? પ્રભુ, શક્તિ, મા આદિ જે બધું છે તેના ગુણગાન કરવા. એજ મુક્તિ છે એમ હું માનું છું. આથી મેં જગજનની મહામાયાના ગુણગાન કર્યા છે. ’’
મીઠા વિનાનું અન્ન લૂખું કે
જાગતી જોગમાયા,
એવું શક્તિ વિનાનું પંડ ખોખું
જોરાળી જોગમાયા.
કવિ એ સરસ્વતીનો ઉજળો વારસદાર છે. ચારણ કવિ શક્તિ પુત્ર છે. આથીજ કવિ શ્રી કાગ જેવા ચારણ કવિની રચનાઓમાં જગતજનની મા નું તત્વ કેન્દ્રસ્થાને છે. કવિ કાગની ઉપરના શબ્દોની પંક્તિઓ આ વાતની પ્રતિતિ કરાવે છે. શંકરાચાર્ય જેવા અદ્વૈતવાદી આચાર્યે પણ શક્તિના સ્તોત્ર લખીને સાર્થકતાનો ભાવ અનુભવ્યો છે. રામકૃષ્ણદેવનું તો સમગ્ર જીવનજ મા ને સમર્પિત હતું. કવિ કાગનું આવુંજ સર્વગ્રાહી તર્પણ ભેળિયાવાળી મા સોનબાઇના ચરણોમાં થયેલું જોવા મળે છે.
માનવ કો પડશો નહિ
કપટ તર્કને કૂપ
તર્કરહિત નિર્મળ સદા
સોનલ બ્રહ્મ સ્વરૂપ.
કવિ કાગ પોતાના કાળના સંસ્કારગુરુ છે. નૂતન સૂર્યોદયની આગોતરી પરખ કરનાર આ ક્રાંત દ્રષ્ટા કવિના મૂળ ધરતી સાથે મજબૂત રીતે જોડાયેલા છે. આથી કવિની વાણીમાં ધરાની સોડમ તથા મીઠાશ બન્ને ભળ્યા છે. માતૃશક્તિની ઉપાસનાની સુંદર રચનાઓ અનેક સર્જકોએ કરી છે પરંતુ લોકવાણીના બાળુકા માધ્યમથી પ્રગટેલી કવિ કાગની રચનાઓ સદાકાળ લોકોમાં ગવાતી-ઝીલાતી તથા વધાવાતી રહી છે. કવિએ આ સાર્વત્રિક પોષણ કરનારી જગજનનીના ખોળેજ છેવટે સમાઇ જવાની ઉરની ઇચ્છા વ્યક્ત કરી છે.
જે કર માડી ઝીલીઆ
જે કર પોષ્યા જોય
તેડી લેજે તોય
એ કરથી છેવટ કાગડા.
કવિ કાગને એ વાતની પૂર્ણ પ્રતિતિ છે કે કાળના પ્રતિકૂળ પ્રવાહમાં સુનકાર તથા ભેંકાર દીસતા અનેક હૈયા સ્વરૂપી દીવડાઓને ઉજાસ જોગમાયાની કૃપા થકીજ સાંપડેલો છે. માનવીના હ્રદયમાં જ્યારે સ્નેહની સરવાણી સૂકાય છે ત્યારે જીવતરની સ્નિગ્ધતા અને મીઠાશ અદ્રશ્ય થાય છે. આવા ખારા ખેતર જેવા હૈયામાં શ્રધ્ધા અને ભક્તિની ખેતી થઇ શકતી નથી. આવી સ્થિતિમાં અનેક હૈયાના ખેતરને ખેડીને શ્રધ્ધા તથા સ્નેહનો ઉજળો ફાલ જોગમાયાના આશીર્વાદ થકીજ સંસારને સાંપડ્યો છે. કવિ પોતાને મા ની દયાનો દીવો ગણાવે છે. આ નાના શા દીવાની ભવ્ય ઝંખના કોઇના મારગમાં અજવાળું કરીને ઓલવાઇ જવાની છે.
માડી કૈંક કોઠાના પડેલા ખાલી કોડિયાં,
માડી એમાં દીવડાંની જગવી તે જ્યોત રે…
ભેળીઆળી તારાં ભામણાં !
માડી તેં તો ખારાં ખેતરડાંને ખેડિયાં
માડી એમાં લીલી મોલાતું લેર્યે જાય રે…
ભેળીઆળી તારાં ભામણાં !
માડી તારી દયાનો દીવડો રે જીવડો ‘કાગ’નો
કોઇના કેડાને અજવાળી ઓલવાઇ જાય રે…
ભેળીઆળી તારાં ભામણાં !
માડી તારાં વારણાં લઉ વીશ ભુજવાળી રે…
જગત જનનીના દેહ પર શોભાયમાન ઊનના પરંપરાગત કાળાં ઓઢણાં (ભેળીઆ)નું સ્મરણ કરીને સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કવિને મા ના આશીર્વાદનું પરિણામ દેખાય છે. મા ની સર્જનશક્તિ અસીમ છે, અમાપ છે. ભેળીયાની ભવ્યતા પણ જૂદી છે. ઇશ્વરનું જેમ દરેક સર્જન વિશિષ્ટ છે તેજ સ્થિતિ અહીં જોવા મળે છે. મા થકી જગતનું સર્જન જે તાણાંવાણાંમાં વણાયું છે તે સત્ય અને વ્રતના ઉજળા તાણાંવાણાંથી ગૂંથાયેલું છે. તેથી તેની શોભા અન્ય દુન્વયી ચીજોથી જૂદી છે. મા ના આવા દૈદીપ્યમાન જગતના સર્જનનું દર્શન દરેક માનવને સહજ રીતે ઉપલબ્ધ છે. ખરા દર્શનની યોગ્યતા માનવીએ ઉજળા કર્મ કરીને પ્રાપ્ત કરવી પડે છે. માના વ્યક્તિત્વ થકી ઉજળા એવા કાળા ભેળીયાનું ગૌરવ કાળા ‘કાગ’ને ભરપુર છે. મા ના દર્શનનું ગૌરવ જીવનના ઉજળા કર્મ થકી કવિની જેમ સૌ કોઇને સુલભ છે. કવિ તો રાહબર છે. આ ઉન્નત માર્ગે ચાલવાનું પ્રણ તો આપણે સૌએ વ્યક્તિગત રીતે લેવું પડશે અને પ્રણ લીધા પછી ટકાવી રાખવું પડશે.
માડી ! એમાં સતના તાણાં ને વ્રતના તાગડાં
માડી ! તારે ભેળીએ ભર્યા છે ભુંગર તપ રે…
જગદંબા ભોળી ! કોણે રે વણ્યો મા તારો ભેળીઓ ?
માડી ! કોઇ સતીઆ ભજે રે તારો ભેળીઓ
માડી ! એને કૂડિયાં સંભાર્યે સળગી જાય રે…
જગદંબા તારો ભેળીઓ.
માડી મારો વાન છે કાળો ને કાળો ભેળીઓ
માડી ! તેથી ભળી ગયો ભેળીયામાં કાળો ‘કાગ’ રે…
જગદંબા તારો ભેળીઓ.
જગતમાં ઘણાં બધાં લોકોનો એ સામાન્ય અનુભવ છે કે કેટલીક બાબતો તથા કેટલીક ઘટનાઓ શબ્દાતીત હોય છે. આવી ઘટના શબ્દોમાં સમાતી નથી. કાન્ત જેવા કોઇ મોટા ગજાના કવિને સાગર કિનારે ઊભા રહીને ઉછળતા સમુદ્ર તથા ઉગતા ચન્દ્રનું દર્શન કરીને રળિયામણાં શબ્દો પ્રગટી શકે. પરંતુ મોટા ભાગે આવી ઘટનાઓનું વર્ણન કરવું મુશ્કેલ હોય છે. ગાંધીજીના ઓચિંતા મૃત્યુ પછી કેટલાયે લોકો અસાધારણ આઘાતને કારણે કોઇ પ્રતિક્રિયા આપી શક્યા ન હતા તે ઘટના જાણીતી છે. જગદંબાના અનેકવિધ સ્વરૂપનું દર્શન કર્યા પછી કવિ કાગને શબ્દોની પણ એક મર્યાદા આવી જતી હોય તેમ લાગે છે. કારણકે જગદંબાનું સ્વરૂપ જ શબ્દાતીત છે તેની કવિને પ્રતિતિ થઇ હશે. શબ્દની પણ આવરદા આવી જતી હોય તેવો કવિ કાગનો આ ભક્તિભાવ કાવ્ય સર્જનની એક નૂતન સૌરભ પ્રસરાવી જાય છે. કવિની ભક્તિમાં એવી દૃઢ શ્રધ્ધા છે કે આ જગતની રચના અને તેની અનેકવિધ ગતિવિધિઓજ એક મોટા રહસ્યનો વિષય છે. કુદરતની આ રચનાજ સ્વયંપ્રકાશિત છે. તેને વળી વિશેષ પરચાના પુરાવાની ક્યાં જરૂર છે ? પરમાત્માની આ સૃષ્ટિ જ અનેક પરચા ગર્ભમાં સમાવીને સ્થિર થયેલી છે. જેણે આ સ્વરૂપને નીરખ્યું છે તેની તો વાણી કવિ કહે છે કે વિરામ પામી છે. વિરાટ દર્શન પછી કવિને માતાની નિંદ્રાના ગીત ગાવાના ઓરતા જાગે છે.
ગાવાં ગાવાં તારી સેજલડીના ગીત
ગાવાં ગાવાં તારી નીંદરુંના ગીત
વાણીના સીમાડા માડી ત્યાં પૂરા થયા હો રાજ !
શબદની આવરદા બાઇ ત્યાં આવી રહી હો રાજ !
માડી લટકે લાખું જો ભરમાંડ
માડી લટકે ચાંદલિયો ને ભાણ
સાગરિયો વગાડે નવલખ નોબતું હો રાજ !
માડી તારા પરચાનો નહિ પાર
અધૂરિયાં માગે રે મા મને પરચા પૂરો રાજ
માડી તુજને કોકજ જાણે ‘કાગ’
મનમાં સમાણાં ને જંપી જીભડી હો રાજ !
જગદંબાની સ્તુતિ અનેક ઋષિઓએ શ્રધ્ધાપૂર્વક કરી છે. આજ રીતે અનેક લોકકવિઓએ પણ મા ની મોટપને વધાવી છે. આ બધી સ્તુતિઓ સુંદર છે. પરંતુ કવિ કાગની અનેક રચનાઓ જે પૂ.આઇશ્રી સોનબાઇમાને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે. તેનું સૌદર્ય વિશિષ્ટ છે. ભગતબાપુના આ સર્જનોમાં સર્જકની શકિત સાથે ભકિતનો ભાવ ભળેલા હોય તેમ અનુભવી શકાય છે. પરિણામે આ રચનાઓ વિશેષ લોકભોગ્ય બની છે. આજે પણ કવિ કાગની જગદંબા સ્તુતિઓ સાંભળવાનો લોકાગ્રહ પણ અનેક કાર્યક્રમોમાં નજરોનજર જોવા મળેલો છે. આમ છતાં કવિ કાગ જેવા મોટા ગજાના સર્જકને સાંપ્રત સ્થિતિનો પણ પૂરો અહેસાસ છે. જગદંબાની સ્તુતિ કરી તેના ચરણોમાં રહેનારો દેવીપુત્રોનો સમાજ ભૂતકાળમાં જે સ્થિતિમાં હતો તે સ્થિતિ વર્તમાનમાં જાળવી શકયો નથી તેની કવિને પ્રતિતિ છે. આવી પ્રતિતિનો એક ખટકો પણ કવિની કાવ્ય પંકિતઓમાં નિહાળી શકાય છે. કવિની આ જાતભણીની જાતરામાં વિવેક અને ગરવાઇનું દર્શન થાય છે.
રાસ રમતી હતી અમતણી જીભ પર
ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં
સચર ને અચર સૌ મુગ્ધ બનતા હતા
તાલ દઇ સંગમાં ગીત ગાતાં
નર નરાધીશ જગદીશ રીઝયા હતા
અમતણાં એજ ઝરણાં સુકાયા
ખોળલે ખેલવ્યા બાળને માવડી
આજ તરછોડ મા જોગમાયા !
જે સર્જક અથવા જે સમાજ મા ભગવતીનો ઉપાસક છે તે આત્મઅર્પણમાં માનનારો હોય અને આકરા બલિદાન આપવાની ક્ષમતા ધરાવતો હોય તે તેની પાયાની શરત છે. આવા આત્મઅપર્ણની બાબત દુષ્કર હોવા છતાં ઇતિહાસમાં અનેક કાળે તથા વિવિધ પ્રસંગોએ સાર્વત્રિક હિત માટે વ્યક્તિગત સુખ અને સલામતી સ્વેચ્છાએ ત્યાગ કરવાના ઉદાહરણો આલેખાયા છે. રાજસ્થાનના વીર કેશરીસિંહજી બારહઠ્ઠ જેવા સર્જક અને ભગવતી ઉપાસકને પોતાના સમયકાળમાં દેશની આઝાદીનું કાર્ય એ ખરો યુગધર્મ જણાયો અને આત્મઅર્પણનો અનોખો સુર તેમણે છેડ્યો. યુવાન પુત્રનું બ્રિટિશ જેલમાં થયેલા અપમૃત્યુથી પણ તેમની ધીરજ સહેજે પણ ડગી નહિ. સમર્પણના આ સુર તથા તેની સાથે જોડાયેલો ભાવ જો સાંપ્રત સર્જનથી વેગળો થયો હોય તો કવિને આ સ્થિતિ રુચિકર લાગતી નથી. આથીજ પુન: ગૌરવ પ્રાપ્ત કરવાની કવિની આભથી ઊંચી મહેચ્છા છે અને તેનોજ પડધો કવિના અર્થસભર શબ્દોમાં ઝીલાયો છે. આ મહેચ્છા જગદંબાના આશીર્વાદ થકીજ શક્ય બની શકે તેવી છે તેવો કવિનો અહેસાસ છે.
આત્મ અર્પણ તણાં પ્રથમ ભુવ ભારતે
ચારણે કંઠથી સુર છેડ્યાં
લાખના લોહીની ધાર અટકાવવા
ચારણે આપના લોહી રેડ્યાં
સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી
સ્વતંતર જીવનના ગુણ ગાયાં
ખોળલે ખેલવ્યાં બાળને માવડી
આજ તરછોડમાં જોગમાયા
સત તણાં સ્વાંગ રણભોમ રંગમેલમાં
પહેરીને અસતના દાંત ઝેર્યા
અંબિકા તુજ તણાં એજ પુત્રો અમે
અસતના શામળા પાઠ પેર્યા.
અંધ લંપટ અને નફટ છોરું બને
માત છોડે નહિ તોય માયા….ખોળલે…
જગદંબાની સ્તુતિ કરતાં ભગતબાપુ સહિતના ચારણ તથા ચારણેતર સર્જકોએ કોઇ પણ પ્રકારની અંધશ્રધ્ધાનું કે પરચા આદિ બાબતોનું સમર્થન કે GLORIFICATION કર્યું નથી. જગતજનની મા ને તેમણે ઉગમણાં ઓરડાવાળી ગણાવીને નૂતન દર્શન કરવનાર તથા સ્નેહનું નિરંતર સિંચન કરનાર તરીકે ઓળખાવી છે. આઇઓની આ ઉજળી પરંપરાના ગુણ ગાતાં વિદ્વવતજનોએ નિહાળ્યું કે ઘણાં કિસ્સાઓમાં સંસારમાં રહીને આઇમાતાઓ શ્રમપ્રધાન અને ભક્તિપ્રધાન જીવન વ્યતિત કરતી હતી. મહેમાનોને ભોજન કરાવવાના કાર્યને તેઓ સહજ ધર્મકર્મ તેમજ ગ્રહસ્થી ધર્મ ગણતી હતી. રામાયણ પરત્વે તેમની ઊંડી પ્રીતિ હતી. પોતાના જ્ઞાનથી કોઇને પ્રભાવિત કરવાનો આછેરો પણ પ્રયાસ આ દેવીઓએ કર્યો નથી. આઇમાતાઓએતો સ્નેહસિંચન કરીને જગતની લીલી વાડીને પોષણ આપવાનું કાર્ય કરેલું છે. સમાજમાં અન્યાય કે અવ્યવસ્થા જણાય ત્યાં સાપ કાંચળી ઉતારે તેવી સહજતાથી પોતાના જીવનને સત્ય તથા ન્યાયની યજ્ઞવેદી પર ન્યોછાવર કરેલું છે. ઉત્તમ વિચારો જેટલું જ સમર્થન ઉત્તમ આચરણનું પણ આપણી આ માતૃ પરંપરાએ કરેલું છે. ઉજળા આચરણના બળ થકીજ જોગમાયાના આશીર્વાદ મળે છે અને ફળે પણ છે. વિદ્યાનો પરંપરાગત વારસો જાળવીને બેઠેલા કવિકાગ સહીતના સર્જકો એ ખરેખર તો એક સંસ્થાગત અને સ્થાયી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કે પરંપરાની ભવ્યતા જગતે જોઇ છે અને પ્રમાણી છે. આ ઉજળી પરંપરાની મશાલ હાથમાં લેનારા બદલાયા કરે પરંતુ તેનું તેજ તો યજ્ઞશીખાની જેમ સદાયે ઉજ્વળ તથા પાવક રહે છે. આ વ્યવસ્થાના આત્મગૌરવનો તેજોવધ ન કરવાની ઝવેરચંદ મેઘાણીની સલાહ હૈયામાં સાચવી રાખીને જીવનમાં ઉતારવા જેવી છે. શક્તિના અલૌકિક મહીમાનું ગામ કરનાર અનેક સર્જકોમાં કવિ શ્રી દુલા ભાયા કાગનું સ્થાન હમેશા અગ્રસ્થાને રહેશે તે નિર્વિવાદ છે.
વી.એસ.ગઢવી
ગાંધીગનર.
Leave a comment