: સંસ્કૃતિ : : અમે તો જઇશું અહીંથી : આ અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે :

‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે અને વિશ્વકોશ તો શુધ્ધ અને  સંગીન માહિતીનો ભંડાર છે. ’’ સમગ્ર જીવનના નવનીત રૂપ આવો વિચાર કોઇક વિરલાજ કરી શકે. આવો વિચાર માનવીના વિચાર શક્તિની વિશાળતાનો પરિચય કરાવે છે. તેથી આવા વિચારનો તાદ્રશ અમલ કરનારનું મૂલ્ય કેવું અને કેટલું આંકવું પડે ! વિશ્વકોશ પુરૂષ ધીરુભાઇ ઠાકર આવા ઉજળા વિચારને ભૂમિ પર વાસ્તવિક દેહ આપનાર ઋષિતુલ્ય કર્મયોગી હતા. ‘સવ્યસાચી’ ધીરુભાઇ ઠાકર હજુ ગઇકાલ સુધી આપણી વચ્ચે જીવંત અને ધબકતાં રહેલા મુઠ્ઠી ઊંચેરા માનવી હતા. ધીરુભાઇ અનેક લોકોના સ્મરણદીપમાં સ્થાયી થયેલા અને ચિરકાળ સુધી ટકી રહેનારા ગરવા સારસ્વત છે. ખુમારીને કોઇ અવસ્થા નથી હોતી. સાધકને કોઇ સમય તથા સંજોગોની પ્રતિકૂળતા વિઘ્નરૂપ બનતી નથી. આથીજ ૧૯૪૨ના ઓગસ્ટમાં ગુજરાત કોલેજ, અમદાવાદના યુવાન અધ્યાપક ધીરુભાઇમાં જે ખુમારી હતી તેવીજ ભવ્ય ખુમારી જીવનના છ દાયકા પસાર થયા પછી વિશ્વકોશની ગંગા – અવતરણનું ભગીરથ કાર્ય હાથ પર લેનાર સાક્ષર ધીરુભાઇની હતી. આ સંસારમાં જ્ઞાનથી વધારે પવિત્ર કોઇ ચીજ નથી તેવું ગીતાકારનું કથન પચાવીને ધીરુભાઇએ સમગ્ર જીવન જ્ઞાનઉપાસનામાં ગાળ્યું. જ્ઞાનની આવી એકનિષ્ઠ આરાધના સિવાય આપણને વિશ્વકોશમાં ઠાંસોઠાંસ ભરેલું અનેક વિષયો અંગેનું વિશદ્ જ્ઞાન મળી શક્યું ન હોત. ધીરુભાઇનો જન્મ વર્ષ ૧૯૧૮ માં ૨૭ જૂને થયો હતો તેથી જૂન માસમાં આ સંનિષ્ઠ સારસ્વતનું લીલુછમ્મ સ્મરણ તાજુ થાય છે. ધીરુભાઇ તેમના કાર્ય સ્વરૂપી કીર્તિના કોટ બાંધીને ગયા છે જે કદી નિસ્તેજ થાય તેવા નથી. એક પ્રાચીન દુહો છે.

નામ રહંતા ઠક્કરા

નાણાં નવ રહંત

કીર્તિ કેરા કોટડા

પાડ્યા નવ પડંત.

      આપણે ત્યાં એવું જોવા મળે છે કે કોઇ વ્યક્તિ સ્વબળે તથા સ્વપ્રયત્ને કોઇ સારું કામ કરી જતું હોય છે. આવું કાર્ય કરનારને તેની કીર્તિ કે યશ પણ મળે છે. પરંતુ આવી વ્યક્તિના કાર્યની અસર ઘણાં કિસ્સાઓમાં સ્થાયી થઇ શકતી નથી. વ્યક્તિની વિદાય પછી તેના કાર્યની અસરકારકતા ક્રમશ: ક્ષિણ થતી દેખાય છે. બહુ ઓછા મહાનુભાવો આ સ્થિતિનું દર્શન અગાઉથી કરી શક્યા. જેઓ આ સ્થિતિને અગાઉથી જોઇ શક્યા તેઓએ સમાજ ઉપયોગી સારસ્વત કાર્યના સ્થાયીકરણના ઉપાય પણ અનેક પડકારો ઝીલીને પોતાની હયાતીમાંજ કરી ગયા. આવું સ્થાયીકરણ કાર્યનું વહન કરવા માટે સુયોગ્ય માળખા કે સંસ્થાની સ્થાપના થકી થઇ શકે છે. ઇતિહાસમાં તેના કેટલાક જ્વલંત ઉદાહરણો પણ છે. મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનું ઋષિ કર્મ આવા જ્ઞાન ઉપાસનાના સ્થાયીકરણના હેતુને ધ્યાનમાં રાખીનેજ કર્યું હતું. કવિગુરુએ શાંતિનિકેતનની સ્થાપના સાહિત્યના સારસ્વત કાર્યને સાતત્યનું બળ આપવા માટેજ કરી હતી. આવુંજ એક ઉજળું ઉદાહરણ વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરીને આચાર્ય ધીરુભાઇ ઠાકરે સમાજ સમક્ષ રજૂ કરેલું છે. ધીરુભાઇએ લખ્યું છે તેમ જ્યારે વિશ્વકોશનું કામ તેમણે શરૂ કર્યું ત્યારે ઘણાં લોકોને શબ્દકોશ તથા વિશ્વકોશ વચ્ચેના તફાવતની ખબર ન હતી. પરંતુ આજે આ પ્રવૃત્તિ તેના પરિણામથી દરેક ગુજરાતીના હૈયામાં કોતરાઇને પડી છે. અધ્યાપકો – સાક્ષરો તો આ કાર્યથી કલ્પનાતીત લાભાન્વીત થયા છે અને નિરંતર થતાં રહે છે.

      માનવીની આંતર સૂઝ તથા નિષ્ઠા અક્ષરજ્ઞાન કે પદવીની મહોતાજ હોતી નથી. આથીજ ઉત્તર ગુજરાતના આગવી કોઠા સૂઝ ધરાવતા સહકારી આગેવાન સાંકળચંદભાઇ પટેલ વિશ્વકોશ જેવી પ્રવૃત્તિ શરુ થાય તે માટે તલપાપડ થયા. આવું ‘મહાભારત કાર્ય’ કરે કોણ ? સૂઝાળા સાંકળચંદને ધીરુભાઇમાં આ કઠીન કાર્ય કરવાની શક્તિનું દર્શન થયું. આર્થિક બાબતોની ચિંતા કરવાનું છોડીને વિશ્વકોશના નિર્માણકાર્ય પાછળ લાગી જવા તેમણે ધીરુભાઇને પ્રોત્સાહિત કર્યા. પૂજ્ય મોટાએ પણ જ્ઞાન સંવર્ધનના આવા ઉજળા કામને અગ્રતા આપી હતી. ગુજરાતી ભાષામાં વિશ્વકોશ તૈયાર કરવામાં આવે તે હેતુ માટે સંત શ્રી મોટાની ઉદાર સખાવત પાયાના પથ્થર સમાન હતી. પૂજ્ય મોટાના આશીર્વાદ, સાકળચંદ પટેલનો સધિયારો અને ધીરુભાઇની જીવન પર્યંતની સાધનાને કારણે ગુજરાતને મૂલ્યવાન વિશ્વકોશની પ્રાપ્તિ થઇ શકી. વિશ્વકોશની રચના પૃથ્વીના વિશાળ પટ પર ફેલાયેલા જ્ઞાનનો સંચય કરીને જગતના તમામ માનવીઓ સમક્ષ તે ખજાનો ખુલ્લો મૂકવાના ઉદ્દેશ સાથે કરવામાં આવે છે. ૧૯૮૫ થી ગુજરાતમાં આ પ્રવૃત્તિ નિરંતર રીતે ચાલી છે. જગન્નાથના રથને ખેંચવા જેવા આ મહાકાર્યમાં અનેક લોકો જોડાયા છે. સાકળચંદભાઇની પ્રથમ પુણ્યતિથિએ ૧૯૮૭ માં પ્રગટ થયેલા પ્રથમ ખંડ પછી વિશ્વકોશની યાત્રા વણથંભી ચાલી છે. દોઢ વર્ષ પહેલા અલવિદા કહીને આપણી વચ્ચેથી ચાલી જનારા ઠાકર સાહેબ આપણાં સ્મરણદીપના અજવાળે આજે પણ તેમના કાર્ય થકી ઝળહળા છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછીના વર્ષોમાં થયેલા ઐતિહાસિક કાર્યોની સૂચિ તૈયાર કરીએ તો વિશ્વકોશના કામને અગ્રસ્થાને ચોક્કસ મૂકી શકાય. વિશ્વકોશ પછી બાળવિશ્વકોશનું કાર્ય આજે પણ કવિ શ્રી ચન્દ્રકાન્ત શેઠના સતત પરિશ્રમ થકી નિરંતર આગળ વધી રહેલું છે. એક મજબૂત સંસ્થાગત માળખું ઊભું કરવાના આવા અનેક ફાયદા છે તે વાત ધીરુભાઇ સમજી શક્યા તેની પ્રતિતિ આજે વિશ્વકોશમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને જોઇને સૌ કોઇને થાય છે. કુમારપાળભાઇ તથા હીનાબેન શુકલની દ્રષ્ટિ તથા સક્રિયતાના કારણે ઉત્તમ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ધૂણી સતત ધખતી રહેલી છે. વિશ્વકોશના લલિતકલા કેન્દ્રની કામગીરીથી સોનામાં સુગંધ ભળી છે. સાહિત્ય તથા કલાપ્રેમી નગરજનો તેનો સતત લાભ મેળવતા રહે છે.

અનેકવિધ પ્રવૃત્તિઓના આવરણ વચ્ચે પણ ધીરુભાઇની હળવાશ તથા સતત જીવતી રહેલી રમૂજવૃત્તિનો પરિચય સૌને થયો છે. કબીરવડ જેમ તેની અનેક શાખા – પ્રશાખાઓથી રૂડો દીસે છે તેમજ પદ્મભૂષણથી સન્માનિત ઠાકર સાહેબ પોતાના અનેકવિધ યોગદાનથી હમેશા આપણાં સૌની શોભા સમાન રહેશે તે નિર્વિવાદ છે.

      ધીરુભાઇએ એક સુંદર તથા અર્થસભર વાત પોતાના સંભારણાંઓમાં લખી છે. ધીરુભાઇના પિતાશ્રીનું નામ પ્રેમશંકર ઠાકર હતું. એક દિવસ પિતાએ એકાએક ધીરુભાઇને પૂછ્યું : ‘‘ તું ગુજરાતી સાહિત્ય ભણ્યો છું, એ વાત ખરીને ? ’’ ધીરુભાઇએ હકારમાં ડોકી ધૂણાવી એટલે પિતાએ પૂછ્યું : ‘‘ સરસ્વતીચન્દ્ર પુસ્તક વાંચ્યું હોય તો કહો કે ગર્ભશ્રીમંત એટલે શું ? ’’ ગર્ભથી – જન્મથી શ્રીમંત એવો સ્વાભાવિક જવાબ ધીરુભાઇનો હતો. પિતાને આ જવાબથી સંતોષ ન થયો. પિતાએ પુત્રને ગર્ભશ્રીમંતનો અર્થ સમજાવતા વિશેષ સ્પષ્ટતા કરી : ‘‘ સરસ્વતીચન્દ્રની ગર્ભશ્રીમંતાઇ તેમના સ્વભાવમાં હતી. ગર્ભશ્રીમંત એટલે જન્મથી સંતોષી. કશાની જેને સ્પૃહા નથી તેવો નિ:સ્પૃહી સ્વભાવ એટલેજ ગર્ભશ્રીમંત ’’ પિતાની આવી ગર્ભશ્રીમંતાઇનો વારસો પુત્રને મળ્યો અને ફળ્યો. સંતોષ અને કર્મશીલતાના મજબૂત આયુધોથી ધીરુભાઇ જીવનનો ભાતીગળ સંગ્રામ લડ્યા. શ્રી નારાયણ દેસાઇ ધીરુભાઇને ચિરયુવા કહેતા. ગુજરાતી વિશ્વકોશના આ સમર્થ સર્જકને પોતાના અવિતરત સર્જન કાર્યમાં ઉમ્મરનો બાદ નડ્યો નથી. જીવનના નવ દાયકા વટાવ્યા પછી તેમણે કવિ પાબ્લો નેરુદાની સ્મરણકથાનો અનુવાદ કર્યો અને સાહિત્ય જગતે તેની સહર્ષ નોંધ લીધી. પાંચ દિગ્ગજ સાહિત્યકારો – આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ, બ. ક. ઠાકોર, મહાકવિ નાનાલાલ તથા ક. મા. મુનશી પર ગાંધીજી તથા ગાંધીવિચારના પ્રભાવની સુંદર વાતો ધીરુભાઇએ જીવનના સંધ્યાકાળે લખી. અગણિત ભાવકોને ગાંધીજી તથા આ પાંચ દિગ્ગજ સાહિત્યકારો વચ્ચેના સંબંધ તથા તેમના પર ગાંધી પ્રભાવની ફરી ફરી વાંચવી-સાંભળવી ગમે તેવી વાતો મળી. મતભેદોને ઓળંગી જઇને જોવા મળતા માનવ સન્માનની ઉજળી પરંપરા ગાંધીજી તથા આ સાક્ષરોના જીવનમાં જોવા મળે છે. માનવ સ્વભાવની ગરવાઇ સાથે વિવેક અને ઉદારતાના અનેક શિખરોનું અહીં દર્શન થાય છે. ધીરુભાઇના આવા અનેક સર્જન કાર્યોજ તેમનું સ્થાયી તથા ભવ્ય સ્મારક છે. મોડાસા હોય કે ગુજરાત કોલેજનું પ્રાંગણ હોય – પ્રાધ્યાપક અને આચાર્ય ધીરુભાઇએ પોતાના કાર્યોની સ્થાયી અસર દરેક સ્થળે છોડી છે. ધીરુભાઇના પુત્રી હીનાબેન લખે છે કે ૨૪ જાન્યુઆરી – ૨૦૧૪ ના દિવસે કૃષ્ણપ્રિય સવ્યસાચી (ધીરુભાઇનું ઉપનામ) મહાપ્રયાણ કરે છે. છેક સુધી એવીજ રમૂજવૃત્તિ અને હળવાશ કાયમ રહી. વૈકુંઠથીએ વહાલા વિશ્વકોશની ભલામણ કરવાનું ચૂકતા નથી. પિતાની ચિરવિદાય પછી કુન્દનિકાબહેન એક પુત્રીની વેદના સમજીને હીનાબહેનને કહે છે : સૂક્ષ્મ રીતે તો ભાઇ આપણી સાથેજ છે. – એજ સ્મિતભર્યા અને વહાલસોયા મુખારવિંદ સાથે. ’’  મકરંદી મીજાજમાં લખાયેલા શબ્દો ધીરુભાઇના સંદર્ભમાં ફરી કહેવા ગમે તેવું છે.

અમે તો જઇશું અહીંથી પણ

આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે

ખબર નથી શું કરી ગયા પણ

કરી ગયા તે કમાલ રહેશે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑