પ્રસંગ તો નાનો છે પરંતુ તેમાં વિવેક તથા સૌજન્ય છલકતા જોવા મળે છે. આથીજ આ નાની લાગતી ઘટના ચિરસ્મરણિય બને છે. આ પ્રસંગ મહાકવી નાનાલાલ અને પોરબંદરના તત્કાલિન રાજવી નટવરસિંહજી વચ્ચેના સ્નેહાદરના સંબંધને પ્રગટ કરે છે. કવિ શ્રી નાનાલાલ પોરબંદર આવે છે. ભારત આ સમયે બ્રિટીશ હકૂમત હેઠળ પરાધિન હતું. સૌરાષ્ટ્ર – કચ્છના લોકો નાના મોટા અનેક રાજવીઓના વહીવટ હેઠળ જીવતા હતા. કવિ નાનાલાલની પોરબંદરની મુલાકાત સમયે પોરબંદરના રાજવી તરીકે નટવરસિંહજી બીરાજતા હતા. નાનાલાલ અને નટવરસિંહજી ગુરુ-શિષ્યનો સ્નેહ – સંબંધ ધરાવતા હતા. નટવરસિંહજી રાજકુમાર કોલેજ રાજકોટમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ ત્યાં અધ્યાપક હતા. સામાન્ય રીતે રાજ્યના પ્રોટોકોલ મુજબ કોઇ મહત્વના મહેમાન આવે તો રાજાના કોઇ પ્રતિનિધિ તેમનું સ્વાગત રેલ્વે સ્ટેશન પર કરે તેવી વ્યવસ્થા હતી. પ્રોટોકોલની આ ફોર્મલ પ્રથા બ્રિટિશ શાસનની દેણગી હતી. પોરબંદર રાજ્ય પણ કેટલાક વર્ષો સુધી બ્રિટિશરોના વહીવટ હેઠળ રહેલું હતું. આજે પણ આપણે ત્યાં રાજ્યના મહેમાનો માટેના પ્રોટોકોલની વ્યવસ્થા છે. પરંતુ અહીં રાજવી નટવરસિંહજીએ પ્રોટોકોલની પરવા કર્યા સિવાય પોતાના ગુરુ તથા કવિ નાનાલાલનો સ્નેહ તથા આદરથી સત્કાર કરવા પોરબંદરના રેલ્વે સ્ટેશને હાજરી આપી. રાજવીનો વિવેક તથા સૌજન્ય તો આ પ્રસંગમાંથી પ્રગટ થયુંજ પરંતુ કવિની અંતરની પ્રસન્નતાથી રાજવી અને સમગ્ર પોરબંદર ભીંજાયા. શાસક તથા વિદ્યાનું પ્રદાન કરતા ગુરુ વચ્ચેના કુષ્ણ – સાંદીપનીના સંબંધો જાણે ફરી પોરબંદરના રેલ્વે સ્ટેશને તે દિવસે પ્રગટ થયા. આજ રીતે આ વિદ્યા વ્યાસંગી રાજવી ૧૯૨૩ માં કવીવર રવીન્દ્રનાથ ટાગોરને આવકારવા પોરબંદરના દરીયા કિનારે પોતાના ધર્મપત્ની સાથે હાજર રહ્યા અને કવિગુરુને આદરથી આવકાર્યા. કવિગુરુનું વાજતે ગાજતે સ્વાગત તો થયુંજ પરંતુ શાંતિનિકેતન માટે ફંડમાં રાજ્ય તરફથી સારી એવી રકમનું પણ પ્રદાન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર-કચ્છમાં નાના મોટા રજવાડાઓતો બસ્સોથી પણ વધારે હતા પરંતુ નટવરસિંહજી અને પોરબંદર તેમાં જૂદી ભાત પાડતા હતા. પાલનપુર નવાબના એક ગુણગ્રાહી ચારણ કવિએ સોરઠની મુલાકાત પછી પાછા ફરીને નવાબની સભામાં પોતાની યાત્રાના સંભારણાને વાગોળતાં ભાવનગર તથા પોરબંદરમાં પોતાની નજરે જોયેલા કીર્તિના બે કળશની હરખાઇને વાત માંડી.
સોરઠ મંડલ કે શિખર
કીર્તિ કે દોઉ કેન્દ્ર
(એક) પટ્ટણી મંત્રી ભાવપુર
(બીજો) નટવર પોર નરેન્દ્ર.
આવા શીલભદ્ર અને પુણ્યશ્લોક રાજવીની જન્મ જયંતી ૩૦ જૂનના રોજ આવે છે. આ સમયે તેમનું વિશેષ સ્મરણ થાય છે. ૧૯૦૧ માં જન્મેલા આ રાજવીની ઉજળી સ્મૃતિ તથા તેમની કાર્ય કીર્તિ કદી ઝાંખા પડે તેવા નથી. આજીવન અભ્યાસુ તથા શ્વેતકેશી અને સ્નેહાળ સ્વજન શ્રી નરોત્તમભાઇ પલાણના લખાણોમાં પોરબંદરના રાજવી તથા પોરબંદરના સમગ્ર ઇતિહાસના અનેક ભાતીગળ રંગોનું દર્શન થાય છે. આપણે આ માટે પલાણ સાહેબના ઋણી છીએ.
રાજવીઓનું વંશપરંપરાગત શાસન સદીઓ સુધી ટક્યું છે. પ્રજાને અનેક પ્રકારે પીડા આપનાર શાસકોની એક યાદી તૈયાર થઇ શકે તેવી છે. આજ રીતે પ્રજાહિતમાં રાજ્યનું હિત જોનાર અને તે રીતેજ વહીવટ કરનાર રાજવીઓની યાદીમાં કેટલાક રાજવીઓ હક્કથી પોતાનું સ્થાન મેળવી શકે તેવા છે. ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના વિચક્ષણ અને પ્રજાકલ્યાણના કાર્યો માટે સદાકાળ જાગૃત રાજવી ભગવતસિંહજીની હરોળમાં ઊભા રહી શકે તેવા પોરબંદરના છેલ્લા રાજવી નટવરસિંહજી હતા. દુનિયાભરમાં જોયેલી તથા અનુભવેલી સારી બાબતો પોરબંદરમાં કેવી રીતે અમલમાં લાવી શકાય તેની સતત ખેવના રાખીને નટવરસિંહજીએ રાજ્યનો વહીવટ ચલાવ્યો. નટવરસિંહજીના માતૃશ્રી એ ભાવનગરના રાજવી તખ્તસિંહજીના પુત્રી હતા. આથી ભાવનગરના ઉજળા સંસ્કાર નટવરસિંહજીને ગળથૂથીમાંજ મળ્યા હતા તેમ કહી શકાય.
૧૯૨૦ ની જાન્યુઆરીના શુભ દિવસે નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. દેશ આઝાદ થયો ત્યાં સુધીના દીર્ઘકાળનો નટવરસિંહજીનો વહીવટ એક આદર્શ વહીવટકર્તાને છાજે તેવો રહ્યો. આ વહીવટની કેટલીક બાબતો તો આજના સંદર્ભમાં પણ પ્રસ્તુત લાગે તેવી છે. નટવરસિંહજી તે સમયે બરાબર સમજી શક્યા કે દરિયાઇ વેપારનો વિકાસ કરી રાજ્યને વેપાર-વાણિજ્યમાં સમૃધ્ધ કરી શકાય છે. આથી બંદરનો વિકાસ કરી તેને સુગ્રથિત બનાવવાનું કાર્ય આ રાજવીએ અગ્રતાના ધોરણે કર્યું. નાનજી કાળીદાસ મહેતા જેવા નરરત્નો આ દરીયાદેવ થકી વિકાસ અને સમૃધ્ધિની અનેક તકો પારખી શક્યા હતા. રેલ્વે સાથે બંદરનું જોડાણ-સ્ટોરેજ માટેની વ્યવસ્થા જેવી પાયાની સવલતો વધારીને નટવરસિંહજીએ પોરબંદરના દરિયા કિનારાને ધબકતો કર્યો. રાજ્યનો વેપાર અને સમૃધ્ધિ વધ્યા.
સુપ્રસિધ્ધ ઇતિહાસવિદ શ્રી શંભુપ્રસાદ દેસાઇએ નોંધ કરી છે તેમ આ કાળના દેશી રજવાડાઓના આપખુદ તેમજ એકહથ્થું શાસનની અનેક ઘટનાઓ નોંધાયેલી છે. રાજવીઓના શિકાર શોખ તેમજ લખલૂંટ ખર્ચાઓના કારણે રાજ્યના સામાન્ય લોકોના ભાગે હંમેશા સહન કરવાનું રહેતું હતું. આ સ્થિતિની સામે કેટલાક રાજવીઓની હિમ્મત-સાહિત્યપ્રેમ તથા પ્રજા વત્સલતાના પણ ઉદાહરણો છે. પોરબંદરના રાજવી નટવરસિંહજીએ શિક્ષણના ક્ષેત્રમાં તેમજ સામાજિક ક્ષેત્રે સુધારાઓ દાખલ કરવામાં નોંધપાત્ર કાર્ય કરેલું હતું.
જીવનના સંધ્યાકાળે પોતાના ગુરુ કવિ નાનાલાલના અવસાન સમયે રાજવી વિશેષ ઉદાસ થયા. જાહેર શોકસભામાં વાયોલીનના કરુણ સુર છેડીને આ રાજવીએ પોતાના અધ્યાપકને ઉત્તમ સ્વરાંજલી આપી. રાજવી તરીકે લોકહિતના અનેક કાર્યો કરનાર આ રોયલ રાજવી જીવનના સંધ્યાકાળે એકલતાનો અનુભવ કરતા હતા. સ્વરાજ્ય મળ્યા પછી પોતાની અનેક પેઢીઓથી ચાલી આવતી સત્તાનો ત્યાગ કરવાનો સમય રાજવીઓ માટે આવી ચૂક્યો હતો. આવા સમયને પારખનારા રાજવીઓની ગૌરવપૂર્ણ યાદીમાં ભાવનગર પછી પોરબંદરનું નામ આવે છે તે નટવરસિંહજીનું પ્રજાલક્ષી વલણ અને દીર્ધદૃષ્ટિ સૂચવે છે. પ્રજાલક્ષી વહીવટની જયારે પણ વાત થશે ત્યારે જાણતા કે અજાણતા પણ આ રાજવીની સ્મૃતિ તાજી થયા કરશે. નટવરસિંહજીનો કીર્તિ કળશ કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખો પડે તેવો નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment