ભાવનગરમાં સ્વામીરાવને મળવા કેટલાક યુવાનો આવે છે. તે સમયે ગાંધીજીની વિશ્વવિખ્યાત તથા અદ્વિતિય તેમજ અહિંસક લડતના અંતે દેશ આઝાદ થયો હતો. અનેક લોકોના રક્તરંજિત બલિદાન અને ઐતિહાસિક જાગૃતિ થકી મુક્તિનો સૂચક ત્રિરંગો લહેરતો થયો હતો. આઝાદી તો મળી પરંતુ તેનાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી જવાનો ન હતો તે વાત ગાંધીજનોએ બરાબર સમજી હતી અને પચાવી હતી. સત્તા પરિવર્તનથી સમાજ પરિવર્તન કે વ્યવસ્થા પરિવર્તનો થાય તેવી કોઇ બાંહેધરી નથી તેની ઇતિહાસ શાક્ષી પૂરે છે. આથી સંઘર્ષ પૂરો થયા પછી નવસર્જનની લહેર સતત વહેતી રહે તે જોવાની બાબત મહત્વ ધરાવતી હતી. મહાત્માજીએ આ વાત અનેક વખત દોહરાવી હતી. આ સંદર્ભમાંજ સ્વામીરાવે એક પછી એક એમ પોતાને મળવા આવેલા દરેક યુવાન સાથે વાત કરી કરી અને એક વાત દરેકને પૂછી. અભ્યાસ તો સંપન્ન થયો દેશ પણ આઝાદ થયો. હવે શું કરશો ? પ્રસંગે ઉપસ્થિત યુવકોમાંથી એક યુવાને જવાબ આપ્યો તે અલગ તરી આવે તેવો હતો. યુવકે સ્પષ્ટ શબ્દોમાં તથા આત્મવિશ્વાસથી પોતાનો નિર્ણય જણાવતા કહયુ : બાબા, હું ગરીબોનું કામ કરીશ. કોઇ સરકારી નોકરી નહિ કરું. કોઇ વેપારીનો પગારદાર પણ બનીશ નહિ. સમાજના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટેનો યજ્ઞ હવે પછીના જીવનમાં આદરવાનો સંકલ્પ છે. સ્વામીરાવ પ્રસન્ન થયા. આ યુવાનનું નામ મનુભાઇ મહેતા. યુવાનીમાં આદરેલા પરોપકારના યશકાર્યરૂપી પરિશ્રમના પ્રતાપે આજે પણ જીવનના નવ દાયકાની સફર પૂરી કરીને મનુભાઇ સ્વસ્થ અને સક્રિય છે. યંગ મેન્સ ગાંધી અન એસોસીએશન (વાયએમજીએ), રાજકોટ તરફથી મનુભાઇ મહેતાને ૯૦ વર્ષ થયા તે પ્રસંગે એક સુંદર તથા માહિતીપૂર્ણ પુસ્તક બહાર પાડવામાં આવેલું છે. એક સમર્પિત ગાંધીવાદી લોક સેવકના જીવનની નકકર તથા ઉજળી હકીકતો આપણાં યુવાનો સુધી પહોંચે તો કર્મઠ જીવનની પ્રેરણા આપી શકે તેવો આ પુસ્તકનો હેતુ અવશ્ય આવકારપાત્ર તથા પ્રશંસાપાત્ર છે. મનુભાઇ જે કાર્ય કરે છે તે સંસ્કારની વાવણીનું કાર્ય છે તેમ જણાવી પૂજ્ય મોરારીબાપુએ આ પ્રયાસને આવકાર પાઠવ્યો છે. ૧૯૨૭ ના ફેબ્રુઆરી માસની ૨૭ મી તારીખે મનુભાઇનો જન્મ સાવરકુંડલાની બાજુમાં આવેલા મોલડી ગામમાં થયો હતો. કોલેજનો અભ્યાસ ભાવનગરમાં કર્યો. ભાવનગરના અનેક યુવાનો તે કાળે સ્વામીરાવના વ્યકિતત્વથી આકર્ષાઇને તેમની જનસેવાની પ્રવૃત્તિમાં જોડાયા હતા. સ્વામીરાવ એક પ્રખર ક્રાંતિકારી હતા. બાબા પૃથ્વીસિંહ આઝાદ તરીકે જાણીતા હતા. વંચિતોનું કામ કરવાની મહેચ્છા મનુભાઇ જેવા યુવાનોના મનમાં જે ગઇ સદીના ચાલીસ કે પચાસના દાયકામાં જાગ્રત હતી તેનું એક મહત્વનું કારણ મહાત્મા ગાંધીની કાર્ય કરવાની પદ્ધતિ અંગેનું સ્પષ્ટ દિશાદર્શન હતું. સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તન કરવા માટેની ખેવના આ પ્રયાસ પાછળનું ચાલકબળ હતું. રાજકારણ નહિ પરંતુ લોક કારણને મનુભાઇ મહેતા જેવા ગાંધીજનોએ અગ્રતા આપી હતી. છ દાયકાથી વધારે સમય ખડસલી (સાવરકુંડલા) જેવા નાના ગામમાં સેવાનું આસન બીછાવીને મનુભાઇએ ઋષિ કર્મ કર્યું છે. એક નાની એવી સંસ્થાને કુંપળમાંથી કબીરવડ બનાવવાની આ સાધના નોંધપાત્ર ઘટના છે. તેવી વાયએમજીએના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇની વાત યથાર્થ છે. મનુભાઇ મહેતાની આ કથાનું સુરેખ આલેખન રજનીકુમાર પંડયા તથા બીરેન કોઠારીએ તેમના દરેક કાર્યની જેમ સૂઝ તથા ચીવટપૂર્વક કરેલું છે. મનુભાઇની કામગીરી ખડસલીની લોકશાળાના માધ્યમથી અનેક ક્ષેત્રોમાં ફાલીફૂલી છે. કેટલાય સામાન્ય કુંટુંબના બાળકો-કિશોરોના જીવન ઘડતરની નિરંતર પ્રયોગશાળાનું કામ આવી પાયાની સંસ્થાઓએ કરેલું છે. વિનોબાજીના પ્રત્યક્ષ આશીર્વાદથી મનુભાઇના કામને ઉત્સાહ તથા ગતિ મળેલા છે. પોતાના પરિશ્રમથી બીજાને પ્રકાશિત કરવા અંગ બળતરા વહોરી લેનાર દીપકને તો રામના રખોપા સહેજે પ્રાપ્ત થાય છે. દીપક સમાન ધવલ પ્રકાશ ફેલાવનારા લોકોના જીવનને વધાવતા કવિશ્રી દુલા ભાયા કાગે લખ્યું છે :
અંધારાની ફોજું ઊભી ભલે
ચારે તરફ વિકરાળ જી…
બીજાને કારણ જે બળે
એનો વાંકો થાય નહિ વાળ…
દીવડા બળો ઝાકઝમાળ જી…
ગાંધી વિચારધારાનાં સેનાનીઓએ જે સંસ્થાઓનો પાયો નાખ્યો તેના મીઠા ફળ સમાજને અનેક કિસ્સામાં મળ્યા છે. આ સફળતાના પાયામાં આવી સંસ્થાઓને મળેલા સમર્પિત તથા સાધુ ચરીત માણસો છે. આવા સ્થાનો તીર્થસ્થાન બન્યા છે તેના મૂળમાં અનેક સમર્પિત લોકોની કર્તવ્યનિષ્ઠા ધરબાઇને પડી છે. માત્ર નાણાંકીય સાધનો કે આધુનિક સવલતોવાળા માળખા ઊભા કરવાથીજ કામને સર્વજન સુખાય સર્વજન હિતાયની દિશા અને ગતિ મળી જતાં નથી. સંસ્થાઓના વાહકોની જાગૃતિ, નિષ્ઠા અને ચારિત્રયબળથી સંસ્થાઓનું કાઠુ બંધાય છે. જુગતરામભાઇ જેવા કર્તવ્ય નિષ્ઠ લોકોના તપોબળથી વેડછીનો વડલો વિકસે છે. નીલપર (રાપર-કચ્છ) માં વાગડની તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે શિક્ષણ તથા આરોગ્ય જેવા પાયાના કામોની નિષ્ઠાપૂર્વક ધૂણી ધખાવીને બેઠેલા મણીભાઇ સંઘવીને જોયા હતા. આવા દ્રષ્ટાંતો હજુ પણ આ પ્રકારના નક્કર કાર્યો કરનારને પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરા પાડે તેવા જીવતા જાગતા તીર્થસ્થાનો છે. પ્રતિકૂળતાઓને પડકારીનેજ કેટલાક સમર્પિત લોકોએ એકલા જઇને – એકલા રહી તે કાર્ય દીપાવી જાણ્યું છે. આવા એકલવીરો કાફલાની રાહ જોવા માટે રોકાયા નથી.
આ પ્રકારના લોકો તથા સંસ્થાઓ થકી ઘણાં બધા લોકહિતના પાયાના કામો થઇ શક્યા. ગુજરાતમાં મનુભાઇ મહેતાની ખડસલી જેવા નાના ગામની સંસ્થાઓ જેવી અનેક સંસ્થાઓએ ઉજળું યજ્ઞકાર્ય કરેલું છે. આવી ધૂણીઓ ધખતી રહે તે આપણાં સામુહિક હિતમાં છે. આવી સંસ્થાઓને ટકાવવામાં સમાજની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. ‘‘ અમ વચ્ચે બાપુ અમર રહો ! ’’ ની પ્રતિતિ આવી સંસ્થાઓના દર્શન થકીજ થઇ શકે છે. મનુભાઇ મહેતાને શતાયુ વંદના કરવાનો લાભ મળે તેવો શુભ સંકલ્પ આ પ્રસંગે કરવો ઉચિત ગણાશે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment