: સંસ્કૃતિ : : બીજાને કારણ જે બળે એનો વાંકો થાય નહિ વાળ :

Manubhai Maheta

ભાવનગરમાં સ્વામીરાવ (સરદાર પૃથ્વીસિંહ)ને મળવા કેટલાક શિક્ષિત યુવકો આવે છે. જે સમયે આ યુવકો સ્વામીરાવને મળે છે તે સમય સંક્રાંતિકાળનો હતો. ગાંધીજીની વિશ્વવિખ્યાત તથા અદ્વિતિય તેમજ અહિંસક લડતના અંતે દેશ આઝાદ થયો હતો. આઝાદીનું પ્રભાત માથા સાટે મેળવેલી મોંઘી વસ્તુ સમાન હતું. અનેક લોકોના રક્તરંજિત બલિદાન અને ઐતિહાસિક જાગૃતિ થકી મુક્તિનો સૂચક ત્રિરંગો લહેરતો થયો હતો. આઝાદી તો મળી પરંતુ તેનાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી જવાનો ન હતો તે વાત ગાંધીજનોએ  બરાબર સમજી હતી અને પચાવી હતી. સત્તા પરિવર્તનથી સમાજ પરિવર્તન કે વ્યવસ્થા પરિવર્તનો થાય તેવી કોઇ બાંહેધરી નથી તેની ઇતિહાસ શાક્ષી પૂરે છે. આથી સંઘર્ષ પૂરો થયા પછી નવસર્જનની લહેર સતત વહેતી રહે તે જોવાની બાબત મહત્વ ધરાવતી હતી. મહાત્માજીએ આ વાત અનેક વખત દોહરાવી હતી. આ સંદર્ભમાંજ સ્વામીરાવે એક પછી એક એમ પોતાને મળવા આવેલા દરેક યુવાન સાથે વાત કરી કરી અને એક વાત દરેકને પૂછી.  અભ્યાસ તો સંપન્ન થયો દેશ પણ આઝાદ થયો. હવે શું કરશો ? પ્રસંગે ઉપસ્થિત યુવકોમાંથી એક યુવાને જવાબ આપ્યો તે અલગ તરી આવે તેવો હતો. યુવકે સ્પષ્ટ શબ્દોમાં તથા આત્મવિશ્વાસથી પોતાનો નિર્ણય જણાવતા કહયુ : બાબા, હું ગરીબોનું કામ કરીશ. કોઇ સરકારી નોકરી નહિ કરું. કોઇ વેપારીનો પગારદાર પણ બનીશ નહિ. સમાજના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટેનો યજ્ઞ હવે પછીના જીવનમાં આદરવાનો સંકલ્પ છે. સ્વામીરાવ પ્રસન્ન થયા. આ યુવાનનું નામ મનુભાઇ મહેતા. યુવાનીમાં આદરેલા પરોપકારના યશકાર્યરૂપી પરિશ્રમના પ્રતાપે આજે પણ જીવનના નવ દાયકાની સફર પૂરી કરીને મનુભાઇ સ્વસ્થ અને સક્રિય છે. યંગ મેન્સ ગાંધી અન એસોસીએશન (વાયએમજીએ), રાજકોટ તરફથી મનુભાઇ મહેતાને ૯૦ વર્ષ થયા તે પ્રસંગે એક સુંદર તથા માહિતીપૂર્ણ પુસ્તક બહાર પાડવામાં આવેલું છે. એક સમર્પિત ગાંધીવાદી લોક સેવકના જીવનની નકકર તથા ઉજળી હકીકતો આપણાં યુવાનો સુધી પહોંચે તો કર્મઠ જીવનની પ્રેરણા આપી શકે તેવો આ પુસ્તકનો હેતુ અવશ્ય આવકારપાત્ર તથા પ્રશંસાપાત્ર છે. મનુભાઇ જે કાર્ય કરે છે તે સંસ્કારની વાવણીનું કાર્ય છે તેમ જણાવી પૂજ્ય મોરારીબાપુએ આ પ્રયાસને આવકાર પાઠવ્યો છે. ૧૯૨૭ ના ફેબ્રુઆરી માસની ૨૭ મી તારીખે મનુભાઇનો જન્મ સાવરકુંડલાની બાજુમાં આવેલા મોલડી ગામમાં થયો હતો. કોલેજનો અભ્યાસ ભાવનગરમાં કર્યો. ભાવનગરના અનેક યુવાનો તે કાળે સ્વામીરાવના વ્યકિતત્વથી આકર્ષાઇને તેમની જનસેવાની પ્રવૃત્તિમાં જોડાયા હતા. સ્વામીરાવ એક પ્રખર ક્રાંતિકારી હતા. બાબા પૃથ્વીસિંહ આઝાદ તરીકે જાણીતા હતા. જન્મટીપની સજા પામી આંદામાનનો કપરો કારાવાસ તેમણે હસતા મુખે ભોગવ્યો હતો. ભાવનગરમાં તેઓ યુવાનોને તન અને મનથી મજબૂત તથા નિર્ભય થવાના પાઠ ભણાવતા હતા. ખાદી પહેરીને મિલમજૂરોના સંગઠનની કામગીરી પણ બાબા એકનિષ્ઠાથી કરતા હતા. સ્વામીરાવનું જીવન અને તેમનું કાર્ય અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બન્યું હતું. વંચિતોનું કામ કરવાની મહેચ્છા મનુભાઇ જેવા યુવાનોના મનમાં જે ગઇ સદીના ચાલીસ કે પચાસના દાયકામાં જાગ્રત હતી તેનું એક મહત્વનું કારણ મહાત્મા ગાંધીની કાર્ય કરવાની પદ્ધતિ અંગેનું સ્પષ્ટ દિશાદર્શન હતું. સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તન કરવા માટેની ખેવના આ પ્રયાસ પાછળનું ચાલકબળ હતું. રાજકારણ નહિ પરંતુ લોક કારણને મનુભાઇ મહેતા જેવા ગાંધીજનોએ અગ્રતા આપી હતી. છ દાયકાથી વધારે સમય ખડસલી (સાવરકુંડલા) જેવા નાના ગામમાં સેવાનું આસન બીછાવીને મનુભાઇએ ઋષિ કર્મ કર્યું છે. એક નાની એવી સંસ્થાને કુંપળમાંથી કબીરવડ બનાવવાની આ સાધના નોંધપાત્ર ઘટના છે. તેવી વાયએમજીએના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇની વાત યથાર્થ છે. મનુભાઇ મહેતાની આ કથાનું સુરેખ આલેખન રજનીકુમાર પંડયા તથા બીરેન કોઠારીએ તેમના દરેક કાર્યની જેમ સૂઝ તથા ચીવટપૂર્વક કરેલું છે. મનુભાઇની કામગીરી ખડસલીની લોકશાળાના માધ્યમથી અનેક ક્ષેત્રોમાં ફાલીફૂલી છે. કેટલાય સામાન્ય કુંટુંબના બાળકો-કિશોરોના જીવન ઘડતરની નિરંતર પ્રયોગશાળાનું કામ આવી પાયાની સંસ્થાઓએ કરેલું છે. જગન્નાથનો રથ ખેંચવા જેવું આ પવિત્ર છતાં કપરું કામ નિષ્ઠાના બળે ટકી શકયું છે અને મહોર્યું છે. ગાંધી મૂલ્યોનું હાર્દ આઝાદી મળ્યા બાદ પણ આવા રચનાત્મક કાર્યોમાં જળવાયું છે તેની અનુભૂતિ થાય છે. વિનોબાજીના પ્રત્યક્ષ આશીર્વાદથી મનુભાઇના કામને ઉત્સાહ તથા ગતિ મળેલા છે. વિનોબાજીએ કહેલું કે અન્યની ચિંતા જે કરે છે તેની ચિંતા સૌ કરે છે. આ વાતની જીવંત પ્રતીતિ આવી સંસ્થાઓ તથા વ્યક્તિઓ જોઇએ ત્યારે અવશ્ય થાય છે. બીજાને પ્રકાશિત કરવા અંગ બળતરા વહોરી લેનાર દીપકને તો રામના રખોપા સહેજે પ્રાપ્ત  થાય છે. દીપક સમાન ધવલ પ્રકાશ ફેલાવનારા લોકોના જીવનને વધાવતા કવિશ્રી દુલા ભાયા કાગે લખ્યું છે :

દીવડા બળો ઝાકઝમાળ જી

બળો ઝાક ઝમાળ

તજી મન ફૂંક લાગ્યાનીફાળ…

અંધારાની ફોજું ઊભી ભલે

ચારે તરફ વિકરાળ જી…

બીજાને કારણ જે બળે

એનો વાંકો થાય નહિ વાળ…

દીવડા બળો ઝાકઝમાળ જી…

 ગાંધી વિચારધારાનાં સેનાનીઓએ સામૂહિક તથા વ્યાપક જનહિતને નજર સમક્ષ રાખીને જે સંસ્થાઓનો પાયો નાખ્યો તેના મીઠા ફળ સમાજને અનેક કિસ્સામાં મળ્યા છે. આવા ઘણાં દ્રષ્ટાંતો ટાંકી શકાય. આ સફળતાના પાયામાં આવી સંસ્થાઓને મળેલા સમર્પિત તથા સાધુ ચરીત માણસો છે. આવા સ્થાનો તીર્થસ્થાન બન્યા છે તેના મૂળમાં અનેક સમર્પિત લોકોની કર્તવ્યનિષ્ઠા ધરબાઇને પડી છે. માત્ર નાણાંકીય સાધનો કે આધુનિક સવલતોવાળા માળખા ઊભા કરવાથીજ કામને સર્વજન સુખાય સર્વજન હિતાયની દિશા અને ગતિ મળી જતાં નથી. સંસ્થાઓના વાહકોની જાગૃતિ, નિષ્ઠા અને ચારિત્રયબળથી સંસ્થાઓનું કાઠુ બંધાય છે અને ક્રમશ: બળવત્તર બનતું જાય છે. જુગતરામભાઇ જેવા કર્તવ્ય નિષ્ઠ લોકોના તપોબળથી વેડછીનો વડલો વિકસે છે. નીલપર (રાપર-કચ્છ) માં વાગડની તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે શિક્ષણ તથા આરોગ્ય જેવા પાયાના કામોની નિષ્ઠાપૂર્વક ધૂણી ધખાવીને બેઠેલા મણીભાઇ સંઘવીને જોયા હતા. આવા દ્રષ્ટાંતો હજુ પણ આ પ્રકારના નક્કર કાર્યો કરનારને પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરા પાડે તેવા જીવતા જાગતા તીર્થસ્થાનો છે. કવિગુરુ ટાગોરે લખ્યુ છે તેમ પ્રતિકૂળતાઓને પડકારીનેજ કેટલાક સમર્પિત લોકોએ એકલા જઇને – એકલા રહી તે કાર્ય દીપાવી જાણ્યું છે. આવા એકલવીરો કાફલાની રાહ જોવામાટે રોકાયા નથી.

તારી જો હાક સુણી કોઇ

ના આવે તો એકલો જાને રે !

જો સૌ એ પાછા જાય..

ઓ રે ઓ અભાગી !

સૌએ પાછા જાય

જ્યારે રણવગડે નીસરવા ટાણે

સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટા – રાને

લોહી નીંગળતે ચરણે ભાઇ

એકલો ધાને રે !

વિનોબાજી – જયપ્રકાશજીથી માંડીને રવિશંકર મહારાજ – જુગતરામભાઇ દવે જેવા લોક કલ્યાણના કાર્યોમાં કર્મઠ એવા પુણ્યશ્ર્લોક લોકોએ ઊજળી પરંપરાનું સર્જન કર્યું. છે. મનુભાઇ મહેતા આ શ્રુંખલાનાજ એક મજબૂત મણકા સમાન છે.

સેવાની  આ ઉજળી પરંપરાના મૂળમાં ગાંધી વિચારનું બીજ રોપાયેલું છે. ૨૦૧૪માં જેમની જન્મ શતાબ્દી ઉજવવામાં આવી તેવા એક કર્મઠ આગેવાન રતુભાઇ અદાણીએ પોતાના જીવનના એનક સંભારણાઓને વાગોળતા લખ્યું છે કે ગાંધી – ઇરવીન કરાર પછી રતુભાઇ તથા તેમના સાથીઓ જેલમાંથી છૂટ્યા. હવે શું કરવું તેની મનમાં એક ગડમથલ હતી. માર્ગદર્શન લેવા ગાંધીજી પાસે ગયા. બાપુ તે સમયે ભાવનગર દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં હતા. યોગાનુયોગ રતુભાઇ તથા તેમના સાથીઓ બાપુને મળવા પહોંચ્યા તે દિવસે બાપુના મૌનનો દિવસ હતો. ચર્ચા કરવાની સંભાવના ન હતી, પરંતુ ગઇ સદીના આ પોતડીધારી મહામાનવે સ્નેહભરી નજરે આ યુવાનોને નિહાળ્યા. ઘસાઇને ઉજળા થવાની તૈયારી સાથે નીકળેલા આ યુવાનો તરફ બાપુએ આનંદથી હાથ ઊંચો કરીને આશીર્વાદના અમી વહાવ્યા. બાપુના સાનિધ્યમાંથી બહાર આવ્યા પછી નાનાભાઇ ભટ્ટે એક મહત્વની વાત પોતાના આ સાથી યુવાનોને કરી. નાનાભાઇએ કહ્યું કે ગઇ કાલેજ બાપુ કેટલાક મુલાકાતીઓને કહેતા હતા કે આઝાદી માટે પણ દેશને સજ્જ કરવો જરૂરી છે. આ હેતુ ધ્યાનમાં રાખીને યુવાનોએ જનહિતના કામોની સ્થાનિક જરૂરિયાત પારખીને રચનાત્મક કાર્યોની બાગડોર સંભાળવી જોઇએ. ‘ સો સો વાતુંના જાણનારા ’ આ મોભી પુરુષને ખબર હતી કે વ્યવસ્થા બદલ્યા સિવાય જો આઝાદી મળી જશે તો આઝાદ મુલ્કમાં પણ ખરા અર્થમાં સ્વરાજ કે સુરાજ્ય નહિ આવે ! મહાત્માનું આ નિદાન આજે પણ કેટલું સાર્થક તથા પ્રાસંગિક લાગે છે ! રતુભાઇ – નાનાભાઇ અને મનુભાઇ પંચોળી (દર્શક) જેવા કર્મશીલ લોકો આથી શિક્ષણ, કૃષિ અને આરોગ્ય જેવા પાયાના કામોમાં વિચારપૂર્વક જોડાયા. તેમની શુભનિષ્ઠાથી સંસ્થાઓ ઊભી થઇ અને પાંગરી. ઘણાં બધા લોકહિતના પાયાના કામો થઇ શક્યા. ગુજરાતમાં મનુભાઇ મહેતાની ખડસલી જેવા નાના ગામની સંસ્થાઓ જેવી અનેક સંસ્થાઓએ ઉજળું યજ્ઞકાર્ય કરેલું છે. આવી ધૂણીઓ ધખતી રહે તે આપણાં સામુહિક હિતમાં છે. આવી સંસ્થાઓને ટકાવવામાં સમાજની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. ‘‘ અમ વચ્ચે બાપુ અમર રહો ! ’’ ની પ્રતિતિ આવી સંસ્થાઓના દર્શન થકીજ થઇ શકે છે. મનુભાઇ મહેતાને શતાયુ વંદના કરવાનો લાભ મળે તેવો શુભ સંકલ્પ આ પ્રસંગે કરવો ઉચિત ગણાશે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑