
સાંજનું વ્યક્તિત્વ જ સોહામણું તથા રળિયામણું હોય છે. તેમાં પણ વગડાની સાંજનું સ્વરૂપ તો સાક્ષાત પરમ તત્વના દર્શનની અનુભૂતિ કરાવે તેવું સુંદર હોય છે. સાંજના આવા કોઇ સોહામણા સમયે કલકત્તાથી એક મોટા તથા સમૃધ્ધ જમીનદાર પાલખીમાં વગડો વિંધતા જતાં હોય છે. વગડો સૂકો તથા વેરાન છે. એવામાં એકાએકજ પાલખીમાં બેઠેલા દ્રષ્ટિવાન જમીનદારને બે ઘટાદાર વૃક્ષો દેખાય છે. કુદરતની કૃપાનો તમામ વૈભવ ઓઢીને ઊભેલા આ બે વૃક્ષો જાણે સુકા વગડાની શોભા વધારીને ઉન્નત મસ્તકે ઊભા હોય તેમ જુદા તરી આવતા હતા. જમીનદાર મહાશયને વૃક્ષોના વૈભવનું દર્શન કરીને સાનંદ આશ્ચર્ય થાય છે. આ સ્થળ તેમને મનથી ગમી જાય છે. પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ ઘણાં ભાગે સ્થાયી રહેતો હોય છે. પાલખીમાં બીરાજેલા યાત્રીને પાલખીમાંથી બહાર નીકળીને ભૂમિનો સ્પર્શ થતાં એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. વૃક્ષ અને ભૂમિનો આવો પ્રથમ નજરેજ ગમી જાય તેવો મધુર સુયોગ ક્યાં મળે ? ધર્મચિંતન કરવા માટે આ સ્થળ અનુકૂળ રહેશે તેવો વિચાર કરીને બંગાળના બીરભૂમ જિલ્લાની આ જમીન ખરીદવા માટે જમીનદાર મહાશય નિર્ણય કરે છે. અસ્તાચળે જતાં સૂર્ય નારાયણ સંધ્યાની લાલીમા પાથરીને જાણે કે જમીનદાર બાબુના આ ઐતિહાસિક સંકલ્પને વધાવે છે. ઘટના ઐતિહાસિક તો ખરીજ. કારણકે પાલખીમાં બેઠેલા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર અહીંજ એક વિશ્વપ્રસિધ્ધ સંસ્થા ‘‘ શાંતિ નિકેતન ’’ ના ઊંડા પાયા નાખે છે. શાંતિ નિકેતન સંસ્થા અહીં આકાર પામે છે. પરંતુ એ ભવ્ય છતાં ભૌતિક માળખાથી પણ વિશેષ તેમના કાળજયી સર્જક પુત્ર રવીન્દ્રનાથ માટે આભથીયે ઊંચેરી ઊડાન ભરવાનું ‘‘ ટેઇક ઓફ ’’ મેદાન પિતા દેવેન્દ્રનાથ ઠાકુર તૈયાર કરે છે. શ્વેત દાઢીમાં શોભતા કવિગુરૂ આ સ્થળેજ ધૂણી ધખાવીનેજ જગતના સાહિત્યને સમૃધ્ધ કરી શકે તેવા અમર સાહિત્યનું સર્જન કરે છે. દીવ્યલોકમાંથી અનાયાસે આવી ચડેલા આ સર્જકની અનોખી સર્જન દીવ્યતાથી જગત અંજાય છે.
‘‘ કોન આલોતે પ્રાનેર
પ્રદીપ જ્વાલિયે તુમિ
ધરાય આસો ’’
હે સાધક, હે તપસ્વી !
ક્યા આલોકથી તમારા
પ્રાણનો પ્રદીપ જલાવીને
તમે આ ધરા પર આવ્યા હતા…
વિશ્વમાં કોઇપણ જગાએ શ્વાસ લેતો માનવી જેનો એક માનવ તરીકે વારસદાર હોવાનું સકારણ ગૌરવ લઇ શકે તેવા બે સમકાલિન વિભૂતિઓ – ગાંધી અને ટાગોર આપણું ચિરકાળ તથા ઝળાહળા થતું ગૌરવ છે. કવિગુરૂના સાહિત્યની અને શાંતિ નિકેતનની અનેક મનમોહક રચનાઓ તથા વાતો આપણી ભાષામાં આપણાં સુધી પહોંચાડવા માટે કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઇ દેસાઇ, ભોળાભાઇ પટેલ, અમૃતલાલ વેગડ, નગીનદાસ પારેખ, ઉમાશંકર જોશી તથા ઝવેરચંદ મેઘાણી જેવા દિગ્ગજ સાહિત્યકારોના આપણે રુણિ છીએ. શાંતિ નિકેતનની સ્મૃતિઓ લખીને નિરંતર પ્રવાસી અમૃતલાલ વેગડે શાંતિ નિકેતનની એક અનેરી સુગંધ પ્રસરાવી છે. ગુરુદેવની જન્મજયંતિ મે માસની સાતમી તારીખે (૧૮૬૧) આવે છે. આ સમયે અનેક ભાવકોના મનમાં એક તથા અનોખા મહાકવિ રવીબાબુની સ્મૃતિ વિશેષ તાજી થાય છે.
કાકાસાહેબે તેમને ઇષ્ટ વૃત્તિવાળા પ્રતિભાવાન કવિ કહ્યા. ૧૯૨૦ માં યોજવામાં આવેલી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુરુદેવની હાજરીથી અધિક ઉજળી બની હતી. કાકાસાહેબે તે પ્રસંગે યાદગાર શબ્દો કહ્યાં :
‘‘ હિન્દી સંસ્કૃતિનું ગૌરવ તેમની (કવિગુરુની) રગેરગમાં સ્ફુરી રહેલું છે….દેશની પડતી દશામાં પણ તેઓએ જગતની કેવી ભારે સેવા કરી છે તે આપણે જાણીએ તો તેમના સ્વાગતમાં આપણી ત્રુટી ઓછી રહે અને તેમના સ્વાગતનું પુણ્ય આપણે મેળવી શકીએ. એમના ઉચ્ચ ભાવ અને ઉચ્ચ જીવનનો થોડો અંશ આપણામાં આવી જાય તો જ આપણે એમની પૂજા કરી શકીએ. ’’
ભોળાભાઇ પટેલ લખે છે તેમ રવીન્દ્રનાથની કવિતાઓનો મુક્ત અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ ‘‘રવીન્દ્રવીણા’’ માં કર્યો. ગુજરાતી વાચકોમાં મેઘાણીના કાવ્યાનુવાદ લોકપ્રિય થયા તેવું ભોળાભાઇનું અભ્યાસુ તારણ યથાર્થ છે. મેધાણીભાઇ લખે છે કે કવિગુરૂના આ અનુવાદની કૃતિઓ સારો એવો લોકાદર પામી છે એ મારું (અનુવાદકનું) સદ્દભાગ્ય છે. મેધાણીભાઇએ આવા અનુવાદ ગુજરાતને નિજના લાગે તેવા સ્વરૂપે મૂકવાનો સફળ પ્રયાસ કરીને ધન્યતા અનુભવી છે. કવિગુરૂના ‘‘બિદાય’’ નામના ભાવકને ભીંજવી નાંખે તેવા લાગણીસભર કાવ્યનો અનુવાદ કરીને એક ચિરંજીવી કૃતિ આપી છે. મૃત્યુના બીછાને સુતેલા બાળકના પોતાની વહાલી માને મૃદુલ સ્વરે કહેવામાં આવેલા આ શબ્દો નિર્દોષતા, કરુણતા અને ભાવસભરતાની ઉત્કૃષ્ટ ઊંચાઇ પ્રાપ્ત કરે છે. આ લોકમાંથી હમેશ માટે વિદાય લેતું બાળક જનેતાની આંખમાં ડોકાતી વેદનાનું દર્શન કરી શકે છે. આ સંતાપમાં પણ માને થોડી પણ શાંતિ મળે તે માટે કાલીઘેલી ભાષામાં પોતાની લાગણી વહાવે છે.
આવજો આવજો વાલી બા !
એકવાર બોલ : ભલે ભાઇ, તું જા !
પાછલી તે રાતને પેલે પરોડિયે,
ઝબકીને તું જ્યારે જાગે
ઓસીકે પાંગતે ફેરવતા હાથ તુંને
પડખું ખાલી લાગે-
હો મા ! મને પાડજે હળવા સાદ
પડઘો થઇ હું દઇશ જવાબ
ચંદન તલાવડીના નીર મહીં નાતી
જોઇ જઇશ હું તને જ્યારે
મોજું બનીને તારે અંગેઅંગ મહાલીશ
તોય મને કોઇ નહિ ભાળે હો મા !
મારી છલ છલ છાની વાત
સાંભળીને કરજે ના કલપાંત,
આવજો આવજો વાલી બા !
ગુરુદેવની આવી અતિ ભાવસભર રચનાનો એક સ્વતંત્ર કૃતિ તરીકે માણી શકાય તેવો અનુવાદ આપણાં આ મોટા ગજાના લોકકવિએ કરેલો છે. ફરી ફરી સાંભળવી અને માણવી ગમે તેવી આ રચના કાળના સતત પ્રવાહમાં ઝાંખી પડે તેવી નથી. ૧૯૧૨ માં કવિગુરુની દોઢસોમી જન્મજયંતી ઊજવવાનું સુંદર કાર્ય સંપન્ન થયું. ભોળાભાઇ પટેલના માર્ગદર્શનથી અનેક કાર્યક્રમો થયાં અને ઉત્તમ પ્રકાશનો થયા તે એક સુખદ યોગાનુયોગ હતો. કવિગુરુ જેવા સર્જકો ભાગ્યેજ મળે છે. ઋગ્વેદમાં કહ્યું છે તેમ જે જીવંત છે તેને આવા સર્જકો પ્રગટ કરે છે અને જે મૃત હતું તેને પુનર્જાગ્રત કરે છે. (ભૂચ્છન્તી જીવનમુદીશ્યન્ભુષા મૃતં કં ચન બોધન્તી) બંગાળની ફળદ્રુપ ભૂમિના બે અમૂલ્ય રત્નો મહર્ષિ અરવિંદ અને કવિગુરુ ટાગોરના પ્રદાન વિશે વાત કરતાં શ્રી રાજેન્દ્ર પટેલે લખ્યું છે :
‘‘ શ્રી અરવિંદ અને રવિન્દ્રનાથ બંન્ને ભારતીય કળા અને સાહિત્ય સૌંદર્યનાં ઊંચા શિખર છે. એમણે ભારતનાં નવજાગૃતિ – Renaissance – કાળમાં અતિ મહત્વનો ફાળો આપ્યો છે… આવનારા સમયમાં એમના સાહિત્યના અનેક પરિમાણો જુદી જુદી રીતે અલગ – અલગ દ્રષ્ટિકોણથી પ્રસ્તુત થતાં રહેશે. બન્નેની કેડી જુદી હતી પરંતુ અંતિમ ધ્યેય લગભગ એક સમાન હતું. ’’ કવિગુરુની સ્મૃતિ આકરી વૈશાખી લૂમાં શિતળ લહેરખીના સ્પર્શની સુખદ અનુભૂતિ કરાવી જાય છે.
કવિગુરુની અપાર સંવેદનશીલતા તેમના સર્જનોમાંજ નહિ તેમના જીવનમાં પણ અનેક પ્રસંગોએ ડોકાયા કરે છે. અમીર કુંટુંબમાં ઊછરેલા આ નબીરા સામાન્ય લોકોના સુખદુઃખ તેમજ માનઅપમાન સાથે એકદિલ થઇ શકે છે તેવી કાકાસાહેબે કહેલી વાત ખૂબજ વાસ્તવિક છે. આખી દુનિયામાં જ્યારે કવિવરની તેજસ્વી પ્રતિભાનો સૂર્ય ઝળહળતો ત્યારે બ્રિટીશ સામ્રાજ્યના એક ભાગ કેનેડામાંથી તેમને સન્માનપૂર્વક નિમંત્રણ આપવામાં આવ્યું. યોગાનુયોગ કેનેડા તરફથી આ સત્તાવાર નિમંત્રણ આપવામાં આવ્યું તે પહેલાના થોડા સમય પર હિન્દીઓ માટે અન્યાયી કહી શકાય તેવા કાયદાઓ કેનેડાએ ઘડ્યા હતા. પોતાના ભાડુંઓના શોષણની પ્રથા જ્યાં દેખાતી હોય ત્યાં જવાનું નિમંત્રણ આ ગરીબનવાઝ કવિએ સ્વીકાર્યું નહિ અને તેનું કારણ પણ સ્પષ્ટ રીતે જાહેર કર્યું. અવિભાજીત હિન્દના પંજાબ પ્રાન્તમાં ભારતીય નાગરિકોને થતાં અન્યાયને કારણે તેમને શોષણકર્તા બ્રિટીશરાજે આપેલો ‘સર’ નો ખિતાબ શૂળની જેમ ખૂંચ્યો. આ બાબતમાં એક સ્વમાની ભારતીય તરીકે ભારતમાં બ્રિટીશ હકૂમતના કર્તાહર્તા લોર્ડ ચેમ્સફર્ડ પર લખેલા પત્રમાં કવિગુરુએ બ્રિટીશ રાજ્યની અન્યાયી નીતિ સામે અંતરનો ઉકળાટ વ્યક્ત કર્યો. કવિ ઠાકુર દુનિયાની તમામ જાતિઓ વચ્ચે પ્રેમની સુલેહ થાય તેવો ઉજ્વળ સંદેશ પ્રગટાવી તથા ફેલાવીને ગયા.
પ્રકૃત્તિ અને મનુષ્યનું અવિભાજીત ઐક્ય એ કવિગુરુની રચનાઓના કેન્દ્રસ્થાને રહેલું તત્વ છે. સંગીતકાર તથા ઊંચા દરજ્જાના ચિત્રકાર ગુરુદેવને અનેક વિષયોમાં રસ તથા ઊંડી સૂઝ હતી. આધુનિક ભારતના ઘડવૈયાઓમાં કવિગુરુનું નામ અગ્રસ્થાને મૂકવું પડે. આજે વિશ્વના અનેક યુવાનો એક તાણ તથા અસલામતીનો ભાવ અનુભવે છે ત્યારે રવીન્દ્રનાથની અનેક રચનાઓ તે સ્થિતિનો સામનો કરવા માટે શક્તિનો સ્ત્રોત વહાવી શકે તેવી સત્વશીલ અને અર્થસભર છે. કવિગુરુની રચનાઓ સદાકાળ પ્રાસંગિક છે. મહાદેવભાઇએ આવી એક સુંદર રચના આપણી ભાષામાં ઉતારી છે. અડચણો સામે ખુમારીનો ભાવ પ્રગટાવતી આ રચના ખૂબ લોકપ્રિય બની છે.
મધરાતે અંધારું થાશે
તેથી તુ શું અટકી જાશે ?
વારંવાર ચેતવે દીવો,
ખેરને દીવો ચેતશે ના
તેથી કાંઇ ચિંતા કર્યે ચાલશે ના
બારણા સામે બંધ મળે
એટલે આમ શું પાછો વળે ?
વારંવાર ઠેલવા પડે
બારણાં તોયે હલશે ના
તેથી કાંઇ ચિંતા કર્યે ચાલશે ના.
Leave a comment