
કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. સારસ્વતના સન્માનથી સન્માન કરે તેની ગરિમા વધે છે. જોકે મોટાભાગે સુયોગ્ય અને સન્માનિત સાક્ષરોને પોતાના આવા સન્માનથી ભાગ્યે જ કશો ફરક પડતો હોય છે. આવા એક શબદના એકનિષ્ઠ ઉપાસક અને સમર્થ સર્જક ચન્દ્રકાન્ત શેઠનું સન્માન અમદાવાદમાં ૧૪ મે ૨૦૧૬ના રોજ થયું તે આ બળબળતા ઉનાળે પણ શીતળતાનો અને સંતોષનો ભાવ પ્રગટાવે તેવી ઘટના છે. ‘‘ મૂળ સાથે મેળ અને સત સાથે સુમેળ ’’ રાખીને જીવનારા શેઠ સાહેબ જેવા સર્જક સમાજ તથા સાહિત્ય પર પોતાનો પ્રભાવ પાથરતા હોય છે. આ સર્જક કવિતાના ખોળે માથું મૂકીને જીવનના ઝેર ઉતારે છે. અવિરત શબ્દ સાધનામાં કવિએ જીવન વ્યતિત કરેલું છે. કબીર સાહેબે ગાયુ છે તેમ શબ્દ સાધનામાં કવિનો જીવ ઠર્યો છે.
સાધો, શબ્દ સાધના કીજૈ
જાસુ શબ્દ તે પ્રગટ ભયે સબ
સોઇ શબ્દ ગહિ લીજે… સાધો…
આવી અખંડ ઉપાસનાના પરીણામેજ કવિ શ્રી ચન્દ્રકાન્ત શેઠ આ વિધાન કરી શકે : ‘‘ હું ભારપૂર્વક કહી શકું કે સાહિત્યના – કાવ્યના શબ્દમાં મારી બનાવટ ક્યાંય નથી. એવી બનાવટ કરતાં હું જ મારી નજરમાંથી ઊતરી જાઊં એ મને માન્ય નથી. ’’
કવિ ચન્દ્રકાન્ત શેઠે શબ્દને ઉન્નત કર્યો છે. શબ્દને માનવતાના પ્રગટીકરણનું માધ્યમ કવિ માને છે અને લખે છે :
શબ્દ થાય જો માનવતાના
સહજ હાથ પગ મુખ…
મને તો સુખ !
ભડભડતી માનવતા સામે
રહે શબ્દ જો મૂક…
મને તો દુ:ખ !
કવિ ચન્દ્રકાન્ત શેઠના જીવન-કવન વિશે આપણાં બે મોટા ગજાના સાક્ષરો શ્રી રઘુવીર ચૌધરી તથા શ્રી કુમારપાળ દેસાઇએ જે વિગત પ્રચુર વાતો કવિના સન્માન સમારંભમાં કરી તેનાથી કવિના જીવનના અનેક પાસા સૌની સમક્ષ ખુલ્લા થયા. કવિ શ્રી ચન્દ્રકાન્ત શેઠ અંગે જાણીતા સર્જક યોગેશ જોષીએ કાળજીપૂર્વક તથા આદર ભાવથી લખેલી નાની પુસ્તીકા પણ પ્રસંગના સંદર્ભમાં ખૂબ હેતુપૂર્ણ લાગી. ઉમાશંકર જોશીએ કવિને ‘ઝીણું જોનારા માણસ’ તરીકે ઓળખાવ્યા છે તે યથાર્થ છે. રઘુવીરભાઇએ કવિને પ્રસિધ્ધિની પરેજી પાળનારા કહ્યા છે તે આજના યુગની એક જવલ્લેજ જોવા મળે તેવી બાબત છે. આમ પણ ‘મનમાં મબલખ જોનાર’ કવિને દુનિયાની તમા ઓછી રહે છે.
ઊંડું જોયું, અઢળક જોયું
મનમાં જોયું મબલખ જોયું
ઝાકળ જળમાં ચમકી આંખો,
એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાના મહી
ઝલમલ ઝલમલ મોતી !
તળિયે જોયું તગતગ જોયું
ઊંડે જોયું અઢળક જોયું
હદમાં જોયું અનહદ જોયું
ઊંડે જોયું અઢળક જોયું.
આવા ઊંડું અને અઢળક જોનારા કવિને વિનોદ નિઓટિયા કાવ્યમુદ્રા એવોર્ડ – ૨૦૧૬ આપીને સન્માનીત કરવામાં આવ્યા તેથી આ એવોર્ડની ગરિમા વધી છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. વર્ષ ૨૦૧૫ માં આપણી ભાષાના દિગ્ગજ સર્જક કવિ નિરંજન ભગતને આજ એવોર્ડથી પોંખવામાં આવ્યા હતા તેની સુખદ સ્મૃતિ આ પ્રસંગે થવી સ્વાભાવિક છે. ભગત સાહેબ અને કવિ ચન્દ્રકાન્ત શેઠના પ્રદાન થકી આપણી ભાષાનું સાહિત્ય વિશેષ સમૃધ્ધ થયું છે. આ પ્રકારના એવોર્ડનો વિચાર કરનારા તથા તેની વ્યવસ્થા ગોઠવનારા શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ તથા તેમના સાથી મિત્રો અભિનંદનના અધિકારી બન્યા છે.
સર્જકો – સાહિત્યકારોનું સન્માન કરવાની બાબત નવી નથી. કેન્દ્ર કે રાજ્યની સરકારો તો એક પરંપરા મુજબ આવા કાર્યો કરતી રહે છે. આપણે ત્યાં છેલ્લા થોડા વર્ષોથી પૂજ્ય મોરારીબાપુ દ્વારા પણ અલગ અલગ વિદ્યાઓના જાણતલ મર્મીઓનું યથોચિત માન સન્માન પૂરા ગૌરવ તથા વિવેકની જાળવણી સાથે કરવામાં આવે છે તે નોંધપાત્ર બાબત છે. સાહિત્યકારોના સન્માનની બાબતમાં ગુજરાતના મહામહીમ રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે એક વિચારણીય બાબત પોતાના વકતવ્યમાં વ્યક્ત કરી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સર્જક સંવેદનશીલ હોય છે. સર્જકની આ સંવેદનશીલતાની અનુભૂતિ શબ્દોમાં પ્રગટ થાય ત્યારે જગતને ઉત્તમ કક્ષાનું સાહિત્ય મળે છે. આ સંદર્ભમાં તેઓશ્રીએ ઋષિ કવિ વાલ્મીકીનું પ્રસંગોચિત ઉદાહરણઆપ્યું છે. આવુંજ બીજુ એક ઉદાહરણ આપણી ભાષાના કવિ કલાપીનું છે. કવિ કલાપીના જીવન અને કવનના કેન્દ્ર સ્થાને પ્રેમ છે. પ્રેમની સાથે છે અમાપ વેદના. જીવનના અનેક ઉતાર – ચડાણમાં કવિ કલાપી ઉઝરડાયા છે કે ઘવાયા છે. જીવનમાં આવા અનેક ઘાવ ઝીલીને કવિ કલાપી વેદનાના શબ્દોમાં પ્રગટ્યા છે. આથી સાહિત્યકારની આ સંવેદનશીલતાની ઊર્મિલ અભિવ્યક્તિને સમાજ વધાવે છે તે સારી બાબત અવશ્ય છે. પરંતુ સમાજ જો આવી સંવેદનશીલતા અનુભવતો થાય તો એ કવિનું વિશેષ સન્માન કરવા બરાબર છે તેવી માનનીય રાજ્યપાલશ્રીની વાત સાંપ્રત કાળમાં ખૂબજ યથાર્થ જણાય છે. સંવેદનશીલ સમાજ સ્વસ્થ સમાજ બની શકે છે. કવિ ચન્દ્રકાન્ત શેઠને તેમની લગભગ છ દાયકાની ભાતીગળ સર્જન યાત્રામાં અનેક એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે. રણજિતરામ ચન્દ્રક, કુમાર ચન્દ્રક તથા નરસિંહ મહેતા એવોર્ડ જેવા અનેક સન્માનોથી કવિ વખતોવખત પોંખાતા રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં ૧૯૩૮ માં જન્મ લઇને કવિએ જીવનના અનેક વળાંકો ખૂમારીપૂર્વક પસાર કર્યા છે. કવિએ આલેખ્યું છે તેમ તેમના મૂળિયા ગામડામાં તથા ભક્તિભાવ ભર્યા કુટુંબમાં જડાયેલા છે. પૃષ્ટિમાર્ગના અનેક કથા-કીર્તન કવિએ બાળપણમાંજ સાંભળ્યા છે જેની સ્મૃતિ તેમના જીવનમાં અખંડ રહેવા પામી છે. ઝરણાં – નક્ષત્ર અને ચન્દ્રનું કોઇ નિગૂઢ ખેંચાણ કવિએ હમેશા અનુભવ્યું છે. કવિની સર્જનાત્મક ચેતના નિરંતર વધતી રહી છે. કવિમિત્રોના સાનિધ્યમાં અને કુમારની બુધસભામાં કવિનું ઘડતર મજબૂત રીતે થયું છે. કર્મઠ સમાજ સેવક સાંકળચંદભાઇ પટેલના સમર્થન થકી અને ડૉ. ધીરુભાઇ ઠાકરના સાતત્યપૂર્ણ કર્મયોગથી ગુજરાત વિશ્વકોશના દળદાર ગ્રંથો જગતને મળ્યા. આ પ્રમાણે બાળવિશ્વકોશના નિર્માણ કાર્ય માટે સંકલ્પ થયો અને કવિ ચન્દ્રકાન્ત શેઠના મજબૂત ખભા ઉપર આ જવાબદારી નાખીને સૌ ચિંતા મુક્ત થયા. બાળવિશ્વકોશના જે પ્રકાશનો થયા તે બાળકોની વિવિધ પ્રકારની રસરુચિની કેળવણી તથા ખિલવણી કરી શકે તેવા સમૃધ્ધ છે. પરિસ્થિતિગત અનેક અભાવો વચ્ચે પણ જીવનને ભર્યુ ભર્યુ બનાવીને પ્રસન્નતાનો પ્રસાદ કવિએ નિર્લેપ ભાવે વહેંચ્યો છે. તેમની સર્જનયાત્રાને ધન્ય કહેવાનો આ રૂડો અવસર છે.
કવિ ચન્દ્રકાન્ત શેઠના પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ હતા. પિતા તથા સમગ્ર કુટુંબ કીર્તનમાં ઓતપ્રોત રહેનારું હતું. ઘરમાંજ દયારામના પદો સાંભળ્યા. જેની ઊંડી અસર કવિના બાલમાનસ પર થઇ હતી. શબ્દ ઉન્નત અને ઉજ્વળ બને તેની સતત ખેવના તેમના સાહિત્ય સર્જનમાં રહી છે. કવિ આથીજ લખે છે :
‘‘.. પગ નીચે ધરતી છે તેમ આપણાં શબ્દ નીચેય ધરતી છે – શ્રધ્ધાની – સત્ શ્રધ્ધાની એના વિના સ્થિરતા નથી, દ્રઢતા નથી, ઉઘાડ ને વિકાસ નથી કે ઊંડાણ નથી. ’’
‘‘ વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા ’’ એ કવિએ અન્ય વિદ્વાન સર્જક મિત્રો સાથે મળીને લખેલો એક મૂલ્યવાન દસ્તાવેજી ગ્રંથ છે. દરેક વાતમાં ઊંડા ઉતરવાની તથા પુષ્કળ મહેનત કરવાની કવિની વૃત્તિ સિવાય આવા ગ્રંથની રચના થવી તે સંભવ નથી. ગુજરાતી કાવ્ય ક્ષેત્રે વીસમી સદીની સર્જકતાએ ઘણું સત્વ અને સામર્થ્યનું પ્રાણવાન નિદર્શન કરેલું છે. અનેક પ્રકારના કાવ્ય પ્રકારો ખેડાયા છે. ‘‘ વીસમી સદીના વાયુ મંડળને શ્વસીને કવિનો શબ્દ કેવો પ્રાણવાન તથા પાણીદાર થયો છે તેનો સાક્ષાત્કાર અહીં થશે ’’ આ પ્રકારની પૂર્વભૂમિકા બાંધીને ચન્દ્રકાન્ત શેઠ તથા સાથી કવિઓએ આ દળદાર તથા મૂલ્યવાન ગ્રંથ સમાજને અર્પણ કરેલો છે. કવિ ચન્દ્રકાન્ત શેઠની સર્જનયાત્રા સુદીર્ઘકાળ સુધી નિરંતર ચાલતી રહે તે માટે પ્રાર્થના કરવાનો આ પ્રસંગ છે. કવિને અંદરનો ઇલમ પ્રાપ્ત થયો છે અને કાવ્યવિશ્વમાં તેઓ ઝળહળ્યા છે.
અજીબ ઇલમ હૈ હમરે અંદર
કણકણ દેખો મસ્ત કલંદર.
બુન્દબુન્દમેં તારક ઝળહળ
તગતગ તિમિર અપારા !
ફૂલફૂલમેં પવન ચલા તો
મધમધ મુલક હમારા !
ભીતર ઐસી લગી ફૂંક કિ
સસ્સા ભયા સિકંદર !…
અજીબ ઇલમ હૈ…
Leave a comment