એકવાર મેઘાણીભાઇને કોઇએ પૂછ્યું : ‘‘ મેઘાણીભાઇ, તમે કવિ કાગને મળ્યા છો ? ’’ મેઘાણીભાઇએ જવાબમાં ના કહી. આથી પ્રશ્ન પૂછનારે વાતનો દોર લંબાવતા કહ્યું : ‘‘ મેઘાણીભાઇ ! તમે તેમને જરૂર મળજો. કવિ કાગ તો ફાટેલ પિયાલાનો ચારણ કવિ છે. ’’ મેઘાણીભાઇના મનમાં આ શબ્દો જાણે કોતરાઇ ગયા. ‘‘ ફાટેલ પિયાલાનો કવિ ! ’’ હવે ક્યારે મેળાપ થાય ! મેઘાણીભાઇના મનમાં કાગને મળવાની ઉત્સુકતાએ ઘર કર્યું. ઝવેરચંદ મેઘાણીની આ ખૂબી હતી. કારણ કે એ ખરા અર્થમાં સંશોધકનો જીવ હતા. જો એમ ન હોત તો આયુષ્યના ટૂંકા ગાળામાં ગાડા ભરાય એટલું તળનું સાહિત્ય એકઠું થઇ શક્યું ન હોત. અનેક ચારણ કવિઓ, લોક સાહિત્યકારો, વાર્તાકારો, કસબીઓ વગેરેને મળીને મેઘાણીભાઇએ સાહિત્યનો ખજાનો એકઠો કર્યો. મહીકાંઠાના જવાંમર્દ બારૈયા – પાટણવાડિયાઓની વાતો રવિશંકર મહારાજના મુખેથી સાંભળીને ગ્રંથસ્થ કરી. આથી તેમના સ્વભાવ મુજબ કાગને મળવા ઉત્સુકતા થાય તે સ્વાભાવિક વાત હતી. એમાં એક દિવસ ભાવનગરમાં જેની વાટ જોવાતી હતી તે ઘટના બની. મેઘાણીભાઇને કોઇએ કવિ કાગની ઓળખ કરાવી. સાદા પાનકોરના કપડામાં વિટળાયેલા આ તેજસ્વી આંખોવાળા અને ઘાટા કેશ-દાઢી વાળા સીધા અને સરળ છતાં પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા નિજાનંદી કવિને જોઇ મેઘાણીભાઇએ પ્રસન્નતાનો ભાવ અનુભવ્યો. અલબત્ત, મેઘાણીભાઇની અનુભવી આંખોએ ક્ષણમાત્રમાં એ બાબત સમજી લીધી કે આ ચારણ કવિ કોઇ રાજદરબારમાં જઇને ઊભો રહેનાર કવિ નથી. મેઘાણીભાઇની આ પ્રતિતિ સર્વથા સાચી પડી. કવિ શ્રી દુલા ભાયા કાગ જેને જગત ભગતબાપુના સન્માનયુક્ત નામથી ઓળખે છે તેઓ રાજદરબારના આકર્ષક માર્ગને છોડીને લોકદરબારમાં ગયા. લોકવાણીનો પ્રતિઘોષ આ કવિની બળકટ વાણીમાંથી ઊઠ્યો છે. કવિએ નૂતન યુગને પારખ્યો છે. મેઘાણીભાઇએ કાગની રચનાઓમાં નવપ્રયાણની પગલીઓનું દર્શન કરેલું છે. સાહિત્ય મર્મજ્ઞ શ્રી વિનુ મહેતાને કાગવાણી ‘‘લોકગ્રંથ સાહેબ’’ જણાય છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પાંચમા નેશનલ બુક ફેરનું આયોજન તા.૧ મે ૨૦૧૬ થી તા.૩ મે ૨૦૧૬ દરમિયાન કર્યું. ગુજરાતના સ્થાપના દિન સાથે સંકળાયેલી આ એક મહત્વની ઘટના છે. અનેક પ્રકારની સાહિત્યીક પ્રવૃત્તિઓનું અહીં સુગ્રથિત આયોજન થયેલું જોઇ શકાતું હતું. કવિ કાગની પણ અનેક રચનાઓ લોક સાહિત્યના ઉપાસકો પાસેથી લોકોએ પુસ્તકમેળામાં યોજાયેલા વાર્તાલાપો, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સાંભળી અને માણી. કવિ કાગની રચનાઓ કાળના ધસમસતા પ્રવાહમાં પણ નિજ સત્વને કારણે ટકી રહી છે તેની પ્રતિતિ થઇ હતી. કવિ કાગની વાણી એ ગંગોત્રીની ભવ્ય ધારા સમાન ઉજ્વળ તથા પાવક છે.
સાહિત્યના અનેક સ્વરૂપોમાં કવિ કાગનું નોંધપાત્ર પ્રદાન છે. આમછતાં તેમની વાણી ભજનોમાં સોળે કળાએ ખીલી ઊઠી હોય તેમ સતત અનુભવી શકાય છે. તેમની અનેક રચનાઓ તો લોકજીભે ચડી ગયેલી છે અને સતત ગવાતી તથા સંભળાતી જોવા મળે છે. ‘‘ પગ મને ધોવા દ્યો રધુરાય ’’ કે ‘ આવકારો મીઠો આપજે ’ એ આ પ્રકારની રચનાઓ છે. અનેક વિષયોને પસંદ કરીને વિચાર તથા આચારની ઉન્નતિ માટે પ્રોત્સાહક બની શકે તેવી રચનાઓ કવિએ સમાજના ચરણે ભેટ ધરી છે. કવિ તેમની એક રચનામાં લખે છે કે માણસ માત્ર માટે પ્રકાશની પ્રાપ્તિ સહજ છે. અજવાળું તો આવવા તૈયાર છે પરંતુ આપણે તે માટે બારી-બારણાં તો ખોલવા પડે ને ? નૂતન વિચારોના સ્વાગત અને સ્વીકાર માટે કવિને ખુલ્લા દ્વાર જેવું જીવન અનુકૂળ જણાય છે.
તમારાં દ્વાર ખોલો તો આવું
બાર તમારે કાયમ બેસું
યાદ કરો તો આવું…. તમારા….
કાગ નિયમ છે કાયમ એવો
ખુલ્લા દ્વારમાં જાવું…
હું અજવાળું જગ અજવાળું
બાર નહિ ખખડાઉં… તમારાં…
જગતની નીતિ રીતિને કવિએ ભલી ભાંતી નિહાળી તથા પચાવેલી છે. પ્રાણીમાત્રને જો નિજ સ્વાર્થની વાતમાં ઊંડો તથા એકપક્ષીય રસ હોય તો આ દોરંગી દુનિયાનો ધોખો નહિ ધરવાની કવિની સલાહ છે. જગત તો જેવું છે તેવુંજ તેને સ્વીકારવું રહ્યું.
આ લોકના સાગર વિષે
કોઇ નાવથી તરશો નહિ
દુનિયા તણાં દો-રંગના
ધોખા કદી ધરશો નહિ
જગદંબા માતા જાનકી
ધિક્કારથી ધોબી તણાં.
શ્રીરામની મહારાણીએ
જંગલ વિશે પુત્રો જણ્યાં
મન કંપતી આશાવતી
પૃથ્વી તળે પેસી ગઇ,
રાઘવ ચરણ સેવા તણી
એક આશા દિલમાં રહી ગઇ.
ભગવતી સ્વરૂપ સીતાને પણ જો સંસારનો આવો અનુભવ થયો હોય તો આ સ્થિતિનો સામનો કરવાનું કોઇના પણ જીવનમાં આવી શકે છે તે તરફ કવિનો અંગુલી નિર્દેશ છે. જગતે પાછળથી જેમને મસીહા ગણીને પૂજ્યા હોય તેવા વ્યક્તિવિશેષોના જીવનકાળમાં તો દુનિયાએ તેમની આકરી તાવણીજ કરેલી છે. નરસિંહને નાત બહાર કરવાના કે મીરાંને ઝેર મોકલવાના આ પ્રકારના પ્રસંગો આપણી સ્મૃતિમાં આજે પણ જળવાઇ રહેલા છે.
કવિ ક્રાંતદ્રષ્ટા હોય છે. આગમના એંધાણ કવિ પારખે છે. કવિ પોતાની આ અનુભૂતિનો અનુભવ જગતને વહેંચે છે. સાહિત્ય સર્જકો પોતાનો યુગધર્મ બરાબર પારખે છે. આ બાબતનો સંદર્ભ લઇને પોતાની મૂલ્યવાન રચનાઓ સમાજ સમક્ષ ધરે છે. કવિને આથીજ ક્રાંતદ્રષ્ટા કહેવામાં આવે છે. કવિ કાગને પણ દેશ આઝાદ થયો તે પહેલા મહાત્મા ગાંધી તરફ અને દેશ સ્વાધીન થયો તે પછી વિનોબાજી તરફ અનેરું આકર્ષણ રહ્યું. રવિશંકર મહારાજના નિયમિત સંપર્કથી કવિએ ભૂદાન ચળવળને સંબંધિત અનેક લોકપ્રિય રચનાઓનું સર્જન કર્યું. ૧૯૫૫ માં મહારાજ મજાદર ગયા અને કવિ ભૂદાનના રંગે રંગાઇ ગયા. કવિ લખે છે કે રવિશંકર મહારાજના સત્સંગથી મનની મલિનતા દૂર ભાગે છે.
કોટી કર્મ કે પુણ્ય જબ
ઉદય હોત ઇક સંગ
છૂટે મનકી મલિનતા
અરુ ભાવે સત્સંગ
રવિશંકર કી મુરલીકો
રુચિર સુન્યો જબ રાગ
હુલસ્યો હિય ભૂદાનમેં
રીઝ્યો કાગ સુનાગ.
કવિની ભૂદાન અંગેની સુંદર તથા અર્થસભર રચનાઓના સંદર્ભમાં પંડિત સુખલાલજી લખે છે કે વિનોબાજી – રવિશંકર મહારાજના વિચારોથી પ્રભાવિત થયેલું કવિનું મન નિર્મળ બન્યું. આ નિર્મળતાના સ્ત્રોતમાંથી જે શબ્દો પ્રગટ થયા તેજ ભૂદાનમાળા. કવિની ગાંધી – વિનોબાના વિચારને ઝીલતી ભૂદાનમાળા એ કાગવાણીની શૃંખલાનો એક લોકપ્રિય બનેલો હિસ્સો છે. વિનોબાજીનું દર્શન અલેકીઓ તરીકે કરાવીને કવિએ મર્મસભર વાત કરી છે.
અલેકીઓ માગવા આવ્યો રે…
દેશ દબણનો બાવો…
થંભી જાજો તરવારીઆ…
કાં તરવાર સજાવો ?
તેગ તોપને ખાંડો ખાંડણિયે
દાતરડાં નીપજાવો… અલેકીઓ…
૧૯૩૮ માં કોંગ્રેસ મહાસભાની બેઠક જ્યારે દક્ષિણ ગુજરાતના હરિપુરા ગામે યોજવામાં આવી ત્યારે કવિ કાગે ગાંધીજીની ઉપસ્થિતિમાં ‘મોભીડો’ નામની તેમની પ્રસિધ્ધ રચના રજૂ કરી સૌની પ્રસન્નતા મેળવી હતી.
સો સો વાતુનો જાણનારો
મોભીડો મારો ઝાઝી
વાતુનો ઝીલનારો…
ઝીણી ઝૂંપડીએ ઝીણી આંખડીએ
ઝીણી નજરથી જોનારો
પોતે ચણેલામાં પોલ ભાળે તો
પાયામાંથી પાડનારો… ગાંધી મારો…
કાગવાણીની અનેક રચનાઓ દીર્ઘકાળ સુધી જીવંત રહે તેવા સત્વવાળી હોવાથી અનેક વાતો બુકફેરના કેટલાક કાર્યક્રમો દરમિયાન થતી રહી. અલગ અલગ રુચિ ધરાવતા અનેક સાહિત્યપ્રેમી લોકોએ કવિ કાગની રચનાઓ હમેશા માણી છે અને બીરદાવી છે. બુકફેરનું આયોજન આ રીતે ભાવક તથા સર્જક વચ્ચે સેતુનિર્માણનું કામ કરે છે. આપણાં અનેક પ્રકારના સાહિત્યની સમૃધ્ધિનું દર્શન નગરજનોને થાય તે માટે મહાનગરપાલિકાનો આ પ્રયાસ સ્તુત્ય તથા આવકારપાત્ર છે.
Leave a comment