ચૈત્ર માસની નવરાત્રીના શુભ દિવસો ચાલે છે. માતૃશક્તિની ઉપાસના કરવાનો આ શુભ કાળ છે. અનાદિકાળથી દેવાધિદેવ સૂર્યનારાયણ ઉગમણી દિશાએથી પ્રગટ થઇ સુષ્ટિના ગાઢ તિમિરને દૂર કરે છે. શ્રધ્ધા તથા આશારૂપી નૂતન પ્રકાશને ફેલાવીને જગત પરનું પોતાનું પ્રકાશવંતુ સામ્રાજ્ય પ્રસ્થાપિત કરે છે. આ રીતેજ સમયે સમયે પ્રગટ થયેલા ચારણ આઇઓએ સમગ્ર સમાજમાં સંસ્કાર, શ્રધ્ધા તથા ઉત્તમ આચરણનો સૂર્યોદય કરેલો છે. ચારણ જાતિમાં જન્મ ધારણ કરીને પોતપોતાના કાળખંડમાં આ જોગમાયાઓએ સમગ્ર સમાજ પર સ્નેહ વરસાવેલો છે. જ્યાં અનિવાર્ય જણાયું ત્યાં હસતા મુખે પોતાના બલિદાન આપેલા છે. ‘‘ ચારણ એ આર્ય સંસ્કૃતિનું મહામૂલું અંગ છે. કેવળ બાહ્ય જીવનનુંજ નહિ પરંતુ જીવનના યથાર્થ એવા સૂક્ષ્મતત્વનું એક વિશિષ્ઠ સ્વરૂપ છે. આ સ્વરૂપના ગુણોને કારણે સદાયે પૂજાતું રહેલું છે. ’’ આ વિચાર શ્રી પિંગળશીભાઇ પાચકે (લોદ્રાણી-કચ્છ) પોતાના લખાણોમાં લખેલો છે. સમગ્ર સમાજે ચારણને દેવીપુત્ર કહી તેનો મહીમા કરેલો છે. આપણાં આઇઓઓની અનાસક્ત ઉપાસના હતી. જીવનમાં અમૃત સિંચન કરી શકે તેવા સદ્દગુણોથી તેઓ વિભૂષિત થયેલા હતા. અઘરી કે અટપટી બાહ્ય કર્મ પરંપરા કે વિધિ વિધાનથી તેઓ બંધાયેલા ન હતા. માનવતાના ધર્મનું તથા કર્મપ્રધાન જીવનનું આપણાં આઇઓએ સમર્થન કરેલું છે. આઇમાતાઓ પોતાના સદ્દવર્તનથી સમાજમાં સ્વીકૃતિ પામેલા છે. આથી આ ઉજળી પરંપરા સ્વરૂપે આપણને સહજ પ્રાપ્ત થયેલી સરસ્વતી કૃપા વિલૂપ્ત ન થાય તેની જાગૃતિ આપણેજ રાખવી પડશે. આપણાં જીવનમાં સમજશક્તિ, વિવેક અને ગુણનું નિરંતર સિંચન કરવા જગદંબા સ્વરૂપ આઇ શ્રી સોનબાઇ મા હમેશા કહેતા હતા. તારીખ બીજી ફેબ્રુઆરી – ૧૯૫૭ ના રોજ બનાસકાંઠા જિલ્લાના ચારણકા ગામે પોતાના પ્રવાસ દરમિયાન આઇમા એ કહેલું :
‘‘ પૂજા એ હાડચામની ન હોય, આદર્શનીજ હોય. ગુણની પૂજા હોય. જગદંબાઓ પ્રગટે તે માટે ભૂમિકા તૈયાર થવી જોઇએ. આઇઓના બાપ થવાની લાયકાતવાળા ચારણો જોઇએ છીએ. રામાયણ તથા ગીતાનું આપણાંમાં રટણ હોય. ભજન અને પૂજન હોય. ધર્મનીતિ અને શુભ આચાર તથા ભક્તિ હોય તો જગદંબા પ્રગટે. ’’
પૂ. આઇમાની આ શિખામણનો પડઘો કવિ શ્રી કાગ (ભગતબાપુ)ની વાણીમાં ઝીલાયો છે.
ચારણો સૌ સરસ્વતીને સેવે
ગીત રામાયણ ગાય.
ચાડધરામાં હજુ ગયા વર્ષેજ ઉત્સાહ અને શ્રધ્ધાના વાતાવરણમાં વિહતમાના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સંત શ્રી મોરારીબાપુના તે પ્રસંગે આશીર્વાદ મળ્યા હતા. ગયા વર્ષે ચાડધરા મુકામે યોજાયેલા અવિસ્મરણીય પ્રસંગ બાદ ભાઇ શક્તિદાનભાઇ ટાપરીયા તેમજ સૌ ભાઇઓ માતાજીનો જે મૂળ થડો હળવદમાં છે ત્યાં પુન: પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ કરે છે તે આનંદ તથા ગૌરવનો વિષય છે. આ ઉજળા કામ સાથે જોડાયેલા સૌ ભાઇઓ તથા માતાઓ આપણાં અભિનંદનને પાત્ર છે. આપણી આવી જાગતી જ્યોતિ સમાન જગદંબાઓના આશિર્વાદ થકીજ સમગ્ર સમાજના સ્નેહ તથા વિશ્વાસના તાણાંવાણાં મજબૂત બને છે. ઝાલાવાડના અનેક ઐતિહાસિક તથા પવિત્ર સ્થળોમાં હળવદના આવા એક પાવનકારી તથા પ્રેરણાદાયી સ્થળનો ઉમેરો થશે તેનો આનંદ છે.
ચૈત્રી નવરાત્રીના આ શુભ પર્વે લીંબડી રાજ્યકવિ તથા સમર્થ ભક્તકવિ શ્રી શંકરદાનજી દેથાના ભક્તિ પરાયણ શબ્દોથી જોગમાયાની કૃપા મેળવવા અંતરના ભાવથી વિનવણી કરીએ.
દેવ ધેનુ સમ તુવ દયા
મેરે સદન સદાય
દેવી અભિમત ફલ પ્રદા
રહો હિંગોલ જગરાય
આશાતુરને આપવા
દીઓ અખૂટ ધન અન્ન
અંબામા આશાપુરા
મમ પર રહો પ્રસન્ન.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૦/૦૫/૨૦૧૬.
Leave a comment