: ક્ષણના ચણીબોર : ઉલ્લાસ આનંદ અને ઊર્મિઓના મહાકવિ નાનાલાલ :

આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવશે કે કેમ તથા તેમ થશે તો પણ ક્યારે થશે તેની અનિશ્ચિતતા તથા ચિંતા ઘણા લોકોના મનમાં હતી. ગોરી હકૂમતની નાગચૂડ સખત હોય તેવો એ સમય હતો. ગાંધીજી દેશના નક્શા ઉપર દેખાયા હતા અને જોત જોતામાં છવાઇ ગયા હતા. કવિ નાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) ગાંધીજી કરતા આઠ વર્ષ નાના હતા. ૧૯૧૯ માં ગાંધીજીની ૫૦મી જન્મજયંતિ દેશભરમાં અનેક લોકો પોત પોતાની રીતે ઉજવતા હતા. આ અવસરે કવિ નાનાલાલે ગાંધીજીને ઉમળકાભેર અંજલિ આપતું એક સુંદર તથા અર્થપૂર્ણ કાવ્ય ‘‘ગુજરાતનો તપસ્વી’’ લખીને પ્રગટ કર્યું. આ કાવ્યને ગુજરાતી ભાષામાં ગાંધીજી વિશે લખાયેલું આ પ્રથમ કાવ્ય માનવામાં આવે છે. આ કાવ્ય જેવા ગાંધી વિશે બીજા કાવ્યો ભાગ્યેજ જોવા મળે તેવું સાહિત્યના કેટલાક અભ્યાસુઓનું તારણ છે. જે સમયે કવિએ આ કાવ્ય લખ્યું ત્યારે તેઓ બ્રિટિશ સરકારની નોકરીમાં હતા. કવિ સૌરાષ્ટ્રની બ્રિટિશ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ પદ સાથે પ્રતિષ્ઠા તથા સારું એવું આર્થિક વળતર જોડાયેલા હતા. આવું કાવ્ય ગાંધીજી માટે લખ્યા પછી ગોરી સરકારની નારાજગી વહોરવી પડશે તેની પૂરી પ્રતિતિ પણ કવિને હતી, પરંતુ આ દલપત પુત્ર આવી બધી બાબતોને ગણકારે તેવા ન હતા. કવિને નોકરી છોડવી પડી. ૧૯૨૧માં નોકરી છોડીને કવિએ અમદાવાદમાં નિવાસ શરૂ કર્યો. વાત આટલેથી પૂરી થઇ ન હતી. ૧૯૨૨ માં કવિની ધરપકડ કરવા માટે મુંબઇ સરકારે વોરંટ કાઢ્યું. બ્રિટિશ સત્તાધિશો દેશના મુક્તિ સંગ્રામના મરજીવાઓ સામે કોઇ ઢીલું વલણ દર્શાવવા માંગતી ન હતી, પરંતુ આ બ્રિટિશ અમલદારોમાં પણ કેટલાંક અધિકારીઓ સંવેદનશીલ તથા સૂઝ બૂઝ વાળા હતા. કવિશ્વર દલપતરામના આજીવન મિત્ર ફાર્બસ આ બાબતનું એક જ્વલંત ઉદાહરણ છે. કવિ નાનાલાલની ધરપકડ કરવા અંગેના વોરંટ બાબતમાં પણ અમદાવાદના તત્કાલિન કલેકટર શ્રી ચેટફિલ્ડે મુંબઇ સરકારને એક વિગતવાર પત્ર લખ્યો. આ પત્રમાં કવિ તરીકેની નાનાલાલની ઉચ્ચ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેમની સામેનું વોરંટ રદ કરવા કલેકટરે આગ્રહપૂર્વક રજૂઆત કરી. મુંબઇ સરકારે આ ભલામણ માન્ય રાખીને કવિ સામેનું વોરંટ રદ કર્યું. આ મહાકવિના વ્યક્તિત્વની આવી અનોખી પ્રતિભા હતી. મહાકવિનું બિરુદ કવિને લોકસમૂહે પ્રેમ તથા આદરપૂર્વક આપેલું હતું. ૧૯૨૧ માં સારા પગાર તથા સુવિધાઓ વાળી સરકારી નોકરી છોડી જીવનના શેષ પચીસ વર્ષ કવિએ આર્થિક સંકડામણ વચ્ચે ગાળ્યા. પરંતુ સરસ્વતીની અખંડ આરાધના કરવાના નિશ્ચયમાં કદી શિથિલતા કે નિરાશા તેમના જીવનમાં દેખાયા નથી. કલમને ખોળે માથું મૂકીને જીવવાના આવા આકરા તપ ભાગ્યેજ જોવા મળે છે. ‘‘વીર સત્ય ને રસિક ટેકીપણું’’ વાળી કવિ નર્મદની વાત મહાકવિ નાનાલાલને પૂર્ણત: લાગુ પડે છે. નોકરી છોડ્યા પછી એક બે રજવાડાઓ તરફથી સારા આર્થિક વળતર સાથે કામ કરવાની ઓફર પણ મળી. પરંતુ કવિ તથા કવિપત્ની બન્ને સ્વેચ્છાએ છોડેલી ઝંઝાળને ફરી વળગાડવા માંગતા ન હતા. મહાકવિ નાનાલાલની દીર્ઘકાલિન સરસ્વતી ઉપાસના થકી આપણી ભાષાને અનેક સર્જનો પ્રાપ્ત થયા છે. જેણે આપણી માતૃભાષાની શોભા અનેકગણી વધારી છે. નિવૃત્તિ પછીનું તેમનું જીવન ‘‘સાહિત્ય સર્જનનું એક સુદીર્ઘ સત્ર’’ બની ગયું તેવી શ્રી અનંતરાય રાવળે લખેલી વાત યથાર્થ છે. જીવનભર અહાલેક જગાવીને તેને જ્વલંત રાખનાર મહાકવિને ગુજરાતે ચાહ્યા છે અને હમેશા વધાવ્યા છે. 

પ્રભો ! તુજ દ્વારમાં ઊભી

જગાવ્યો મેં અહાલેક !

જગતના ચોકની વચ્ચે

જગાવ્યો મેં અહાલેક !

કમંડળ માહરું ખાલી

ભર્યું તુજ અક્ષય પાત્ર,

દીઠી ભંડારમાં ભિક્ષા,

જગાવ્યો મેં અહાલેક !

અહાલેક જગાવીને જગતના ચોકમાં ઉન્નત મસ્તકે ઊભા રહીને ઊજળું જીવન વ્યતિત કરનાર મહાકવિનો જન્મ ચૈત્ર સુદ એકમ – ગુડી પડવા – ના દિવસે ઇ.સ. ૧૮૮૭ માં થયો હતો. મહાકવિ નાનાલાલ ટ્રસ્ટ તરફથી દર વર્ષે ગુડી પડવાના દિવસે કવિશ્રીની જયંતી ઊજવાય છે. તે માટે આ ટ્રસ્ટના સભ્યશ્રીઓ તેમજ મહાકવિના કુટુંબીજનો અભિંદનને પાત્ર છે. ગુડી પડવાના દિવસે અનેક સાહિત્યપ્રેમી લોકો કવિશ્રીની સ્મૃતિને વંદન કરી તેમના જીવન તથા કવન વિશે વિચાર વિનિમય કરે છે. તાજેતરમાં તા. ૮ એપ્રિલ-૨૦૧૬ ના દિવસે ગુડી પડવો હતો ત્યારે આવો સુંદર કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. 

મહાકવિના પ્રભાવની વાત કરતા ડૉ. ઉષા ઉપાધ્યાયે લખ્યું છે તે ખૂબજ યથાર્થ છે. ઉષાબહેનાના મંતવ્ય મુજબ કવિ નાનાલાલની કવિતાને અનુવાદની પાંખ મળી શકી હોત તો કવિની શબ્દપ્રભા પણ વિશ્વવ્યાપી બની શકી હોત. મહાકવિની શુભદ્રષ્ટિ છે. મહાકવિની સૌંદર્ય પારખનારી અને તેને ગ્રહણ કરનારી દ્રષ્ટિ છે. ગમે તે ભોગે સત્ય કહેવાની મજબૂત આંતરિક શક્તિ છે. નબળા સમયમાં પણ ઉન્નત શિરે ખૂમારીપૂર્વક જીવવાની શક્તિ કવિમાં ધરબાઇને પડેલી જોઇ શકાય છે. કવિ નાનાલાલાના જીવન ઘડતર તથા વિચારો પર તે સમયે આધુનિક ગણાતી અંગ્રેજી કેળવણીની અસર છે. દેશની પરાધિનતા સામે ગાંધીજી થકી સર્જાયેલા લોકજૂવાળને તેઓ સ્પષ્ટ રીતે જોઇ શકે છે તથા પ્રમાણી શકે છે. ગાંધીજી સાથેના કવિના કેટલાક વૈચારીક મતભેદો પણ જીવનના સંધ્યાકાળે ભૂંસાઇ જાય છે. ઊર્મિ કાવ્યો તથા વસંતકાવ્યોમાં પૂર્ણકળાએ ખીલેલા કવિ વસંતના વધામણા કરતા લોકજીવન અને લોકસાહિત્યના વાસંતી મીજાજનું દર્શન કરાવે છે. 

મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે

એ રત આવીને રાજ ! આવજો !

કુંજે કુંજે વાઘા સજ્યા નવરંગ રે

એ રત આવીને રાજ ! આવજો !

આ વાસંતી વાયરાનો અલૌકિત આનંદ લેવા કવિ હરિને પણ આગ્રહભર્યું ‘વાયક’ મોકલે છે. 

આ વસંત ખીલે શત પાંખડી હરિ ! આવોને

આ ધરતીએ ધરિયા સોહાગ હવે તો હરિ ! આવોને

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ હરિ ! આવોને

મ્હારે સૂની સૌ જીવનની વાટ હવે તો હરિ ! આવોને.

કવિત્વના આભ ઊંચા શિખરોને સ્પર્શ કરે તેવી અનેક રચનાઓની અમૂલ્ય ભેટ ધરીને મહાકવિ આપણી ભાષાના સાહિત્યને રળિયાત કરતા ગયા છે. 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑