: વાટે… ઘાટે… : લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં: 

એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા ધોલેરા. ધોલેરાના સમૃદ્ર કિનારે કુદરતી રીતે જ મીંઠુ પાકતુ હોવાથી સૌરાષ્ટ્રના સિંહ ગણાતા નીડર પત્રકાર અમુતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા સત્યાગ્રહના મોરચેથી રણભેરીનો નાદ બુલંદ કરવામાં આવ્યો. સૂર્યના આકરા તાપથી સુકાઇ જતા ખારા પાણીમાંથી કુદરતી રીતે જ મીંઠુ પાકે, પરંતુ બ્રિટિશ હકૂમતે કાયદાથી નક્કી કર્યા મુજબ તે પ્રદેશનાજ લોકોને આ મીંઠુ લેવાનો અધિકાર નહિ ! મીંઠુ તો તેમની રોજીંદી તથા અનિવાર્ય જરૂરિયાત હોવાથી જોઇએ. આથી તેમણે સરકારે નક્કી કરેલા મીંઠુ પકવવાના ઇજારદારો પાસેથી મોંઘા ભાવે મીંઠુ ખરીદીને વાપરવું પડે તેવી વિચિત્ર તથા અન્યાયી સ્થિતિ પેદા થઇ. ગાંધીજીએ વ્યાપક જન સમુહને સીધો જ સ્પર્શ કરે તેવા આ મુદ્દાને લઇને દાંડીકૂચનું એલાન કર્યું. અન્યાયી કાયદા સામેની આ ઐતિહાસિક લડત હતી. છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ના મંગળ પ્રભાતે સૂર્યનારાયણ દેવની જીવંત શાક્ષીએ તથા હજારોની માનવ મેદનીના બુલંદ નારાઓ સાથે ગાંધીજીએ  સમુદ્રસ્નાન કરીને દાંડીના દરિયાકિનારેથી મીંઠુ ઉપાડી ગોરી સરકારના અન્યાયી કાયદાનો છડેચોક ભંગ કર્યેા. ધોલેરા સહિત દેશના અનેક સ્થળોએથી પણ આ લડતના એક પગલા તરીકે મીઠાના કાનૂનનો સવિનય ભંગ કરવામાં આવ્યો. લડતના આ દિવસોમાં લોકોના અપ્રતિમ જુસ્સાનું દર્શન થયું હતું. ધોલેરાના અમ્રુત ચોકમાં પણ દસ બાર હજારની જંગી માનવ મેદની વચ્ચે રાષ્ટ્રિય શાયર મેઘાણીભાઇએ તેમના બુલંદ કંઠેથી લડતની શરૂઆતની ક્ષણે લલકાર કર્યો.

કંકુ ધોળજો જી રે કેસર રોળજો !

પીઠી ચોળજો જી કે માથા ઓળજો !

જોધ્ધા જાગિયા જી કે કાયર ભાગિયા

ડંકા વાગિયા જી કે હાંકા લાગિયા

નમક સત્યાગ્રહની શાનદાર તથા જાનદાર શરૂઆતની નોંધ વિશ્વભરના માધ્યમોએ લીધી. ઘર આંગણે જનજનનું વ્યાપક સમર્થન આ સત્યાગ્રહને મળતું થયું. ‘‘ મીઠાના સત્યાગ્રહથી શું ફેર પડવાનો છે ?’’ એવી દ્વિધા અનુભવનારા પંડિત મોતીલાલ નહેરુ જેવા લોકો               ‘‘ પોરબંદરના વાણિયા’’ ની વ્યૂહરચનાથી દિગ્મૂઢ થઇ ગયા અને લડતમાં જોડાઇ ગયા. ધોલેરા સત્યાગ્રહમાં અમૃતલાલ શેઠ તથા રતુભાઇ અદાણી જેવા તે સમયના પ્રસિધ્ધ લોક સેવકો સાથે કનુભાઇ લહેરી પણ આ મહાસંગ્રામની એક મજબૂત તથા અસરકારક કડી તરીકે જોડાયા હતા. અમરેલીથી આવેલા ચાલીસેક ઉત્સાહી તથા મરજીવા યુવાનોમાં કનુભાઇનો પણ સમાવેશ થયેલો હતો. રતુભાઇ અદાણીએ આ સબંધમાં નોંધેલા તેમના સંસ્મરણોમાંથી કેટલોક ભાગ ફરી ફરી વાંચવો –સાંભળવો ગમે તેવો છે. 

‘‘ કનુભાઇ (લહેરી) અને હું (રતુભાઇ) ધોલેરા સત્યાગ્રહના એકજ મોરચે લાંબા સમય સુધી રહ્યા. બેવડિયો બાંધો અને ખડતલ શરીર ધરાવતા કનુભાઇ સત્યાગ્રહ અંગે આકરામાં આકરી કસોટીમાં રમતા રમતા અને હસતા હસતા પાર ઊતરે. નાનપણથીજ એમને અજબની વક્તૃત્વ કળા વરેલી. સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા કનુભાઇ ગામડાઓમાં ઘુમતા અને સભાઓ યોજી પોતાની લાક્ષણિક શૈલીથી સભાજનોને ડોલાવતા હતા. સભાજનો એમના વાણિપ્રવાહમાં તણાય તથા મુગ્ધ બની જાય. બરવાળા પંથકના ગામડાઓમાં તેઓ ખૂબ લોકપ્રિય બની ગયા. આ પંથકના જ એક ગામે તો કનુભાઇ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરવા માટે તે ગામના મુખ્ય ચોકને ‘‘ લહેરી ચોક’’ એવું નામ પણ આપેલું. ’’ 

ગાંધીયુગની આકાશગંગાના કનુભાઇ લહેરી એક તેજસ્વી તારલા હતા. પોતાના યોગદાન થકી તેમણે મુક્તિ માટેના મહા સંગ્રામને બળ તથા ગતિ પૂરા પાડ્યા હતા. કનુભાઇ લહેરીના જાહેર જીવનના અનેક કાર્યો જોઇને જાફરાબાદના નવલભાઇ વ્યાસે  લખેલા શબ્દો ખૂબ જ યથાર્થ લાગે છે. 

કલ્યાણકારી જીવન જેનું

નુકસાન કદી ન કો’નું કરવું

ભાવિ પ્રબળ છે મનમાં માની

ઇર્ષા દોષથી ડરવું.

લખ્યા લેખ મીટે નવ કો’ થી

હેતે હરિ ધ્યાનને ધરવું

રીસ કદી નવ કોથી કરવી

કનુભાઇ લહેરી કહેવાવું.

કનુભાઇ લહેરીનો જન્મ ૨૬ મે ૧૯૧૪ના રોજ થયો હતો. મે મહીનો એટલે આપણાં રાજ્યની સ્થાપનાનો પણ માસ છે. આથી આ માસમાં કનુભાઇના અનેક સ્નેહીઓના મનમાં તેમની મધૂર સ્મૃતિ ઝબકી જતી હશે તેમ ચોક્કસ માની શકાય. કનુભાઇ લહેરી સદેહે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમણે કરેલા સુકૃત્યોની લહેર આજે પણ જોઇ- અનુભવી શકાય છે. તેમનો પ્રાથમિક અભ્યાસ મુંબઇમાં થયો, પરંતુ મોસાળ હોવાના કારણે અમરેલી જિલ્લાના રાજુલા સાથેનો તેમનો નાતો હમેંશા જીવંત રહ્યો. પિતાશ્રીનું નિધન થયા બાદ તેઓ રાજુલા આવીને વસ્યા. રાજુલા તેમની કર્મભૂમિ બની રહ્યું. ૧૯૩૦ના ઐતિહાસિક સમયે દેશ માટેના મુક્તિ સંગ્રામમાં જોડાઇ જવાની અહાલેક ગાંધીજીએ ગજાવી. અનેક આદર્શઘેલા યુવાનોની જેમ કનુભાઇએ પણ અભ્યાસ છોડી લડતમાં જંપલાવ્યું. તેમના મામા હરજીવનદાસ પારેખ આભને થોભ દે તેવા આડાભીડ આદમી હતા. મામાનું વ્યક્તિત્વ ભાણેજ કનુભાઇમાં પ્રગટેલું જેાવા મળતું હતું. કનુભાઇ રાજુલાની ઓળખ સમાન બની ગયા હતા. પૂ. દયારામ બાપુ (બજરંગ દાસ આશ્રમ, ચમારડી) એ લખ્યું છે તેમ રાજુલા તથા ડુંગર પંથકની ત્રણ વ્યક્તિઓ – કવિ દુલાભાઇ કાગ, કલ્યાણજીભાઇ મહેતા તથા કનુભાઇ લહેરીના નામ લોકો ખૂબ આદરપૂર્વક લેતા હતા. જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમતે કરેલી જીવ સટોસટની લડતમાં પણ કનુભાઇએ સક્રિય ભાગ ભજવ્યો હતો. 

ગાંધીજીની અસર જેમના પર વિશેષ હતી તે પેઢીના આગેવાનોએ લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં ભારે જહેમત ઉઠાવી છે. લોક સહયોગ પણ તેમને ખોબે અને ધોબે મળેલો છે. જિલ્લા લોકલ બોર્ડની રચના કરવામાં આવી ત્યારે કનુભાઇના શિરે ભાવનગર જિલ્લાના લોકલ બોર્ડના પ્રમુખ તરીકે કાર્ય કરવાની જવાબદારી આવી. આ સ્થાન તેમણે પોતાની કાર્ય કરવાની સૂઝબૂઝથી શોભાવ્યું. ત્યાર બાદ અમરેલી જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ તરીકે પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી. પ્રજાનો કોઇ પણ પ્રશ્ન હોય તો તેને ઊંડાણથી ચકાસીને ત્યારબાદ તેના ઉકેલ માટે ઉત્તમ માર્ગ શોધવાની કળા કનુભાઇને સહજ રીતે જ વરેલી હતી. શ્રી જસવંત મહેતા (ગુજરાતના ભૂતપૂર્વ નાણાં મંત્રી) લખે છે કે સત્તાધારી પક્ષની કામગીરીની આકરી સમીક્ષા કર્યા પછી પણ આ વિરોધ પક્ષના નેતાએાનું સાંજનું ‘ હરિહર’ (ભોજન) તો સત્તાધારી પક્ષના અગ્રણી કનુભાઇને ત્યાંજ હોય ! કોઇ કડવાશ કદી તેમના વાણી-વ્યવહારમાં દેખાયા નથી. રાજકીય સહિષ્ણુતા જાણે કે કનુભાઇના લોહીમાં વણાયેલી હતી. અમરેલી જિલ્લાની રચનાની તમામ ગતિવિધિઓમાં કનુભાઇ લહેરી તથા સુરગભાઇ વરુનો સક્રિય સહયોગ ન હોત તો અમરેલી જિલ્લાની રચના થવી મુશ્કેલ હતી, પરંતુ આ આગેવાનો લાંબી દૃષ્ટિથી પ્રજાહિતને નજરમાં રાખીને નિર્ણય કરનારા હતા. તેથી જ આવા મહત્વના નિર્ણયો  વિવાદોથી પર રહીને થઇ શક્યા હતા. 

કનુભાઇ લહેરીની કામગીરીને જો એક વહીવટકર્તા તરીકે મૂલવીએ તો પણ તેમાં કનુભાઇની સૂઝ તથા કાબેલિયતના ભારોભાર દર્શન થાય છે. પ્રજા જીવનમાં તેમના મૂળ ધરબાયેલા  હોવાથી તેઓ જે નિર્ણયો કરતા તેમાં લોક-હિતનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે જોઇ શકાતુ હતું. અમરેલી જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ તરીકે કનુભાઇએ અમરેલી જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો હતો. ગ્રામ વિસ્તારમાં અને સ્થળોએ વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે તેવા દવાખાનાઓ (હેલ્થ સેન્ટર) તેમણે શરૂ કરાવ્યા હતા. આરોગ્ય ઉપરાંત ગામડાઓ તથા નગરોમાં પીવાના શુધ્ધ પાણીની ઉપલબ્ધી માટે તેમજ શિક્ષણ તથા માર્ગોના મજબૂત માળખાનો વિકાસ કરવાની દિશામાં કનુભાઇએ નોંધપાત્ર કામગીરી કરી હતી. ગામડાઓના સામાન્ય લોકો જિલ્લાના કોઇ કામ માટે અમરેલી આવે તો તેમને રહેવાની વ્યવસ્થા મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખીને સુવિધાયુક્ત પથિકાશ્રમ બંધાવ્યું હતું. વહીવટમાં કાર્યક્ષમતા સાથે જ કરકસરનો સુભગ સમન્વય જોવા મળતો હતો. અમલદારો પાસેથી કામ લેવાની એક આગવી સૂઝ પણ કનુભાઇ ધરાવતા હતા. આથી જ માનભાઇ ભટ્ટ (શિશુવિહાર – ભાવનગર) કનુભાઇને ‘‘ સાચા મહાજન ’’ તરીકે ઓળખાવે છે. 

કનુભાઇના પ્રિય બંધુ અમુભાઇએ અંતરના ભાવથી અનુભવ્યું તથા લખ્યું છે કે નિ:સ્વાર્થ સેવાના ઉચ્ચ ધોરણો જાહેર જીવનમાં સ્થાપીને કનુભાઇ ભાવી પેઢીઓને દરેક સમયે ઉપયોગી થઇ શકે તેવું માર્ગદર્શન આપી ગયા છે. સમગ્ર સમાજે ઉમંગ તથા ઉત્સાહથી કનુભાઇ લહેરીનો અમુત મહોત્સવ ઉજવ્યો તે પ્રસંગે ગુણવંતભાઇ પંડ્યા (પથિક) એ લખેલા શબ્દો વિસરી શકાય તેવા નથી. 

લોકસેવા કાર્યમાં અવિરત જે ઝૂઝતા રહ્યા

લક્ષ્મી અને સત્તા થકી દૂર જે ફરતા રહ્યા

જીવે ઘણું તંદુરસ્તીમાં ઇશ્વર કૃપાની લહેરમાં

લહેરી છે એ લહેરી રહે રાખે સહુને લહેરમાં.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑