સંસ્થાઓમાં અનેક વ્યક્તિઓના ચારિત્ર્ય નિર્માણનું કાર્ય થતું હોય છે. કદાચ આજ કારણસર ગુરુદેવ ટાગોરે શાંતિ નિકેતનના પાયા નાખ્યા હશે. ગાંધીજી જેવા દ્રષ્ટિવાન પુરુષે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હશે. નાનાભાઇ ભટ્ટ જેવા કેળવણીકારે દક્ષિણામૂર્તિ દેવના નામે તથા તેમની શાક્ષીએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિની ઇમારત કંડારી હશે. હજુ ગઇકાલનીજ ઘટના યાદ કરીએ. જૂનાગઢના કુમારો માટેના ચારણ છાત્રાલયની સ્થાપના કરવાની મહેચ્છા ‘પોતાવટ પાળવાવાળી’ મઢડા વાળી માને આજ કારણથી અંતરમાં ઉમટી હશે. ભાવનગરનું કૃષ્ણકુમારસિંહજી ચારણ છાત્રાલય (જેલ રોડ, ભાવનગર) એ પણ આવી એક ઉજળી પરંપરાના નક્કર મણકા સમાન સંસ્થા છે. ગુજરાત તેમજ રાજસ્થાનની ચારણ સમાજની જૂની સંસ્થાઓની યાદી કરીએ તો ભાવનગર છાત્રાલયનું સ્થાન અગ્રસ્થાને મૂકવું પડે. આ સંસ્થાના પ્રતાપે આપણાં ઘણાં ઘર દીવડાઓ સમગ્ર સમાજમાં પ્રકાશ પાથરવા શક્તિમાન થયા છે.
‘‘ જાગો ભાઇ ! જાગો ’’ ના ઊંચા સ્વર સાથે સફેદ લેંઘા અને ઝભ્ભામાં વીંટળાયેલા એક સ્નેહાળ તેમજ કર્મઠ સેવકનો પ્રભાતના પાવન પહોરે જે અનુભવ ભાવનગર બોર્ડિંગમાં થયેલો તે સ્મૃતિમાંથી ખસી શકે તેવો નથી. ઘરના છોકરાઓને જગાડવામાં પણ પરિશ્રમનો અનુભવ કરતા અનેક વડીલોએ ભાવનગર બોર્ડિંગના ધનાભા નૈયાની ધીરજ તથા નિયમિતતાનો દાખલો અનુસરવા જેવો છે. ધનાભા જેવી ધીરજથી દરરોજ ‘‘ જાગો ભાઇ ! જાગો ’’ કહીએ તો કિશોર કે તરુણ કોઇક દિવસ તો વ્યાપક અર્થમાં જાગેને ? આશા છોડી દેવા જેવી વાત નથી. બોર્ડિંગના સંદર્ભમાં તો ગૃહપતિ ધનાભાની આ સવારના પહોરની મહેનત વિદ્યાર્થીને જગાડીને પ્રાર્થના તેમજ અભ્યાસ માટે તૈયાર કરવાની હતી. ધનાભાની આ દરરોજની તેમજ વણથાકી મહેનત અમૂલ્ય હતી તેવું આજે સમજાય છે. તે દિવસોમાં તો અલબત્ત, એ બાબત બોર્ડિંગના વિદ્યાર્થીઓને ઘણી કંટાળાજનક તથા અપ્રિય લાગતી હતી તે સમજી શકાય તેવી વાત છે.
ઋષિ સમાન જ્ઞાનોપાર્જન કરનાર પિંગળશીભાઇ પાયક, પચાણભાઇ વિશ્રામભાઇ આલ્ગા (વીજ પાસર-કચ્છ) કે ભીમશીભાઇ કાકુભાઇ મધુડા (કાઠડા-કચ્છ)ની હરોળમાં મૂકી શકાય તેવી કાર્યનિષ્ઠા ધનાભામાં જોઇ છે, અનુભવી પણ છે.
પચાણભાઇ સાહેબની પાવન સ્મૃતિ થાય ત્યારે અમારા મુરબ્બી શ્રી જાદવભાઇ (કાઠડા)એ કહેલો એક પ્રસંગ આંખ સામે તરવરે છે. જાદવભાઇ માંડવી બોર્ડિંગના વિદ્યાર્થી અને પચાણભાઇ ગૃહપતિ તરીકે સેવા આપતા હતા. એક દિવસ રાતના સમયે પચાણભાઇને માથાનો દુખાવો થયો એટલે તેમણે જાદવભાઇને બોલાવ્યા. જાદવભાઇ વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સંસ્થાના ખર્ચે કેટલીક પ્રાથમિક સારવાર માટેની દવાઓ રાખતા હતા તેમજ તેનો વહીવટ કરતા હતા. દવા કોઇ વિદ્યાર્થીને સામાન્ય તકલીફ કે બીમારી હોય તો આપવાની વ્યવસ્થા હતી. પચાણભાઇએ જાદવભાઇને કહ્યું કે તેમનું માથું દુખે છે એટલે એક એનેસીન ટેબલેટની જરૂર છે. જાદવભાઇએ તરતજ ટીકડી તથા પાણીનો ગ્લાસ લાવીને પચાણભાઇને આપ્યા. પચાણભાઇ ગોળી ગળતા પહેલાં ખિસ્સામાંથી દસ પૈસાનો સીક્કો કાઢીને જાદવભાઇને આપે છે. સીક્કો આપીને સૂચના આપી કે સંસ્થા માટેની જે દાનપેટી છે તેમાં આ દસ પૈસાનો સીક્કો નાખી દે ત્યારપછીજ હું દવા લઇશ ! પચાણભાઇ જેવા લોકો જ્યાં તપ કરીને દટાયા છે ત્યાંજ તેમના પુણ્યપ્રતાપે આજે ભવ્ય મકાનો ઊભા થયા છે ! ચારણની આ નિષ્ઠા હતી જેનું વર્ણન પણ પ્રેરણા સિંચે તેવું છે !
ધનાભા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના લુણાગરી ગામના વતની હતા. આ નૈયા શાખાના ચારણે ભાવનગર બોર્ડિંગની નૌકાને અનેક નાના-મોટા વાવાઝોડામાં આઇમાના આશીર્વાદથી સફળતાપૂર્વક હંકારી છે. ધનાભા આ કાર્યમાં કદી ડગ્યા નથી કે નિરાશ થયા નથી. ધનાભાનો જન્મ ફેબ્રુઆરી-૧૯૨૯ માં થયો અને તેમનો વિદ્યાભ્યાસ પણ ભાવનગરમાંજ થયો. અભ્યાસ પૂરો થયા બાદ તે સમયમાં સારી ગણાતી રેલ્વેની સેવામાં જોડાયા. જગદંબા સ્વરૂપ આઇ શ્રી સોનબાઇમાના આગ્રહ તથા આશીર્વાદથી ભાવનગર બોર્ડિંગમાં ગૃહપતિ તરીકેની સેવા આપવા તૈયાર થયા. ૧૯૬૫ ના માર્ચ મહિનાથીતો તેઓ વિધિવત્ રીતે બોર્ડિંગના તમામ વ્યવહારોની જવાબદારી સંભાળતા થયા. પૂ. ભગતબાપુ તથા પિંગળશીભાઇની ભાવનગરની આ સંસ્થા અંગેની ચિંતા ધનાભાએ ઓછી કરાવી. લગભગ ચાર દાયકાના સુદીર્ઘ સમયગાળા માટે તેઓ ચારણ છાત્રાલય ભાવનગરના દરેક કાર્યમાં સક્રિય રહ્યા. સંસ્થાનું સુચારુ સંચાલન થાય તેમજ બહારગામથી ભણવા માટે ભાવનગર આવતા વિદ્યાર્થીઓની પ્રગતિ થાય તે બન્ને બાબત માટે તેઓ ગજા ઉપરવટ જઇને ઝઝૂમતા રહ્યા. નબળી આર્થિક સ્થિતિના વિદ્યાર્થીઓને તેમણે હમેશા હૂંફ તથા રક્ષણ પૂરા પાડેલા છે. સંસ્થામાં આવતા તમામ મહેમાનોની કાળજી તેમણે રાખી અને આ સંસ્કારનું સિંચન વિદ્યાર્થીઓમાં પણ કર્યું. સમાજના કાર્યની સાથેજ પોતાના ભાણેજ – ભત્રીજાઓ શૈક્ષણિક વિકાસ માટે પણ એટલાજ સક્રિય રહ્યા. ધનાભાને તેમના દરેક પ્રયાસમાં તેમના વડીલો શ્રી દેવસુરભા તેમજ દેવરાજભાનો મજબૂત હોંકારો હમેશા મળી રહેતા હતા. કુટુંબના સંસ્કારની ઊંડી છાપ ધનાભાના દરેક કામમાં જોવા મળે છે. ૪૦-૫૦ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૦-૮૦ સુધી પહોંચી હોવા છતાં તેને સંબંધિત આર્થિક તથા વ્યવસ્થાને લગતા પ્રશ્નો ધનાભાએ આત્મબળથી ઉકેલ્યા. બોર્ડિંગ માટે આવકના નવા સ્ત્રોત ધનાભાની વ્યવહારુ સૂઝને કારણે ઊભા થયા અને ઉત્તરોત્તર વિકસતા ગયા. ભાઇ શ્રી ભીખુભાઇ મુળિયા (નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી) પોતાના મામા ધનાભાની અનેક ઘટનાઓ યાદ કરીને તે બાબતમાં વાત કરતા આજે પણ ગળગળા થઇ જાય છે. સ્નેહના સરવાણ દુકાળે પણ ડુકતા નથી તેની પ્રતિતિ આ બધી વાતો જાણીને થયા કરે છે. લગભગ આઠ દાયકાનું સુદીર્ઘ આયુષ્ય ભોગવીને ધનાભા ઓકટોબર-૨૦૦૭માં આપણી વચ્ચેથી સદેહે ગયા. વળતરની કે પદ-પ્રતિષ્ઠાની સહેજ પણ ખેવના રાખ્યા સિવાય સમાજને પોતાનું જીવન સમર્પિત કરનાર ધનાભા નૈયાની ધન્ય સ્મૃતિ વિસરી શકાય તેવી નથી. બોર્ડિંગના કામ માટે તેમણે અંગત જીવનની કે સુવિધાઓની કદી પણ ખેવના રાખી નથી તેના અનેક છાત્રો શાક્ષી છે. સંસ્થાઓ ઊભી કરીને ચલાવવામાં ‘‘ધનાભા’’ જેવા સમર્પિત લોકોનો કોઇ વિકલ્પ દેખાતો નથી. ભાવનગર બોર્ડિંગના અમે સૌ વિદ્યાર્થીઓ અમને નિત્ય પહોરે ‘‘જાગો ભાઇ ! જાગો’’ કહીને જગાડનાર આ સ્નેહાળ મૂર્તિને દરેક પ્રસંગે અચૂક યાદ કરીએ છીએ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment