: ક્ષણના ચણીબોર : : જીવન – તલસાટનું ધ્વનિ સાહિત્ય : લોક સાહિત્ય :

લોક સાહિત્યની વાત એ લોક સાથે જોડાયેલી વાત છે. લોક સાથે જોડાયેલી પ્રત્યેક વાત એ લોકની જેમજ જીવંત હોય છે. ધબકતી હોય છે. વ્યક્તિઓ તો આવે અને જાય પરંતુ લોક એ શાશ્વત છે, કાળજયી છે. લોક સાહિત્યની રચનાઓના કોઇ લેખક નથી હોતા. આવી કૃતિઓ લોકમાં ગવાતી રહે છે અને હોંશેહોંશે ઝીલાતી રહે છે. લોકગીતોની લોકપ્રિયતા ઓછી થતી નથી. 

સવ્વા બસેરનું મારું દાતરડું લોલ

ઘડ્યું ઓલ્યા લાલીયા લુહારે,

મુજા વાલમજી લોલ, હવે નહિ જાઉં

વીડી વાઢવા રે લોલ.

આવી તો અનેક રચનાઓ કંઠો-પ-કંઠ, કર્ણો-પ-કર્ણ ગવાતી – સંભાળતી અને ઝીલાતી રહે છે. લોકસાહિત્યની આ શાશ્વતીનો સાદ આથીજ મીઠો લાગે છે. ગમતો રહે છે. લોક સાહિત્યના જાણીતા ધૂળધોયા સંશોધકોમાં ઝવેરચંદ મેઘાણીનું કાર્ય અગ્રસ્થાને મૂકવું પડે તેવું વ્યાપક તથા સર્વ સમાવેશક છે. કવિ દુલા ભાયા કાગે મેઘાણીના આવા ભાતીગળ કાર્યને બીરદાવતાં લખ્યું : 

સુતા જઇ સ્મશાનમાં

એની સોડ્યું તે તાણી

વધુ જીવાડ્યા વાણીયા

કંઇક મડદા મેઘાણી.

કવિ પિંગળશીભાઇ લીલાએ લખ્યું :

ગિરા કંદરા પહાડ ગજવતો

ગાંડો તુર થઇ ગાતો,

સાવજને ચારણ કન્યાનું

યુધ્ધ નીરખવા જાતો,

ચૌદ વરસની ચારણ કન્યા

જગદંબા શી જાણી

અમરલોકથી આવ્ય અમારા

શાયર મેઘાણી.

મેઘાણીભાઇએ જીવનના અનેક વર્ષો સુધી આકરી રઝળપાટ કરી. લોક સમુહમાં ગયા તેમની વાતોને કાન માંડીને સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળી મીઠાશનો મધપુડો બાંધીને મેઘાણી ગયા. જીવનના પાંચ દાયકાની સફર પણ પૂરી ન કરી શકનાર આ સંશોધક મર્મીએ જાણે પાંચ સૈકામાં થાય એટલું કાર્ય કરીને જગતના ચોકમાં મૂક્યું. 

શ્રમિકોના શ્રમમાં, માતાના વહાલમાં, ભાઇના જવતલમાં કોઇક કારણોસર સાસરીમાં ઊંડી વેદનાથી પીડાતી કોઇ વહુવારૂના આર્તનાદમાં આ ગીતો પ્રગટ્યા છે. જીવનના ઉલ્લસા સાથે પણ આ સાહિત્ય મહોર્યું છે અને મનોવેદનાની પાનખરમાં પણ લોક સાહિત્ય વિચલિત થયા સિવાય લોક સાથે ઊભું છે. પેલી શ્રમિક બહેન ગાય છે : 

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ

મેં રે વાઢ્યા છે દસ વીસ મુંજા વાલમજી લોલ

ખુમારીની વાત તો હવે પ્રગટ થાય છે

પરણ્યે ભર્યું છે એનું પેટીયું રે લોલ

મેં તો જમાડ્યો મારો વીર…મુંજા…

બગવદર ગામના જાજરમાન મેરાણી ઢેલીબાઇને ત્યાં એક અતિથિ ઊભો છે. માથે કાઠીયાવાડી પાઘડી, મોટી મોટી સ્નેહાળ આંખો, ધોળા વસ્ત્રો અને કાઠીયાવાડી પાઘડીમાં સુસજ્જ. તેને જોઇને હૈયાના હરખથી ‘‘આવો’’ કહ્યા સિવાય રહેવાય નહિ તેવો આ માયાળુ મહેમાન હતો. ઢેલીબેન ગીતો ગાતા જાય અને મહેમાન બનીને આવેલા મેઘાણી પૂરી તન્મયતાથી એકચિત્તે ગીતો ટપકાવતા જાય. ઢેલીબેનને વચ્ચે વચ્ચે ગાવાનો પણ આગ્રહ કરે. ઢેલીબેન કોઇ પંક્તિ અધૂરી મૂકે તો કેટલીકવાર આ ધૂળધોયો સાહિત્યકાર પૂરી પણ કરે તેવી તેની લોકગીતની સમજ તથા સજ્જતા હતા. બપોરના સમયે ભોજન કરવાનો સમય થયો. ઢેલીબેન રસોડામાં બાજરાના લોટમાં સ્નેહનું મેળવણ નાખી રોટલા ઘડે છે. રસોડામાંજ એક ગામમાંથી શોધીને લાવેલો પાટલો નાખે છે. હવે આ ધૂળધોયાની દ્રષ્ટિ જૂઓ. પાટલો દૂર હટાવી પોતે નીચે બેસી ગયા. ઢેલીબાઇને ફાળ પડી. ‘‘અરેરે… અમારા ગામના ગારના ધૂળિયા કાચા મકાન અને આ મેમાનના ધોળા કપડા !’’ મેઘાણીભાઇ મોજથી હસતા હસતા ઢેલીબેનને કહે છે : રાંધનારી જમીન પર બેસે અને જમનારા પાટલે બેસે એ ક્યાંનો ન્યાય ? બીજા દિવસે સવારે ગાડુ જોડાવીને બીજા ગામ પહોંચાડવાની વ્યવસ્થા કરી. કવિ કહે : ગાડામાં હું નહિ બેસું. એક જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું ન બેસાય ! ’’ જીવનની આ રુજુતા તથા વિચારોની આવી ઊંચાઇના કારણે મેઘાણીભાઇએ લોક સાહિત્ય સંગ્રહ અને સંપાદનની એક અનોખી મીસાલ કાયમ કરી.

લોક સાહિત્યનોજ એક ભાતીગળ પ્રદેશ એટલે લોકવાર્તનો પ્રદેશ. આવી વાત આમતો એક વ્રતાંત છે. તેના મૂળમાં કોઇ દંતકથા પણ હોઇ શકે. કાળના લાંબા પટ ઉપર જ્યારે આ કથા બોલાય ત્યારે તેમાં શ્રધ્ધાનું તત્વ ઉમેરાય છે. કંઠોપ કંઠ કહેવાતી આ વાતોમાં અતિશયોક્તિ થવાની સંભાવના છે. સુપ્રસિધ્ધ ઇતિહાસવિદ્ કર્નલ ટોડે ચારણી સાહિત્યના આવા સાહિત્યમાંથી અનેક વાતોનો યોગ્ય સંદર્ભ ઇતિહાસ આલેખવા લીધો છે. આ રીતે આ વાતો- કથાઓ ઇતિહાસને પૂરક બની છે. બહારવટિયાઓ પણ ક્વચિત્ સંત સુગંધયુક્ત વર્તન દાખવતા હોય તેવી અનેક કથાઓ છે. રવિશંકર મહારાજે આ બાબત ઠોસ વિગતો સાથે જગત સમક્ષ રજૂ કરી છે. મહીકાંઠાના પાટણવાડીયાઓ અને બારૈયાઓ તે સમયની બ્રિટીશ હકુમતના જાહેરનામાને કારણે ગુનેગાર ગણાતી જાતિઓ હતી. પરંતુ આ લોકોમાંજ પડેલી ખુમારી તથા ઉદારતાના ભાવ રવિશંકર દાદા જોઇ શક્યા. દાદા અને મેઘાણીભાઇના રસપ્રદ વાર્તાલાપમાંથી વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી શકે તેવી કૃતિ ‘‘માણસાઇના દીવા’’ જગતને મળી. આ વાતો અને કથાઓ એ આપણાં લોકસાહિત્યનો એક ભાગ છે. ૧૯૨૧ માં કલકત્તાથી હ્રદયના છાને ખૂણે અનેક સ્વપ્નો લઇને આવેલા મેઘાણી દરબાર વાજસૂરવાળા તથા અનેક ચારણ કવિઓ સાથેની જીવંત ગોઠડીમાંથી મૂલ્યવાન મોતી શોધે છે અને પોતાની ઢબથી ગ્રંથસ્થ કરે છે. ૧૯૨૨ થી સૌરાષ્ટ્રનીરસધાર વહેતી થઇ અને સાહિત્ય લોકમાં લોકસાહિત્યની અનેક કથાઓનો ધમાકેદાર પ્રવેશ થયો. અંગ્રેજ અધિકારી કિનકેઇડ અને મેઘાણીના આલેખન અને દ્રષ્ટિબિંદુમાં મહત્વનું અંતર જોઇ શકાય છે. કાળી અંધારી રાતમાં પણ તેજ લકીર મેઘાણી નામના આ ધૂળધોયા સંશોધક જોઇ શક્યા. કવિ દાદ લખે છે : 

કાળી અંધારી રાતમાં તેંતો

તેજની જોઇ લકીર,

જુલમી નરમાં માનવતાના

હૈયે દીઠાં હીર,

અંતરાના લોઢ ઉછાળ્યા

સમદરમાં વીરડા ગાળ્યા.

લોક સાહિત્યનો સ્વસ્થ તથા નિર્મળ પ્રવાહ નિરંતર વહેતો રહે તે ઇચ્છનિય છે. સમાજમાં માનવીય મૂલ્યોની ચેતના જીવંત રાખવામાં તળનું સાહિત્ય ઉપયોગી બને છે. 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

તા.૨૯/૦૪/૨૦૧૬.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑