
૧૯૪૨ નો એ માહોલ અસાધારણ હતો. ગાંધીજીના ‘ભારત છોડો’ ના ઐતિહાસિક એલાને પૂરા દેશમાં નૂતન ચેતનાનો સંચાર કર્યો હતો. બ્રિટન પણ બીજા વિશ્વયુધ્ધની ઝાળે પોતાના અનેક પ્રશ્નોમાં ગૂંચવાયેલું હતું. આથી ગોરી સરકાર માટે પણ ગાંધીજી પ્રેરીત ૧૯૪૨ નું આંદોલન એક ગંભીર પડકાર સમાન હતું. સમયના આ માહોલમાં ભાવનગર શહેરની એક નોંધાયેલી ઘટના ફરી યાદ કરવી ગમે તેવી છે. યુવાન સનત મહેતા ૧૯૪૨ ની આ ક્રાંતિમાં સક્રિય હતા. તેનું કારણ પણ શોધવા જવું પડે તેવું નથી. દેશભરના યુવાનોની આ મનોસ્થિતિ હતી. ભાવનગર રાજ્યમાં પણ સનત મહેતા જેવા અનેક યુવાનો ખૂલ્લી રીતે મુક્તિ સંગ્રામમાં જોડાયા હતા. ભાવનગર રાજ્ય વિચક્ષણ દીવાન સર પટ્ટણીના સમયથી બ્રિટીશ હકૂમત સામે રણશિંગુ ફૂંકનાર સમૂહ તથા રાજ્યના ગોરી સરકાર સાથેના સંબંધો વચ્ચે તાલમેલ જાળવવા જાગૃત પ્રયાસો કરનાર રાજ્ય હતું. આથી સર પટ્ટણીના વારસદાર દીવાન અનંતરાય પટ્ટણીનું ધ્યાન આ ચળવળમાં સક્રિય રહેનાર યુવાનો તરફ સ્વાભાવિક રીતેજ હતું. સનતભાઇના પિતા રાજ્યની નોકરીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાજ્યનાજ એક કર્મચારીનો પુત્ર આવી ચળવળમાં કેવી રીતે જોડાઇ શકે ? આથી સનતભાઇના પિતા મગનલાલને કહેણ મળ્યું : ‘‘ દીવાન સાહેબને મળી જાઓ ’’ મગનલાલ હાજર થયા. દીવાન સાહેબે થોડા શબ્દોમાંજ ઘણું કહી નાખ્યું. અનંતરાય પટ્ટણી કહે છે : ‘‘ માસ્તર ! દીકરાને સંભાળો ’’ જે સલાહ હતી તે આદેશાત્મક હતી તે વાત મગનલાલ બરાબર સમજતા હતા. શિક્ષકનો જીવ અને ગાંધી મહાત્મા પ્રત્યે શ્રધ્ધા અને આદર પણ ખરા. પરંતુ નોકરી ગુમાવવાનું પરવડે તેવું ન હતું. સામા છેડે પુત્ર પણ આ ચળવળથી દૂર રહે તેવી શક્યતા ન હતી તે વાત પિતા બરાબર સમજતા હતા. આથી યુવાન સનતભાઇએ પિતાની મૂંઝવણનો જાતેજ માર્ગ શોધી કાઢ્યો. ઘરની સલામતી તથા હૂંફ છોડીને ખૂલ્લા વિશ્વમાં જૂસ્સા પૂર્વક પ્રવેશ કર્યો. ‘‘ ડગલું ભર્યું કે ના હઠવું ’’ એ ગુણ કેળવાયો યુવાનીમાં, પરંતુ તેનું જોમ તથા જુસ્સો સનત મહેતાના સ્વભાવ અને વર્તનમાં આજીવન ટકી રહ્યા. ‘‘ અમીર શહેરના ફકીર બાદશાહ ’’ ગણાતા ઇન્દુચાચાના એક સંનિષ્ઠ વારસદાર તરીકે ઘણાં રાજકીય અભ્યાસુઓએ સનતભાઇને સકારણ મૂલવ્યા છે. ભાવનગર જિલ્લાના જેસર ગામે એક શિક્ષક પિતાને ત્યાં જન્મ લેનાર સનત મહેતાનો જન્મ એપ્રિલ ૧૯૨૫માં થયો હતો. ૨૦૧૫ ના ઓગસ્ટમાં તેઓ આપણી વચ્ચેથી સદાકાળ માટે ગયા. એપ્રિલમાં તેમની જન્મજયંતિ આવે છે. ૨૦૧૬ના એપ્રિલની જન્મજયંતિએ સનત મહેતા નામના તેજસ્વી વિચારક અને ગતિશીલ જાહેર સેવક આપણી વચ્ચે નથી તેની ખિન્નતા અનુભવી શકનારા અનેક લોકો હશે. આપણી ‘‘બહુરત્ના વસુંધરા’’ હોવા છતાં કેટલોક ખાલીપો ઊભો થાય છે તે પૂરાશે કે કેમ તેની વિમાસણ અનેક લોકોના મનમાં રહ્યા કરે છે.
આ માસમાં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાનો શુભ દિવસ આવે છે ત્યારે કેટલાક ઉજળા વ્યક્તિત્વોની સહેજે સુખદ સ્મૃતિ થાય છે. રાજ્યની સ્થાપના સાથેજ ડૉ. જીવરાજ મહેતા જેવા વિચક્ષણ અને કર્મઠ વ્યક્તિ ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી તરીકે પ્રાપ્ત થયા તે એક સુખદ યોગાનુયોગ છે. ડૉ. મહેતાની કૂશળતા તેમણે રાજ્યના શરૂઆતના વર્ષોમાં સ્થાપેલી મજબૂત તથા પ્રજાલક્ષી પ્રણાલીઓમાં વ્યક્ત થાય છે. ગુજરાતનો જે ઉત્તરોત્તર વિકાસ થયો તેના પાયામાં ડૉ. જીવરાજ મહેતાનું અમૂલ્ય યોગદાન છે. આજ રીતે ગુજરાતને કેટલાક જાગૃત તથા નિરંતર અભ્યાસુ ધારાસભ્યશ્રીઓ મળ્યા તેમાં સનત મહેતા ઉપરાંત મનોહરસિંહજી જાડેજા, મકરંદ દેસાઇ, દિનશા પટેલ, બાબુભાઇ વાસણવાલા જેવા અનેક મહાનુભાવોની સ્મૃતિ થાય છે. અલગ અલગ વિચારધારા તેમજ રાજકીય પક્ષો સાથે જોડાણ ધરાવતા હોવા છતાં ગુજરાતના હિતનો પ્રશ્ન હોય ત્યાં પક્ષની વિચારધારાથી ઉપર ઊઠીને આપણી વિધાનસભાના સભ્યશ્રીઓએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વલણ લીધું છે. આ હકીકત આપણી મજબૂત તેમજ પરિણામલક્ષી સંસદીય માળખાની શાખ પૂરાવે છે. દરેક ગુજરાતી તે માટે સકારણ ગૌરવ અનુભવી શકે છે.
લગભગ સાત દાયકાના ઉજળા અને સાતત્યપૂર્ણ જાહેર જીવનમાં સનતભાઇ વંચિતોના હિતોની રક્ષા માટે જીવ્યા છે અને ઝઝૂમ્યા છે. કવિ શ્રી વેણીભાઇ પુરોહિતના શબ્દો યાદ આવે.
જીવવું છે, ઝૂરવું છે,
ઝૂઝવું છે જાને મન,
થોડી અદાઓ ફાંકડી
થોડી ફિતુરી રાખવી.
ગુજરાતના વિકાસ માટેના અનેક પાયાના પ્રશ્નો તેમણે હાથમાં લીધાં. એકવાર કામ શરૂ કર્યા પછી તેમાં આરપાર ઉતરવાની તેમની ઝૂઝારુ વૃત્તિ કાયમી રહી હતી. ભાઇ શ્રી ડંકેશ ઓઝાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ખુલીને કહે છે :
‘‘ મારી સગી મા નું નામ નર્મદા. નર્મદા યોજના માટે હું જીવનભર ઝઝૂમ્યો તે બદલ મારી મા જીવી ત્યાં સુધી ગર્વ અનુભવતી હતી. મા અભણ અને પિતા એક આદર્શ અને સ્વમાની શિક્ષક. દિવસની કામગીરીને અંતે તેઓ રાત્રે અભણ મા ને સરસ્વતીચન્દ્ર તથા ર. વ. દેસાઇની નવલકથાઓ વાંચી સંભળાવે. મા એ પછી થોડું અક્ષરજ્ઞાન મેળવ્યું. અક્ષરજ્ઞાન મેળવ્યા પછી મા જીવ્યા ત્યાં સુધી તુલસીકૃત રામાયણના એક-બે પાન વાંચીને સૂતા. ’’ કોઇપણ વ્યક્તિના જીવનમાં માતા-પિતાના વિચારો તથા સંસ્કારોની રોપણી કેટલી ઊંડી થતી હશે ? આવા સુસંસ્કાર જો સંવર્ધિત થાય તો ભાવિ જીવનનું ચાલકબળ તેજ બની રહે છે. સનતભાઇના માનસ પર માતા પિતા સિવાય આવીજ એક ઉજળી છાપ ભાવનર રાજ્યના કૂશળ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની રહી છે તેવું તેઓએ જણાવેલું છે. રાજ્યના વહીવટમાં ઉદારતા અને સાદગીના જે બીજ આ ક્રાંતદર્શી દીવાને વાવેલા હતા તેની અસર સનતભાઇના જીવન ઉપર હતી.
ગુજરાત રાજ્યની સ્થાપના પછી કેટલાયે મંત્રીમંડળો થયા અને વિખરાયા. અનેક સામાજિક આગેવાનોએ મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું અને શક્તિ અનુસાર પોતાના હિસ્સે આવેલું કામ સંભાળ્યું. પરંતુ આવી મોટી યાદીમાં સનતભાઇનું નામ અલગ તરી આવે છે. તેઓ સત્તામાં હોય કે સત્તા બહાર હોય પરંતુ જનવિકાસના અનેક કાર્યોમાં એકધારા સક્રિય રહેલા છે. જનસેવાના કાર્યો કરવા માટે સત્તામાં હોવાથી વિશેષ ઝડપી અને અસરકારક બની શકાય તેમ માનવામાં આવે છે. આ પ્રચલિત માન્યતા સામે સનત મહેતાએ અનેક પ્રશ્નોના ઉકેલમાં સંઘર્ષનો માર્ગ પસંદ કરીને પોતાના કામની અસરકારકતા દેખાડી. રણના ખારાપાટમાં પ્રાથમિક સુવિધાઓની લગભગ નહિવત સવલત સાથે આકરું જીવન જીવતા અગરિયાઓના પ્રશ્નમાં તેમણે રસ લીધો. એટલુંજ નહિ પરંતુ અગરિયાઓની સ્થિતિનો ઊંડો અભ્યાસ કરી તેમના સુધી વિકાસના ફળ પહોંચી શકે તેવી વ્યવસ્થાના નિર્માણમાં તેઓ મહદ્દઅંશે સફળ થયા. અગરિયાઓના પ્રશ્નોમાં સનતભાઇએ લીધેલા ઊંડા રસ તથા તે માટે તેમણે ભરેલા નક્કર પગલાંની અનેક વાતો શ્રી અરવિંદભાઇ આચાર્ય (સુરેન્દ્રનગર) પાસેથી સાંભળીએ ત્યારે સનતભાઇના આવા દીર્ઘદ્રષ્ટિ વાળા પ્રયાસોની વિશેષ પ્રતિતિ થાય છે. કચ્છના નાના રણમાં કૂવા ખોદી તેમાંથી ખારું પાણી ઉલેચીને સૂર્યપ્રકાશથી મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. અન્ય સ્થળોએ આવું કામ કરતા અગરિયાઓ કરતા આ કચ્છના નાના રણના મીઠા ઉત્પાદકોના પ્રશ્નો તથા સમસ્યાઓ જૂદી છે. તેમના માટે પાણી તથા બળતણની તેમજ બીજી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેમણે અનેક પ્રયાસો મક્કમ થઇને કર્યા અને કેટલાક પરિણામો પણ મેળવ્યા. સનતભાઇએ એકથી વધારે વખત એ વાતનો પુનરોચ્ચાર કરેલો છે કે અગરિયા, કપાસ ઉત્પાદકો, માછીમારો તથા ડુંગળી ઉત્પાદકો સુધી આર્થિક તથા સામાજિક ન્યાય પહોંચે ત્યારેજ તેમને દેશની આઝાદીના દર્શન તેમજ તેની અનુભૂતિ થઇ શકશે. આ વાતમાં ઘૂંટાયેલી વેદના લઇને સનત મહેતા જીવ્યા. જયપ્રકાશ તથા ડૉ. લોહિયા જેવા સામાજિક નિસબતના સતત રહેતા અજંપાએ તેમને કદી જંપીને બેસવા દીધા નથી. ‘‘ શ્રમિક વિકાસ સંસ્થાન ’’ જેવી સંસ્થાનું અસરકારક માળખું ઊભું કરી પોતાના કામમાં અનેકગણી શક્તિઓનું બળ ઉમેર્યું છે.
આપણાં આયોજનના માળખાને વિકેન્દ્રીત કરવાની જે આવકારદાયક પ્રથા શરૂ થઇ તે રાજ્યની સ્થાપના બાદ થયેલું એક મહત્વનું તથા હેતુપૂર્ણ પગલું છે. સનતભાઇએ વિકેન્દ્રીત આયોજનના માળખાને સ્થાયી સ્વરૂપ આપવામાં મહત્વનું કામ કર્યું. અનેક નાના કામો જે ખૂટતી કડી (Missing Link) સમાન હોય તેવા કામોને ઝડપી મંજૂરીઓ જિલ્લા આયોજન મંડળો કરી શકે તે એક દીર્ઘદ્રષ્ટિયુક્ત નિર્ણય છે. આ પ્રથાના કારણે નિર્ણયો ઝડપી થયા છે અને તેના અમલીકરણની વ્યવસ્થા વિશેષ અસરકારક બની છે. સાંપ્રતકાળમાં પણ આ આયોજન મંડળો ધબકતા અને અસરકારક છે. આ બાબત તેમના અસ્તિત્વની ઉપયોગિતાની શાખા પૂરે છે.
આપણા સમાજમાં જન સાધારણની મનોવૃત્તિ પારખીને તેનો અંગત સ્વાર્થ માટે ભરપૂર ઉપયોગ કરનારાઓની કમી નથી. આજે પણ આ દોર ચાલુ હોય તેવા એંધાણ અવારનવાર પ્રકાશિત થતા સમાચારોમાંથી મળતા રહે છે. લક્ષ્મીચંદ ભગાજીની એક જાણીતી પેઢીમાં અનેક લોકોના નાણા અટવાયા. બચત સ્વરૂપે આ પેઢીમાં અનેક મધ્યમવર્ગના લોકો, પેન્શનરો તથા વિધવા માતા – બહેનોએ પોતાની જીવનમૂડી અનામત તરીકે મૂકી હતી. પેઢી તરફથી આર્થિક વળતરની લોભામણી જાહેરાતોને કારણે આમ થવું તે સ્વાભાવિક પણ હતું. પેઢી તરફથી બચતના નાણા પાછા મળવાની અનિશ્ચિતતા ઊભી થઇ ત્યારે અનેક નાના થાપણદારોના જીવ પડિકે બંધાયા. આવા છૂટાછવાયા થાપણદારોની પોતાના હિત માટે સામુહિક રીતે લડવાની શક્તિ પણ મર્યાદિત હતી. સનતભાઇમાં અવિરત વહેતી સામાજિક નિસબતે તેમને આવા અસરગ્રસ્ત લોકોની વહારે ચડવા પ્રેરણા આપી. હાઇકોર્ટમાં જઇને ઊંડા અભ્યાસ થકી તેમણે કરેલી રજૂઆત અને પ્રયાસોને કારણે અનેક લોકોને તેમના નાણાં પરત મળ્યાં. નર્મદા બંધના અસરગ્રસ્તો હોય કે સ્વરોજગારમાં પડેલી બહેનો માટે નાની મોટી લોનની જરૂરિયાત હોય તે દરેક સ્થળે આ કર્મશીલ વિચારક પહોંચ્યા છે. તેમનામાં સંવેદનાની સરવાણી ૯૧મા વર્ષે પણ પાતળી પડી ન હતી. તેઓએ ઉલ્લેખ કર્યો છે તેમ જન – જંગલ – જળ – જમીન અને જનાવર સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના ઉકેલ માટે તેઓએ સતત મથામણ કરી છે. સરકારી અધિકારીઓ પાસેથી કૂશળતાપૂર્વક કામ લેવાની તેઓ સૂઝ ધરાવતા હતા. અધિકારીઓને પણ તેમનામાં ‘‘ દોરવણી આપી શકે તેવા ’’ રાજપુરુષના દર્શન થતા હતા. મહાગુજરાત આંદોલનના કર્ણધાર ઇન્દુચાચાની આત્મકથા સંપુટને પુન: પ્રકાશિત કરીને તેમણે સાહિત્યજગતની પણ એક લેન્ડમાર્ક ઘટનાનું સર્જન કરેલું છે.
સનતભાઇ મહાગુજરાત આંદોલન વેળા ઇન્દુચાચા પછીના સૌથી વધારે લોકપ્રિય વક્તા રહ્યા. તેમની બોલવાની તથા લખાણની ભાષા સીધી સાદી તથા સરળ રહી છે. સનતભાઇનું વૈચારિક ફલક ખૂબ વિશાળ છે. સંસદીય બાબતોના તલસ્પર્શી અભ્યાસુ સનત મહેતા લોકપ્રિયતાના સિંહાસને સ્થપાયેલા છે. જેમને વંચિતો વહાલા હતા તેવા આ સ્ટેઇટસમેનની સ્મૃતિને રાજ્યની સ્થાપના દિવસના શુભ પ્રસંગે વંદન કરવાનો સમય છે.
Leave a comment