: ક્ષણના ચણીબોર : નૂતન ગુજરાતના મૂઠી ઊંચેરા રાજપુરુષ : સનત મહેતા :

૧૯૪૨ નો એ માહોલ અસાધારણ હતો. ગાંધીજીના ‘ભારત છોડો’ ના ઐતિહાસિક એલાને પૂરા દેશમાં નૂતન ચેતનાનો સંચાર કર્યો હતો. બ્રિટન પણ બીજા વિશ્વયુધ્ધની ઝાળે પોતાના અનેક પ્રશ્નોમાં ગૂંચવાયેલું હતું. આથી ગોરી સરકાર માટે પણ ગાંધીજી પ્રેરીત ૧૯૪૨ નું આંદોલન એક ગંભીર પડકાર સમાન હતું. સમયના આ માહોલમાં ભાવનગર શહેરની એક નોંધાયેલી ઘટના ફરી યાદ કરવી ગમે તેવી છે. યુવાન સનત મહેતા ૧૯૪૨ ની આ ક્રાંતિમાં સક્રિય હતા. તેનું કારણ પણ શોધવા જવું પડે તેવું નથી. દેશભરના યુવાનોની આ મનોસ્થિતિ હતી. ભાવનગર રાજ્યમાં પણ સનત મહેતા જેવા અનેક યુવાનો ખૂલ્લી રીતે મુક્તિ સંગ્રામમાં જોડાયા હતા. ભાવનગર રાજ્ય વિચક્ષણ દીવાન સર પટ્ટણીના સમયથી બ્રિટીશ હકૂમત સામે રણશિંગુ ફૂંકનાર સમૂહ તથા રાજ્યના ગોરી સરકાર સાથેના સંબંધો વચ્ચે તાલમેલ જાળવવા જાગૃત પ્રયાસો કરનાર રાજ્ય હતું. આથી સર પટ્ટણીના વારસદાર દીવાન અનંતરાય પટ્ટણીનું ધ્યાન આ ચળવળમાં સક્રિય રહેનાર યુવાનો તરફ સ્વાભાવિક રીતેજ હતું. સનતભાઇના પિતા રાજ્યની નોકરીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાજ્યનાજ એક કર્મચારીનો પુત્ર આવી ચળવળમાં કેવી રીતે જોડાઇ    શકે ? આથી સનતભાઇના પિતા મગનલાલને કહેણ મળ્યું : ‘‘ દીવાન સાહેબને મળી જાઓ ’’ મગનલાલ હાજર થયા. દીવાન સાહેબે થોડા શબ્દોમાંજ ઘણું કહી નાખ્યું. અનંતરાય પટ્ટણી કહે છે : ‘‘ માસ્તર ! દીકરાને સંભાળો ’’ જે સલાહ હતી તે આદેશાત્મક હતી તે વાત મગનલાલ બરાબર સમજતા હતા. શિક્ષકનો જીવ અને ગાંધી મહાત્મા પ્રત્યે શ્રધ્ધા અને આદર પણ ખરા. પરંતુ નોકરી ગુમાવવાનું પરવડે તેવું ન હતું. સામા છેડે પુત્ર પણ આ ચળવળથી દૂર રહે તેવી શક્યતા ન હતી તે વાત પિતા બરાબર સમજતા હતા. આથી યુવાન સનતભાઇએ પિતાની મૂંઝવણનો જાતેજ માર્ગ શોધી કાઢ્યો. ઘરની સલામતી તથા હૂંફ છોડીને ખૂલ્લા વિશ્વમાં જૂસ્સા પૂર્વક પ્રવેશ કર્યો. ‘‘ ડગલું ભર્યું કે ના હઠવું ’’ એ ગુણ કેળવાયો યુવાનીમાં, પરંતુ તેનું જોમ તથા જુસ્સો સનત મહેતાના સ્વભાવ અને વર્તનમાં આજીવન ટકી રહ્યા. ‘‘ અમીર શહેરના ફકીર બાદશાહ ’’ ગણાતા ઇન્દુચાચાના એક સંનિષ્ઠ વારસદાર તરીકે ઘણાં રાજકીય અભ્યાસુઓએ સનતભાઇને સકારણ મૂલવ્યા છે. ભાવનગર જિલ્લાના જેસર ગામે એક શિક્ષક પિતાને ત્યાં જન્મ લેનાર સનત મહેતાનો જન્મ એપ્રિલ ૧૯૨૫માં થયો હતો. ૨૦૧૫ ના ઓગસ્ટમાં તેઓ આપણી વચ્ચેથી સદાકાળ માટે ગયા. એપ્રિલમાં તેમની જન્મજયંતિ આવે છે. ૨૦૧૬ના એપ્રિલની જન્મજયંતિએ સનત મહેતા નામના તેજસ્વી વિચારક અને ગતિશીલ જાહેર સેવક આપણી વચ્ચે નથી તેની ખિન્નતા અનુભવી શકનારા અનેક લોકો હશે. આપણી ‘‘બહુરત્ના વસુંધરા’’ હોવા છતાં કેટલોક ખાલીપો ઊભો થાય છે તે પૂરાશે કે કેમ તેની વિમાસણ અનેક લોકોના મનમાં રહ્યા કરે છે. લગભગ સાત દાયકાના ઉજળા અને સાતત્યપૂર્ણ જાહેર જીવનમાં સનતભાઇ વંચિતોના હિતોની રક્ષા માટે જીવ્યા છે અને ઝઝૂમ્યા છે. કવિ શ્રી વેણીભાઇ પુરોહિતના શબ્દો યાદ આવે. 

જીવવું છે, ઝૂરવું છે,

ઝૂઝવું છે જાને મન,

થોડી અદાઓ ફાંકડી

થોડી ફિતુરી રાખવી.

ગુજરાતના વિકાસ માટેના અનેક પાયાના પ્રશ્નો તેમણે હાથમાં લીધાં. એકવાર કામ શરૂ કર્યા પછી તેમાં આરપાર ઉતરવાની તેમની ઝૂઝારુ વૃત્તિ કાયમી રહી હતી. ભાઇ શ્રી ડંકેશ ઓઝાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ખુલીને કહે છે : 

‘‘ મારી સગી મા નું નામ નર્મદા. નર્મદા યોજના માટે હું જીવનભર ઝઝૂમ્યો તે બદલ મારી મા જીવી ત્યાં સુધી ગર્વ અનુભવતી હતી. મા અભણ અને પિતા એક આદર્શ અને સ્વમાની શિક્ષક. દિવસની કામગીરીને અંતે તેઓ રાત્રે અભણ મા ને સરસ્વતીચન્દ્ર તથા ર. વ. દેસાઇની નવલકથાઓ વાંચી સંભળાવે. મા એ પછી થોડું અક્ષરજ્ઞાન મેળવ્યું. અક્ષરજ્ઞાન મેળવ્યા પછી મા જીવ્યા ત્યાં સુધી તુલસીકૃત રામાયણના એક-બે પાન વાંચીને સૂતા. ’’ કોઇપણ વ્યક્તિના જીવનમાં માતા-પિતાના વિચારો તથા સંસ્કારોની રોપણી કેટલી ઊંડી થતી હશે ? આવા સુસંસ્કાર જો સંવર્ધિત થાય તો ભાવિ જીવનનું ચાલકબળ તેજ બની રહે છે. સનતભાઇના માનસ પર માતા પિતા સિવાય આવીજ એક ઉજળી છાપ ભાવનર રાજ્યના કૂશળ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની રહી છે તેવું તેઓએ જણાવેલું છે. રાજ્યના વહીવટમાં ઉદારતા અને સાદગીના જે બીજ આ ક્રાંતદર્શી દીવાને વાવેલા હતા તેની અસર સનતભાઇના જીવન ઉપર હતી. 

સનતભાઇ મહાગુજરાત આંદોલન વેળા ઇન્દુચાચા પછીના સૌથી વધારે લોકપ્રિય વક્તા રહ્યા. તેમની બોલવાની તથા લખાણની ભાષા સીધી સાદી તથા સરળ રહી છે. સનતભાઇનું વૈચારિક ફલક ખૂબ વિશાળ છે. સંસદીય બાબતોના તલસ્પર્શી અભ્યાસુ સનત મહેતા લોકપ્રિયતાના સિંહાસને સ્થપાયેલા છે. જેમને વંચિતો વહાલા હતા તેવા આ સ્ટેઇટસમેનની સ્મૃતિને વંદન કરવાનો આ સમય છે.  

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑