રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે :
૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી ગયો હતો. બ્રિટીશ સરકારનું સમગ્ર તંત્ર આ સ્વયંભૂ લડતને દબાવી દેવા માટે સજાગ થયું હતું. અનેક લોકોની ઝડપભેર ધરપકડો થતી હતી. આ દિવસોમાં મહારાજ કહે છે કે અમારે ત્યાં (મહીકાંઠાના ગામડાઓમાં) એક મોતીભાઇ ડોસા હતા. એ દિવસોના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપતી અનેક નાની પુસ્તિકાઓ – છાપા કે ચોપનિયા પ્રગટ થતા રહેતા હતા. મોટા ભાગના આવા પ્રકાશનો પર ગોરી સરકાર પ્રતિબંધ મૂકતી હતી. આમ છતાં અનેક યુવાનો આવી પત્રિકાઓના વિતરણનું કાર્ય પોલીસને થાપ આપીને કરતા રહેતા હતા. જો કોઇ વ્યક્તિ આવી પત્રિકા વાંચતા કે તેનું વિતરણ કરતા પકડાય તો તેને જેલ ભેગો કરી કેસ ચલાવવામાં આવતો હતો. મહારાજ કહે છે આ મોતીબાપા પણ એક દિવસ આવી પત્રિકા વાંચતા પકડાઇ ગયા. બાપાની વૃધ્ધાવસ્થાને જોઇને પોલીસ અધિકારીને તેમની દયા આવી. આથી તેમની ધરપકડ ન કરવી પડે તેવા આશયથી મોતીભાઇનો કેસ નબળો કરવા પોલીસ અધિકારીએ તેમને પૂછ્યું : ‘‘ કેમ ડોસા, આ પત્રિકા તો તમને કોઇએ તમારી જાણ બહાર મોકલી આપી હતી ને ? ’’ હવે મહારાજ કહે છે સ્વાતંત્ર્ય પ્રેમી મોતીભાઇનો જવાબ સાંભળો : ‘‘ શું વાત કરો છો સાહેબ ! મને કોણ મારી જાણ બહાર મોકલી આપે ? હું તો આ પત્રિકાનો નિયમિત ગ્રાહક છું અને તે પણ કંઇ આજકાલનો નથી ? છેક ૧૯૨૨ થી હું સત્યાગ્રહી છું ’’ પૂરા ગૌરવ અને શાનથી આ ગાંધીભક્ત મોતીડોસાએ પરાણે ગુનો કબૂલ કર્યો અને જેલમાં ગયા. જેલમાં ગયા બાદ મોતીભાઇની ખેતીની જમીન સરકારે ઝૂંટવી લીધી. જેલમાંથી છૂટ્યા ત્યારે વૃધ્ધ અને જીર્ણ બનેલા ડોસાને જીવનનિર્વાહ ચલાવવાની મુશ્કેલી રહેતી હતી. થઇ શકે તેવી મજૂરી કરી પેટનો ખાડો પૂરતા હતા. એમને મદદ કરવા કેટલાક લોકોએ પ્રયાસ કર્યો ત્યારે બોલી ઊઠ્યાં : ‘‘ હું મદદ લઇને પારકે પૈસે નિર્વાહ કરું ? મેં તો આઝાદીના જંગમાં ભાગ સ્વેચ્છાએ લીધો છે. મહારાણા પ્રતાપનો હું વંશજ છું ! ’’ ગાંધીએ જે સમગ્ર કાળ જગાડવાનું અસાધારણ કાર્ય કર્યું તેમાં આવા અનેક લોકો આહુતિ થઇને હોંશેહોંશે હોમાઇ ગયા હતા.
મહારાજ અને મેઘાણી વચ્ચે સ્વરાજ્ય આવ્યું તે પહેલા થયેલા વાર્તાલાપમાંથી જગતને મહીકાંઠાના આ માનવીઓની વ્યથા-કથા તથા તેમની અનેક વીરતાની વાતો જાણવા મળી. ‘‘ ઊર્મિ નવરચના ’’ માં આ વાતો પ્રથમ પ્રસિધ્ધ કરવામાં આવી. ૧૯૪૬ માં મેઘાણીભાઇના પુસ્તક ‘‘ માણસાઇના દીવા ’’ ને મહિડા પારિતોષિકથી નવાજવામાં આવ્યું. જે કોમને સમગ્ર જગત માત્ર ગુનેગારોની નજરે જોતું હતું તેવા આ બારૈયા, પાટણવાડિયા, ધારાળા જેવી કોમના લોકોની આ ઉજળી વાતો મહારાજની અમીયલ આંખોએ જોઇ અને મહારાજના બયાન પરથી લોકસાહિત્યકાર મેઘાણીએ તેનું બળકટ આલેખન કર્યું.
એપ્રિલ માસની ગરમીના દિવસો છે. આવાજ આકરા દિવસોમાં અને ભાલપ્રદેશના ધંધુકાની અદાલતમાં ૨૮ એપ્રિલ-૧૯૩૦ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની મેઘાણીએ આપેલા ઐતિહાસિક પ્રવચનની સ્મૃતિ તાજી થાય છે. પોતાના જાહેર વક્તવ્યમાં કવિ મેઘાણી સરકારી તંત્રના ‘‘સમર્થ તથા ફળદ્રુપ ભેજા’’ ને અભિનંદન આપે છે ! તેઓ કહે છે કે જે ભાષણ તેમણે કર્યુંજ નથી તે ભાષણ માટેનો આ ખટલો (કેસ) ચાલે છે ! તેઓ બ્રિટીશ તંત્રના આ પગલાને હળવાશથી ‘‘મજાકભર્યા બનાવ’’ તરીકે ઓળખાવે છે. ગોરી સરકારે ગોઠવેલા ન્યાયના આ પ્રપંચમાં તેમને ભરોસો નથી. દેશમાં તે સમયે ચાલતા મુક્તિ સંગ્રામના અડગ તથા અહિંસક વીરત્વને તેઓ બીરદાવે છે. ધંધુકાની અદાલતમાં ગુનેગારના પાંજરામાં ઊભેલા આ મહામાનવની ગરવાઇથી હાજર રહેલા સૌ નતમસ્તક થાય છે. ત્યારપછી અદાલતની પરવાનગીથી તેમણે એક ગીત ગાયું. આ રચના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખમાં અજોડ છે અને તેથીજ આ રચનાઅમરત્વને વરેલી છે.
હજારો વર્ષની જૂની અમારી
વેદનાઓ, કલેજા ચીરતી
કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંના રુધિરને જીવતાનાં
આંસુડાઓ, સમર્પણ એ સહુ
તારે કદમ પ્યારા પ્રભુ ઓ !
મુંબઇ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતી વસનજી ઠકરાર વ્યાખ્યાનમાળાના પાંચ પ્રવચનો તેમણે ૧૯૪૩ માં પસ્તુત કર્યા. પ્રથમ પ્રવચનથીજ જાણે કે આ કાઠિયાવાડી કવિએ મુંબઇના અનેક અધ્યાપકો, નવયુવકો પર વશીકરણ કર્યું. શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરી લખે છે કે આ વ્યાખ્યાનમાળાને પરિણામે ગુજરાતી સાહિત્યને ઉત્તમ કોટિના વ્યાખ્યાન મળ્યા.
મેઘાણીભાઇની ઐતિહાસિક તથા સુપ્રસિધ્ધ રચના ‘‘સુના સમદરની પાળે’’ માં રેવા તીરે વસેલા રળિયામણા રાજેસર ગામનો યુવક સૂર્યાસ્તની પવિત્ર સાક્ષીએ, ભાંગતા અવાજે અને ઘાયલ શરીરે પોતાના મિત્રના માધ્યમથી જે સંદેશાઓ કહેવરાવે છે તે આવી ખુમારી ભરેલી યુવાનીનો ખરો પ્રતિનિધિ છે. વૃધ્ધ માતાને, વહાલસોયી બહેનને, ભોળા ગ્રામવાસીઓ તથા કાળી આંખોવાળી પ્રિયતમાને કહેવા માટે જે ઉર્મિઓ તેની વાતમાં સહજ ભાવે અને કળાત્મક ભાવે ઉભરાય છે.
માડી ! હું તો રાન પંખીડું,
રે માડી ! હું વેરાન પંખીડુ
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો ‘તો જીવ તોફાની રે,
સુના સમંદરની પાળે.
રેવાના ઘેરા નાદ અને સંગ્રામ સ્થળની ભિષણતા વચ્ચે પણ યુવાનના મનોભાવનું આવુ મોહક ચિત્ર મેધાણી જેવા સર્જક જ પ્રગટ કરી શકે. એપ્રિલ માસના સંદર્ભે અને ધંધુકાની અદાલતની યાદગાર જુબાનીની શાખે કવિ અને સંશોધક ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ મનને પ્રફુલ્લતાથી ભરી દે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૧/૦૪/૨૦૧૬.
Leave a comment