જીવનના સંધ્યાકાળે સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના ગામડાઓમાં ફરતા હતા. સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા કાગળ ઉપરના ‘‘અહેવાલો’’ નો આધાર લઇને નિર્ણય કરે એવા આ વહીવટદાર ન હતા. ત્રાપજ તથા તળાજા વિસ્તારના ગામો પૈકી પટ્ટણી સાહેબ ભંડારિયા નામના એક નાના ગામમાં ગયા. ભંડારિયા ગામના બે માથાભારે વ્યક્તિઓ વિશે ગામલોકોએ સર પટ્ટણી સમક્ષ રજૂઆત કરી. લોકોએ એવી પણ રજૂઆત કરી કે આ બન્ને ભાઇઓ ગામમાં ઘણી રંજાડ કરે છે. આ ભાઇઓ હાલમાં ભાવનગરની જેલમાં છે તે બાબતની પણ તેમને જાણ કરવામાં આવી. પટ્ટણી સાહેબના મનમાં આ વાત નોંધાય છે. પટ્ટણી સાહેબની આ યાત્રાનો કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન સ્વરુપરાણી નહેરુ (પંડિત જવાહરલાલના માતા)ના અવસાનના સમાચાર મળે છે. સ્વરુપરાણીના નિધન અંગે ભાવનગરમાં શોકસભાનું આયોજન (જાન્યુઆરી-૩૮) કરવામાં આવે છે. શહેરના અગ્રણીઓની વિનંતી તથા આગ્રહથી પટ્ટણી સાહેબ આ સભામાં હાજરી આપવા ભાવનગર આવે છે. ઉપરોક્ત શોકસભામાં નહેરુ પરિવારના ત્યાગ અને બલિદાન અંગે પટ્ટણી સાહેબે વિગતવાર વાતો કરી. સભાનું કામ પૂરું થયા પછી જેલના વડા અધિકારીને સાથે લઇને પટ્ટણી સાહેબ ભાવનગર જેલની મુલાકાત માટે જાય છે. જેલમાં ભંડારિયા ગામના બે ભાઇઓ પગમાં ભારે બેડીઓ સાથે સર પટ્ટણીને મળ્યા. આ બન્ને ભાઇઓની રંજાડ વિશેજ થોડા દિવસો પહેલા ગ્રામજનોએ પટ્ટણી સાહેબ સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી. બન્ને ભાઇઓ જેલમાં હતા. કારણ કે તેમની રીઢા ગુનેગારો તરીકેની છાપને કારણે કોઇ તેમના જામીન થવા તૈયાર ન હતા. બન્ને કેદી ભાઇઓએ પટ્ટણી સાહેબ સમક્ષ આર્ત સ્વરે રજૂઆત કરી કે હવે તેઓ ગામમાં જશે ત્યારે તેમની કોઇ ફરિયાદ લોકોએ કરવી ન પડે તેવું વર્તન તેઓ કરશે. આટલું કહેતા તેઓ પટ્ટણી સાહેબના પગમાં પડી ગયા. બન્ને ભાઇઓએ કહ્યું કે તેમની મથરાવટી મેલી હોવાના કારણે ગામની કોઇ વ્યક્તિ તેમના જામીન થવા તૈયાર નથી. હવે ભાવનગર રાજ્યના ગૌરવ સમાન આ તેજસ્વી વૃધ્ધ બોલ્યા : ‘‘તમારો જામીન હું થાઉં છું. કાલે સવારે તમે જેલમાંથી મુક્ત થશો.’’ પછી સર પટ્ટણી બે મહત્વના શબ્દો બન્ને ભાઇઓને સંબોધીને કહે છે : જો જો હો ! હું જામીન થાઉં છું એ વાતનો ખ્યાલ રાખજો. પટ્ટણી સાહેબ બન્નેના જામીનખત ઉપર સહી કરીને જેલ અધિક્ષકને આપે છે. કેટલાક લોકોને સર પટ્ટણીનો આ નિર્ણય ઉચિત કે વ્યવહારુ લાગ્યો નહિ. ઘણાં એમ પણ માનતા કે પટ્ટણી સાહેબને પસ્તાવાનો વખત આવશે. સર પટ્ટણીને કઠોર અને રુક્ષ દેખાતા પથ્થરો નીચે પણ નાનું એવું સ્નેહ તથા સદભાવનાનું ઝરણું કલકલ કરતું વહે છે તે તરફ દ્રષ્ટિ છે. આ માનવતાનું ઝરણું સાવ સૂકાઇ ગયું હોય તે વાત આ ક્રાંતદ્રષ્ટા મનિષિને ગળે ઉતરે તેવી નથી. સર પટ્ટણીની શ્રધ્ધાનો વિજય થાય છે. જામીન પર છૂટેલા બન્ને ભાઇઓના જીવન બદલાઇ ગયા હતા. ગામલોકોને તેમના તરફ કોઇ ફરિયાદ રહી ન હતી. દુનિયાને અને દુન્વયી ચીજોને અલગ દ્રષ્ટિ અને ભૂમિકાએ જોનારા આવા નરરત્નો દુર્લભ હોય છે. કલાપીએ આવી ભાવના વ્યક્તકરતાં લખ્યું છે :
જહાંથી જે થયું બાતલ
અહીં તે છે થયું શામીલ
અમે તો ખાકની ભરી મૂઠ્ઠી ભરી
રાજી થનારાઓ !
સર પટ્ટણી અને ભંડારિયા ગામના બે કેદી ભાઇઓની ઘટના શ્રી જયંતીલાલ મોરારજી મહેતાએ ચોકસાઇપૂર્વક લખેલા પ્રસંગોને કારણે આપણાં સુધી પહોંચી છે. સર પટ્ટણીના જીવનની આ છેલ્લી મુસાફરીના દરેક નાના મોટા પ્રસંગોનું આલેખન જયંતીભાઇએ પ્રવાસમાં સાથે રહીને કરેલું છે. શ્રી જયંતીલાલ (૧૮૯૧ – ૧૮૯૫) એક અનુભવી પત્રકાર હતા. સર પટ્ટણીના કહેવાથી તેઓ પ્રવાસમાં સાથે જોડાયા હતા. માનવ માત્રની સાર માણસાઇ પર શ્રધ્ધા રાખવામાં સર પટ્ટણી કદાચ ગાંધીજી જેટલાંજ દૃઢ અને સમર્પિત હતા. આ બાબતને સમાંતર એક ઘટના વિશ્વ સાહિત્યમાં લખાઇ છે તે સ્મૃતિમાં આવે છે. ઇ.સ. ૧૮૬૨ માં ફ્રેંચ કથા સાહિત્યના મહાન સર્જક વિકટર હયુગો (૧૮૦૨ – ૧૮૮૫) એ ‘લે મીઝરેબલ’ કથા પ્રસિધ્ધ કરી. સ્વામી આનંદ આ કથાને ૧૯મી સદીનું એક ઉત્તમ સર્જન કહે છે. આ કથામાં જેલમાંથી વર્ષો પછી મુક્ત થયેલા જીન વાલજિન નામના કહેવાતા ગુનેગારને સમાજમાં કોઇ આશરો આપવા તો શું પરંતુ તેની સાથે વાત કરવા તૈયાર ન હતું તે અંગેની વિગતો છે. કોઇ ઘર કે જેલ સુધ્ધા તેને રાતવાસો કરવા દેવા તૈયાર નથી. આવા ખૂંખાર ગુનેગારને એક ભલા પાદરીએ આવકાર આપીને આશરો આપ્યો. એક મહેમાન સાથે કરવામાં આવે તેવો વ્યવહાર આ પાદરીએ સહજ રીતેજ કર્યો. ‘ આ ઘર ભગવાનનું છે ’ તેમ કહી તેમણે જીન વાલજિનને સાંત્વના અને વિશ્વાસ આપ્યા. એ ઘટના જાણીતી છે કે પાદરીના રહેણાંકના સ્થળેથી જીન વાલજિન કેટલાક ચાંદીના વાસણોની ચોરી કરીને રાત્રિના અંધકારમાં ઓગળી જાય છે. નસીબનો બળિયો આ કેદી પોલીસની નજરે ચઢે છે. ‘‘ ચાંદીના વાસણો ક્યાંથી લાવ્યા ? ’’ એ પ્રશ્નનો જવાબ સંતોષકારક ન લાગતા પોલીસના માણસો પાદરીના ઘેર તેને પકડીને પાછો લાવે છે. હવે આ ઘટનાની ચરમસીમા આવે છે. જીન વાલજિન આગલી રાત્રેજ પાદરીના ચાંદીના વાસણો ચોરીને નાસી ગયેલો છે. છતાં પણ પાદરી એકદમ સ્વસ્થતાથી પોલીસના માણસોને કહે છે : આ ભાઇતો ગઇરાત્રે મારા મહેમાન હતા. મેં જ તેમને આ ચાંદીના વાસણો ભેટમાં આપ્યા હતા. પછી જીન વાલજિન તરફ ફરીને ભલો પાદરી કહે છે : ‘‘ પેલા બે મીણબત્તીના સ્ટેન્ડ લેવાનું તો તું ભૂલી ગયો હતો. ’’ પોલીસના માણસો વિખરાય છે. જીન વાલજિન આ અસાધારણ ઘટના માનવા જાણે કે તૈયાર નથી. તે ઊંડા વિચારમાં ઉતરી ગયો છે. પાદરીના સદવર્તન તથા ત્યારબાદના છેલ્લા શબ્દો આ ખૂંખાર ગણાતાં ગુનેગારનું સમગ્ર જીવન બદલવા માટે મહત્વના બને છે. પાદરી કહે છે : જીન વાલજિન, મારા ભાઇ ! હવે તું એક શુભ જગતમાં પ્રવેશી રહેલો છે. આ શુભ જગતમાં પ્રવેશ અને ફત્તેહ કર. ભગવાન તારું ભલું કરે ’’ જે કામ કાયદાઓથી કે લાંબા જેલવાસની આકરી સજાથી ન થયું તે કામ પાદરીના વર્તન અને શ્રધ્ધાના બળે સહેજમાં થઇ ગયું. આવું વિકટર હયુગોનું આલેખન ઉત્તમ છે. પરંતુ એ નવલકથાના કથાનકનો એક ભાગ છે જ્યારે સર પટ્ટણી અને ભંડારિયા ગામના આ બે કેદી ભાઇઓના જામીનનું પ્રકરણ એ તો નજર સામે બનેલી વાસ્તવિક ઘટના છે. શ્રધ્ધા અને સંવેદનશીલતાની જીવંત મૂર્તિ સમાન પટ્ટણી સાહેબની કલમથી આ શબ્દો પ્રગટે તે સ્વાભાવિક છે.
દુ:ખી કે દર્દી કે કોઇ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી
ગરીબની દાદ સાંભળવા અવરના દુ:ખને દળવા
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
સર પ્રભાશંકર પટ્ટણીનો જન્મ ઇ.સ. ૧૮૬૨ ના એપ્રિલની ૧૫મી તારીખે – ચૈત્રી પૂનમે – થયો હતો. આથી એપ્રિલ માસમાં આ ઋષિ પુરુષની વિશેષ સ્મૃતિ થાય તે સ્વાભાવિક છે. દાદા હરિરામે પૌત્રના જન્માક્ષર માંડ્યા. જન્માક્ષરના આધારે દાદા કહે છે : ‘‘ આ છોકરો રાજા જેવો સંપત્તિવાન થશે. એ દીન ગરીબનો બેલી થશે. પરંતુ તે સ્વભાવે સાવ અકિંચન બ્રાહ્મણ રહેશે. ’’ દાદાના આશીર્વાદના શબ્દો જાણે શીલાલેખ સમાન પુરવાર થયા.
જે સમયમાં આ મહામાનવ ભાવનગર રાજ્યનું સુકાન સંભાળતા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજી તો બાળવયના હતા. અંગ્રેજોની સત્તા – સમૃધ્ધિનો સૂર્ય મધ્યાન્હે હતો. સામી બાજુ મહાત્મા ગાંધીના સ્વરૂપે જગતે જોઇ કે જાણી ન હતી તેવી અપ્રતિમ શક્તિનો ઉદય થયો હતો. એક તરફ ગાંધીજી સાથેની મૈત્રી નીભાવવાની પટ્ટણી સાહેબની પૂર્ણ નિષ્ઠા હતી. બીજી તરફ ભાવનગર રાજ્યની ઉન્નતિ માટે બ્રિટિશ સરકાર સાથે જરૂરી સબંધો ટકાવી રાખવાનું વ્યવહારુ ડહાપણ પણ તેઓ ધરાવતા હતા. આ બન્ને બાબતોને સમતોલ કરીને વહીવટમાં પ્રજા કલ્યાણના અનેક કાર્યો પટ્ટણી સાહેબે કરી બતાવ્યા તેની નોંધ ઇતિહાસમાં ગૌરવયુક્ત રીતે લેવામાં આવેલી છે. મહારાજ કૃમાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેરમાં પણ તેઓને એક કાબેલ તથા સંવેદનશીલ શાસક બને તેવા તમામ પ્રયાસો સર પટ્ટણીએ કર્યા હતા. મહારાજ કૃષ્ણકુમારસિંહજીના તેજસ્વી વ્યક્તિત્વની પ્રશંસા ગાંધીજી સહિત જગતના અનેક મહાનુભાવોએ મુક્ત મને કરી છે. મહારાજા સાહેબના જીવન ઘડતરમાં પટ્ટણી સાહેબનો વિશિષ્ટ ફાળો હતો. પટ્ટણી સાહેબનું સમગ્ર જીવન એક ધૂપસળી સમાન હતું. રાજ્ય વહીવટ તથા તેની સાથે જેડાયેલી અનિવાર્ય સમસ્યાઓમાં ઊંડા ઉતરીને ન્યાયપૂર્ણ નિર્ણયો કરનાર ભાવનગર જેવા મોટા રાજ્યના આ દીવાન અંતરથી તો સાદું અને સરળ જીવન જીવવા ઇચ્છા કરતા રહે છે. પોતે લખ્યું પણ છે.
જોવી જેને નજર ન પડે વક્ર તાલેવરોની
ખાયે જેઓ ઉદર ભરીને પંક્તિ દુર્વાકુરોની
ઠંડા વારિ નદી સર તણાં પી નિરાંતે ભમે છે
તેવી સાદી હરિણ શિશુની જિંદગાની ગમે છે.
જીવનના છેલ્લા દિવસોમાં પણ નબળી તબિયત હોવા છતાં તેઓ તા.૦૬-૦૧-૧૯૩૮ થી તા.૧૬-૦૨-૧૯૩૮ (તેમના સ્વધામ ગયાનો દિવસ) સુધી ગામડાઓમાં ફર્યા અને રાજ્યની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો વાસ્તવિક અમલ કેવો થાય છે તેની ચકાસણી કરી. જરૂર લાગી ત્યાં સૂચનાઓ આપી સુધારા કરાવ્યા. નાદુરસ્ત તબીયત છતાં આવી આકરી રઝળપાટ એ રાજ્ય તથા તેની પ્રજા તરફની તેમની અપ્રતિમ નિષ્ઠાનું દર્શન કરાવે છે. કવિ શ્રી દુલા ભાયા કાગ આ સાધુ ચરિત દિવાનની શારીરિક સ્થિતિ જોઇને અકળાય છે અને લખે છે.
ભાવેણું માંગણું માગે છે
બુઢ્ઢો સૌ સુખડા ત્યાગે છે
દેયેં ડગમગતો લાગે છે
આમ સાદો આમ સોયલો રે
એનું ખોખલું ખોખું અંગ
(પણ) કોઇ ભાવેણાની આળ કરે તો
બદલે બુઢ્ઢાનો રંગ…
ભાવેણું માંગણું માગે છે.
Leave a comment