કચ્છના ઉદાર, પરાક્રમી તથા વિદ્યા વ્યાસંગી રાજવી જામ રાવળની ખ્યાતિ દૂર-સુદૂર પ્રસરેલી હતી. આથી અનેક વિદ્વાનો – કવિઓ તેમની કચેરીમાં આવતા અને પોતાની કૂશળતા તથા જ્ઞાનનો લાભ હોંશભેર આપતા હતા. રાજવી તરફથી આવા વિદ્વાનોનું યથોચિત માન-સન્માન કરવામાં આવતું હતું. રાજસ્થાનના બે વિદ્વાન ચારણ કવિઓ પણ આ રીતેજ આ રાજવીની પ્રતિષ્ઠા વિશે સાંભળીને તેમના દરબારમાં હાજરી આપવા નીકળ્યા હતા. આ બન્ને કવિઓમાં ઇસરદાસજી તથા તેમના કાકા આશાજી હતા. કાકા આશાજી રોહડિયા પાસેથી તેમના યુવાન ભત્રીજા ઇસરદાસને સાહિત્ય દિક્ષા મળી હતી. ઇ.સ.ની પંદરમી સદીના આ મધ્યભાગનો આ સમય હતો. (વિ.સ. ૧૫૧૫ – ૧૬૨૨) જામ રાવળની સભામાં ઇસરદાસજીએ પોતાની એક રચના સંભળાવી. આસાધારણ કવિત્વ શક્તિ આ દેવીપુત્રને સહજ પ્રાપ્ત હતી. મહેમાન કવિની રચના સાંભળીને જામશ્રી તેમજ સાહિત્ય મર્મજ્ઞ સભાજનોએ ખૂબજ પ્રસન્નતા અનુભવી. સૌએ કવિની વિદ્વતાને ખોબે અને ધોબે દાદ આપી. પરંતુ તેમાં એક અપવાદ કવિના તથા સૌના ધ્યાનમાં આવ્યો. તે સમયે જામ રાવળની સભામાં પિતાંબર ભટ્ટ નામના મોટા ગજાના વિદ્વાન પંડિત પણ હતા. ભટ્ટજી પોતાના સૌજન્ય તથા શાસ્ત્રજ્ઞાનને કારણે સુવિખ્યાત હતા. આવા પંડિતના મુખ પર પ્રસન્નતાના કોઇ ભાવ જોવા મળ્યા નહિ. તેમણે કવિને બીરદાવ્યા પણ નહિ. સભા તો બરખાસ્ત થઇ પરંતુ કવિના મનમાં એક કડવાશ વિદ્વાન ભટ્ટજી માટે પેદા થઇ. કવિની એકતો યુવાન વય હતી અને બીજું પોતાના સાહિત્ય જ્ઞાન અંગે ગૌરવ પણ હતું. ક્ષણિક આવેશ કે ગુસ્સો ક્યારેક સજ્જન વ્યક્તિના મનમાં પણ દુર્ભાવના પ્રગટાવે છે. કવિને આ વિદ્વાન ભૂદેવનો અવિવેક ખૂંચે છે. કવિ ઇસરદાસને ભટ્ટજી સામે બદલો લેવાનો વિચાર આવે છે. પિતાંબર ભટ્ટજીના ઘેર જઇને એક ખૂણામાં છૂપાઇને પંડિતજીની રાહ જોઇને બેસી રહે છે. પંડિતજી પર શારીરિક પ્રહાર કરવાની વાતે તેમના ચિત્તનો કબજો લીધો છે. ભટ્ટજી મોડી સાંજે સ્વગ્રહે પાછા ફરે છે. ઇસરદાસજી પ્રહાર કરવાનો લાગ શોધી રહેલા છે. આ સમયેજ ભટ્ટજીને તેમના પત્ની કચેરીમાં બનેલી ઘટનાઓ વિશે પૂછપરછ કરે છે. ભટ્ટજી પોતાની અર્ધાંગનાને સંબોધીને કહે છે કે કચેરીમાં મારવાડના બે તેજસ્વી કવિઓ આવ્યા હતા. આ બન્ને કવિઓમાં ઇસરદાસ નામના યુવાન કવિ તો વિશેષ તેજસ્વી હતા. તેવી વાત આ સમજણા પુરુષે કરી. કવિની રચના અનહદ ચિત્તાકર્ષ હતી. યુવાન વયે પણ તેઓ ઘણાં વિદ્વાન જણાય છે. પછી આ જ્ઞાની અને દ્રષ્ટિવંત ભૂદેવ કહે છે : ‘‘ આ કવિ મનુષ્યોની કાવ્ય રચના કરવામાં જેટલો પરિશ્રમ ઉઠાવે છે તેટલો શ્રમ ભક્તિ પરાયણ થઇને પરમ કૃપાળુ પરમાત્માની કવિતા બનાવવામાં ઉઠાવે તો તેમનો અવશ્ય મોક્ષ થાય. મારા મનમાં આ વિશે લગીરે સંશય નથી. ’’ વીજળીના તેજસ્વી ચમકારે જેમ અંધકાર ઓગળે છે તેમ જ્ઞાનમાં વૃધ્ધિ પામેલા આ વિદ્વાન ભૂદેવની વાત સાંભળીને યુવાન કવિને નૂતન દિશાનું દર્શન થાય છે. જીવન અને કવનનો ખરો અર્થ સ્પષ્ટ થાય છે. ક્ષણિક આવેશના સ્થાને પિતાંબર ભટ્ટજી તરફ અપાર માન અને સ્નેહની લાગણી થાય છે. કવિ પોતાના આ અનુચિત વર્તન માટે ભટ્ટજીની અંતરના ઊંડાણથી માફી માંગે છે. ત્યારબાદ ઇસરદાસજી પિતાંબર ભટ્ટના ચરણે બેસીને શાસ્ત્રોનું અધ્યયન કરે છે. આ પ્રક્રિયા થકીજ યુગ-યુગાંતરો સુધી ટકી રહે તેવા ભક્તકવિના અમર સાહિત્યનું નિર્માણ થાય છે. હરિરસ અને દેવીયાણ તથા બીજા અનેક સુવિખ્યાત ગ્રંથોનું આજે પણ સમાજના અનેક ઘરોમાં ચિંતન અને પઠન થાય છે. હરિરસ તથા દેવીયાણના અનેરા મહત્વનું મૂલ્ય રાજ્યકવિ શંકરદાનજીએ સુંદર તથા અર્થસભર શબ્દોમાં આંક્યું છે.
વાંચો શ્રીમદ્ ભાગવત મોટો ગ્રંથ મહાન
કે આ હરિરસ નીત પઢો શુભ ફળદાયી સમાન.
વાંચો દુર્ગા શપ્ત સતી યા વાંચો દેવીયાણ
શ્રોતા – પાઠીકો પરમ સુખપ્રદ ઉભય સમાન.
લગભગ નવ દાયકા પહેલા (ઇ.સ. ૧૯૨૮) ટાંચા સાધનોની મર્યાદા હોવા છતાંયે કવિરાજ શંકરદાનજી દેથા (લીંબડી)એ હરિરસનું પ્રકાશન કાર્ય કર્યું હતું. તે પ્રકાશન સમયે હરિરસ ગ્રંથની પ્રસ્તાવના બહુશ્રુત વિદ્વાન અને ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ લખી હતી. પટ્ટણી સાહેબને ભક્ત કવિ ઇસરદાસજીના દર્શનમાં કવિની અતુટ શ્રધ્ધાનું દર્શન થયું હતું. સર પટ્ટણીએ લખ્યું છે : ‘‘ શ્રધ્ધાથી આ પુસ્તક (હરિરસ) વાંચનારને નવી દ્રષ્ટિ, નવું બળ તથા નવી ચેતના મળ્યા વિના રહેશે નહિ. ’’ દેશના મધ્યયુગના સંત સાહિત્યમાં સંત કવિ ઇસરદાસજીનું સાહિત્ય એક વિશિષ્ટ મૂલ્ય ધરાવે છે. આચાર્ય બદરીપ્રસાદ સાકરીયાએ યથાર્થ લખેલું છે કે હિન્દી સાહિત્યમાં જે સ્થાન ગોસ્વામી તુલસીદાસ કે કૃષ્ણભક્ત સુરદાસનું છે તેવુંજ સ્થાન સૌરાષ્ટ્ર – કચ્છ સિંધ – થરપારકરના સાહિત્યમાં ઇસરદાસજીનું છે. અધ્યાત્મના ઉચ્ચ શિખરો આ સંત કવિએ ભક્તિ અને શ્રધ્ધાના બળથી સર કરેલા છે.
સમાજમાં જ્યારે અનેક લોકો સાંપ્રત સમયની સમસ્યાઓથી ઘેરાઇને ઘણીવાર હતપ્રભ થાય છે ત્યારે જીવન તરફની શ્રધ્ધા પ્રગટાવી શકે તેવું સંત સાહિત્ય આપણી પાસે હાથવગું છે. સંત સાહિત્યની ભાષા સરળ છે. આ સાહિત્ય કોઇ એક સંપ્રદાય વિશેષના બંધનમાં બંધાયેલું નથી. ભક્તિના રાજમાર્ગ સમાન આ સાહિત્યમાં નારી-પુરુષ કે ઉંચ-નીચનો કોઇ પણ ભેદ આંકવામાં આવેલો નથી. મેવાડના મીરા અને ગુજરાતના ગંગાસતી જેવા નારીરત્નોએ પણ આ સાહિત્યને સમૃધ્ધ કરેલું છે. ત્રિકમ સાહેબ કે દાસી જીવણ જેવા સંત સાહિત્યના સમર્થ સર્જકોની વાણી આજે પણ નૂતન દ્રષ્ટિનું પ્રદાન કરનારી લાગે છે. શાસ્ત્રોની વાતો જન જન સુધી સંત સાહિત્યના માધ્યમથી પહોંચી શકી છે. તુલસીદાસજી, નરસિંહ મહેતા કે ભક્તકવિ ઇસરદાસજી સંત સાહિત્યના ક્ષેત્રના તેજસ્વી અને પ્રભાવી સૂર્ય સમાન છે. સૂર્યપ્રકાશની જેમ આ સાહિત્ય સર્વ સુલભ છે. આપણાં આ અમૂલ્ય વારસાના વિચારતત્વનું મૂલ્ય આંકીને તથા સમજપૂર્વક તેનું અવલંબન લેનારો સમાજ સ્વસ્થતાની દિશામાં ચોક્કસ ડગ માંડી શકે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment