સંસ્કૃતિ : : લોકસાહિત્યના કર્મી-ધર્મીને પદ્મ એવોર્ડની અર્પણવિધિ :

અરબી સમુદ્રના નિરંતર ઉછળતા મોજાઓની થપાટને ઝીલતું કચ્છનું માંડવી નગર ઉન્નત મસ્તકે અનેક સૈકાઓથી ઊભેલું છે. ઉન્નત મસ્તક રાખવાનો આ નગરનો હક્ક પણ બને છે. કચ્છ પ્રદેશના વિશ્વ સાથેના ઐતિહાસિક દરિયાઇ સંબંધોનું આ નગર શાક્ષી છે. આજ નગરમાંથી શામજી નામનો યુવાન જીવનમાં પુરુષાર્થ અને નિષ્ઠાના બળે પંડિત શામજી કૃષ્ણ વર્મા બનીને દેશના મુક્તિ માટેના સંગ્રામનો એક સદાકાળ ચમકતો સિતારો બનેલો છે તેના શાક્ષી બનવાનું સૌભાગ્ય પણ આ નગરને મળેલું છે. એક ધ્યાન ખેંચે અને ફરી ફરી વાગોળવી ગમે તેવી ઘટના આ ઐતિહાસિક નગરથી થોડેજ દૂર રતડીયા નામના ગામમાં દસેક વર્ષ પહેલા બની હતી. રતડીયા ગામમાં આઇ શ્રી હાસબાઇમા એક જાગતી અને જ્વલંત જ્યોત જેવું ઉજ્વળ જીવન વ્યતિત કરતા હતા. આંગણે આવેલા અજાણ્યા અતિથિને પણ રોટલો અને સીતારામના નામના રટણની ભેટ આઇમા તરફથી સૌને આગ્રહપૂર્વક ઉપલબ્ધ હતી. માતાજીનું પ્રાગટ્ય વસંત- પંચમીના સોહામણા દિવસે થયું હોવાથી બહોળો ભક્ત સમૂદાય વસંત- પંચમીના દિવસે આઇશ્રીના પ્રાગટ્ય નિમિત્તે લાગણીનો ઓચ્છવ મનાવતા હતા. કચ્છ તથા કચ્છ બહારના અનેક સ્થળોએથી મોટી સંખ્યામાં શ્રધ્ધા તથા ભક્તિના ભાથા સાથે માઇભક્તો રતડીયાને તીર્થસ્થાન સમજી આપમેળે પહોંચી જતા હતા. મા હાસબાઇના શિશુ સહજ વ્યક્તિત્વના તથા તેમની અવિરત ઉપાસનાના એક મજબૂત ખેંચાણને કારણે આ ગતિવિધિ નિયમિત સ્વરૂપે થયા કરતી હતી. કચ્છ – સૌરાષ્ટ્રના મોટા ભાગના ઉત્સવોમાં બને છે તેમ મીઠપ અને મધુરતાના મર્મી લોક કલાકારો મોડી સાંજે નરવા સાહિત્યની રસલ્હાણ આવા પ્રસંગે પીરસતા હતા. કચ્છમાં આવા લોકસાહિત્ય કે ભજનના કાર્યક્રમને કેવો હોંશીલો પ્રતિસાદ મળે છે તે તો તેને નજરે જોઇએ તોજ સમજી શકાય. આ બાબત વિશેષ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ જોઇએ તો ભાવકોની હકડેઠઠ વચ્ચે અવધૂતી આસન જમાવીને બેઠેલા નારાયણ સ્વામીની સંતવાણી સાંભળતા અને માણતા રાત જાણે અહીં ટૂંકી પડતી હતી. આવોજ એક સાહિત્ય પ્રસાદ પીરસવાનો કાર્યક્રમ વસંત પંચમીના ઉપલક્ષમાં રતડીયામાં ગોઠવાયો હતો. માતૃ સ્વરૂપા હાસબાઇમાની હાજરી વાતાવરણને પવિત્ર બનાવતી હતી. આ ઘટના બની ત્યારે ભાવકોની હાજરી પણ થોડી વધારે હતી તેમ બનવાનું કારણ પણ હતું. સોરઠમાં જન્મ ધરીને લોકસાહિત્યનો રસથાળ વિશ્વના અનેક દેશોમાં પીરસનાર મર્મી અને કર્મી કલાકાર ભીખુદાનભાઇ ગઢવી આજે માતાજીની પ્રસન્નતા માટે ગીતોનો હારલો ગૂંથીને લાવ્યા હતા. ભીખુદાનભાઇને આવા શુભ દિવસે ઘરઆંગણે માણવાની તક કોણ ચૂકે ? ઉગમણા ઓરડાવાળી મઢડાવાળી મા સોનબાઇનું સ્મરણ કરીને આ દેવીપુત્ર રતડીયાની પાવન ધરતી પર સાહિત્યની સરવાણી રેલાવવાની શરૂઆત કરે છે. ભીખુદાનભાઇને સાંભળતા અનેક સાહિત્ય મર્મીઓના મનમાં કવિ દુલા ભાયા કાગની અલૌકિક કહેણી, મેરુભાની સ્વર બુલંદીના પડઘા અને હેમુ ગઢવીની મીઠાશ તાજી થાય છે. એકાએક કોઇ સજ્જન ભરી સભામાંથી ઉઠે છે. ભીખુદાનભાઇની રજૂઆતથી તેને થયેલી પ્રસન્નતા નરી આંખે જોઇ શકાય તેવી છે. આ અજાણ્યા વ્યક્તિના હાથમાં રુપિયાની નોટોનું મોટું બંડલ છે. આ નાણાં તે વ્યક્તિ ભીખુદાનભાઇના હારમોનિયમ પર પૂરા વિવેક સાથે રાખે છે. આ રીતે ઘોળ કરવાની પ્રથા એ કચ્છ – સૌરાષ્ટ્રના લોકો માટે સાહજિક તથા સાર્વત્રિક છે. ઘોળના આ માધ્યમથી કલાકાર તરફના સ્નેહ અને સન્માન બન્નેની મૂંગી છતાં અસરકારક અભિવ્યક્તિ થાય છે. આથી કોઇને આ ઘોળ કરવાની વાત નવી ન લાગી. પરંતુ હવે જે ઘટના બને છે તે જીવનમાં ઊંચા ધોરણો જાળવીને જીવવાની મનોવૃત્તિનો નિર્દેશ કરનારી છે. ભીખુદાનભાઇ ક્ષણનોયે વિલંબ કર્યા સિવાય આ દેખીતી રીતે મોટી લાગતી નાણાંકીય રકમનું બંડલ આઇ શ્રી હાસબાઇના ચરણોમાં પૂરા સમર્પણ ભાવથી મૂકીને જાણે કે હળવા થઇ જાય છે ! ‘‘લેવાના હેવા નહિ’’ એવા કવિ શ્રી કાગે લખેલી માતૃશ્રી સોનબાઇની શીખામણનું જાણે કે ભીખુદાનભાઇ હૂબહૂ દર્શન કરાવતા હતા. આઇ હાસબાઇમાની અમી દ્રષ્ટિની શાક્ષીએ બનેલી આ ઘટના કદાચ કોઇને નાની કે ઓછા મહત્વની પણ લાગે. પરંતુ ધ્યાનથી જોઇએ અને વિચારીએ તો ‘બ્રહ્માર્પણમ’ કરવાની આ શુભ વૃત્તિ સંસ્કારના અને વિવેકના આભ ઊંચા ગુણોની શાનદાર અભિવ્યક્તિ છે. આવા મર્મી તથા મેઘકંઠીલા કલાકારને ભારત સરકાર ૨૦૧૬ના વર્ષમાં પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત કરે તે સહજ – સ્વાભાવિક તથા ન્યાયયુક્ત છે. એક વ્યક્તિ ઉપરાંત લોક થકી સર્જાયેલા અને સચવાયેલા ઉમદા અને અનોખા સાહિત્યની કેન્દ્ર સરકાર દ્વારા થયેલી આ એક જાહેર સ્વીકૃતિ છે. આ કારણસરજ લોક સાહિત્ય સાથે કોઇપણ સ્વરૂપે જોડાયેલા અનેક મર્મી ભાવકોની લાગણી હરખને કારણે ઉછાળા મારતી હોય તે સમજી શકાય તેવી બાબત છે.

      ભીખુદાનભાઇની લોક સાહિત્યની ઉપાસના તેમજ પ્રસ્તુતિ સમાજમાં સર્વ સ્વીકૃત બની તેના અનેક કારણો અભ્યાસુઓએ નોંધેલા છે. આ બધા નિરીક્ષણોમાં એક કેન્દ્રિય સૂર એ ભીખુદાનભાઇની વાણીમાં છેલ્લા પાંચ દાયકાથી અકબંધ જળવાયેલી સંસ્કારીતાની ઉજળી બાબતનો છે. લોક રંજન તેઓ જરૂર અસરકારક રીતે કરે છે પરંતુ તે માટે પોતાની કથનીમાં ‘સસ્તા’ થવાની તેમની સહેજ પણ તૈયારી નથી. તેમની સાહિત્યની વાતો કોઇપણ પ્રસંગે કુટુંબના તમામ સભ્યો સાથે બેસીને માણી શકે છે. ચારણી શૈલિના છંદોની પ્રસ્તુતિ તેઓ ધારદાર સ્વરૂપે કરી શકે છે. સંગીતનો પ્રમાણસર ઉપયોગ અને શબ્દની સ્પષ્ટતા સંત શ્રી નારાયણ સ્વામીની પ્રસ્તુતિની યાદ અપાવે તેવા છે. આવી પ્રસ્તુતિમાં હળવી વાતોનું મિશ્રણ પણ લોટમાં મીઠું ભળે તેવા સ્વરૂપે સહજ રીતે વણાયેલું રહે છે. તેમની કથન શૈલિમાં આપણાં સદાકાળ લોકપ્રિય વાર્તાકારો કાનજી ભુટ્ટા બારોટ, બચુભાઇ ગઢવી (વઢવાણ) તેમજ દરબાર પુંજાવાળાની ઝલક જોવા મળે છે. મેઘાણીભાઇએ જેમની પ્રસ્તુતિની અહોભાવથી પ્રશંસા કરેલી તેવા ગગુભાઇ લીલા (સનાળી)ના ભીખુદાનભાઇ પર આશીર્વાદ ઉતરેલા છે અને આ કુટુંબ સાથે તેઓ અંગત સંબંધોથી પણ બંધાયેલા છે. પિતા શ્રી ગોવિંદભાઇ પાસેથી ભીખુદાનભાઇને રામાયણની શિક્ષા-દીક્ષા તથા કથનકળા મળેલા છે. તેમના કાકા રામભાઇ પાસેથી તેમને ભેળિયાવાળીની સ્તુતિ કરવાની મનોહર શૈલી મળેલી છે. કવિ શ્રી કાગના જીવનમાંથી તેમને બહારના જગત સાથે સંબંધો – સંપર્કો બાંધવાની અને ટકાવવાની ઊંડી સમજણ મળેલી છે. મેરૂભાના વાણી – વર્તનના સતત વિવેકનું પ્રતિબિંબ ભીખુદાનભાઇના વર્તનમાં અનુભવી શકાય છે. પૂ. મોરારીબાપુની અસીમ કૃપા અને સ્નેહની સાથે સાથે રામાયણ તરફની ભક્તિનું દ્રઢિકરણ તેમને પ્રાપ્ત થયેલા છે. આવા સર્વથા સુયોગ્ય સાહિત્યધર્મી વ્યક્તિને ભારતના રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી એવોર્ડની અર્પણવિધિ તાજેતરમાંજ થઇ તે ઇતિહાસના સોનેરી પૃષ્ઠ ઉપર લખાય તેવી ઘટના છે. ભગતબાપુના શબ્દોને યાદ કરીએ. કારણકે તેનો આવિર્ભાવ ભીખુદાનભાઇના જીવન અને સાહિત્યમાં થયેલો જોવા મળે છે.

ચારણો સૌ સરસ્વતીને સેવે

ગીત રામાયણ ગાય

સવળી જીભે બેસજે ચંડી

વૈખરી વાણી જાય…

માડી હું તો એટલું માંગું

પાયે તને વિપળી લાગું.

       ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ લોકસાહિત્યના મર્મીઓનું સન્માન સમાજે તેમજ શાસને વિવિધ પ્રસંગોએ કરેલું છે. એક વિશાળ જનસમૂહ આ સાહિત્યને નિયમિત સાંભળે છે અને માણે છે તેજ આ સાહિત્યના જીવંત ધબકારનો નક્કર પુરાવો છે. આથીજ અનેક નવા કલાકારોએ પણ લોકસાહિત્યના વિશાળ પ્રદેશમાં ડગલા માંડેલા છે અને તેમની રજૂઆતને પણ સમાજે ખોબે અને ધોબે વધાવી છે. સમાજ જ્યારે આવા ભાવથી આ સાહિત્યને વધાવે છે ત્યારે આ સાહિત્યની ઉપાસના કરનાર મર્મીઓની પણ એક વિશેષ જવાબદારી બને છે. આપણાં ઉજળા વારસા સમાન આ સાહિત્યના સુવર્ણ સ્વરૂપને કોઇ દાગ ન લાગે તેમજ તેની પ્રસ્તુતિમાં શુધ્ધતા તથા પવિત્રતા જળવાઇ રહે તે જોવાની આપણી સૌની ફરજ છે. કાકા સાહેબ કાલેલકરે લોકસાહિત્યને લોકોની શાશ્વત સંપતિ સમાન ગણાવેલું છે. આ સાહિત્યની પ્રસ્તુતિ કરનારા અનેક મર્મીઓ તેમજ તેને માણનારા વિશાળ જનસમૂહની ઊંડી સૂઝ બૂઝને વધાવી લેવાનો આ રૂડો અવસર છે. ભીખુદાનભાઇ ગઢવી (માણેકવાડા – સોરઠ) તેમજ તેમના અર્ધાંગના અ.સૌ. ગજરાબહેન (સનાળી)ને મંગળમય ભાવિની અંતરના ઉમળકાની વધામણી આપીએ તે આ તકે યથાર્થ તથા પ્રસ્તુત છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑