: સંસ્કૃતિ : : રાજ વિનાના મહારાજ : પરિવ્રાજક ઋષિ : રવિશંકર મહારાજ :

ravishankar maharaj

૧૯૪૪માં બનેલી આ વાસ્તવિક ઘટનાની વાત ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગાંધીજીનો એક સંદેશ રવિશંકર મહારાજને મળે છે : ‘‘જ્યાં હો ત્યાંથી અહીં (સેવાગ્રામ આશ્રમ – મહારાષ્ટ્ર) આવી જાઓ’’ બાપુના સંદેશાનો તો અમલ જ કરવાનો હોય. મહારાજ સેવાગ્રામમાં હાજર થાય છે. બાપુની સૂચના મહારાજને મળે છે : ‘‘આભા – કનુના લગ્ન તમારેજ કરાવવાના છે.  કરાવશોને ?’’ (કનુ ગાંધી – ગાંધીજીના ભત્રીજા અને જાણીતા ફોટોગ્રાફર) મહારાજ ત્વરિત ઉત્તર આપતા કહે છે : ‘‘એમાં પૂછવાનું શું હોય ? આપની ઇચ્છા તો મારે શિરોધાર્ય જ હોય !’’ હવે બાપુ બીજી સૂચના ફરમાવે છે. બાપુ મહારાજને કહે છે કે તેમણે આ લગ્નવિધિ કરાવવી તથા તે વિધિ કાકાસાહેબે લખેલી પુસ્તિકા અનુસાર કરાવવી. કાકાસાહેબની લગ્નવિધિ અંગેની પુસ્તિકા બાપુએ મહારાજને આપી. ફરી એક સૂચના આપતાં બાપુ કહે છે કે આ લગ્નવિધિ ૩૦ મિનિટમાં પૂરી કરવાની રહેશે. દાદાએ ઝડપભેર પુસ્તિકાના પાના ફેરવ્યા. પુસ્તિકા જોયા પછી મહારાજ બાપુને કહે છે કે કાકાસાહેબે પુસ્તિકામાં દર્શાવેલી વિધિ તેમનામાટેતો નવી છે. આ વિધિ ૩૦ મિનિટમાં કેમ પતશે ? ઉપરાંત ઉતાવળ કરવામાં ભૂલ થવાના સંભવ તરફ પણ મહારાજે ધ્યાન દોર્યું. બાપુ હાજર જવાબી છે. કહે છે કે ભૂલ થશે તો પણ હું ભૂલ નહિ કાઢું ! પછી આ પ્રશ્નનો ઉકેલ થાય તે માટે મહારાજને સૂચવે છે કે આ પુસ્તિકા ત્રણ – ચાર વખત વાંચી જવી. ત્યારબાદ વરઘોડીયા (આભાબેન તથા કનુભાઇ)ને બોલાવી તેમની સામે આ પુસ્તિકા વાંચીને તેનો અર્થ તેમને બરાબર સમજાવવો. બન્નેને લગ્નવિધિથી માહિતગાર કરવા. આમ કરવાથી સમય બચશે તેમ બાપુએ મહારાજને સમજાવ્યું. બધું સમજાવ્યા બાદ દરેક મિનિટનો હિસાબ રાખનાર આ મહાત્માએ ફરમાન કર્યું : ‘‘વિધિ ૩૦ મિનિટમાંજ પૂરી કરવાની છે.’’ મહારાજનો જવાબ : ‘‘જેવી આપની ઇચ્છા.’’ હવે લગ્નના સમયને માત્ર એક દિવસની વાર છે ! મહારાજે બાપુની ઇચ્છા અનુસારની તૈયારી અક્ષરસ: કરી. આ પ્રસંગની વાત લખતા આભાબહેન કહે છે કે મહારાજે તે બન્નેને (ભાવિ દંપતિને) બોલાવી દરેકે દરેક શ્લોકની તથા લગ્નવિધિની સંપૂર્ણ જાણકારી આપી. સ્વભાવ પ્રમાણે બાપુએ સાંજે ખરાઇ પણ કરી કે તેમની સૂચનાનો અમલ કેટલો તથા કેવો થયો છે.  બીજા દિવસે લગ્નવિધિ સમયસર શરૂ થઇ.  લગ્નવિધિ મહારાજે બરાબર ૨૯ મિનિટમાં પૂરી કરાવી. કોઇપણ પ્રકારની ઉતાવળ પણ મહારાજે કરાવી ન હતી. બાપુ પૂરો સમય વિધિમાં હાજર હતા. માત્ર બાપુનેજ નહિ પરંતુ લગ્નવિધિમાં હાજર રહેનારા સરોજિની નાયડુ, રાજાજી, ડૉ. ઝાકીર હુસેન, ઠક્કરબાપા તેમજ ઘનશ્યામદાસ બિરલા જેવા મહાનુભાવોને પણ મહારાજની સ્વસ્થતા – એકાગ્રતા તથા કાર્યદક્ષતાએ ચકિત કરી દીધા હતા. બાપુએ આવા અનેક કાર્યો જોઇને પોતાના આ એકનિષ્ઠ સાથી રવિશંકર મહારાજને બિરદાવતાં યાદગાર શબ્દોમાં કહ્યું : ‘‘મહારાજની આ જ ખૂબી છે. તેમને જે કામ સોંપો તેમાં તે પોતાનો આત્મા રેડી દે છે. મહારાજનું કરેલું દરેક કામ તેથીજ ઝળકી ઊઠે છે.’’ બાપુનું આવું ઉત્તમ પ્રમાણપત્ર કાર્યનિષ્ઠાના બળે મેળનાર રવિશંકર મહારાજનું પવિત્ર સ્મરણ ભોળા શિવજીની પૂજા – અર્ચનાના તહેવાર શિવરાત્રીના પ્રસંગે વિશેષ થાય છે. મહારાજનો જન્મ શિવરાત્રીના દિવસે માતર તાલુકાના રઢુ ગામે તા.૨૫/૦૨/૧૮૮૪ ના રોજ તેમના મોસાળમાં થયો હતો. માતા તરફથી નીરોગી શરીર રહે તેવી જીવનશૈલી તથા લાંબા અંતર સુધી ચાલવાની આદતની ભેટ પિતા તરફથી વારસામાં મળી હતી. રાજ વિનાના આ મહારાજની ઘસાઇને ઊજળા થવાની જીવનપધ્ધિત આજે પણ આશ્ચર્ય તથા અહોભાવ ઉપજાવે તેવી છે. ૧૯૫૯ માં મહારાજને ૭૫ વર્ષ પૂરાં થયા ત્યારે કવિ ઉમાશંકરે શ્રેષ્ઠ શબ્દગુચ્છથી મહારાજને વધાવ્યા.

ન માનુષાત શ્રેષ્ઠતરં હિ કિંચિત

મનુષ્યથી ના અદકું કંઇજ

મનુષ્યમાંયે શિર જેનું ઉર્ધ્વ,

મૂર્ધન્ય તે.

      અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહારાજને માંદગીને કારણે સારવાર માટે રાખવાનો નિર્ણય થયો. મહારાજ ત્યારે સાબરમતી જેલના કેદી હતા. મિત્રોના આગ્રહથી મેઘાણીભાઇ થોડા સંકોચ સાથે મહારાજને મળે છે. પાતળી કાઠીના તથા સતત પરિભ્રમણને કારણે ત્રાંબાવરણી બનેલી આ સ્વચ્છ માનવમૂર્તિ તરફનું મેઘાણીભાઇને વિશેષ આકર્ષણ હતુંજ. મહારાજ પાસેથી વાતો સાંભળવાનું પણ મન હતું. તેનું ખાસ કારણ મહારાજના મહી-વાત્રક કાંઠાના રચનાત્મક કામની જાણકારી તેમજ વિગતો મેળવવાનું હતું. સરકારી કચેરીઓ તથા પોલીસ સ્ટેશનોમાં જેમના નામો ચોર-લૂંટારા તથા ખૂનીઓ તરીકે નોંધાયેલા હતાં તેમજ તેવા લોકો સાથેનો અમલદારોનો વ્યવહાર પણ અમાનવિય હતો. આ માનવોમાં પણ માણસાઇના દીવા પ્રગટાવીને સતેજ કરી શકાય છે તેવી મહારાજની અનુભવજન્ય વાણી સાંભળવાની મેઘાણીભાઇને હોંશ હતી. મહારાજે મન મૂકીને આ વાતો કરી. સાહિત્યકાર તથા સંશોધક મેઘાણીએ આ વાતો ટપકાવી લીધી અને આ ઐતિહાસિક સંવાદમાંથી ગુજરાતને ‘માણસાઇના દીવા’ જેવી ઉત્તમ કૃતિ પ્રાપ્ત થઇ. મેઘાણીભાઇ લખે છે કે આ તમામ ઘટનાઓમાં મહારાજ કેન્દ્રસ્થાને હોવા છતાં પોતાની જાતને સમગ્ર આલેખનમાં ગૌણપદે રાખવાનો જાગૃત પ્રયાસ કરતા હતા. સ્વપ્રસિધ્ધિ કે સ્વપ્રશંસાનો એક પણ શબ્દ વાતચીતના લાંબા દોરમાં પણ મહારાજના મુખેથી નીકળતો ન હતો. મહારાજનું કથન ‘ સંઘેડા ઉતાર ’ હોય છે તેમજ તેમના કથનમાં   ‘ કથળતું કે ગોથા ખાતું ’ એક પણ વાક્ય હોતું નથી તેવું મેઘાણીભાઇનું વિધાન મહારાજની કથન તથા સંવાદકળાની શ્રેષ્ઠતા પણ પુરવાર કરે છે. આથી ‘માણસાઇના દીવા’ એક કાળજયી કૃતિ બની શકે છે. ‘માણસાઇના દીવા’ ની વાતો વિશે લખતા કાકાસાહેબે કહ્યું કે ‘‘ રવિશંકરના પુરૂષાર્થનો આ દસ્તાવેજ માનવકોટિના ઉત્તમ સાહિત્યમાં પોતાનું સ્થાન લેશે. ’’ મહીકાંઠાની આ જીવનકથામાં સ્નાન કરીને તીર્થસ્થાનની ધન્યતા કાકાસાહેબે અનુભવી અને લખી.

      માનવી એ કુદરતનું અદભુત છતાં જટિલ સર્જન છે. સમાજ તરીકે આપણે સામાન્ય રીતે સારા અને નરસા એવા બે ભાગમાં તેને વહેંચી લઇએ છીએ. નરસા માની લીધેલા ભાંડુંઓ તરફ અનેક પ્રકારના પૂર્વગ્રહો સહિત વ્યવહાર કરીએ છીએ. માણસાઇના દીવાની વાતો આવા પ્રસ્થાપિત થયેલા વલણને પડકારે છે. આવા ગમા – અણગામાની નિરર્થકતા સિધ્ધ કરી બતાવે છે. ગુજરાતમાં એક સમયે આવેલા રેલ સંકટની ઘટના મહારાજ કહી સંભળાવે છે. મહીકાંઠાના ગામોના અનેક કાચા પાકા મકાનો – ઝૂંપડાઓ પુરના પાણીથી હતા ન હતા થઇ ગયેલા. લોકોને ખાવા અનાજના સાંસા હતા. વિદેશી સરકારની દાનત અને પહોંચ બન્ને વિશ્વાસપાત્ર ન હતા. મહારાજ આવા ભૂખ્યા ભાંડુંઓ માટે રાત દિવસ જોયા સિવાય પગપાળા ફરીને અનાજ ઉઘરાવતા હતા. વટાદરા જેનું પિયર હતું અને મહારાજને પ્રિય ગામ હતું તેવા ગામની જીવી ને આંગણે મહારાજ અનાજની ટહેલ નાખીને ઊભા છે. જીવી ની પોતાનીજ આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હોવા છતાં પાટણવાડિયાની પુત્રી મહારાજને ઘરનો આખો ઓરડો ખાલી કરીને અનાજની ગુણીઓ આપીને અપાર સંતોષનો ભાવ અનુભવે છે. ઉદારતામાં પણ એક સ્વાભાવિક સંવેદનશીલતા જીવીમાંમહારાજ જોઇ શક્યા. મહારાજને જીવી મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી હતી ! દુ:ખી ભાંડુંઓ માટે સંવેદનશીલતા તેમજ ઉદારતાના આવા તો કેટલાયે ઉત્કૃષ્ટ કિસ્સા મહારાજે નજરોનજર જોયા અને અનુભવ્યા. સરકારના ચોપડે ભલે એ લોકો ગુનેગાર તરીકે નોટીફાઇ થયા હોય પરંતુ પ્રસંગ આવ્યે તેમના જીવનમાં માનવતાની સરવાણી અખંડ રીતે વહેતી મહારાજ જોઇ શક્યા. આવી નજરે જોયેલી અને અનુભવેલી વાતોનો ખજાનો જ આપણી સમક્ષ આ કથામાં રજૂ થયેલો છે. વાત્રકના કાંઠે જ્યાં રાત્રે કોઇ માણસ બહાર નીકળવાની કલ્પના પણ ન કરે ત્યાં આ ગાંધીની ટોળીના સિપાઇ ભયમૂક્ત રહીને ફર્યા અને લોકોને ભયમૂક્ત કરવાના સફળ પ્રયાસો કર્યા. સરકારી અમલદારો સાથે સંઘર્ષ કરીને નિર્દોષ લોકોને ન્યાય મળે તેવા અનેક પ્રયાસો કર્યા. લોકોનો તથા તંત્રના પણ મોટાભાગના અમલદારોનો વિશ્વાસ મહારાજ તેમની કાર્યશૈલીને કારણે પ્રાપ્ત કરી શક્યા હતા.

      મહારાજ એક સદીનું ગૌરવયુક્ત તથા ઉજળું જીવન જીવીને ગયા. ગુજરાત રાજ્યનું ઉદઘાટન મહારાજના કરકમળોથી થયું તે રાજ્યનું સદભાગ્ય છે. વિમલાજી (ઠકાર) લખે છે કે ‘‘મહારાજને મળું છું ત્યારે ગંગાસ્નાનની શુચિતા લઇને પાછી આવું છું’’ કવિ કાગે મહારાજને વધાવતા લખ્યું :

 જય જય રવિશંકર પાપ ખયંકર

પુરુષોત્તમનર ગુર્જર કા.

નમો ભવ્ય ભૂદેવ ! નમો તપ –પુંજ નિરંતર,

નમો નયન નિકલંક, નમો ભવ – ભૂખ – દુ:ખહર !

Leave a comment

Blog at WordPress.com.

Up ↑