શાંતિ પમાડે તેને તો સંત કહીએ.
એના દાસના તે દાસ થઇને રહીએ રે….
કલ્પવૃક્ષ સેવ્યે દાળદર રહ્યું ઊભું,
ત્યારે તેના તો ગુણ શીદ ગાઇએ રે ?
શાંતિ પમાડે તેને સંત કહીએ…
સંસારના દુખિયારાઓની પીડા હરવાનું કામ જેમણે નિજાનંદે તથા સહજભાવે કરેલું છે. તેવા સંતોની એક ઉજળી પરંપરા આપણે જોઇએ છે. તેમના માનવધર્મ પ્રત્યેની નિષ્ઠાને કારણે આ સંતોના જીવન યજ્ઞકુંડની જવાળા સમાન જવલંત તથા ઝળહળતા રહેલા છે.
સંતોની આ ઉજળી પરંપરાના સંદર્ભમાં એક ઘટના સ્મૃતિમાં આવે છે. વેરાન વગડાની વચ્ચે જટાદાર જોગીની છટાથી ઊભેલા લીમડાના કેટલાક વૃક્ષો નીચે એક વેલડું (બળદગાડા જેવું એક સાધન)ઊભું રહ્યું. લીમડા આચ્છાદિત આ જગા વિશ્રામ કરવા માટે સારી હતી. ગરમીથી રાહત મળે તથા આ જગાએ આવેલા એક જૂના કૂવાના શિતળ જળથી તૃષા પણ સંતોષી શકાય. વેલડાની સાથે રહેલા એક વડીલે આ જગાએ બેસીને જલ્દીથી મુસાફરીમાં સાથે લીધેલું ભોજન કરી લેવા કહ્યું. ઉપરાંત આ વડીલે વેલડામાં જોડાયેલા બળદોને પણ નીરણ પાણી કરાવવા માટે સૂચના આપી.
વેલડામાં આહીર જ્ઞાતિની એક યુવાન દીકરી બેઠેલી હતી. દીકરી પણ સૌની સાથે આ મનને ગમે તેવા વગડાની વચ્ચે આવેલા સ્થળે ભોજન કરવા બેઠી હતી.
વેલમાં બેસીને પોતાના સાસરે જતી આ કોડભરી કન્યાને એક વાતનું ખૂબ આશ્ચર્ય થયું, વખતોવખત વેલડાની સાથે આવેલા વડીલ આ સ્થળેથી જલ્દી જલ્દી નીકળવાનું શા માટે કહેતા હતા. આ સોહામણી જગાએ લીમડાની શીળી છાયા હેઠળ તો થોડીવાર જમીને આરામ કરવા જેવું હતું. દીકરી આસપાસ નજર ફેરવીને થોડા ડગલાં આ સ્થળની આજુબાજુ ધીમા પગલે ફરે છે. અચાનક આ કન્યાના કાને કોઇને વચ્ચેની વાતચીતના અસ્પષ્ટ શબ્દો સંભળાયા. વગડામાં આવા સ્થળે તથા સમયે કોઇ વાતચીત કરતું હશે તેની તેને ઉત્સુકતા થઇ. પરિસ્થિતિનો તાગ મેળવવા આ સાસરે જવા નીકળેલી કન્યા વાતચીત સંભળાતી હતી તે દિશા તરફ જવા લાગી. થોડા ડગલાં ચાલ્યા પછી આ કન્યાએ જે દૃશ્ય જોયું તે રૂંવાડા કરી દે તેવું હતું.
દીકરીએ જોયું કે એક સાધુ કોઇ જૈફ ઉંમરના માજીના રક્તપિત્તના રોગથી સડેલા તથા ગંધ મારતા શરીરના અંગોને હૂંફાળા પાણીથી સાફ કરતા હતા. દીકરીએ એ બાબતની પણ નોંધ લીધી કે આવું દેખીતી રીતે અપ્રિય લાગે તેવું કામ કરતા પેલા સાધુના મુખ ઉપર ઠાકોરજીની આરતી કરતી વખતે પુજારીના મોં પર જેવી પ્રસન્નતાના ભાવ હોય તેવા જ ભાવ જોવા મળતા હતા. આવું કાર્ય પૂર્ણ નિજાનંદથી કરતા સાધુ વચ્ચે વચ્ચે મીઠી મજાક-મશ્કરી કરીને જૈફ ઉંમરના પીડિત મહિલાનું દર્દ પણ ઓછું થાય તેવા નરવા પ્રયાસ કરતા હતા. બાવાજી મા ને કહેતા ‘‘ મા, તમે તો જલ્દીથી સાજા નરવા થઇ જવાના છો આ પીડા હવે તો ગઇ તેમજ સમજો !’’ડોશીમાં શાંતિ આપનારા સાધુના આ શબ્દો સાંભળીને દર્દમાંથી અનેરી રાહત મેળવતા હતા.
સાસરે જઇ સંસાર માંડવાના સોણલાં જોતી આ કોડભરી કન્યા આ દ્રશ્ય જોતાં જે દિગ્મૂઢ થઇને કોઇ અનેરા ખેંચાણથી તે બાજુ ખેંચાયા કરતી હોવાનો અનુભવ મનોમન કરતી હતી. દીકરી સાવ નજીક જઇને ઊભી રહે છે. સાધુનું ધ્યાન અચાનક જ આ યુવાન કન્યા તરફ જતા અધિરાઇથી બોલી ઉઠે છે. ‘ અરે, મારી મા, જરા દૂર ઊભી રહે. ’ કન્યાના વસ્ત્ર પરિધાન અને શરીર પરના આભૂષણો જોઇને સાધુ તેને કહે છે. કે, ‘‘ તારે તો હજુ સંસાર માણવાનો બાકી છે.’ પણ આ દીકરીની મનોસ્થિતિ હવે બદલાઇ ચૂકી હતી. દીકરી મનમાં વિચારતી હતી: ‘ અરેરે! આ સુંદર દેખાતા શરીરની આવી પણ સ્થિતિ થતી હશે ? ’ જો એમ જ હોય તો આ ક્ષણભંગુરતાનું કહેવાતું સુખ માણવાનો અર્થ શું છે ? જીવનનો ખરો અર્થ ભોગ વિલાસમાં નહિ પરંતુ આ વગડા વચ્ચે ખરા અર્થમાં માનવસેવાનો યજ્ઞ કરનાર સાધુના પગલે જીવન જીવવામાં છે, તેની દ્રઢ પ્રતીતિ દીકરીને થઇ ચૂકી હતી. ગંગાસતી કહે છે તેમ-વીજળીના એક ચમકારે યુવાન કન્યાએ નિર-ક્ષિરનો તાગ મેળવી લીધો હતો. દેહની ચમક-દમકનો ભ્રમ આ સાધુના કાર્યને જોતાં જ ઓગળી ગયો. દુખિયારા ભાંડુઓના આંસુ લૂછવામાં હવે આ કોડભરી કન્યાને જીવનનું સાર્થક્ય દેખાતું હતું.
પૂરી સ્વસ્થતા તથા અસાધારણ દ્રઢતા સાથે દીકરીએ શરીર પરના આભૂષણો એક પછી એક ઉતારીને વેલડાની સાથે રહેલા વડીલને સોંપી દીધાં. ફરી એક વાર બુદ્ધના મહાભિનિષ્ક્રમણ જેવી ઘટનાના મૂંગા સાક્ષી બનવાનું સૌભાગ્ય આસપાસ ઊભેલા ઘટાદાર વૃક્ષોને પ્રાપ્ત થવાની આ એક સુવર્ણ પળ હતી. રક્તપિતીયાઓની સેવા કરવા માટે પૂરા વિસ્તારમાં સુવિખ્યાત એવા સંત દેવીદાસના ચરણોમાં બેસી જવાનું અને આ કપરું સેવાકાર્ય કરવાનું દીકરીનું અનાયાસ જ લેવાયેલું વ્રત ભીષ્મ પ્રતિજ્ઞાની પુન: સ્મૃતિ કરાવે તેવું તેજોમય હતું. આ દીકરી તે અમરબાઇ તથા આ સંત એટલે સંત દેવીદાસ હતા. આજે પણ જૂનાગઢ જિલ્લાના પરબ સેવા ક્ષેત્રના તીર્થમાં સંત દેવીદાસ તથા અમરબાની આ અજોડ સેવાના પડઘા જીવંત છે. સંતોની આ પરંપરા થકી ગુજરાત રળિયાત થયેલું છે.
આપણા દેશના તથા આપણાં રાજ્યના આ સંતો તથા તેમના ઉજ્જવળ સેવા કાર્યો વિશે અનેક સંશોધકોએ લખ્યું છે. શાંતિનિકેતન તથા કવિગુરૂ ટાગોરના સંપર્કમાં રહીને ક્ષિતિમોહન સેને આ અંગે સંશોધનનું પાયાનું કામ કર્યું. ઝવેરચંદ મેઘાણી તથા મકરન્દ દવેએ પણ અનેક મધ્યયુગના સંતો તથા તેમના ઉત્તમ સર્જકોના રસથાળ આપણા સુધી પહોંચાડીને મોટું ઉપકારકૃત્ય કરેલું છે. આ તમામ સંત કવિઓની વાત કહેવાની શૈલી અલગ અલગ હોઇ શકે છે, પંરતુ અંતે તો ‘ રોટીનો ટૂકડો ત્યાં હરિ ઢૂકડો ’ એ ભાવ તેમાં સાર્વત્રિક રીતે ઝીલાયો છે. ભૂખ્યાંને ભોજન કરાવવાના કાર્યને આપણી સંત પરંપરામાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
કબીર કહે કમાલ કુ દો બાતા સીખ લે
કર સાહેબ કી બંદગી, ભૂખે કુ અન્ન દે,
ગોરખનાથજીનું ભજન પણ કબીર સાહેબના આ જ ભાવનો પડઘો પાડે છે :
બસ્તીમેં રહેના અવધૂ,
માંગીને ખાના રે જી,
ટૂકડે મેં સે ટૂકડા કરી દેના મેરે લાલ:
લાલ મેરા દિલમાં સંતો
લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી.
સંત પરંપરાના સંતો મરમી તથા અનુભવસિદ્ધ સર્જકો હતા. આ સંતો પૈકીના કેટલાક નિરક્ષર હતા પરંતુ આતમના અજવાળે દિશા પારખનારા હતા. અખંડ ધણીની ઓળખ મેળવવા તેમણે જીવનભર મથામણ કરી હતી. આ સંત પરંપરામાં આડંબરને કોઇ સ્થાન ન હતું. તેઓ ઉદાર તથા સમન્વયયુક્ત વિચારસરણીનો ફેલાવો કરનારા હતા. તેમના પદો-ભજનો-કીર્તનોએ સમાજની સ્વસ્થતામાં નિરંતર વૃદ્ધિ કરી છે. કોઇ એક સંપ્રદાય કે વિધિ વિધાનનો ફેલાવો કરવાની તેમની દ્રષ્ટિ ન હતી. આ સંત પરંપરામાં ઉચનીચના કોઇ ભેદભાવ ન હતા. નારી-પુરષ માટેના પણ કોઇ અલગ માપદંડ ન હતા. પાટ- પરંપરામાં તો નારીનું વિશેષ મૂલ્ય તથા મહત્વ પ્રસ્થાપિત કરવામાં આવેલું છે. આ સંતોની ભજનવાણી વેદના –પરપીડા જોઇને જાગેલી છે. ખરા અર્થમાં આ સંતો ખરા અર્થમાં વૈષ્ણવજન છે. નરસિંહે ગાયું હતું:
વૈષ્ણવજન તો તેને રે કહીએ
જે પીડ પરાઇ જાણે રે…
પરદુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે!
સંતોની આ ઉજળી પરંપરા આપણો ઉજળો વારસો છે. કાળના કપરા તથા વિકટ પ્રવાહમાં પણ આવા સંતોનો પ્રભાવ ઝાંખો પડ્યો નથી. ‘દો રેાટી અને એક લંગોટી ’ના ધણી એવા આ પરોપકારી સંતોએ સમાજમાં માનવતાના ઉત્તમ ગુણોનું સિંચન અને સંવર્ધન પોતાના જીવન તથા આચરણના બળે કરેલું છે. સંતોના ત્યાગ-બલિદાન અને સંસ્કારનો ધૂણો આજે પણ ધખી રહેલો છે.
Leave a comment