કવળાણા (જિલ્લો નાસીક) આમ તો સાવ નાનું તથા ભાગ્યેજ કોઇ યાદ કરે તેવું ગામ. માંડ દોઢસોથી બસો ઘરની વસતિ. ગામના ચોકમાં એક ઘેઘૂર વડલો કોઇ જોગંદર જટાળાની સ્મૃતિ કરાવતો ઊભો હતો. કોને ખબર હતી કે આવા નગણ્ય ગામડામાંથી ગાયકવાડી શાસનનો સૂર્યોદય થવાનો હતો ? વડોદરાના મહારાણી જમનાબાઇ કવળાણા ગામમાં આવે છે તેની ખબર માત્રથી ગામમાં વીજળી વેગે ચેતના અને ચહલપહલનો સંચાર થવા લાગ્યો હતો. મહારાણી જમનાબાઇ વડોદરાના ભાવી મહારાજાની પસંદગી કરવા કવળાણા પધારે એ વાતથી ગામના લોકો ઉત્સુક તથા ઉત્તેજિત થયેલા હતા. આમતો કવળાણા ગામના ગાયકવાડી કુટુંબોને વડોદરાના રાજવી સાથેનું કૌટુંબીક જોડાણ હતું. પ્રતાપરાવ ગાયકવાડની શાખાનાજ એ બાળકો હતા. બ્રિટીશ અમલદાર ફાયરેના અહેવાલ પરથી ગોરી સરકારે વડોદરાના મહારાજા મલ્હારરાવને રાજગાદી પરથી પદચ્યૂત કર્યા. દેશી રાજા-રજવાડાઓ મનમાં ગમે તે ગુમાન લઇને ફરતા હોય પરંતુ તેમનો ખેલ બ્રિટિશ હાકેમોની ઇચ્છા તથા મહેરબાની ઉપર ચાલતો હતો તેનો એક સંકેત પણ આ ઘટનામાંથી પ્રાપ્ત થાય છે. જોકે મહારાજા મલ્હારરાવની હકાલપટ્ટીથી રાજ્યના નાગરિકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો. મલ્હારરાવના શાસનમાં રાજ્યમાં અનૈતિકતા તથા ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળ્યું હતું. લોકોને સર્વાંગ સજ્જન મહારાજા ખંડેરાવની યાદ આવતી હતી. ખંડેરાવ સજ્જન હોવા ઉપરાંત વહીવટમાં પણ કાબેલ હતા. મહારાજા ખંડેરાવને ત્રણ રાણીઓ હતી પરંતુ એક પણ પુત્ર ન હતો. મહારાજા ખંડેરાવનું ૧૮૩૦ માં અકાળ અવસાન થયું. સ્વર્ગસ્થ મહારાજાના નાનાભાઇ મલ્હારરાવને અચાનકજ રાજયોગ પ્રાપ્ત થયો. પરંતુ તેઓ તેમની રાજા તરીકેની લાયકાત સિધ્ધ કરવામાં નિષ્ફળ ગયા. સત્તાના સૂત્રો હાથમાં આવતાંજ તેઓ બેફામ બન્યા. સામાન્ય રીતે આવા સંજોગોમાં રાજ્ય ખાલસા થાય તેવી બ્રિટિશ હકૂમતની નીતિ હતી. આ નીતિમાં સ્પષ્ટ રીતે સત્તાના વિસ્તારવાદની લાલસા જોઇ શકાય છે. પરંતુ ‘‘ સમરથ કો નહિ દોષ ગુંસાઇ ! ’’ વડોદરાના કિસ્સામાં બ્રિટિશ સરકારે એક અપવાદ કર્યો. વડોદરા મિત્ર રાજ્ય છે તેથી સ્વર્ગીય મહારાજા ખંડેરાવના વિધવા જમનાબાઇને ‘‘ બ્રિટિશ સરકાર મંજૂર કરે તેવા ’’ પુત્રને દત્તક લેવાની છૂટ આપવામાં આવી. લોકોને આનંદ તથા આશ્ચર્ય થયું. ત્યારબાદ તરતજ વડોદરા જેવા મોટા અને સમૃધ્ધ રાજ્યના ભાવિ ગાદીપતિ કોણ હશે તેની ઉત્સુકતા થવા લાગી. મહારાજાના વડોદરા સ્થિત કેટલાંક નજીકના સગાઓને પોતાનો ભાગ્યોદય થશે તેવા મીઠા સ્વપ્ના આવવા લાગ્યા. બ્રિટિશ સરકારના વહીવટમાં દરેક કામ અંગે એક પ્રક્રિયા – process – નું મહત્વ રહેતું હતું. આથી રાજ્યના વારસ નક્કી કરવા માટે એક નાની સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં મહારાણી જમનાબાઇ ઉપરાંત બાહોશ તથા કુશળ અમલદાર સર રિચર્ડ મીડ તેમજ વહીવટના અનુભવી તથા ઠરેલ દીવાન સર ટી. માધવરાવની પસંદગી કરવામાં આવી. જમનાબાઇની ઇચ્છા તેમના વડોદરાના કોઇ સગા કે કુટુંબીજનમાંથી વારસદારની પસંદગી કરવાની ન હતી. આથી ગાયકવાડના મૂળ ગામ કવળાણા પર નજર ઠરી. ‘‘ અનૌરસ સંતતિને કેવી રીતે દત્તક લઇ શકાય ? ’’ કુટુંબીજનોએ કાગારોળ કરી. પરંતુ સમિતિમાં રહેલા બે બાહોશ અમલદારોને આવા પ્રશ્નો હલ કરવાની સંપૂર્ણ સૂઝ હતી અને તેથી આ વિરોધને પહોંચી વળવું તે તેમને માટે મુશ્કેલ ન હતું. આથી સમગ્ર પ્રદેશનું ધ્યાન હવે કવળાણા ગામ પર કેન્દ્રિત થયું. આખરે પસંદગી સમિતિના મહાનુભાવો દત્તક લઇ શકાય તેવા સુયોગ્ય બાળકની શોધ માટે કવળાણા આવી પહોંચ્યા. ‘આજની ઘડી તે રળિયામણી’ નો ભાવ ગ્રામ્યજનોમાં ઊભરાતો હતો. હવે આ બાળમહારાજાઓની સૂચિત પેનલને વડોદરા લઇ જવા માટે સમજાવવા શી રીતે ? આખરે બાળકો – કિશોરો તો રાજતિલક ન થયું હોય તો પણ મિજાજથી મહારાજા હોય છે. મોટેરાઓએ ઉપાય શોધી કાઢ્યો. બાળકોને કહેવામાં આવ્યું : ‘‘ તમને બહારગામ જવા મળશે. ત્યાં ખાવા માટે મજાની મીઠાઇ અને રમવા માટે રમકડાં મળશે ! ’’ એક બાળકના અપવાદ સિવાય બાકીના બાળકો મીઠાઇ તથા રમકડાંની વાતે વડોદરા જવા તૈયાર થઇ ગયા. બાળકોને મીઠાઇ – રમકડાં તેમજ નવા કપડાંનો શોખ હોય તે સ્વાભાવિક પણ છે. માત્ર એક બાળક ગોપાળરાવ દેખાતો ન હતો. તેના પિતા ચિંતા સાથે બાળકને શોધતા હતા. લક્ષ્મી ચાંદલો કરવા આવે તે સમયે આ મનમોજી ભાઇસાહેબ ક્યાં મોઢું ધોવા ગયા હશે તેવું ગોપાળરાવના પિતા મનોમન વિચારતા હતા. પિતાએ પુત્રને આખરે શોધી કાઢયો. ભાઇસાહેબ મોજથી તળાવમાં તરતા હતા. પિતાની મીઠાઇ કે રમકડાંની વાતથી કોણ જાણે કેમ પણ બાળક લોભાયો નહિ. અચાનક પિતાને એક યુક્તિ સૂઝી. બાળકને પિતાએ કહ્યું : ‘‘ જલદી ચાલ, તને ખરો રાજા બનાવું ! ’’ બાળક રાજા બનવાની વાતથી લોભાયો અને તળાવની બહાર નીકળ્યો. બધા બાળકો સાથે ગોપાળરાવ પણ રાજમહેલમાં પહોંચ્યો. નિયત સમયે પસંદગી સમિતિના સભ્યો આવી પહોંચ્યા. દરેક બાળકને પૂછવામાં આવ્યું : ‘‘ અહીં કેમ આવ્યા છો ? ’’ કોઇએ મીઠાઇ કે રમકડાંનું કારણ આપ્યું તો કોઇ ડઘાઇ ગયા એટલે જવાબ ન આપી શક્યા. હવે ગોપાળરાવનો સણસણતો જવાબ સમિતિના સભ્યોએ સાંભળ્યો. ‘‘ હું અહીં રાજા બનવા માટે આવ્યો છું ’’ બા અદબ બા મુલાહિઝા હોંશિયાર ! સંસ્કાર નગરી વડોદરાને તેના નવા મહારાજા મળી ગયા હતા. દેશના ઇતિહાસકારોને એક ચરિત્ર લખવું ગમે તેવા શ્રેષ્ઠ રાજપુરુષ મળી ગયા હતા. ગોરા હાકેમોને એક ‘‘ હંફાવી શકે તેવો હરીફ ’’ મળી ગયો હતો ! કાળની ગતિ ન્યારી છે. એક ઉમદા તથા પ્રજાવત્સલ શાસક તરીકે વડોદરા નરેશ સયાજીરાવ (ત્રીજા)નો સૂર્યોદય થયો. ૧૧ માર્ચ – ૧૮૬૩ ના દિવસે ગામડામાં જન્મ લેનાર આ દીર્ઘદ્રષ્ટા રાજવીની જન્મજયંતિ માર્ચ મહિનામાં આવે છે. લગભગ છ દાયકા સુધી આ ગોવાળિયાના પુત્રે આપેલો વહીવટ (૧૮૭૫ – ૧૯૩૯) અને તેના ઉજળા પરિણામો આજે પણ શાસકોને દિશાસૂચક બની શકે તેવા છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment