: સંસ્કૃતિ :ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ!

ભાઈ! તારો બહેકે

ફૂલડાંનો બાગ જી…..

બહેકે ફૂલડાંનો બાગ

એનો પાણતિયો રૂડો રામ……

‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે,

પ્રભુજળની પ્યાસ જી..

ખીલે શબદના ફૂલડાં

ભાઈ! એમાં કરણીની સુવાસ….

બહેકે ફૂલડાંનો બાગ.

મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના મોહક સ્વરૂપે તેમજ કવિના સમૃધ્ધ શબ્દ ફૂલડાં થકી જગતમાં પ્રસરી છે. કવિના ‘બાવન ફૂલડાંના બાગ’ ને સાહિત્ય પ્રેમીઓએ ખોબે અને ધોબે વધાવેલો છે. કવિ કાગની પાવન સ્મૃતિને નિરંતર સંકોરવાનું પુણ્ય કાર્ય પૂજ્ય. મોરારીબાપુ દરેક વર્ષે નિયમિતતાથી અને નિજાનંદે કરે છે. કવિની ભોમકામાં બેસીને ‘કાગના ફળિયે કાગની વાતું’ નો આ મોરારીબાપુએ શરૂ કરાવેલા તથા ટકાવી રાખેલા ઉપક્રમ તરફ અનેક કાગ પ્રેમી સાહિત્ય રસિકોનું ધ્યાન ખેંચાયું છે. અનેક લોકો આ ભાવતર્પણના પ્રસંગની રાહ જોતા હોય છે. ગયા વર્ષે ફેબ્રુઆરી-૨૦૧૫માં ‘માનસ કાગરૂષિ’ નો રામકથા યજ્ઞ કરીને મોરારીબાપુએ આ પ્રવૃત્તિને સોનેરી કીર્તિ શિખર ચડાવેલું છે. આ વર્ષે (૨૦૧૬) પણ ૧૨ મી માર્ચના દિવસે ભગતબાપુના આંગણે કવિને વધાવવાનો પ્રસંગ યોજવામાં આવેલો છે. બળવંતભાઈ જાની, રામભાઈ સોયા (યુ.એસ.એ.) તથા જવાહરભાઈ ગઢવી (જાંબુડા) જેવા કાગ સાહિત્યના મર્મજ્ઞ લોકો કાગબાપુની ભાતીગળ વાતોનો ધોધ વહેતો કરવાના છે. સૌ સાહિત્ય પ્રેમીઓ માટે આ એક અનેરો આનંદોત્સવ છે. કાગ પરીવાર તથા મજાદર ગામ સમસ્તના ઉજળા આવકારથી પ્રસંગની ગરીમા દિનપ્રતિદિન વધતી રહેલી જોવા મળે છે. 

સૌરાષ્ટ્રના સિંહ સમાન પત્રકાર તથા જન્મભૂમિ અખબારી જૂથના પાયાના પથ્થર સમાન અમૃતલાલ શેઠના વિદુષિ પુત્રી લાભુબહેન મહેતાએ કવિ કાગની અનોખી તથા નૂતન દ્રષ્ટિની વાત સુંદર રીતે કરી છે. મેઘાણીભાઈના સંપર્કમાં આવ્યા પછી કવિની આ દ્રષ્ટિ વધારે ખીલી તથા સ્પષ્ટ બની હતી. ગાંધીજી તથા કવિગુરૂ ટાગોરની અનેક વાતોની કવિના મન પર ઊંડી અસર થઈ હતી. નવા જમાનામાં સાંપ્રત તેમજ માર્ગદર્શક બને તેવા કાવ્યો રચવા ઝંખના કવિને જાગી હતી. કવિની આ ઈચ્છાને ભાવનગર રાજયના વિચક્ષણ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ બળ પૂરૂં પાડ્યું. જગતમાં ‘ફાવી ગયેલાં’ તથા ‘રહી ગયેલાં’ બે વર્ગો વચ્ચેની અસમાનતા જોઈને તેના પર માર્મિક પ્રહાર નવ જાગૃતિના વાહક કવિ કાગે અસરકારક શબ્દોથી કર્યો.

મરવાનું બધા મનથી વિસર્યા

જેને ઉર અતિ અહંકાર ભર્યા,

મારા ખોફથી લેશ ડિલે ન ડર્યા

સહુ રંકજનોના રુધિર પીતા

જે શ્રીમંતોને કોઈનો ત્રાસ નથી

એવા રાવણ રાજાના મહેલ વિશે

મારા દીન દયાળુનો વાસ નથી.

ચારણ કવિઓની ઉજળી પરંપરા સમાજ માટે અજાણી કે પારકી નથી. તેમની રચનાઓ સમાજ માટે મનોરંજક કરતાંય વિશેષ પથદર્શક રહી છે. કવિ કાગ આ ઉજળી પરંપરાની જ એક કડી સમાન છે. ચારણ કવિઓની રચનામાં નિરામય જીવનની સાત્વિક પરંપરા, સમર્પણ વીરતા અને પ્રભુ પરાયણતાના આભ-ઉંચા આદર્શો તથા કેટલીક વખત નિર્ભયતાપૂર્વક કહેવામાં આવેલ શિખામણો કે ચેતવણીના સૂરો સચવાઈને પડ્યા છે. આપણા પોતીકા એવા આ અમૂલ્ય ભંડારનું આચમન પણ આપણે પૂરતા પ્રમાણમાં કદાચ લઈ શક્યા નથી તેમ લાગ્યા કરે છે. ચારણ કવિઓની બળૂકી રચનાઓ તે આપણા ઝળહળતા ઈતિહાસનો, આપણા સાંસ્કૃતિક અને બૌધ્ધિક વારસાનો એક મહત્વનો હિસ્સો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ સાહિત્યના વિષયમાં ગણનાપાત્ર ખેડાણ કર્યું છે અને સારા એવા પ્રમાણમાં લોકસાહિત્ય – ચારણી સાહિત્યની રચનાઓને મહેનત કરીને એકત્રિત કરી છે. 

પ્રકૃતિ અને પરમાત્માના અલૌકિક અનુસંધાનવાળી આ ઉજળી કાવ્ય પરંપરાનાં જ મહેકતા પુષ્પો સમાન ભગત બાપુની કાળની મર્યાદાને પણ મહાત કરે તેવી અદ્દભૂત રચનાઓ છે. કોલેજના અભ્યાસકાળ દરમિયાન તળાજા તાલુકાના એક નાના ગામડામાં લગ્ન પ્રસંગે જવાનું થયું હતું ત્યારે શુભ પ્રસંગે બિરદાવવા માટે આવેલા ત્રણ-ચાર લોકકવિઓએ સમૂહમાં સુંદર અને ભાવવાહી સ્વરોમાં ગાયેલું ભગતબાપુ વિશેનું એક ગીત સ્મૃતિમાં સચવાઈ રહયું છે.

‘‘દુલેરાય દેશનો દીવો રે…..

ક્રોડું જુગ કાગ ભઈ જીવો રે….’’

ખરેખર મધ્યકાલિન ભક્ત કવિઓની ઉજળી પરંપરાને ભગત બાપુએ સ્વરચિત કાવ્યોથી દૈદીપ્યમાન કરી છે. તેમણે ભૂદાન તેમજ વ્યસનમુક્તિના કામ માટે પણ પોતાની તમામ શક્તિઓ કામે લગાડીને સમગ્ર પંથકમાં ચેતના જગાવી હતી. આ હેતું માટે તેમના વિસ્તાર આસપાસના ઘણા ગામોમાં પૂજય રવિશંકર મહારાજના પ્રવાસ પણ ગોઠવવામાં આવ્યા હતા અને ઘણા બધાં લોકોને વ્યસનની ચૂંગાલમાંથી છોડાવ્યા હતા.

સમાજના તમામ વર્ગોમાં ભગત બાપુ માટે આદર તથા સ્નેહની લાગણી હતી. આપણાં અમૂલ્ય ગ્રંથોમાં શ્લોક સ્વરૂપે સંગ્રહાયેલા ખજાનાને એમણે લોક સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ઉંબરની વાસ્તવિકતાના જાણતલ આ કવિ મૂળ સાથેનું અનુસંધાન તોડ્યા સિવાય અંબરમાં વિહર્યા છે. રેડિયોના બળકટ માધ્યમથી તેમનો અવાજ ગામડે ગામડે પહોંચ્યો છે. મુ.શ્રી જયમલભાઈએ લખ્યું છે તેમ વાંસવનમાં તીવ્ર ગતિએ વિંઝાતા વાયુ જેવો સ્વરનાદ તેમના ગળાને સહજ રીતે શોભાવતો હતો. ગાંધી ગીતો તથા ભૂદાન ચળવળને સબંધિત કાવ્યોથી તેમણે લોકમાનસમાં ચેતના પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. ભગત બાપુના કાંઠે રામાયણ સાંભળવી એ એક લહાવો હતો. રામાયણની વાતોને સહજ રીતે લોકભાષામાં વણી લઈને તેમણે આ વિષયમાં મોટું યોગદાન આપ્યું છે.

સાર્વત્રિક રીતે એક હકીકત જોવા મળી છે કે, કવિઓની રચનામાં જે તે સમયની પરિસ્થિતિનું વધતે-ઓછે અંશે પ્રતિબિંબ પડે છે. ભગત બાપુ થયા તે અગાઉ થઈ ગયેલા ચારણ કવિઓની રચનામાં જે તે સમયની સ્થિતિનું વિહંગાવલોકન કરી વીરતા, ત્યાગ,  બલિદાન અને ભક્તિના ઉત્તમ રંગો વિશિષ્ટ શૈલી અને અનોખી છટાથી પ્રગટ થયા છે. ભગત બાપુનો સમય, એ સમય પરિવર્તનની એક અનોખી ક્ષણ હતી. ગોરા હાકેમો સામે દેશના અધિનાયક ગાંધીએ રણશીંગું ફુંકી દીધુ હતું. ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી સત્તા, લોકશાહીની મર્યાદા સ્વીકારીને જનજનમાં વિકેન્દ્રિત થવાની અસાધારણ ક્ષણ આવી પહોંચી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની ચાણક્ય નીતિના ચમત્કારિક પરિણામો પણ દ્રષ્ટિમાન થતાં હતાં. રાજા-મહારાજાઓના સ્થાને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ શાસનની ધુરા સંભાળી હતી. ભગત બાપુએ કાળના આ ઐતિહાસિક પરિવર્તનને ખૂબીપૂર્વક પોતાની રચનાઓમાં ઝીલ્યું. સમાજને આ કાળમાં દોરવણી આપનારા મહાન નાયકોને તેમણે તેમની રચનાઓમાં ગાયા તથા બિરદાવ્યા. વિચારના નૂતનતંતુને કાવ્યોમાં ઝીલીને સમાજમાં વહેતો કર્યો. ગાંધીજીના આદર્શોને લોકભાષમાં વહેતા મૂકવાના ભગત બાપુના પ્રયાસોનો જોટો જડે તેવો નથી તે વાત મેઘાણીભાઈએ કરેલી તે સર્વથા ઉચિત છે.

‘‘ઢાળ ભાળીને સૌ દોડવા માંડે, એ તો ઢાળનાં નહિ દોડનારો,

પોતે ચણેલામાં પોલ ભાળે તો પાયામાંથી જ પાડનારો….

ગાંધી મારો સો સો વાતોનો જાણનારો.’’

ગાંધીજીના આદર્શો, વિચારો તથા કાર્ય પધ્ધતિનું લોકભાગ્ય ભાષામાં વર્ણન કાવ્યની એક વિશેષ ઉંચાઈને આંબે છે. ભૂદાન ચળવળના તત્વને લોકો સુધી પહોંચાડવામાં ભગત બાપુની રચનાઓને અસાધારણ સફળતા મળી હતી. રવિશંકર મહારાજની પ્રવૃત્તિઓમાં ભગત બાપુને ઉપકારી આત્માનાં દર્શન થયાં. ભગત બાપુની રચનાઓની સરળતાએ તેમને ખૂબ જ લોકપ્રિય બનાવી. તેઓ ખરા અર્થમાં લોકકવિ તરીકે પ્રકાશ્યા. ગામડે ગામડે ભાંગતી રાત્રે ગવાતાં ભજનોમાં ભગત બાપુની રચનાઓ લોકસમૂહમાં ઝીલાઈ:

‘‘આશરે તારે ઈંડા ઉછેર્યા….., ફળ ખાધાં રસવાળાં,

મરતી વખતે સાથ છોડે, મોઢાં હોય મશવાળાં…,ઉડી જાવ પંખી પાંખુંવાળાં

વિચારનું ઉત્તમ તત્વ તેમજ અભિવ્યક્તિની અજોડ સરળતાને કારણે આવી રચનાઓને જાણે કે પાંખો લાગી અને સ્થળ-સમયનાં તમામ બંધનો તેની સાર્વત્રિક લોકપ્રિયતામાં વચ્ચે ન આવી શક્યાં. ગામડે ગામડે ગવાતાં આવાં ભજનો ભગત બાપુની ચિરંજીવ સ્મૃતિ સ્વરૂપે સમાજમાં સચવાયાં છે. ચારણ કવિઓની ઉજળી પરંપરામાં ભગત બાપુ શ્રેષ્ઠ લોકકવિ પુરવાર થયા છે. 

પૂજય મોરારીબાપુની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૧૫ની કથામાં ‘માનસ કાગરુષિ’ ને કેન્દ્રમાં રાખી અનેક સર્જકો-કવિઓને ગૌરવપૂર્ણ ભાવાંજલિ આપવામાં આવી હતી. ભગત બાપુને ‘સૂત્રદ્રષ્ટા’ ગણાવીને મોરારીબાપુએ નીલગિરિના કાગભુશંડિથી લઈને મજાદરના કવિ કાગ વચ્ચે સંવાદના ઉજળા સેતુંનું રસદર્શન કરાવ્યું હતું.

યહ પ્રભુ ચરિત પવિત્ર સુહાવા

કહહુ કૃપાલ કાગ કહૅં પાવા !

કહહુ કવન વિધિ ભા સંવાદા

દોઉ હરિભગત કાગ ઉરગાદા !!

માનસ કાગર્ષિની મોરારીબાપુએ નિજાનંદે ગાયેલી આ પ્રેમ કથાના પડઘા સમયના પ્રવાહને અતિક્રમીને દુનિયાના અનેક સાહિત્ય પ્રેમીઓના અંતરમાં અનંત કાળ, સુધી જીવંત તથા ધબકતા રહેશે તે નિર્વિવાદ છે. કવિ કાગ માટે લખાયેલા આંગણકાના ગીગાભાઈ કુંચાળાના શબ્દો વિસ્મૃત થઈ શકે તેવા નથી.

દાઢીવાળા દેખીયાં નર

એક રવીન્દ્રનાથ,

‘(દુજો) સર પટ્ટણી સમરથ

દેવ ત્રિજો તું દુલીયા.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑