ખેડા જિલ્લામાં ડેપ્યુટી કલેકટરની એક જગા ખાલી હોવા છતાં ૧૯૨૦માં ડેપ્યુટી કલેકટર તરીકે નવી નિમણૂક પામેલા મોરારજી દેસાઇની અમદાવાદથી બદલી દૂરના તેમજ અસુવિધાપૂર્ણ એવા થાણા પ્રાંતમાં કરવામાં આવી. સાફ બોલનારા તેમજ ઉગ્ર સ્વભાવના અને સ્વતંત્ર મિજાજના આ ‘અનાવલાં’ પોતાની એંટ માટે જાણીતા લોકો છે ‘અનાવલાં’ના આવા વિશિષ્ટ તથા સ્વમાની સ્વભાવની અનેક વાતો સ્વામી આનંદે નોંધી છે. અનાવલાં અધિકારીને ‘‘હાજી હા’’ કરવી કદી ફાવે નહિ. આથી ઉપરના અધિકારીઓએ પણ મોરારજીને પાઠ ભણાવવા બરાબર ઘાટ ઘડયો. આ વાત અંગે અફસોસ કે કડવાશ વ્યકત કરવાના બદલે મોરારજીભાઇ પોતાની કેફિયત લખતા કહે છેઃ ‘‘મેં જો થોડી ખુશામત કરી હોત તો મારી બદલી નજીકના ખેડા જિલ્લામાં થઇ શકી હોત. પણ ખુશામત એ માણસના સ્વમાનને હણનારી વસ્તુ છે. ખુશામત સાંભળનાર તથા કરનાર બંન્નેને ખરાબ કરે છે એ સંસ્કાર માતા-પિતા પાસેથી મળેલા. આથી તે રીતે ખુશામત કરીને લાભ મેળવવાનો ખ્યાલ મને કદી આવ્યો ન હતો.’’ મોરારજીભાઇની નિમણૂક થઇ તે વિસ્તારમાં ચોરી કરવામાં માહેર ગણાતો એક સમૂહ હતો. તેઓ એવી રીતે ચાલે કે તેમના પગલાનો અવાજ પણ સંભળાય નહિ ! કલ્યાણના સરકારી ડાક બંગલામાં (રેસ્ટ હાઉસ) ઉતરનારા ઘણાં ખરા અધિકારીઓને આ ચોરોની કળાનો લાભ મળી ચૂકયો હતો. એકવાર ચીમનલાલ દલપતરામ કવિ (કવિ શ્રી દલપતરામના પુત્ર) જેઓ પણ એક મહેસૂલી અધિકારી હતા તેમનો ત્યાં મૂકામ હતો. તેઓને ગુમાન હતું કે તેમની કોઇ વસ્તુની કયારેય ચોરી થઇ નથી. કૌશલ્યપૂર્ણ ચોર બારણું ઉઘાડ્યા વગર જ તેમના તમામ વસ્ત્રો તે જ રાત્રે ચોરી ગયો ! કવિપુત્રનું ગુમાન ગળી ગયું. બાજુના જ ઓરડામાં તે રાત્રે જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટનો મુકામ હતો. છતાં ચોરોએ નિર્ધારિત કામ પૂરા આત્મવિશ્વાસથી પાર પાડ્યું. પરંતુ સૌથી રસિક વાત ખુદ ડીએસપીની પિસ્તોલ ચોરીની છે. ડીએસપી પોતાના માથા નીચે કાળજીપૂર્વક પિસ્તોલ દબાવીને સૂતા હતા. ચોર તેમની પથારી પાસે નિરાંતે બેઠો. જેમ જેમ સાહેબ પડખું ફેરવે તેમ તેમ તે હળવા હાથે પિસ્તોલ બહારની બાજુ સરકાવતો ગયો. પકડાયો ત્યારે તેણે ન છૂટકે આ બીઝનેસ સીક્રેટ નિવેદન કરીને જાહેર કરેલું ! આ દૂર્ગમ વિસ્તારના લોકોના પ્રશ્નો સમજવા તથા તેનો ઉકેલ કરવા આ યુવાન ડેપ્યુટી કલેકટર દરરોજ પંદરથી વીસ માઇલનો પગપાળા પ્રવાસ કરે. આ ઉપરાંત ઘોડાની સવારી કરી બીજા ચાલીસ પચાસ માઇલ ખૂંદી વળે ! કલ્યાણની ૧૯૨૦ની અતિવૃષ્ટિમાં હોડીઓમાં ફરી રાહત કામનું અસરકારક સંકલન પણ મોરારજીભાઇ પૂરી નિષ્ઠાથી કરતા હતા. લોકશાહી વ્યવસ્થા હજુ ત્યારે ક્ષિતિજ પર પણ દેખાતી ન હતી. ગોરા શાસકોના તંત્રની બિન સંવેદનશીલતા લોકોએ મને કમને સ્વીકારી લીધી હતી. કાળના આવા જનહિત વિરોધી વહીવટી પ્રવાહમાં પ્રજાહિતની ખેવના કેન્દ્રમાં રાખીને કર્મનિષ્ઠાનું ઉજળું ઉદાહરણ મોરારજીભાઇએ પૂરું પાડેલું છે. જાહેર વહીવટમાં જોડાયેલા તમામને કર્મઠતાની પ્રેરણા મળી શકે તેવું આ એક કપરા કાળમાં રચાયેલું સોનેરી પ્રકરણ છે. મોરારજીભાઇએ આવી અનેક બાબતોનો સમાવેશપોતાની આત્મકથામાં કરેલો છે. આવું દસ્તાવેજ જેવું લખાણ અનેક પ્રસંગોમાં આજે પણ પ્રસ્તુત લાગે છે.
વલસાડ જિલ્લામાં વલસાડથી ત્રણેક માઇલ દૂર આવેલા ભદેલી ગામમાં મોરારજીભાઇનો જન્મ ૧૮૯૬ના ફેબ્રુઆરી માસની ૨૯મી તારીખે થયો હતો. આથી ૨૦૧૬નું વર્ષ આ વીર ગુજરાતીની જન્મજયંતિની મધુર સ્મૃતિ લઇને આવેલું છે. બાળપણના ઘણાં વર્ષો મોસાળમાં વિત્યા હતા. પિતા સૌરાષ્ટ્રના ભાવનગર રાજયમાં શિક્ષકની નોકરી કરતાં હતાં. પિતા સાથે નાનપણમાં ભાવનગર તથા કુંડલામાં તેઓ રહેલા તેવું નોંધાયું છે. પિતા ઘણાં શિસ્તપ્રિય હોવાથી મોરારજીભાઈમાં શિસ્તપાલનના ગુણ ભારોભાર ઉતરેલાં હતાં. અભ્યાસમાં તેઓ આગળ રહેનારા હતાં. મેટ્રિકમાં તેમણે બે વર્ષ કરવા પડ્યા કારણ કે પંદર વર્ષે તેઓ મેટ્રિકની પરીક્ષામાં બેસવા તૈયાર હતા અને સોળ વર્ષ પહેલાં તત્કાલિન નિયમો અનુસાર મેટ્રિકનું ફોર્મ ભરી શકાતું ન હતું. પંદર વર્ષની ઉમ્મરે માતામહે વેવિશાળ કરી નાખ્યું. ૧૯૧૧ના ફ્રેબ્રુઆરીમાં લગ્ન સંપન્ન થયું. પિતાનું અકાળ મૃત્યુ પણ તેજ સમયગાળામાં થતાં બધાં સંતાનોમાં સૌથી મોટા મોરારજી પર માતા તથા ભાઈ બહેનોની સારસંભાળ રાખવાની કપરી જવાબદારી આવી. મુંબઈની વિલ્સન કોલેજમાં તેમનો ઉચ્ચ અભ્યાસ થયો. ઈશ્વરકૃપા થઈ હોય તેમ મુંબઈની ગોકળદાસ તેજપાળ બોર્ડિગમાં ફ્રી ઓફ કોસ્ટ રહેવા મળ્યું. જેથી તેઓ ઉચ્ચ અભ્યાસ આગળ વધારી શક્યા.
૧૯૩૫માં ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ અમલમાં આવ્યો તેથી અનેક નિયંત્રણો સાથે બ્રિટીશરોએ સ્થાનિક સરકારોની રચના માટે પ્રયાસ કર્યો. કોંગ્રેસ મહત્વનો અને વગદાર રાજકીય પક્ષ તે સમયે હતો. ચૂંટણી આ નવા કાયદા હેઠળ યોજવામાં આવી. ચૂંટણી પછી મુંબઈ ધારાસભાના પક્ષના નેતા તરીકે પસંદગી કરવાની બાબત સામે આવી. સરદાર સાહેબ કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ હતાં. સરદાર સાહેબની પસંદગી બાળાસાહેબ ખેર ઉપર ઉતરી. પોતાનાં મંત્રીમંડળમાં મોરારજીભાઈને લેવાનો બાળાસાહેબનો આગ્રહ હતો જે સરદાર પટેલે માન્ય રાખ્યો. સરકારી નોકરી છોડીને મુક્ત થનાર આ વીર ગુજરાતી ફરી શાસનની આંટીઘૂંટીઓ ઉકેલવાના કામમાં પડ્યાં. જોકે કામ તરફની નિષ્ઠા તથા શિસ્તપાલનના આગ્રહની વાત તેમનામાં હંમેશ રહી. મોરારજીભાઇએ સ્વયં પણ આ બાબતે લખ્યું કે ખેર મંત્રીમંડળમાં ૧૯૩૭ થી ૧૯૩૯ સુધી તેમને જે અનુભવો થયા તે સ્વરાજય આવ્યા પછીના મંત્રીમંડળની કામગીરીમાં ઉપયોગી થયાં.
૧૯૫૦ ના ડિસેંમ્બરની ૧૪મી તારીખે રાત્રે બાર વાગે મોરારજીભાઇ પર તેમના નિવાસસ્થાને ફોન આવે છે. સરદાર સાહેબની ગંભીર હાલતના સમાચાર મળ્યા. મંત્રીમંડળના એક જવાબદાર સભ્ય તથા સરદારના અનુયાઇ મોરારજીભાઇ ખડા પગે બિરલા હાઉસમાં હાજર હતાં. સરદાર સાહેબની વસમી વિદાય પછી બિરલા હાઉસમાં તેમના અંતિમ દર્શન માટે સ્વયંભૂ ઘસી આવતા માનવ પ્રવાહને નિયંત્રિત કરવાનું અઘરૂં કામ મોરારજીભાઇ કરતા હતાં. બાળાસાહેબ ખેર સાથે ચર્ચા કરીને પ્રસંગમાં ભીડભાડને કારણે અવ્યવસ્થા ન સર્જાય તેવી વ્યવસ્થા તેઓ ગોઠવી શકયા. સ્મશાનયાત્રા ભવ્ય હતી તેનો વિગતે ઉલ્લેખ મોરારજીભાઇએ કરેલો છે. દેશના રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી પણ નત મસ્તકે દેશના સરદારની આખરી વિદાય પ્રસંગે લોકો સાથે જ ઊભા રહેલા હતા. મોરારજીની જિંદગીમાં એક નવું પ્રકરણ શરૂ થાય છે. ૧૯૫૨ની ચૂંટણી પછી મોરારજીભાઇ મુંબઇ રાજયના મુખ્યમંત્રી બને છે. ૧૯૫૮ના માર્ચમાં પંડિત જવાહરલાલ નહેરૂના આગ્રહથી દેશના નાણાંમંત્રી બને છે. દેશની પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. પંડિત નહેરૂને આ યોજનાઓના પરિણામે લોકોની સુખાકારી વધારી શકાશે તેવો વિશ્વાસ હતો. આ યોજનાઓને આકાર આપવામાં તેમજ ડેફિસીટના એ સમયમાં નાણાંકીય સ્ત્રોત ઊભા કરવાનું અઘરૂં કામ મોરારજીએ કર્યું. પ્રધાનમંત્રી આ બાબતમાં મોરારજીની શકિત પારખી શકયા હતા. સાધનોની મર્યાદા ધ્યાનમાં રાખ્યા સિવાય આ યોજનાઓનું કદ બિન જરૂરી રીતે વધી ન જાય તેની મોરારજીભાઇએ ઝીણી નજરે ખાતરી રાખી હતી.
૨૬ જૂન ૧૯૭૫નો ઐતિહાસિક દિવસ. મળસકે ચાર વાગે મોરારજીભાઇને જણાવવામાં આવે છે કે તેઓની ધરપકડ કરવા વોરંટ સાથે પોલીસ પાર્ટી આવી છે. મોરારજીભાઇ લખે છે કે તેમના ચિત્તમાં ધરપકડના આ સમાચારથી લગીરે ખળભળાટ ન થયો. લાભ-હાનિ, જય-પરાજય જેવા સમયમાં એક યોગીને છાજે તેવી મનોસ્થિતિ કદાચ મોરારજીભાઇ સાધનાના બળે વિકસાવી શક્યા હતા.
મોરારજીભાઇને તૈયાર થવા માટે કલાકનો સમય આપવામાં આવ્યો. બે જોડ કપડાં, રેંટિયો તથા બે ત્રણ પુસ્તકો સાથે મોરારજીભાઇ પોલીસની ગાડીમાં કલાકથી પણ ઓછા સમયમાં સહજતાથી ગોઠવાઇ ગયા. અટકાયતના સ્થળે પહોંચ્યા પછી સમાચારપત્રોની માંગણી કરી. ‘‘હુકમ નથી’’ તેવો ટૂંકો જવાબ જેલના સત્તાવાળાઓ તરફથી મળ્યો. ‘‘પરમ દિવસથી જો મને અખબાર નહિ મળે તો ઉપવાસ કરીશ.’’ આત્મબળનું તીર છૂટયું અને અખબારો મળવા શરૂ થઇ ગયા. કાંતવામાં, પદમાસન કરવામાં તથા ગીતાપાઠ કરવામાં મોરારજીભાઇનો સમય મહૃદઅંશે પસાર થઇ જતો હતો. એક કલાકનું વોકીંગ નિયમિતતાથી થતું હતું.
આઝાદી પછી તથા આઝાદી મળી તે પૂર્વે પણ દેશના અનેક કામોમાં મોરારજીભાઇનું યોગદાન અવિસ્મરણિય છે. સફળતા માટે કદી ટૂંકા રસ્તા તેમણે પસંદ ન કર્યાં. અપ્રિય થવાનો ડર તેમને કદી ડગાવી શક્યો નહિ. કોઇપણ સ્થ્િતિમાં આ ગુજરાતી ટટ્ટાર રહયા. ભારત તથા પાકિસ્તાન એમ બંન્ને દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર મોરારજીભાઇ આપણાં નજીકના ભૂતકાળનું અવિસ્મરણિય અને ઉજળું પાત્ર છે.
Leave a comment