: ક્ષણના ચણીબોર :  એક ટટ્ટાર ગુજરાતીની પાવન સ્મૃતિ :

ખેડા જિલ્લામાં ડેપ્યુટી કલેકટરની એક જગા ખાલી હોવા છતાં ૧૯૨૦માં ડેપ્યુટી કલેકટર તરીકે નવી નિમણૂક પામેલા મોરારજી દેસાઇની અમદાવાદથી બદલી દૂરના તેમજ અસુવિધાપૂર્ણ એવા થાણા પ્રાંતમાં કરવામાં આવી. સાફ બોલનારા તેમજ ઉગ્ર સ્વભાવના અને સ્વતંત્ર મિજાજના આ ‘અનાવલાં’ પોતાની એંટ માટે જાણીતા લોકો છે ‘અનાવલાં’ના આવા વિશિષ્ટ તથા સ્વમાની સ્વભાવની અનેક વાતો સ્વામી આનંદે નોંધી છે. અનાવલાં અધિકારીને ‘‘હાજી હા’’ કરવી કદી ફાવે નહિ. આથી ઉપરના અધિકારીઓએ પણ મોરારજીને પાઠ ભણાવવા બરાબર ઘાટ ઘડયો. આ વાત અંગે અફસોસ કે કડવાશ વ્યકત કરવાના બદલે મોરારજીભાઇ પોતાની કેફિયત લખતા કહે છેઃ ‘‘મેં જો થોડી ખુશામત કરી હોત તો મારી બદલી નજીકના ખેડા જિલ્લામાં થઇ શકી હોત. પણ ખુશામત એ માણસના સ્વમાનને હણનારી વસ્તુ છે. ખુશામત સાંભળનાર તથા કરનાર બંન્નેને ખરાબ કરે છે એ સંસ્કાર માતા-પિતા પાસેથી મળેલા. આથી તે રીતે ખુશામત કરીને લાભ મેળવવાનો ખ્યાલ મને કદી આવ્યો ન હતો.’’ 

નવી નિમણૂકવાળા આ દૂર્ગમ વિસ્તારના લોકોના પ્રશ્નો સમજવા તથા તેનો ઉકેલ કરવા આ યુવાન ડેપ્યુટી કલેકટર દરરોજ પંદરથી વીસ માઇલનો  પગપાળા પ્રવાસ કરે. આ ઉપરાંત ઘોડા પર સવારી કરી બીજા ચાલીસ પચાસ માઇલ ખૂંદી વળે ! કલ્યાણની ૧૯૨૦ની અતિવૃષ્ટિમાં હોડીઓમાં ફરી રાહત કામનું અસરકારક સંકલન પણ મોરારજીભાઇ પૂરી નિષ્ઠાથી કરતા હતા. લોકશાહી વ્યવસ્થા હજુ ત્યારે ક્ષિતિજ પર પણ દેખાતી ન હતી. ગોરા શાસકોના તંત્રની બિન સંવેદનશીલતા લોકોએ મને કમને સ્વીકારી લીધી હતી. કાળના આવા જનહિત વિરોધી વહીવટી પ્રવાહમાં પ્રજાહિતની ખેવના કેન્દ્રમાં રાખીને કર્મનિષ્ઠાનું ઉજળું ઉદાહરણ મોરારજીભાઇએ પૂરું પાડેલું છે. જાહેર વહીવટમાં જોડાયેલા તમામને કર્મઠતાની પ્રેરણા મળી શકે તેવું આ એક કપરા કાળમાં રચાયેલું સોનેરી પ્રકરણ છે. 

૧૯૩૫માં ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ અમલમાં આવ્યો તેથી અનેક નિયંત્રણો સાથે બ્રિટીશરોએ સ્થાનિક સરકારોની રચના માટે પ્રયાસ કર્યો. કોંગ્રેસ મહત્વનો અને વગદાર રાજકીય પક્ષ તે સમયે હતો. ચૂંટણી આ નવા કાયદા હેઠળ યોજવામાં આવી. ચૂંટણી પછી મુંબઈ ધારાસભાના પક્ષના નેતા તરીકે પસંદગી કરવાની બાબત સામે આવી. સરદાર સાહેબ કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ હતાં. સરદાર સાહેબની પસંદગી બાળાસાહેબ ખેર ઉપર ઉતરી. પોતાનાં મંત્રીમંડળમાં મોરારજીભાઈને લેવાનો બાળાસાહેબનો આગ્રહ હતો જે સરદાર પટેલે માન્ય રાખ્યો. સરકારી નોકરી છોડીને મુક્ત થનાર આ વીર ગુજરાતી ફરી શાસનની આંટીઘૂંટીઓ ઉકેલવાના કામમાં પડ્યાં. જોકે કામ તરફની નિષ્ઠા તથા શિસ્તપાલનના આગ્રહની વાત તેમનામાં હંમેશ રહી. મોરારજીભાઇએ સ્‍વયં પણ આ બાબતે લખ્‍યું કે ખેર મંત્રીમંડળમાં ૧૯૩૭ થી ૧૯૩૯ સુધી તેમને જે અનુભવો થયા તે સ્‍વરાજય આવ્યા પછીના મંત્રીમંડળની કામગીરીમાં ઉપયોગી થયાં.

૧૯૫૮ના માર્ચમાં પંડિત જવાહરલાલ નહેરૂના આગ્રહથી દેશના નાણાંમંત્રી બને છે. દેશની પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. પંડિત નહેરૂને આ યોજનાઓના પરિણામે લોકોની સુખાકારી વધારી શકાશે તેવો વિશ્વાસ હતો. આ યોજનાઓને આકાર આપવામાં તેમજ ડેફિસીટના એ સમયમાં નાણાંકીય સ્‍ત્રોત ઊભા કરવાનું અઘરૂં કામ મોરારજીએ કર્યું. પ્રધાનમંત્રી આ બાબતમાં મોરારજીની શકિત પારખી શકયા હતા. સાધનોની મર્યાદા ધ્યાનમાં રાખ્‍યા સિવાય આ યોજનાઓનું કદ બિન જરૂરી રીતે વધી ન જાય તેની મોરારજીભાઇએ ઝીણી નજરે ખાતરી રાખી હતી.

૨૬ જૂન ૧૯૭૫નો ઐતિહાસિક દિવસ. મળસકે ચાર વાગે મોરારજીભાઇને જણાવવામાં આવે છે કે તેઓની ધરપકડ કરવા વોરંટ સાથે પોલીસ પાર્ટી આવી છે. મોરારજીભાઇ લખે છે કે તેમના ચિત્તમાં ધરપકડના આ સમાચારથી લગીરે ખળભળાટ ન થયો. લાભ-હાનિ, જય-પરાજય જેવા સમયમાં એક યોગીને છાજે તેવી મનોસ્થિતિ કદાચ મોરારજીભાઇ સાધનાના બળે વિકસાવી શક્યા હતા. મોરારજીભાઇનું જાહેર જીવનમાં યોગદાન કદી વિસરી શકાય તેવું નથી. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑