સંસ્કૃતિ : : યાહોમ કહીને પડો : ફત્તેહ છે આગે :

સાબરમતીના નિરંતર ગતિશીલ વારીની શાક્ષીએ અમદાવાદ શહેરમાં બે તદૃન અસમાન હરીફો વચ્ચેનો સંઘર્ષ થવાનું રણશિગું ફૂંકાઇ ગયું હતું.  રાજ્ય અને દેશના અનેક લોકો ૧૯૫૬ ના ઓક્ટોબર મહિનાની બીજી તારીખે  થનાર આ ‘‘ નિર્બલસે લડાઇ બલવાનકી – યે કહાની હૈ દિયેકી ઔર તુફાનકી ’’ જેવા સંઘર્ષના અસામાન્ય પ્રસંગને નીરખવા તથા પરખવા આતુર હતી. બાબત પણ કંઇક અસાધારણજ હતી. એક તરફ લંડનની સુપ્રસિધ્ધ હેરો તથા કેંબ્રીજમાં શિક્ષણ પામેલા તથા દેશ અને દુનિયામાં સુવિખ્યાત એવા સત્તાધારી પુરૂષ હતા. બીજી તરફ નડિયાદની ધૂળી નિશાળમાં ભણેલાં અને જૂનાગઢી નરસિંહના વારસદાર અકિંચન પરંતુ પરશુરામ જેવો મિજાજ ધરાવનાર સાક્ષર હતા. એકતરફ સમગ્ર દેશના બાળકોના પ્રિય તેમજ ફૂલગુલાબી વ્યક્તિત્વ ધરાવતા ચાચા નહેરૂ હતા. બીજા છેડે દૂભ્યા – દબાયેલા મજૂરો – કિસાનો તથા અમદાવાદની રીક્ષાવાળાઓના માનીતા ઇન્દુચાચા હતા. ભારત સરકારના પ્રધાનમંત્રીને સુરક્ષાના સંપૂર્ણ કવચ સાથે લઇ આવતું ભવ્ય અને ખાસ વિમાન હતું. ઇન્દુચાચાને સભાસ્થળે પહોંચાડવા અમદાવાદના રીક્ષાચાલકો આતુર હતા. સભાસ્થળની માગણી તો બન્ને પક્ષ તરફથી સત્તાવાળાઓ સમક્ષ રજૂ થઇ હતી. એ બાબત સ્વાભાવિક છે કે તે વખતે જવા માટે અનુકૂળ પડે તેવા નજીકના સ્થળની ફાળવણી પ્રધાનમંત્રીની અનુકૂળતાને ધ્યાનમાં લઇને તેમની જાહેર સભા માટે કરવામાં આવી હતી. જ્યારે જેમને કવિ ઉમાશંકરે ‘અમીર શહેરના ફકીર બાદશાહ’ કહેલા તેવા ઇન્દુચાચાની સભા માટે તે સમયના અમદાવાદીઓને જવાનું દૂર લાગે તેવા શહેર બહારના મેદાનમાં જગા ફાળવવામાં આવી હતી. સભાનો સમય એક હતો. (overlapping) સાબરમતીના પાણી મૂક શાક્ષી બની ઝડપભેર બનતી ગતિવિધિઓને નીરખતા હતા. આ ઊંડા તથા શાંત જળને કદાચ પોતાના કિનારે પાંગરેલા પુત્રવત્ શહેરના નગરજનોની વિવેકવૃત્તિ પર અગાધ ભરોસો હતો. ઘટના પણ અસાધારણજ પુરવાર થઇ. છટાદાર ભાષા તેમજ મનોહર વ્યક્તિત્વના સ્વામી એવા પંડિતજીની ફિક્કી સભા સામે થેલાધારી ફકીરની સભામાં માનવ મહેરામણ ઊભરાયો હતો. માધ્યમોમાં આ સમાચારના મથાળા છપાયા તે વાંચીને ભલભલા લોકો દંગ રહી ગયા ! અમદાવાદની શાણી જનતાએ ગુજરાતીઓની ઊંડી કોઠાસૂઝનું દર્શન કરાવ્યું. ગુજરાતીઓનેમન ‘‘મોંઘેરી ગુજરાત’’ મેળવવાની બાબત એ તેમની અગ્રતાના સૌથી પહેલા ક્રમે હતી. ઇન્દુચાચાનો બૂલંદ અવાજ આ માગણી સાથેજ ઊઠ્યો હતો અને તેથી તેને પ્રચંડ લોક સમર્થન હતું. અનેક લોકહૈયા તે દિવસે કવિ પ્રદીપજીના શબ્દોથી ભીના થયા હતા.

કૌન હરે અબ દુ:ખ હમારે

દૂર ખડે જનતા કે પ્યારે

સીસક રહી ગાંધી કી ધરતી

બીગડ ગઇ હર બાત

આજ આંખમેં આંસુ લેકર

બૈઠા હૈ ગુજરાત….

      બીજી ઓકટોબર – ૧૯૫૬ ની સાંજે પશ્ચિમ દિશામાં વિદાય થઇ રહેલા ભાણે તથા સાબરમતીના અગાધ જળે આ અસામાન્ય ધટનાના મૂક શાક્ષી બનીને પોતાની નિર્ધારીત ગતિ અનુસાર પ્રયાણ કર્યું. ફેબ્રુઆરી માસની બાવસમી તારીખે (૧૮૯૨) શાક્ષરોના નગર નડિયાદમાં જન્મ લેનાર આ વીર ફકીરની સ્મૃતિ અનેક લોકોને આજે પણ થયા કરે તેવી જીવંત – ઉજ્વળ તેમજ પ્રેરણાદાયક છે. ગુજરાત તેના અસ્તિત્વના આ સર્જકને કદી વિસરી નહિ શકે તે નિ:શંક છે.

      ઇન્દુચાચાએ પોતાની આત્મકથાનું આલેખન કરીને તત્કાલિન સમયની અનેક મહત્વની ઘટનાઓને સાચવી રાખવાનું અમૂલ્ય કાર્ય કરેલું છે. આદિથી અંત સુધી આ આત્મકથામાં નાયક ઇન્દુચાચા નહિ પરંતુ ગુજરાતનો વ્યપાક જનસમૂહ રહે તેની સંપંર્ણ તકેદારી તેમના દરેક શબ્દમાંથી નીતરતી જોવા મળે છે. ‘‘ આ જીવનકથાનો હું નાયક નથી ’’ તેમ કહેતા ચાચા ગર્વનો ભાવ અનુભવતા હતા. તત્કાલિન સરકારે આ આત્મકથાનું સાહિત્યિક મૂલ્ય પારખીને પુરસ્કાર પ્રદાન કર્યું. તે સમયે દ્વિભાષી મુંબઇ રાજ્યની સરકાર હતી અને ગુજરાત તેનો એક હિસ્સોહતું તે જાણીતી વાત છે. ચાચાએ તેમના લડાયક જૂસ્સાની પ્રતિતિ કરાવતા એ સરકારી પુરસ્કારનો અસ્વીકાર કર્યો ! તેમણે રોકડુંજ પરખાવ્યું કે જે દ્વિભાષી રાજ્યના અસ્તિત્વ સામેજ અમે રણશિંગુ ફૂંકેલું છે તે સરકારનું ઇનામ – અકરામ શી રીતે સ્વીકારી શકાય ? આવી ભાતીગળ તથા પ્રેરણાદાયક આત્મકથાનું પુન: પ્રકાશન થયું તે માટે આપણે શ્રી સનત મહેતાના ઋણી રહીશું.

      મહાત્મા ગાંધી પ્રેરીત અહિંસક સ્વાતંત્ર્ય સંગ્રામ સફળતા સાથે પૂર્ણ થયા બાદ બે મહાનાયકોએ વ્યાપક લોકસમર્થન સાથે ઐતિહાસિક સંઘર્ષોનું નેતૃત્વ કર્યું છે. આ બન્ને વીર પુરૂષો સત્તાસ્થાને કે સત્તાકાંક્ષી રહ્યા નથી. બન્ને યુવાનોના દિલોદિમાગ પર છવાઇ ગયેલા હતા. શ્રી જયપ્રકાશ નારાયણ તથા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક ભિન્ન મત પ્રદર્શિત કરવામાં કદી પાછા પડ્યા નથી. પરિણામ ગમે તે આવે પરંતુ ‘સત્યમ્ પરમ્ ધીમહી’ નો જીવનમંત્ર તેમણે સ્વીકારેલો હતો. આઝાદીના દીર્ઘ સંગ્રામમાં પણ આ બન્ને નાયકોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. ગાંધીની ચિરવિદાય પછી વ્યાપક જનસમૂહને જોડીને સફળતાપૂર્વક આ બન્ને મહાનુભાવોએ વ્યાપક પ્રજાકીય હિત માટે લડતો ચલાવી. તેટલા અંશે ગણીએ તો ગાંધીજી પછીના શૂન્યાવકાશને હેતૂપૂર્ણ રીતે તેમણે પૂરવાના નિષ્ઠાવાન પ્રયાસો કરેલા છે. નેતૃત્વની એક અનોખી મીસાલ આ બન્ને નાયકોએ કાયમ કરેલી છે.

      મહાગુજરાતની સ્થાપના એ નાના મોટા તમામ ગુજરાતીઓનું લાંબા સમયનું સ્વપ્ન હતું. છેક ૧૯૪૮માં ક.મા.મુનશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા એક સંમેલનમાં ગુજરાતના વિકાસ માટે એક સ્વતંત્ર રાજ્યની રચના કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સરદાર સાહેબે પણ અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઇ ત્યારે મહાગુજરાતની રચના એ તેમનું સ્વપ્ન છે તેમ જણાવ્યું હતું. આથી ઇન્દુચાચાએ ગુજરાતીઓના હૈયામાં વસેલી આ વાતની પૂર્તિ માટે જંગ આદર્યો હતો. આથી દરેક ગુજરાતી જાણે ચાચાનો સૈનિક બનીને ઊભો રહ્યો હતો. તા.રપમી ઓગસ્ટ ૧૯૬૨ના દિવસે સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી ઇન્દુચાચાને ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો. આ સભામાં જન્મે બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય એવા આ જનપ્રતિનિધિને ‘એકલવીર’ અને સતત ઝઝૂમનાર તરીકે બિરદાવ્યા હતા. મહાગુજરાતની સિધ્ધિ ૧૯૬૦ માં હાંસલ કર્યા પછી પણ સામાજિક જીવનના અનેક ક્ષેત્રોમાં તેઓ એક જાગૃત સાંસદ તરીકે સક્રિય રહ્યા. જીવનના સંધ્યાકાળે તેમણે નિર્ધન તથા ધનિક વર્ગ વચ્ચે વધી રહેલા અંતરની ચિંતા વ્યક્ત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ બાબત પર ભાર મૂકતા જણાવ્યું કે ધનિકોની સમૃધ્ધિનો લાભ તેઓ રાજીખુશીથી ગરીબો સુધી નહિ પહોંચાડે તો હિસંક ક્રાંતિ અનિવાર્ય થઇ જશે. એક યુગદ્રષ્ટા તરીકે ઇન્દુચાચાએ વ્યક્ત કરેલી લાગણી આજે પણ તેટલીજ પ્રસ્તુત છે. લડતની પરાકાષ્ઠાએ મહાગુજરાતની રચનાની જાહેરાત કરવામાં આવી. આ ઐતિહાસિક વિજયોત્સવ મનાવવા માટે મળેલી વિરાટ જાહેરસભામાં ઇન્દુચાચાએ જાહેર કરી દીધું કે મહાગુજરાતની લડતના કોઇ અગ્રણીએ નવા રાજ્યમાં પ્રધાનપદ સ્વીકારવાનું નથી. અનાસક્ત કર્મઠતાનું આવું નક્કોર તથા નરવું ઉદાહરણ ભાગ્યેજ બીજું કોઇ મળી શકે. પ્રજાના આ પ્રિય ચાચાએ ચિર વિદાય જુલાઇ ૧૯૭૨માં લીધી ત્યારે બે લાખ લોકોનો માનવ મહેરામણ નત મસ્તકે તથા ભારે હૈયે આ એકલવીરને વિદાય આપતો હતો. ઇન્દુલાલની ખોટ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતને ખૂબ આકરી લાગી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લોકલાગણીનો પડઘો પાડતા કહ્યું કે રાષ્ટ્રે એક અસમાન્ય આમજનતાનો નેતા ગુમાવ્યો છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑