સૌરાષ્ટ્ર રાજ્યના સચિવાલયમાં એક મહત્વની તથા દીર્ઘકાલીન અસરો ધરાવતી મીટીંગ ચાલી રહી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ઢેબરભાઇ હતા. સામી બાજુ અનેક ગિરાસદારોના પ્રતિનિધિ તરીકે તેમના આગેવાન ધ્રોળ ઠાકોર સાહેબ ચન્દ્રસિંહજી બેઠા હતા. વાતાવરણમાં ગંભીરતા તથા તનાવ સ્પષ્ટ જોઇ શકાય તેવા હતા. પરંપરાગત ગિરાસદારો તથા સામી તરફ ઘરખેડ કરતાં ખેડૂતો અને ગણોતિયાના હિત આ નિર્ણય થકી નિર્ધારિત થવાના હતા. બેઠકમાં લગભગ તમામ મુદ્દે સમજૂતી સધાયા બાદ એક મહત્વના મુદ્દે વાત અટકી પડી હતી. ઠાકોર સાહેબ જો પોતાની વાત જતી કરે તો ગિરાસદારોના રોષનો ભોગ બનવું પડે. ઢેબરભાઇ આ મુદ્દા અંગે બાંધછોડ કરી શકે તેમ ન હતા. અણીના સમયે જ્યારે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે મુત્સદ્દી નાગર ઢેબરભાઇએ એક કલ્પનામાં પણ ન આવે તેવી સોગઠી મારી. ઢેબરભાઇએ સ્વસ્થતાથી કહ્યું : ‘‘ એક બ્રાહ્મણની નાની એવી માગણી ક્ષત્રિય ઠાકોર સાહેબ પૂરી નહિ કરે ? ’’ જવાબમાં ચન્દ્રસિંહજીનું ગરવાઇથી ભરેલું હાસ્ય સૌએ જોયું. એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે એ હાસ્યમાં ‘‘હા‘‘ હતી. આપણાં વહીવટકર્તાઓ પણ કેવા દ્રષ્ટિ સંપન્ન હશે તેમજ Presence of mind ધરાવતા હશે તેની પ્રતિતિ આ એક નાની પણ મહત્વની ઘટના પરથી સ્પષ્ટ થાય છે. આવી અનેક વાતો રૂચિપૂર્ણ રીતે ‘‘વહીવટની વાતો ’’ માં શ્રી કુલિનચન્દ્ર યાજ્ઞિકે નોંધી છે. આ પુસ્તકનું પ્રકાશન કરીને દર્શક ઇતિહાસ નિધિએ આપણાં પર ઋણ ચઢાવેલું છે. રંગદ્વાર પ્રકાશને આ પુસ્તકના વિતરણની જવાબદારી સંભાળી છે. યાજ્ઞિક સાહેબની સાડાત્રણ દાયકાની સુદીર્ધ સેવાઓના અનેક કડવા – મીઠા અનુભવો લેખમાળા તરીકે છપાયા હતા. આ બાબતને સુગ્રથિત કરી પુસ્તક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. યાજ્ઞિક સાહેબે એક સાચું તથા સુંદર અવલોકન આમુખમાંજ લખેલું છે. આ પુસ્તકના લેખક લખે છે : આપણાં સમાજમાં જાહેર વહીવટના વિષયમાં ઘણો ઓછો તથા ઉપરછલ્લો રસ લેવાય છે. રાજસત્તા, ચૂંટણી, આંદોલનો તથા ફરિયાદો તથા તેને લગતો ઉહાપોહ લોકોને આકર્ષે છે…. અલ્પજીવી તથા તત્કાલિન મુદ્દાઓ લોકોને ઉત્તેજિત કરે છે પણ શાસનના હાથપગ જેવા તંત્ર વિષે ઝાઝી વિચારણા થતી નથી… પ્રસાર માધ્યમો તથા વિદ્યાપીઠો આ ક્ષેત્રમાં ઘણું કરી શકે.’’ અંગ્રેજીમાં આ વિષય પરના લખાણોમાં ઠીક ઠીક કામ થયું છે. બી. કે. નહેરુ, રિબેરો તથા પી. સી. એલેકઝાંડર જેવા તંત્ર સાથે સંકળાયેલા લોકોએ આવા સંભારણા લખીને જાહેર વહીવટના વિષય અંગે ઇનસાઇટ પૂરી પાડી છે. ગુજરાતીમાં આવું કાર્ય ખૂબ સારી રીતે લલિતચન્દ્ર દલાલે કરેલું છે. પ્રસ્તુત પુસ્તક થકી યાજ્ઞિક સાહેબે એક સુંદર અને અર્થપૂર્ણ ઉમેરો કર્યો છે. આ માટે તેઓ અભિનંદનને પાત્ર છે.
કુલીનચન્દ્ર યાજ્ઞિકના સેવાકાળના અનેક પ્રસંગો તથા અનુભવો વાંચતા જાહેર વહીવટમાં મુખ્યત્વે નીચે મુજબના પડકારો કે સમસ્યાઓ સામે આવે છે તેની પ્રતિતિ થાય છે.
૧. બે સમાંતર જૂથ વચ્ચેના હિતોના ટકરાવ સમયે વસ્તુનિષ્ઠ નિર્ણય કરવાની ક્ષમતા. આ પુસ્તકમાં ગિરાસદારો તથા ગણોતીયાઓ વચ્ચેના સંઘર્ષમાં આ બાબત જોઇ શકાય છે.
ર. અણધાર્યા તથા આકસ્મિક સંજોગોમાં Crisis Management ગુજરાતના વહીવટીતંત્રે આ સદીની શરૂઆતમાં આવેલા ભીષણ ભૂકંપમાં જે વ્યવસ્થાપન કર્યું તે દેશ અને દુનિયામાં વખણાયું છે. આ ઉદાહરણ નજર સામે છે.
૩. કોઇ પ્રસંગે ટોળાશાહી જોવા મળે તો તેના નિવારણ માટેની શક્તિ Crowd Management.
૪. ટીમવર્કની ભાવનાથી તમામ સહકર્મીઓને Motivate કરવાની શક્તિ.
પ. છેલ્લા એકાદ દાયકાથી જે બાબત વિશેષ સામે આવી છે તેવું Media Management આ પ્રશ્નની તીવ્રતા યાજ્ઞિક સાહેબના સમયમાં આટલી વ્યાપક હોય તેમ લાગતું નથી.
ઉપર જણાવેલું છે તેવી દરેક સમસ્યાના શક્ય એટલા ત્વરીત તથા વાજબી ઉકેલ માટે યાજ્ઞિક સાહેબે વર્ણવેલા અનુભવો આજની તથા ભાવી પેઢીના વહીવટકર્તાઓને માર્ગદર્શક તથા ઉપયોગી બની શકે તેવા છે.
કુલીનચન્દ્ર યાજ્ઞિક (જન્મ ૧-૯-૧૯૨૬)ને શ્રી રઘુવીર ચૌધરીએ ‘‘નિર્વ્યાજ સાહિત્ય પ્રીતિના માણસ’’ તરીકે ઓળખાવ્યા છે તે યથાર્થ છે. આવા અનેક ગુણોથી વિભૂષિત સાક્ષરની નડિયાદમાં સ્વસ્થ તથા કાર્યરત ઉપસ્થિતિ આપણાં માટે સામુહિક ગૌરવનો વિષય છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment