મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં જ્યાં મુલાકાત કરે છે ત્યાં પોતાની ગરવી પ્રતિભા તથા કાવ્યશાસ્ત્રના બળે અજવાળા પાથરતો આવે છે. આજે કવિની સવારી જૂનાગઢના માર્ગે મોજથી વિચરણ કરે છે. જૂનાગઢના મજેવડી દરવાજે નવાબ સાહેબના અમીરો કવિને સત્કારવા વિનયપૂર્વક ઊભા છે. કવિનો સત્કાર કરી સરદાર બાગમાં ઉતારો આપવામાં આવે છે. કવિશ્રીના રસાલાના ઘોડા – ઊંટ તથા માણસોની સુચારુ વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવી છે. નવાબ સાહેબ સાથેની મુલાકાતનો દિવસ નક્કી થાય છે. ભરાદાર તેમજ વિશાળ વિરરસથી ભરપુર તેજસ્વી મુખારવિન્દ, અજાનબાહુ તેમજ બુલંદ અવાજની કુદરતી બક્ષિસ ધરાવતા કવિ લાડુદાનજી ઉત્તમ રાજવંશી પોષાકમાં જૂનાગઢના નવાબ સાહેબની રાજ્યસભામાં પ્રવેશ કરે છે. નવાબ સાહેબે સંપૂર્ણ વિવેક સાથે કવિને ઉજળો આવકાર આપ્યો. સૌની કૂશળતા પૂછીને કવિએ આશીર્વાદના વેણ ઉચ્ચાર્યા. સભામાં કાજી સાહેબનો પરિચય થયો. કવિના ધ્યાન પર કોઇએ એ બાબત મૂકી હતી કે કાજી સાહેબ જાણકાર છે તથા પોતાની જાણકારીનું ગુમાન ધરાવે છે. નવાબના કહેવાથી કવિ કાજી સાહેબ તરફ એક નજર કરીને પોતાની છટાદાર શૈલીમાં કવિત સંભળાવે છે.
દિયા હૈ ખૂદાને ખૂબ
ખૂશી કર ગ્વાલ કવિ,
ખાના પીના લેના દેના,
ઓહી રહ જાના હૈ.
કેતેક અમીર ઉમરાવ
બાદશાહ ગયે,
કર ગયે કૂચ તાકા
લગા ના ઠિકાના હૈ.
હિલો મિલો પ્યારે જાન
બંદગીકી રાહ ચલો,
જિંદગી જરાસી તામે
દિલ બહલાના હૈ.
આવ પરવાના બને
એક હુન બાના,
યા તેં નેકી કર જાના
ફિર આના હૈ ન જાના હૈ.
છટાદાર ચારણી શૈલીમાં બુલંદ કંઠથી પ્રગટ થયેલા આ અર્થપૂર્ણ કવિતના શબ્દો સાંભળી નવાબ સાહેબ તથા કાજીને કોઇ ખુદાઇ ફિરસ્તાની પાવક વાણીના પડઘા સંભળાયા. સુભાન અલ્લાહ ! કહી બાદશાહે પ્રસન્નતા વ્યક્ત કરી. કાજી સાહેબ જાણતલ હતા તેથી આ પ્રવાસી કવિની વિદ્દવતાને નમી પડ્યા.
મરુભૂમિના પ્રથમ પડાવે તીર્થરાજ આબુની તળેટીમાં આશિયા શાખાના ચારણ કુટુંબમાં વિક્રમ સંવત ૧૮૨૮ ના મહા સુદ પાંચમ – વસંત પંચમીના વાસંતી મહોલમાં કવિએ જન્મ ધારણ કર્યો હતો. ઉપર જણાવ્યું છે તેમ જૂનાગઢની જેમ સૌરાષ્ટ્ર – કચ્છ તથા મારવાડના અનેક રજવાડાઓની કવિની મુલાકાત યાદગાર તથા ઐતિહાસિક બની છે. કવિની કાવ્યશાસ્ત્રમાં નિપુણતા તથા ઉત્તમ પ્રકારની રહેતી કરણીને કારણે જે જે રાજ્યોમાં તેઓ ગયા ત્યાં તેમનો અનોખો સત્કાર થયો હતો. તેમની વિદ્દવતાનો પ્રભાવ વિસ્તરતો જતો હતો. રાજા-મહારાજાનો વિશેષ પ્રભાવ તેમના રાજ્ય પૂરતો મર્યાદિત હોય છે. જ્યારે વિદ્વાન વ્યક્તિનો પ્રભાવ રાજ્યની કે કાળની સીમા બંધનમાં નથી. એક સુંદર સંસ્કૃત સુભાષિતમાં છંદ અનુષ્ટુભમાં આ વાત સુંદર રીતે રજૂ થઇ છે.
વિધ્વત્વં ચ નૃપત્વં ચ
નૈવ તુલ્યં કદાચન !
સ્વદેશે પૂજ્યતે રાજા
વિધ્વાન્સર્વત્ર પૂજ્યતે !!
મારવાડના કવિ લાડુદાનજીનો પ્રભાવ આ કારણસરજ અનેક પ્રદેશોમાં વિસ્તરેલો હતો. અનેક રાજવીઓએ કવિને પોતાના રાજ્યમાં સ્થાયી થવા વિનંતીઓ કરી હતી. પરંતુ વિધિ નિર્માણ આ રાજવી પુરુષ માટે કંઇક અલગજ હતું. સંસારી લાડુદાનજી સ્વામિનારાયણ દેવના પારસમણી સ્પર્શથી બ્રહ્માનંદ સ્વામી બનીને વિશેષ ઝળકી ઉઠ્યા. પરંતુ મૂળમાં સ્વામિની એક મોટા ગજાના સર્જક તરીકેની શક્તિ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ ખંડ-૧ માં લખ્યું છે :
‘‘ કવિએ રચેલાં ભક્તિ તથા વૈરાગ્યના પદો શૌર્યસભર શૈલીથી વિશિષ્ટ ખુમારીનો અનુભવ કરાવે છે. સૌરાષ્ટ્રની બોલીનો રણકો, પ્રાસ-અનુપ્રાસ મેળવવાની સહજશક્તિ, પદરચનાના સફાઇ કે માધુર્ય સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતામાં તો મોખરાનું સ્થાન ભોગવે છે. પરંતુ ગુજરાતી પદ્યસાહિત્યમાં પણ વિશષ્ટ બની રહે છે. ’’ વસંત પંચમીના વાસંતી માહોલમાં સ્વામીના અનેક પદોનું સ્મરણ કેટલાય હરિભક્તોને ભીંજવતું રહે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment