સંસ્કૃતિ : : થાકે ન થાકે છતાંયે : હો માનવી ન લેજે વિસામો

બીજી ઓકટોબર-૧૯૪૭ ના દિવસની મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી મનુબહેન ગાંધીના ચોકસાઇપૂર્વકના શબ્દોના સહારે ફરી ફરી કરવી ગમે તેવી છે. બાપુના આ જન્મદિવસે બાપુનો ચરણસ્પર્શ કરતા મનુબહેને વિનોદ કર્યો. મનુબહેન બાપુને કહે છે : ‘‘ બાપુ ! આ તે ક્યાંનો ન્યાય ? અમારો જન્મદિવસ હોય છે ત્યારે અમે તો બધાને પગે લાગીએ છીએ. તેથી ઊલટું તમારા જન્મદિવસે અમારે તમને પ્રણામ કરવા પડે ! ’’ બાપુ તો હાજરજવાબી. તરતજ આ વાતનો જવાબ આપતા કહે છે : ‘‘ હા, મહાત્મા માટે હમેશા ઊંધો નિયમ હોય છે. તમે બધાએ મને મહાત્મા બનાવી દીધો છે ને ? પછી ભલેને કદાચ ખોટો મહાત્મા હોઉ ! ’’ શારીરિક રીતે અસ્વસ્થ હોવા છતાં આ મહાત્માએ તેમના છેલ્લા જન્મદિવસે પણ મળસકે સાડા ત્રણ વાગે પોતાનો દિવસ શરૂ કર્યો. સખત ઉધરસને કારણે તબીબોએ પેનિસિલિન લેવા સૂચન કર્યું. જોકે બાપુએ આ સૂચનની અવગણના કરી. ત્યારબાદ આ દિવસે ગાંધીજીએ યોગાનુયોગ થોડા શબ્દોમાં અંતરની વેદના પ્રગટ કરી. દેશની તે સમયની સ્થિતિ જોઇને આ મહાત્મા ઊંડેથી ઘવાયા હશે તેમ લાગે છે. બાપુ કહે છે : ….. હવે તો આ દુનિયામાંથી અલોપ થઇ જશું …. રામ રામ કહેતા … આજે તો હું નીંભાડામાં બેઠો છું. ચારે તરફથી અગ્નિ પ્રગટ્યો છે…. હવે હું તો ઇચ્છું છું કે આવતી રેંટિયા બારસે હું આ (દેશમાં થતી અથડામણોનો) અગ્નિ જોવા જીવતો ન હોઉં…. હવે હું સવાસો વરસ જીવવા નથી ઇચ્છતો. તમારે સૌએ પણ એજ પ્રાર્થના કરવી જોઇએ કે ઈશ્વર કાં તો આ બુઢ્ઢાને આવા દાવાનળમાંથી લઇ લે અને કાં તો હિન્દુસ્તાનને સદ્દબુધ્ધિ આપે. ’’ મનુબહેન લખે છે કે પરોઢિયે સાડા પાંચ વાગે સદીના મહાનાયકે આ વેદનના શબ્દો ઉચ્ચાર્યા. કાળદેવતા પણ કદાચ આ શબ્દો સાંભળીને ખિન્ન થયા હશે. ત્યારબાદની ઘટનાઓ ક્રમશ: તેવીજ બની.

      ૩૦ મી જાન્યુઆરી-૧૯૪૮ નો દિવસ એ માત્ર ગાંધી નામના દેહધારી વ્યક્તિની હત્યાનો દિવસજ નથી. સમગ્ર જગતમાં સહજ રીતે વ્યાપેલી સારમાણસાઇ ઉપર આ અકારણ કરવામાં આવેલો પ્રહાર હતો. ગાંધીની હત્યાનો અપરાધ એ સમગ્ર માનવજાત સામેનો અપરાધ હતો. કવિ બાલમુકુન્દ દવેની કલમથી વેદનાપૂર્ણ શબ્દો ખરી પડ્યા.

કોણે રે દૂભ્યો ને

કોણે વીંધિયો ?

કલંકીએ કોણે કીધા ઘા ?

કોણ રે અપરાધી

માનવજાતનો,

જેને સૂઝી અવળી મત આ ?

રુધિરે રંગાયો હરિનો હંસલો !

હિમાળે સરવર શીળા લેરતાં

ત્યાંનો રે રહેવાસી આ તો હંસ

આવી રે ચડ્યો જગને ખાબડે

જાળવી ના જાણ્યો આપણ રંક !

      કવિનું આ કાવ્ય સર્વકાળમાં સાંપ્રત લાગે તેવું છે. ગાંધી આપણી સહીયારી મૂડી સમાન હતા. આપણે રંક લોકો આ મહામાનવને સાચવી શક્યા નહિ. માનવજાતના એક પ્રતિનિધિની હત્યા નૂતન રાષ્ટ્રના પાટનગરમાં થઇ. કલકત્તા, નોઆખલી કે બીહારના વિક્ષૂબ્ધ વાતાવરણમાં જે ગાંધી સચવાયા હતા તે મહાત્મા દિલ્હીમાં હણાયા તે ઘટના જ્યારે વિચારીએ ત્યારે મનમાં ઊંડા અફસોસનો ભાવ પ્રગટે છે.

      ગાંધીજીની ચિરવિદાય પછી અલગ અલગ કાળમાં અનેક નાયકોને ગાંધી વિચારે પ્રેરણા પૂરી પાડી. અનેક ચળવળો ગાંધીના શબ્દોને કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવી. નેલ્સન મંડેલા કે દલાઇ લામા જેવા જનનાયકોને ગાંધી વિચારે અવિરત કર્મનું બળ પૂરું પાડ્યું. વિશ્વમાનવ સંસ્થા યુ.એન.ઓ.એ બીજી ઓકટોબરનું વિશેષ મહત્વ તેને ગાંધીની અહિંસા સાથે જોડીને કર્યું. ૧૯૮૯ માં દલાઇ લામાને જ્યારે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે નોબેલ પીસ પ્રાઇઝ કમિટીના ચેરમેને કહ્યું કે દલાઇ લામાને આપવામાં આવતો આ પુરસ્કાર મહાત્મા ગાંધીની સ્મૃતિને શ્રધ્ધાંજલિ છે. માર્ટિન લ્યૂથર કિંગમાં પણ જગતને ગાંધી વિચારનો પડઘો સંભળાયો. કિંગને પણ નોબેલથી નવાજવામાં આવ્યા. નોબેલ પીસ પ્રાઇઝ કમિટીને ૧૯૪૮ માં ગાંધીજીને નોબેલ પુરસ્કાર ન આપી શકાયો તેનો વસવસો રહી ગયો. કોઇએ ગાંધીને આ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવે તેવું પણ સૂચન કર્યું. નોબેલ પુરસ્કાર હંમેશા જીવંત વ્યક્તિનેજ આપવામાં આવે છે. ૧૯૪૮ માં નોબેલ પીસ પ્રાઇઝ કોઇને આપવામાં ન આવ્યું. નોબેલ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. આન્દ્રે બેરેનીએ કહ્યું હતું : “ Mahatma Gandhi is one we miss the most at the Nobel Museum. That is a big empty space where we Should have had Mahatma Gandhi. “

      નોબેલ પુરસ્કાર ગાંધીના પારસમણી સ્પર્શથી વંચિત રહી ગયો તેવી સાર્વત્રિક લાગણી આ મહામાનવની અસાધારણ પ્રતિભાનું એક ઐતિહાસિક પાસુ છે. હજુ હમણાંજ આપણી વચ્ચે સક્રિય રહીને નિરંતર કર્મ કરતા રહેવાનો પાઠ ભણાવનાર ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે ગાંધી નામના આ મહાનાયકના અંતિમ દિવસોની વ્યથા ભાવપૂર્ણ શબ્દોમાં ઢાળી છે. શ્રી યશવંત મહેતા થકી તેનો સુંદર અનુવાદ આપણને પ્રાપ્ત થયો છે.

જનમ ધર્યો આઝાદ સ્વદેશે

દોર ગુલામી કાપ્યો,

ઘન મધરાતે લાલ કિલા પર

ધ્વજ ત્રણરંગી સ્થાપ્યો

ત્યારે દેશપિતાના હૈયે

દુ:ખનો દરિયો વ્યાપ્યો

આજ બંગમાં, બિહાર કાલે

વળી દિલ્હીને દ્વારે

‘ એક માનવીનું લશ્કર ’

જે આગ દ્વેષની ઠારે

કહે કે હિન્દુ, મુસ્લિમ, શીખો

ઉજળા ભાઇચારે.

      સત્તાના કેન્દ્ર દિલ્હીથી દૂર કલકત્તાના બળ્યાઝળ્યા માહોલમાં બેસીને આઝાદીના આ જનકે ૧૫ મી ઓગસ્ટ ‘એકલો જાને રે’ ની પોતાની જીવન શૈલીથી વિતાવી અને આફતગ્રસ્તોની પડખે એક ચટ્ટાનની જેમ ઊભા રહ્યા. વિધિના નિર્માણ પણ કેવા હોય છે ! દેશના પાટનગરમાં સ્વતંત્રતા મળી તેની ઉજવણી થતી હતી તે જ સમયે દૂર બેસીને દુ:ખિયારાના આંસુ લૂછવાનું કામ સ્વાતંત્ર્ય જંગના અધિનાયક કરતા હતા.

જ્યારે સૌએ પાછા જાય –

ઓરે ! ઓરે ! ઓ અભાગી !

સૌએ પાછા જાય,

જ્યારે રણવગડે નીસરવા ટાણે

સૌ ખૂણે સંતાય

ત્યારે કાંટા – રાને

તારે લોહી નીંગળતે ચરણે

ભાઇ ! એકલો ધાને રે…

       આ અમર કાવ્યના રચયિતા કવિગુરુ ટાગોરના બંગાળમાં બેસીને એક ગુજરાતનો વૈષ્ણવ જન કવિગુરુના શબ્દો જીવી બતાવતો હતો ! કાળની ગતિ ન્યારી છે. ૩૦ મી જાન્યુઆરી-૧૯૪૮ અને શુક્રવારના દિવસે બાપુ નિયમ પ્રમાણેજ મળસકે ઉઠ્યા. બાપુએ તે દિવસે સવારના પહોરમાંજ પ્રાર્થના ન કરતા હોય તેવા પોતાના સાથીઓ તરફ અણગમો વ્યક્ત કર્યો. ત્યારબાદ એકાએક મનુબહેનને કહે કે આજે મારે થાકે ન થાકે છતાંયે.. એ ભજન સાંભળવું છે. બાપુએ આ ભજનની શા માટે પસંદગી કરી હશે તેના અનેક તર્ક-વિતર્ક આ યુવાનીમાં ડગ માંડતા મનુબહેનના મનમાં ઊગ્યા. સગપણની દ્રષ્ટિએ બાપુ અને બા મનુબહેનના દાદા તથા દાદી થતા હતા. ૧૯૪૨ માં આગાખાન મહેલમાં મનુબહેને કસ્તુરબાની સેવા કરી હતી. ગાંધીજીના જીવનના અંતિમ અધ્યાયના મનુબહેન શાક્ષી બની રહ્યા હતા. શ્રી મોરારજી દેસાઇએ લખ્યું છે કે ઇતિહાસના એક યુગપુરુષ તેમના જીવનની સૌથી મહાન વ્યથા અનુભવતા હતા ત્યારે તેમની નિકટ રહી તેમની સેવા કરતી એક કુમારિકાએ પોતાની નજરે જે જોયું, જે અનુભવ્યું તે નિષ્ઠાપૂર્વક ટપકાવી લીધું. મોરારજીભાઇ લખે છે આ કાર્ય કરવા માટે આપણે મનુબહેનના ઋણી રહીશું. એક મહાત્માને છાજે તેવા મૃત્યુને બાપુ વર્યા. વિશ્વના અનેક ભાગોમાં વસતા અગણિત જનસમૂહ પર વીજળી પડી ! ૩૦ મી જાન્યુઆરી-૧૯૪૮ ની સાંજે જગતે બે સૂર્યોને અસ્ત થતા જોયા. ‘‘ કાલાય તસ્મૈ નમ: ’’ ગાંધીજીને સાચી અંજલી તો કવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ દૂભ્યા – દબાયા કોઇનું એકાદ આંસુ લૂછીનેજ આપી શકાય.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑