દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ
(દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રીજો તું દુલીયા.
આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતાં બાકીના બે – સર પટ્ટણી અને કવિ કાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ વહીવટકર્તા તરીકે સર પટ્ટણી અને કાળને ઓળખી ગયેલા સમર્થ સાહિત્યકાર તરીકે ભગતબાપુની સ્મૃતિ ભાવનગરના ઇતિહાસ સાથે અનેક સ્થળે અનેક પ્રકારે જોડાયેલી છે તથા જીવંત છે. એકાદ વર્ષ પહેલાજ મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં કવિ કાગની પ્રતિમાની અનાવરણવિધિ થઇ હતી ત્યારે સોનામાં સુગંધ ભળ્યાની સ્થિતિ સૌએ અનુભવી હતી. પૂ. મોરારીબાપુ જેવા સાહિત્યના સંવર્ધન માટે નિત્ય પ્રવૃત્ત રહેનાર સંતના હસ્તે આ પ્રતિમાની અનાવરણવિધિ કરવામાં આવી તે એક ઐતિહાસિક ઘટના છે. પૂ. મોરારીબાપુ અને ભગતબાપુ પણ પરસ્પર સ્નેહાદરના ધાગે બંધાયેલા છે તે સુવિદિત છે. મજાદર જેવા અંતરિયાળ વિસ્તારના ખોબા જેવડા ગામમાં જન્મ લઇને વહાવેલ અપ્રતિમ સાહિત્ય સર્જનની સરવાણીની કેવી અસર હશે કે ભારત સરકારે આ ભક્તકવિને ૧૯૬૨ માં પદ્મશ્રીના ઇલ્કાબથી નવાજ્યા. આપણા આ લોકર્ષિ કવિને લોકોનો અસાધારણ પ્રેમ તથા આદર હંમેશા મળ્યા છે. પ્રાણવાન કવિતાઓ હંમેશા તરોતાજા લાગે છે તેનું જ્વલંત ઉદાહરણ ભગતબાપુની કાળજયી રચનાઓ છે.
૧૯૯૮ માં મહુવા ખાતે પણ કાગબાપુની પ્રતિમાનું અનાવરણ મોરારીબાપુએ કરેલું તથા એ રીતે એ વિસ્તારના લોકોએ કવિ તરફનો પોતાનો સ્નેહ અને આદર વ્યક્ત કર્યા હતા. કવિશ્રી કાગની સ્મૃતિમાં મોરારીબાપુની પ્રેરણા તથા તેમની હાજરીમાં લોકસાહિત્યને સમૃધ્ધ કરનાર પાંચ સાહિત્યકારોને મજાદર (કાગધામ) ખાતે એક ગૌરવશાળી સમારંભમાં દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે. આ પ્રકારે આપણાં આ ઘરદિવડાના ઓજસ્વી વ્યક્તિત્વનું નિયમિત સ્મરણ કરવામાં આવે છે.
ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કવિ કાગ પ્રત્યે ખૂબ સ્નેહ હતો. મહારાજાનો મુકામ પોર્ટ વિકટર થાય ત્યારે કવિ તેમને અચૂક મળતા અને રાજ્યની તથા સાહિત્યની વિવિધ બાબતો અંગે ચર્ચા કરતા. મહારાજાની રીતભાત તથા તેમનો પ્રજાપ્રેમ જોઇને કવિ પ્રભાવિત થયેલા. ભગતબાપુ કોઇ રાજદરબારી કવિ ન હતા, પરંતુ કૃષ્ણકુમારસિંહજીમાં તેમણે અન્ય રાજવીઓથી વિશિષ્ટ એવી પ્રતિભાના દર્શન કર્યા હતા. આથીજ તેમણે લખ્યું :
નિજ રોફ વધારવા કારણીએ જેના રક્તને નેત્રમાં ક્રોધ ગમે,
તેની પાસે જતા થડકે સહું માનવ…. એકલા ભવ્ય અટારી ગમે,
વ્યસને વ્યસને વધીને વધીને નૃપ બીજા હજારોને દાહ દહે,
ત્યારે કૃષ્ણ ભૂપાળ હૈયે હૈયે હસીને હસતે મુખડે દિનરાત રહે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જીવનશૈલી રાજવીઓના નિરંકુશ તથા એકાધિકારના સમયગાળામાં પણ અન્ય કેટલાક રાજવીઓથી કેટલી ભિન્ન હતી તેની વાત કવિએ કેવી સચોટ રીતે કરી છે ! રાજવી પરિવારમાં મહારાજા સહિત સૌને ભગતબાપુ પાસેથી રામાયણની વાતો સાંભળવી ખૂબ ગમતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જેમજ ભાવનગર રાજ્યના વિચક્ષણ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનો પણ ખૂબજ સ્નેહ ભગતબાપુને પ્રાપ્ત થયો હતો. કવિશ્રી પાસેથી રામાયણ સાંળભવાનો શોખ સર પટ્ટણી તથા તેમના ધર્મપત્ની રમાબાને હતો. પટ્ટણી સાહેબના બંગલે જ્યારે આવી સાહિત્યની બેઠકો થતી ત્યારે તેમાં ચિંતન તથા વિચારોના આદાન-પ્રદાનની છોળ ઉડતી હતી. કવિ શ્રી કાગની અજાચક વૃત્તિ તરફ પટ્ટણી સાહેબ ખૂબ આદરથી જોતા હતા. મજાદર ભગતબાપુના મહેમાન થયા ત્યારે પટ્ટણી સાહેબે કહ્યું કે કવિના માતા જો જીવિત હોય તો તેમણે એ જોગમાયાના હાથે ઘડેલા બાજરાના રોટલા અને દૂધ ખાવા છે. ઉન્નત વિચારો અને સાદી તથા પવિત્ર જીવનશૈલી જીવીને આવા મહામાનવો સમાજને દિશાદર્શન કરાવીને ગયા છે. પટ્ટણી સાહેબને કાગબાપુએ રચેલા ગાંધીગીતો સાંભળવા ખૂબ ગમતા હતા. કાળની એ બલિહારી હતી કે ભાવનગર રાજ્યમાં આવા પુણ્યશ્લોક માનવીઓ એકજ કાળમાં હયાત હતા અને એકબીજા સાથે આત્મીયતા ધરાવતા હતા.
ગાંધીજીના આદર્શો, વિચારો તથા કાર્યપધ્ધતિનું લોકભોગ્ય ભાષામાં વર્ણન ભગતબાપુના કાવ્યોને એક વિશેષ ઉંચાઇ અપાવે છે. મેઘાણીભાઇએ કહ્યું છે તેમ લોકભોગ્ય સાહિત્યમાં ગાંધી વિચારને ઝીલવામાં ભગતબાપુ ખૂબજ સફળ રહ્યા હતા. રવિશંકર મહારાજના જીવનને બીરદાવતા કવિએ તેમને ‘‘ઉપકારી આત્મા’’ કહીને ઝાઝેરા રંગ દીધા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંત યોગીજી મહારાજની ભક્તિ તથા તેમની ભાવના ભગતબાપુના કાવ્યોના માધ્યમથી સમસ્ત હરિભક્તોના દિલ અને દિમાગ પર છવાઇ ગયા હતા. ગામડે ગામડે ભાંગતી રાતે ગવાતા ભજનોમાં ભગતબાપુની રચનાઓ લોકસમૂહે વ્યાપક રીતે ઝીલી છે.
આશરે તારે ઇંડા ઉછેર્યા… ફળ ખાધા રસવાળા,
મરતી વખતે સાથ છોડે, ઇ મોઢા હોય મશવાળા….
ઉડી જાવ પંખી પાંખુવાળા….
કવિતાએ ચારણ કવિઓનો વ્યવસાય નહિ પરંતુ તેમની પ્રકૃત્તિ હતી. આ કવિઓના હૈયામાંથી પાતાળગંગાની જેમ કાવ્ય-સરવાણી સહજ રીતે ફૂટતી હતી. ભગતબાપુ પ્રકૃતિ અને પરમતત્વના સદૈવ ઉપાસક હતા. વ્યસનમુક્ત કરી સમાજને સરસ્વતીની ઉપાસનાના માર્ગે વાળવાનો અહર્નિશ પ્રયાસ કરનાર આ ક્રાંત-દ્રષ્ટા, ઋષિ કવિ હતા.
દરેક કાળમાં સર્જન પામતા સાહિત્યમાં તત્કાલિન સમયની વ્યાપક ગતિવિધિઓ ઝીલાતી હોય છે. સાહિત્ય સર્જકો તેમના સમયનો યુગધર્મ બરાબર ઓળખી કાઢે છે અને તેનો સંદર્ભ લઇ પોતાની મોંધેરી રચનાઓ સમાજ સામે ધરે છે. આવી રચનાઓ તત્કાલિન સમાજને પ્રેરક તથા પ્રોત્સાહક બને છે. જે બાબત સ્પષ્ટ રીતે નજર સમક્ષ ન આવે પણ જેની અસર તળે સમાજ હોય તેવી સુક્ષમ બાબતો પણ કવિ દૃષ્ટિમાં બરાબર ઝીલાય છે. એકવાર આવી સાંપ્રત બાબત કવિના દૃષ્ટિકોણમાં આવે ત્યારબાદ તેનો સારરૂપ અર્ક જગતને કવિની ઊર્મિપૂર્ણ રચનાઓ મારફત મળે છે. કવિ ક્રાંતદ્રષ્ટા હોય છે તેથી આવી રહેલા કાળસમયનો અંદાજ તેના વિચારોમાં સુપેરે ઝીલાય છે. આ સંદર્ભમાં જોઇએ તો ગાંધીયુગમાં ગાંધીજી તથા વિનોબાજીના વિચાર પ્રવાહથી આકર્ષાયેલા લોકકવિ કાગ ગાંધીયુગને તથા તેની ભાવિ અસરોને આબેહૂબ પારખી શકયા તથા તેના પુનિત પરિપાક સ્વરૂપે ગાંધીજીના જીવન ચિંતન તથા વિનોબાજીના યક્ષકાર્ય સ્વરૂપના ભૂદાન આંદોલનને પોતાની લોકપ્રિય તથા સરળ છતાં બળુકી રચનાઓના માધ્યમથી સાંપ્રત સમયમાં સમાજના ચરણે ધરી શકયા. એ યુગપ્રવાહની વ્યાપક અસર તથા કવિકાગની રચનાઓમાં રહેલાં ઊંડા વિચારતત્વને કારણે આ રચનાઓ જોતજોતામાં લોકજીભે રમવા માંડી. ગામડાઓમાં ગવાતા ભજનોમાં આ નૂતનયુગની કાગવાણી ઘૂંટાવા લાગી.મેઘાણીભાઇએ લખ્યું કે દુલા ભગતની રચનાઓમાં નવપ્રયાણની પગલીઓ છે અને માટે તે સન્માનપાત્ર છે.
એક દિવસ કવિ શ્રી કાગને સંદેશો આવ્યો કે પૂજય રવિશંકર મહારાજ કવિકાગના વતનના ગામ મજાદર(કાગઘામ)ની બાજુમાં આવેલા ડુંગર ગામે આવે છે. તેમની સભામાં આવવા માટેનું સ્નેહભર્યું નિમંત્રણ કવિના પરમ સ્નેહી શેઠશ્રી કલ્યાણજીભાઇએ મોકલાવ્યું. બંધુ સમાન સ્નેહીનું નિમંત્રણ કેવી રીતે ઠેલી શકાય? કવિ કાગે મેઘાણીભાઇ પાસેથી મહારાજની ઘણી વાતો સાંભળેલી તેથી મહારાજના દર્શન કરવાની તાલાવેલી પણ ખરી. રવિશંકર મહારાજને મળીને તથા તેમની પાવક સહજ-સરળ વાણી સાંભળીને કવિ ખૂબ પ્રભાવિત થયા. કવિ આ મુલાકાતના સંદર્ભમાં લખે છે કે મહારાજની સમક્ષ મારું માથું નમી પડયું. તેજ રાત્રે પ્રેરણા થઇ કે ભૂદાનની આ પ્રવૃત્તિ સાંપ્રત કાળની માંગણી છે અને તેના સ્વીકારમાં જ સમાજનું લાંબાગાળાનું સામૂહિક હિત સમાયેલું છે. એકવાર કવિના હૃદયમાં કોઇ વિચાર તત્વની પ્રતિષ્ઠા થાય ત્યારપછી તેનું પ્રગટીકરણ કાવ્ય સરવાણી સ્વરૂપે થતું કયાં રોકી શકાય છે? મહારાજ તરફ તેમની સર્વનિષ્ઠા સમર્પિત થઇ અને મહારાજના માધ્યમથી જ તેઓ વિનોબાજીના વિરાટ વ્યકિત્વને સવિશેષ રીતે પારખી શકયા, પ્રમાણી શકયા. કવિએ ભૂદાન પ્રવૃત્તિની શરૂઆત પોતાના વિસ્તારમાં પોતાનાથીજ કરી અને ૫૦ વીઘા જમીન તથા બીજી ખેતી-જીવન નિર્વાહ માટે જરૂરી ચીજો જરૂરિયાત વાળાના ચરણે સમર્પિત કર્યા. રવિશંકર મહારાજને મળ્યા પછી તે જ રાત્રે કવિના મનમાં જે ઊંડું મનોમંથન થયું તેના પ્રસાદી સ્વરૂપે તેમણે બીજા દિવસે જ લખ્યું :
કોટી કર્મ કે પુણ્ય જબ ઉદય હોત ઇક સંગ
(તબ) છૂટે મનકી મલિનતા, અરુ ભાવે સતસંગ
૧૯૫૫માં મહારાજ મજાદર આવ્યા. પોતે સ્વીકારેલી વાતને આચરણમાં મૂકીને તો કવિ સંપૂર્ણપણે વિનોબાજીની ભૂદાન પ્રવૃત્તિને સમર્પિત થયા હોય તેમ તેમના કાવ્ય સર્જનો જોતા જણાય છે. ‘ભૂદાનમાળા’ એ આ પ્રકારના કાવ્યોનો સુંદર ગ્રંથ છે.
ઇતિહાસના ઘણાં પ્રસંગોએ એક સામાન્ય અનુભવ રહેલો છે કે લોકવાણીના માધ્યમથી પ્રસરેલો વિચાર વનમાં લાગેલ ઝાળની માફક વેગીલી ગતિથી પ્રસરી જાય છે. તુકારામ જ્ઞાનદેવ કે મેઘાણી જેવા લોકવાણીના વાહકો એટલે જ સમાજમાં વિશેષ ખ્યાતિને વર્યા છે અને તેમની સરળ વાણી ભારે લોકાદર પામી છે. ભગતબાપુએ લખ્યું કે ‘ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહિ આપી શકે’ સમાજ માટે હિતકારી એવા મૂળ વિચાર તત્વની પ્રતિષ્ઠા લોકકવિઓએ તેમના અનોખા અંદાજમાં કરી છે. કવિશ્રી કાગે પણ વિનોબાજીના વિચારને વહેતો કરવા પોતાને મળેલ સરસ્વતીકૃપાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આ બધી રચનાઓ આજે પણ એટલી જ સંદર્ભયુકત તથા પ્રેરણાદાયક છે.
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ નોંધ કરી છે :
‘‘ કવિનું મન નિર્મળ બન્યું અને એ નિર્મળતામાંથી સરસ્વતીએ જે અવતાર લીધો, જે નવાં નવાં રૂપ ધારણ કર્યા, તે જ આ ‘ભૂદાનમાળા’, અને તેથી જ તે વાંચનાર સાંભળનારને મંત્રમુગ્ધ કરી નાખે એવી રચાઇ છે. યથાભાષી-તથાકારીના આ ગુણે ભૂદાનમાળામાં કાંઇક એવું તેજ મૂકયું છે કે, કવિશ્રીની બીજી સંખ્યાબંધ આકર્ષક કૃતિઓ કરતાં પણ એ ચઢી જતી હોય એમ મને તો લાગ્યું છે. ’’
ભૂદાન પ્રવૃત્તિના વિચારોની અસર જેમ કવિ કાગની વિચારસરણી પર વૃધ્ધિ પામતી ગઇ તેમ તેમ તેમની નિત્ય નવી રચનાઓની અમૂલ્ય ભેટ સમાજને મળતી રહી. ભગતબાપુ જેમ ગાંધીગીતોમાં સોળે કળાએ ખીલ્યા છે તેમ ભૂદાનમાળાની પોતાની સુપ્રસિધ્ધ રચનાઓથી પણ મહોરી ઉઠ્યા છે. રચના પણ સત્વપૂર્ણ તથા સમાજને માર્ગદર્શક અને અસરકારક રહી છે.
અલેકીઓ માગવા આવ્યો રે… દેશ દબણનો બાવો..
થંભી જાજો હો તરવારીઆ… કાં તરવાર સજાવો ?
તેગ તોપને ખાંડો ખાંડણીએ… દાંતરડા નિપજાવો…
ભૂમિ, અગ્નિ, પવન, પાણી… એનો કરોમા કોઇ દાવો…
લક્ષ્મી માતા, ધરણી માતા એના ધણી નવ થાવો… અલેકીઓ
તરવારો ધારણ કરનારાઓને કવિએ સમજાવ્યા છે, ચેતવ્યા છે કે બદલાતો સમય પરિવર્તન માંગે છે. તરવારોએ હવે શ્રમિકનું દાંતરડું બનીને નવો અવતાર નૂતન યુગમાં ધારણ કરવાનો રહેશે. ભૂદાનની અહાલેક જગાવનાર આ દાઢીવાળા બાબાની છડી પોકારીને કવિએ માર્મિક વાતો કરી છે. પંચ મહાભૂતના મૂળતત્વો પર માલિકી હક્કનો ભાવ હોઇ શકે નહિ તેના તરફ કવિએ સચોટ શબ્દોમાં અંગુલિ નિર્દેશ કર્યો છે.
ચારણ કવિઓની ઉજળી પરંપરા સમાજ માટે અજાણી કે પારકી નથી. તેમની રચનાઓ સમાજ માટે મનોરંજક કરતાંય વિશેષ પથદર્શક રહી છે. ચારણ કવિઓની આ રચનામાં નિરામય જીવનની સાત્વિક પરંપરા, સમર્પણ, વીરતા અને પ્રભુ પરાયણતાના આભ-ઉંચા આદર્શો તથા કેટલીક વખત નિર્ભયતાપૂર્વક કહેવામાં આવેલ શિખામણો કે ચેતવણીના સૂરો સચવાઇને પડ્યા છે. આપણા પોતીકા એવા આ અમૂલ્ય ભંડારનું આચમન પણ આપણે પૂરતા પ્રમાણમાં લઇ શક્યા નથી તે એક વાસ્તવિકતા છે. ચારણ કવિઓની બળૂકી રચનાઓ તે આપણા ઝળહળતા ઇતિહાસનો, આપણા સાંસ્કૃતિક અને બૌધ્ધિક વારસાનો એક મહત્વનો હિસ્સો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ સાહિત્યના વિષયમાં ગણનાપાત્ર ખેડાણ કર્યું છે અને સારા એવા પ્રમાણમાં લોકસાહિત્ય – ચારણી સાહિત્યની રચનાઓને મહેનત કરીને એકત્રિત કરી છે. પ્રકૃતિ અને પરમાત્માના અલૌકિક અનુસંધાનવાળી આ ઉજળી કાવ્ય પરંપરાનાજ મહેકતા પુષ્પો સમાન ભગતબાપુની કાળની મર્યાદાને પણ મહાત કરે તેવી અદભુત રચનાઓ છે. પ્રમાણમાં કેળવણીની દ્રષ્ટિએ પછાત તથા દૂરના વિસ્તારમાં સામાજિક ચેતના પ્રગટાવવાનું યશસ્વી કાર્ય કવિ કાગની રચનાઓએ કરેલું છે. તેમના સાહિત્ય સર્જનના પુષ્પો આજે પણ સુંગધ પ્રસરાવે છે.
વી.એસ.ગઢવી.
ગાંધીનગર.
Leave a comment