બેરિસ્ટર મોહનદાસ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તેને હજુ લાંબો સમય પણ થયો ન હતો. ગોખલેજીની સલાહ મુજબનું ભારત ભ્રમણ પૂરી જાગૃતિ સાથે કર્યું. પરંતુ આજીવન યોધ્ધા ગાંધીજી બહુ જલ્દી એક ધર્મયુધ્ધ જેવા સંઘર્ષમાં કિસાનોનું શોષણ અટકાવવા માટે જોતરાઇ ગયા. બિહારના ચંપારણમાં નીલવરોના અન્યાય તથા ખેડૂતોના પ્રશ્નને સમજ્યા પછી ગાંધીજી માટે ચૂપ રહેવું અશક્ય હતું. દેખીતી રીતેજ અન્યાયી તેમજ ખેડૂતોનું જેમાં શોષણ થાય તેવી આ પ્રથા બિહાર રાજ્યના ચંપારણમાં ‘‘ તિનકઠિયા ’’ તરીકે જાણીતી હતી. ઇસ્ટ ઇન્ડીયા કંપનીના હાથમાં ગળીનો વેપાર હતો. સારો એવો નફો ગોરા વેપારીઓને તેમાંથી મળતો હતો. આથી આ ગોરા કારખાના માલિકોને કાચો માલ નિયમિત રીતે નક્કી કરેલા ભાવે મળી રહે તેવી વ્યવસ્થા ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખ્યા સિવાય નક્કી કરવામાં આવી હતી. ગરીબ કિસાનો પાસે તેમની જમીનના અમૂક ભાગમાં ફરજિયાત ગળીની ખેતી કરી કાચો માલ કારખાનાઓમાં ગોરા માલિકને પહોંચાડવો પડતો હતો. કારખાના માલિકોની પહોંચ મજબૂત હતી. તેમના અત્યાચારોની પ્રાથમિક માહિતી મેળવી તથા તેની ચકાસણી કર્યા બાદ ગાંધીજીએ લોકજાગૃતિનું કાર્ય પૂરા આત્મબળ સાથે શરૂ કર્યું. ગોરા નીલવરો આથી થોડા ગભરાયેલા પણ હતા. એક દિવસ બાપુને કોઇ સાથીએ ચેતવણી આપી કે અમૂક નીલવર બાપુ પર ખૂબ ક્રોધિત થયેલો છે અને તેણે આ ગાંધી નામનો કાંટો દૂર કરવા મારાઓને રોકેલા છે. બાપુનું વલણ આવા કસોટીના પ્રસંગે વ્યવહારુ ડહાપણથી તદ્દન જૂદું પડતું હતું. તેઓ એક દિવસ પેલા ગોરા નીલવરને બંગલે પહોંચ્યા. ત્યાં જઇને તેમણે નિર્ભયતાથી કહ્યું કે તમે મને મારવા માટે ખાસ યોજના કરી છે તો હું કોઇને પણ કહ્યા વગર એકલો આવ્યો છું. નિર્ભયતા અને દ્રઢતાની આ મૂર્તિનું પ્રત્યક્ષ દર્શન કરીને ગોરો નીલવર સ્તબ્ધ થઇ ગયો. કાકાસાહેબ કાલેલકરે લખેલા આ પ્રસંગને યાદ કરીને કવિ ભૂદરજી લાલજી જોશીના અમર શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે.
તોપ તલવાર નહિ, બંદૂક બારૂદ નહિ
હાથ હથિયાર નહિ, ખૂલ્લે શિર ફિરતે.
વિકૃત વિજ્ઞાન નહિ, બંબર વિમાન નહિ,
તરકટ તોફાન નહિ, અંહિસા વ્રત વરતે.
ટેંકોકા ત્રાસ નહિ, ઝેરી ગિયાસ નહિ
લાઠીકા સહત માર, રામ રામ રટતે.
ભૂધર ભનત બીન શસ્ત્ર ઇસ જમાનેમેં
ગાંધી બીન બસૂધામેં કૌન વિજય વરતે.
ઇસુના દરેક નૂતન વર્ષની ૩૦ જાન્યુઆરીએ કાળને પણ સામી છાતીએ પડકારનાર આ વિશ્વમાનવની અમર ગાથા અનેક માનવીની સ્મૃતિમાં ફરી એક વખત આવશે તથા સુગંધ પ્રસરાવી જશે. પ્રાર્થના સભામાં જઇને સમગ્ર માનવજાતના ભલા માટે અંતરના ઊંડાણથી પ્રાર્થના કરનાર આ વૈષ્ણવ જનની દૈહિક હત્યા કવિ શ્રી બાલમુકુન્દ દવેના હૈયાને હચમચાવી નાખે છે. તેમાંથીજ એક અમર રચનાનું સર્જન થાય છે.
કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ?
કલંકીએ કોણે કીધાં ઘા ?
કોણ રે અપરાધી માનવ જાતનો
જેને સૂઝી અવળા મત આ ?
રુધિરે રંગાયો હરિનો હંસલો !
પાંખ રે ઢાળિને હંસો પોઢિયો,
ધોળો ધોળો ધરણીને અંક,
કરુણા આંજી રે એની આંખડી
રામની રટણા છે એને કંઠ,
રુધિરે રંગાયો હરિનો હંસલો.
હિમાળે સરવર શીળા લેરતાં
ત્યાંનો રે રહેવાસી આ તો હંસ
આવી રે ચડેલો જગને ખાબડે
જાળવી ના જાણ્યો આપણ રંક !
રુધિરે રંગાયો હરિનો હંસલો !
કોઇપણ કાળની સાંપ્રત સ્થિતિને શબ્દસ્થ કરીને અમર થયેલી કેટલીક રચનાઓમાં કવિ શ્રી બાલમુકુન્દ દવેની આ રચનાને અગ્રસ્થાને મૂકવી પડે તેવી છે. ૩૦ જાન્યુઆરી-૧૯૪૮ ના દિવસે ગાંધી મારફત જગતભરની સારમાણસાઇ પર થયેલા હૂમલાની વ્યથા કવિએ ૦૮ ફેબ્રુઆરી-૧૯૪૮ ના રોજ કાગળ પર લોહી નીતરતી કલમે ઉતારી છે. પરલોકમાંથી આવેલા ગાંધી નામના હંસને ‘‘ આપણે સૌ રંક લોકો ’’ સાચવી ન શક્યા તેનો ભરપૂર વસવસો કરીને કવિએ કરોડો વિશ્વનાગરિકોની લાગણીને અસરકારક વાચા સમયસર આપેલી છે. જાન્યુઆરી માસમાં આ મહામાનવના મહાપ્રયાણને યાદ કરીને તેમના પગલે એકાદ ડગ માંડવાનો પ્રયાસ કરનારને વ્યક્તિગત સંતોષ થશે. તેનાથી સમાજ વધારે સ્વસ્થ બનશે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment