: ક્ષણના ચણીબોર : ઝંડા ! સ્વરાજ્યના સંત્રી : રહો તુજ ઝાલર રણઝણતી :

૨૬ મી જાન્યુઆરીના દિવસનું એક અનેરું મહત્વ દરેક ભારતીય માટે છે. જે બાબત નાગરિકો માટે મહત્વની હોય તેમ છતાં એક વિધિ કે ગતાનુગતિક્તાના કારણે ઘણાં નાગરિકોનું ધ્યાન આ દિવસ સાથે જોડાયેલ ઉજવળ ઇતિહાસ તરફ જતું નથી. કેટલાક વિધિ વિધાનવત કાર્યક્રમો થતા રહે છે. નાગરિકો તેમજ ખાસ કરીને યુવકોનો એક વર્ગ આ પ્રકારના સરકારી કે બીન સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત પણ રહે છે. લાલ કિલ્લાની શાનદાર તથા જાનદાર પરેડ દરેક ભારતીયનું ગૌરવ વધારે તેવી ભવ્ય તથા દર્શનિય હોય છે. આમ છતાં એક બાબત સાર્વત્રિક અનુભવે જોવા મળે છે કે સમાજનો ઘણો ભાગ આવી ઉજવણીઓથી દૂર રહે છે. આઝાદી મળ્યા પછીના થોડા વર્ષો સુધી ઉજવણીમાં જનસામાન્યનો ઉમંગ અને ઉપસ્થિતિ જોવા મળતા હતા. ક્રમે ક્રમે ઉજવણીમાં વ્યાપક સહભાગીતાનું પ્રમાણ ઘટતું ગયું છે. સમાજના જાગૃત નાગરિકો માટે આ બાબત નિસબતનો વિષય ગણાવો જોઇએ. આપણે ત્યાં જે અનેક તહેવારો પરંપરા કે સામાજિક રૂઢીને કારણે ઉજવાય છે તેમાં લોકભાગીદારીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જતું જોવા મળેલું છે. પતંગોત્સવ રાજ્યના અમૂક ભાગમાંજ સવિશેષ ઉજવાતો હતો. ગણેશોત્સવ પણ મર્યાદિત વિસ્તારમાં મનાવવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ જૂદી છે. લગભગ તમામ તહેવારો વધારે સાર્વત્રિક તો થયા છે, પરંતુ ઉજવણીના ધોરણનો ગ્રાફ પણ ઊંચો ને ઊંચો જતો જણાય છે. લોકને ઉત્સવ પ્રિય છે તેની પ્રતિતિ થાય છે. આથી જે ઉજવણી થાય છે તે સ્વયંભૂ થયા કરે છે. ૧૫ મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરીના ઐતિહાસિક મૂલ્યને ઉજાગર કરી આ તહેવારો વિશેષ લોકાભિમુખ થાય તેવા સહિયારા પ્રયાસો કરવાના જો પ્રયાસો  થતાં હોય તો પણ તેને વિશેષ ઠોસ તથા પરિણામલક્ષી  બનાવવા જરૂરી લાગે છે એક પ્રજા તરીકે વર્ષોની પરતંત્રતા બાદ સ્વાધિનતા પ્રાપ્ત થાય એ ઘટના નાની કે ભૂલી જવા જેવી નથી. એજ રીતે આટલા મોટા ખંડ જેવા વિશાળ તથા અનેક પ્રકારની વિવિધતા ધરાવતા દેશનું સંચાલન દેશના બંધારણને અનુરૂપ કાયદા-કાનૂનોથી લોકશાહીને છાજે તે રીતે થતુ રહે તે પણ આપણાં માટે એક સામુહિક ગૌરવની ઘટના છે. આ બાબતની અનુભૂતિ મહદૃઅંશે આપણે કરી શકતા નથી. આપણી સાથે તથા આપણાં પછી આઝાદ થયેલા અનેક મુલ્કોએ પોતાની સ્વાધિનતા વિવિધ કારણોસર ગુમાવી છે. તેની સામે બંધારણીય બાબતનોની મહત્તમ જાવળવણી એ આપણું ઉજળું તથા ચોખ્ખું Report –card  છે. બંધારણે નક્કી કરેલી બાબતોમાં કોઇ સરકારે છૂટ લેવાનો પ્રયાસ કોઇ પણ કારણસર કર્યો હોય તો પણ દેશના નાગરિકોને એ વાત કદી ગળે ઉતરી શકી નથી. આવુ બન્યુ છે ત્યારે તક તથા પ્રસંગ આવ્યેથી લોકસમુહે બંધારણીય માર્ગેજ આ બાબતમાં પોતાની નારાજગી પણ વ્યકત કરી છે. આજે પણ જગતના અનેક દેશોમાં લોકોએ પસંદ કરેલી સરકારો સ્થિર થઇ શકતી નથી. લોકતંત્ર સહેજ પણ નબળું પડે તો સત્તાકાંક્ષી પરિબળો લોકશાહીનું ગ્રહણ કરી આપખૂદ શાસન તરફ વળી જાય છે. અનેક સ્થળોએ યુવાનોએ મશાલ પકડીને આપખૂદ શાસન સામે વિરોધનું રણશિંગુ આજે પણ ફૂંકતા રહેવું પડે છે. આપણી મજબૂત સંસદીય સંસ્થાઓ પણ આપણાં ઊંડા સંતોષનો વિષય બનવી જોઇએ. વિઠ્ઠલભાઇ પટેલ તથા દાદાસાહેબ માવળંકર જેવા આપણાં જન પ્રતિનિધિઓએ મજબૂત સંસદીય સંસ્થાઓનો ઊંડો પાયો નાખ્યો છે. સરદાર પટેલ જેવા વિચક્ષણ નેતાએ અલગ અલગ પ્રદેશના મણકાઓ એક માળામાં મજબૂતીથી પરોવ્યા છે. સરદાર સાહેબે સ્થાયી વહીવટી પ્રથાનું માળખું ટકાવી વહીવટી બાબતોમાં સાતત્ય જળવાય તેવું સુદીર્ઘ આયોજન કરી આપેલું છે. પંડિત જવાહરલાલ નહેરુ જેવા વિશાળ તથા ઉદાર દૃષ્ટિકોણ ધરાવતા નેતાઓએ સર્વ સમાવેશક શાસન વ્યવસ્થાની ભાવી પેઢીઓને અમૂલ્ય ભેટ આપેલી છે. અનેક વાવાઝોડા વચ્ચે આપણું પ્રજાસત્તાક કેટલીક મર્યાદાઓ સાથે પણ હિમાલયના ધવલ ઉજળા શિખરની જેમ ઉન્નત મસ્તકે ટટ્ટાર ખડુ રહેલું છે. ત્રિરંગાનો વૈભવ સ્થિર રહેલો છે. વિનોદ કિનારીવાલા જેવા અનેક નવલોહીયા યુવાનો જે ધ્વજ માટે સામી છાતીએ લાઠી-ગોળીનો ભોગ બન્યા તે મોંઘેરા પ્રતિકનું ગૌરવગાન કવિ મેઘાણીએ સુંદર શબ્દોમાં કર્યું છે. આ શબ્દો ફરી ફરી સ્મૃતિમાં આવે છે.  

તુજને ગોદ લઇ સૂનારાં

મેં દીઠા ટાબરિયાં

તારાં ગીત તણી મસ્તીમાં

ભૂખ તરસ વીસરિયા-

ઝંડા ! કામણ શાં કરિયાં !

ફિદા થઇ તુજ પાછળ ફરિયાં

ઝંડા સ્વરાજ્યના સંત્રી !

રહો તુજ ઝાલર રણઝણતી

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑