સંસ્કૃતિ : : ઝંડા ! સ્વરાજ્યના સંત્રી: રહો તુજ ઝાલર રણઝણતી:

૨૬ મી જાન્યુઆરીના દિવસનું એક અનેરું મહત્વ દરેક ભારતીય માટે છે. જે બાબત નાગરિકો માટે મહત્વની હોય તેમ છતાં એક વિધિ કે ગતાનુગતિક્તાના કારણે ઘણાં નાગરિકોનું ધ્યાન આ દિવસ સાથે જોડાયેલ ઉજવળ ઇતિહાસ તરફ જતું નથી. કેટલાક વિધિ વિધાનવત કાર્યક્રમો થતા રહે છે. નાગરિકો તેમજ ખાસ કરીને યુવકોનો એક વર્ગ આ પ્રકારના સરકારી કે બીન સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત પણ રહે છે. લાલ કિલ્લાની શાનદાર તથા જાનદાર પરેડ દરેક ભારતીયનું ગૌરવ વધારે તેવી ભવ્ય તથા દર્શનિય હોય છે. આમ છતાં એક બાબત સાર્વત્રિક અનુભવે જોવા મળે છે કે સમાજનો ઘણો ભાગ આવી ઉજવણીઓથી દૂર રહે છે. આઝાદી મળ્યા પછીના થોડા વર્ષો સુધી ઉજવણીમાં જનસામાન્યનો ઉમંગ અને ઉપસ્થિતિ જોવા મળતા હતા. ક્રમે ક્રમે ઉજવણીમાં વ્યાપક સહભાગીતાનું પ્રમાણ ઘટતું ગયું છે. સમાજના જાગૃત નાગરિકો માટે આ બાબત નિસબતનો વિષય ગણાવો જોઇએ. આપણે ત્યાં જે અનેક તહેવારો પરંપરા કે સામાજિક રૂઢીને કારણે ઉજવાય છે તેમાં લોકભાગીદારીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જતું જોવા મળેલું છે. પતંગોત્સવ રાજ્યના અમૂક ભાગમાંજ સવિશેષ ઉજવાતો હતો. ગણેશોત્સવ પણ મર્યાદિત વિસ્તારમાં મનાવવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ જૂદી છે. લગભગ તમામ તહેવારો વધારે સાર્વત્રિક તો થયા છે, પરંતુ ઉજવણીના ધોરણનો ગ્રાફ પણ ઊંચો ને ઊંચો જતો જણાય છે. લોકને ઉત્સવ પ્રિય છે તેની પ્રતિતિ થાય છે. આથી જે ઉજવણી થાય છે તે સ્વયંભૂ થયા કરે છે. ૧૫ મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરીના ઐતિહાસિક મૂલ્યને ઉજાગર કરી આ તહેવારો વિશેષ લોકાભિમુખ થાય તેવા સહિયારા પ્રયાસો કરવાના જો પ્રયાસો  થતાં હોય તો પણ તેને વિશેષ ઠોસ તથા પરિણામલક્ષી  બનાવવા જરૂરી લાગે છે એક પ્રજા તરીકે વર્ષોની પરતંત્રતા બાદ સ્વાધિનતા પ્રાપ્ત થાય એ ઘટના નાની કે ભૂલી જવા જેવી નથી. એજ રીતે આટલા મોટા ખંડ જેવા વિશાળ તથા અનેક પ્રકારની વિવિધતા ધરાવતા દેશનું સંચાલન દેશના બંધારણને અનુરૂપ કાયદા-કાનૂનોથી લોકશાહીને છાજે તે રીતે થતુ રહે તે પણ આપણાં માટે એક સામુહિક ગૌરવની ઘટના છે. આ બાબતની અનુભૂતિ મહદૃઅંશે આપણે કરી શકતા નથી. આપણી સાથે તથા આપણાં પછી આઝાદ થયેલા અનેક મુલ્કોએ પોતાની સ્વાધિનતા વિવિધ કારણોસર ગુમાવી છે. તેની સામે બંધારણીય બાબતનોની મહત્તમ જાવળવણી એ આપણું ઉજળું તથા ચોખ્ખું Report –card  છે. બંધારણે નક્કી કરેલી બાબતોમાં કોઇ સરકારે છૂટ લેવાનો પ્રયાસ કોઇ પણ કારણસર કર્યો હોય તો પણ દેશના નાગરિકોને એ વાત કદી ગળે ઉતરી શકી નથી. આવુ બન્યુ છે ત્યારે તક તથા પ્રસંગ આવ્યેથી લોકસમુહે બંધારણીય માર્ગેજ આ બાબતમાં પોતાની નારાજગી પણ વ્યકત કરી છે. આજે પણ જગતના અનેક દેશોમાં લોકોએ પસંદ કરેલી સરકારો સ્થિર થઇ શકતી નથી. લોકતંત્ર સહેજ પણ નબળું પડે તો સત્તાકાંક્ષી પરિબળો લોકશાહીનું ગ્રહણ કરી આપખૂદ શાસન તરફ વળી જાય છે. અનેક સ્થળોએ યુવાનોએ મશાલ પકડીને આપખૂદ શાસન સામે વિરોધનું રણશિંગુ આજે પણ ફૂંકતા રહેવું પડે છે. આપણી મજબૂત સંસદીય સંસ્થાઓ પણ આપણાં ઊંડા સંતોષનો વિષય બનવી જોઇએ. વિઠ્ઠલભાઇ પટેલ તથા દાદાસાહેબ માવળંકર જેવા આપણાં જન પ્રતિનિધિઓએ મજબૂત સંસદીય સંસ્થાઓનો ઊંડો પાયો નાખ્યો છે. સરદાર પટેલ જેવા વિચક્ષણ નેતાએ અલગ અલગ પ્રદેશના મણકાઓ એક માળામાં મજબૂતીથી પરોવ્યા છે. સરદાર સાહેબે સ્થાયી વહીવટી પ્રથાનું માળખું ટકાવી વહીવટી બાબતોમાં સાતત્ય જળવાય તેવું સુદીર્ઘ આયોજન કરી આપેલું છે. પંડિત જવાહરલાલ નહેરુ જેવા વિશાળ તથા ઉદાર દૃષ્ટિકોણ ધરાવતા નેતાઓએ સર્વ સમાવેશક શાસન વ્યવસ્થાની ભાવી પેઢીઓને અમૂલ્ય ભેટ આપેલી છે. અનેક વાવાઝોડા વચ્ચે આપણું પ્રજાસત્તાક કેટલીક મર્યાદાઓ વચ્ચે પણ હિમાલયના ધવલ ઉજળા શિખરની જેમ ઉન્નત મસ્તકે ટટ્ટાર ખડુ રહેલું છે. ત્રિરંગાનો વૈભવ સ્થિર રહેલો છે. વિનોદ કિનારીવાલા જેવા અનેક નવલોહીયા યુવાનો જે ધ્વજ માટે સામી છાતીએ લાઠી-ગોળીનો ભોગ બન્યા તે મોંઘેરા પ્રતિકનું ગૌરવગાન કવિ મેઘાણીએ સુંદર શબ્દોમાં કર્યું છે.

તુજને ગોદ લઇ સૂનારાં

મેં દીઠા ટાબરિયાં

તારાં ગીત તણી મસ્તીમાં

ભૂખ તરસ વીસરિયા-

ઝંડા ! કામણ શાં કરિયાં !

ફિદા થઇ તુજ પાછળ ફરિયાં

તું સાચુ અમ કલ્પતરુવર:

મુક્તિફળ તુજ ડાળે

તારી શીત સુગંધ નથી

કો માનસ-સરની પાળે-

ઝંડા જુગ જુગ પાંજરજે

સુગંધી ભૂતલ પર ભરજે !

ઝંડા સ્વરાજ્યના સંત્રી !

રહો તુજ ઝાલર રણઝણતી

રાષ્ટ્રધ્વજને ઉન્નત રાખવા માટે અનેક નવલોહીયા યુવાનોએ હસતા મુખે શહાદત વહોરી. દેશ સ્વતંત્ર થયો ત્યાર બાદ બ્રિટીશ શાસનની વૈકલ્પિક તથા સર્વજનહિતાય હોય તેવી વ્યવસ્થા સ્થાપવાનો તથા તેને જાળવવાનો મોટો પડકાર સામે આવીને ઊભો હતો. નવો આઝાદ થયેાલે દેશ તેની રચના સાથે જ અનેક ગંભીર પ્રકારની કટોકટી અને આંતરિક ઘર્ષણની કડવી વાસ્તવિકતાઓ વચ્ચે ઘેરાયેલો હતો. દેશના રાષ્ટ્રપિતાની અણધારી તથા અકુદરતી ચિર વિદાયથી માનવતા જાણે લજવાઇ ગઇ. ગાંધીજીની અણધારી વિદાયને પંડિતજીએ પ્રકાશની વિદાય સાથે સરખાવી. દેશ ફરી દિગ્મૂઢ થયો. જોકે સરદાર સાહેબના મજબૂત માર્ગદર્શન હેઠળ પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી. દેશના સર્વાંગી વિકાસ માટે જે બંધારણીય માળખાની રચના કરીને અમલમાં લાવવામાં આવી તે સ્વાધિન દેશની મહાન સિધ્ધિ હતી. બંધારણની ડ્રાફિટીંગ કમિટીએ ર્ડા. બાબાસાહેબની દીર્ધદૃષ્ટિ અને વિચારોની સ્પષ્ટતાને કારણે એક નરવું અને નકોર બંધારણ દેશને આપ્યું. સર્વોદયની સ્થિતિ તરફ સતત ગતિ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં બંધારણ નિમિત્ત બની રહ્યું. આજે સીત્તેર વર્ષના પ્રજાસત્તાક રાષ્ટ્રના પ્રશ્નો ઉકલી ગયા છે તેમ ભલે ન કહી શકાય, પરંતુ મહદૃઅંશે આપણાં વિકાસની દિશા સર્વોદય તરફની રહેતી આવી છે તેવું આશ્વાસન જરૂર લઇ શકાય તેમ છે.

       સાંપ્રત કાળના પ્રશ્નો જૂદા છે. લોકોની શ્રધ્ધા દેશની વ્યવસ્થા તરફ જળવાઇ રહે અને દ્રઢતાથી ટકી રહે તેની ચોકસાઇ રાખવી પડશે. સમાજની વ્યવસ્થામાં જો ફાવી ગયેલાઓની સામે રહી ગયેલાઓની સંખ્યા વધતી રહે તો સ્થિતિ ગમે ત્યારે સ્ફોટક બની શકે છે. સમૃધ્ધ ગણાતા દેશમાં પણ ઓક્યૂપાય ધી વૉલસ્ટ્રીટ જેવા પ્રજાકીય આંદોલન જોવા મળેલા છે. શોષણનું સમર્થન કરે તેવી વ્યવસ્થા કોઇ પણ બહાના હેઠળ પણ ટકાવવી મુશ્કેલ છે.

       સમાજમાં જેમ જેમ જાગૃતિ કેળવાતી જાય છે તેમ તેમ શાસન પાસેથી તેની અપેક્ષાઓ પણ વધતી રહે છે. આપણે તો એ બાબત પણ અનુભવી છે કે બંધારણીય વ્યવસ્થા અમલમાં આવી તે પહેલા કેટલાક રાજવીઓએ સમાજની સર્વગ્રાહી ઉન્નતી માટે ઠોસ પગલાં ભર્યા હતા. આ સર્વસત્તાધિશ રાજવીઓ નિરંકુશ સત્તા ભોગવતા હોવા છતાં તેમણે સર્વજન હિતકારી હોય તેવા પગલાં ભર્યા હતા. શાસકની નિષ્ઠા અને તત્કાલિન વહીવટી તંત્રના નિર્ધારને કારણે સર્વજન હિતાય કરવામાં આવેલા નિર્ણયોનો સુચારુ અમલ કરવામાં આવતો હતો. ગોંડલના પ્રતાપી રાજવી ભગવતસિંહજીએ લગભગ એક સો વર્ષ પહેલા (૧૯૧૯) કન્યાઓ માટે મફત તથા ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા ગોઠવી હતી. નિર્ધાર તથા અમલીકરણની ચોકસાઇના કારણે ગોંડલ રાજ્યની ખેત મજૂરીએ જતી મહિલાઓ પણ પોતાની સહી કરી શકતી હતી અને અંગુઠો મારવો પડતો ન હતો. ગોંડલ રાજ્યમાં કેળવણીને નૂતન સૂર્યોદય થયો હતો. દારૂબંધી દાખલ કરવા અંગે અનેક રાજ્યો આજે પણ અવઢવ અનુભવે છે ત્યારે ભાવનગરમાં રાજવી ભાવસિંહજી (બીજા) એ ભાવનગર રાજ્યમાં લગભગ  એક સદી પહેલા દારૂબંધી દાખલ કરીને સૌને દિશાદર્શન કરાવ્યું હતું. જાગૃત તથા વિચક્ષણ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ભાવનગર રાજ્યના કિસાનો રુણમુક્ત બને તે માટે યોજનાઓ તો કરી જ પરંતુ તેના અમલીકરણની ચોકસાઇ માટે જીવનના સંધ્યાકાળના વર્ષોનો ભરપૂર ઉપયોગ કર્યો. આ વારસો સ્વાધિન દેશને પ્રાપ્ત થયો છે. આવા વારસાનું ગૌરવ જળવાય તેવા પ્રયાસો આપણે સ્વાધિન રાષ્ટ્ર તરીકે કરવા અનિવાર્ય છે. એ સમયનો તકાજો છે. આજે દેશમાં અનેક  નવા પ્રશ્નોનો આપણે સામનો કરી રહ્યા છીએ. સમગ્ર વિશ્વ પણ આંતકવાદના પડકાર સામે સજ્જ થવા પ્રયાસો કરે છે. આથી જ લોકજાગૃતિના અમોધશસ્ત્ર વડે આપણે વધારે સુસજ્જ બનીએ તેવો સંકલ્પ ૨૬ જાન્યુઆરીના શુભ દિવસના માહોલમાં કરવા જેવો લાગે છે. કેળવાયેલા અને કર્તવ્ય તરફની જાગૃતિ ધરાવતા નાગરિકોની પહેલથી જ આપણાં મૂલ્યવાન બંધારણની ભાવનાઓ પૂર્ણત: ભૂમિગત થશે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑