મકરસંક્રાંતિના ઉત્સવી વૈભવના માહોલમાં ડૉ. આઇ. કે. વીજળીવાલા વિચારોના ધારદાર પ્રવાહનો પતંગ ચગાવીને અને જમાવીને ગયા. દસમી જાન્યુઆરી અને રવિવાર – ૨૦૧૬ નો દિવસ ‘અર્ક’ વ્યાખ્યાનમાળાને કારણે વિચારોત્સવના પાવન પર્વ સમાન બની રહ્યો. સંસ્થાઓ મનોરંજનના અનેકવિધ કાર્યક્રમો કરે એ આવકાર્ય છે. પરંતુ કલ્ચરલ ફોરમ વિચારયાત્રાના વિવિધ મણકાઓનું આયોજન ગાંધીનગરાઓ માટે કરે છે તે આવકાર્ય તથા અભિનંદનને પાત્ર છે. ગાંધીનગરમાં આવી સંસ્થાઓના સંચાલકો લોકોની આવી જરૂરિયાતો પ્રત્યે પણ જાગૃત છે એ આજના સમયમાં નોંધપાત્ર બાબત છે. દર વર્ષે બીજી ઓક્ટોબરના દિવસે ‘કલાગુર્જરી’ ગાંધીનગર તરફથી થતાં ગાંધી વંદનાના ગીતોનો કાર્યક્રમ એ આવુંજ એક સ્તુત્ય પગલું છે. આ કાર્યક્રમ પણ લોકો મોટી સંખ્યામાં ભાવપૂર્વક માણે છે. કેટલાક શહેરોમાં આવી વ્યાખ્યાનમાળાઓ ચાલે છે અને આ બાબત તે શહેરની ઓળખ બની ચૂકી છે. મુંબઇમાં નિયમિત યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા અનેક જૈન તથા જૈનેતરોના આકર્ષણનો વિષય બની છે. સ્વસ્થ સમાજની રચનાનું પ્રથમ સોપાન સ્વસ્થ વિચાર છે. સાથે સાથે એ બાબત પણ એટલીજ મહત્વની છે કે શક્ય તેટલા આચરણમાં મૂકવાના પ્રયાસો સિવાય કરવામાં કે દોહરાવવામાં આવતા સારા વિચારો મહદ્દઅંશે નિરર્થક પ્રક્રિયા બની રહે છે.
કેટકેટલી આશા – અભિલાષા અને આકાંક્ષાઓનો સામાન ઊંચકીને આપણે જીવનયાત્રાના ડગ ભરીએ છીએ ? ઇચ્છાઓ – આકાંક્ષાઓના આવા સાતત્યપૂર્ણ વળગાડને કારણે જીવન જીવવાનો આનંદ ચૂકી જવાય છે તેવી ડૉ. વીજળીવાલાની વાત એ કદાચ આપણામાંના અનેક લોકોને લાગુ પડતી હશે. ઘણીવાર જીવનની સંધ્યાએ જ્યારે દુન્વયી બાબતોની પ્રાપ્તિનો વિચાર કરીએ ત્યારે જીવન સમૃધ્ધ અને સુખી જણાય છે. જગતના લોકો પણ આવા સફળ કહેવાતા લોકોની વાહવાહ કરે છે. પરંતુ સફળતાની ટોચ પર બેઠેલા વ્યક્તિને જીવનમાં કંઇક ખૂટતું જણાય છે. આ ખૂટતી બાબત કઇ છે તેની સ્પષ્ટતા પણ ઘણાં કિસ્સામાં થઇ શકતી નથી. મનના અજંપાની એક અકળામણ પણ પેદા થાય છે. આવી અંદરથી ઊગેલી અકળામણ વણસહી અને મોટાભાગે વણકથી રહે છે. બાહ્ય રીતે સુખી – સમૃધ્ધ દેખાતા તેમજ સફળતાને વરેલા અનેક ‘સેલીબ્રીટીઝ’ ની આત્મહત્યાના અનેક કિસ્સા છેલ્લા દાયકામાં જોવા મળ્યા છે. આથી આ વિષમ જીવનમાં સાચા સુખ અને શાંતિ તરફ ડગ માંડવાની સૂઝ કેળવવી એ આજની સમસ્યા હોય તેમ જણાય છે. અનેક મોટીવેશન ગુરૂઓના પ્રવચનો સાંભળવાથી આવી સૂઝ કેળવવાની કદાચ દિશા દેખાય છે ખરી પરંતુ તેના પર મક્કમતાથી ડગ માંડવાની શક્તિ તો દરેકે વ્યક્તિગત રીતેજ કેળવવી પડશે. ડૉ. વીજળીવાલાના નિરંતર ચાલેલા વિચારપ્રવાહમાં ડગ માંડવાની આ દિશા તરફ ખૂબ સરળ તેમજ પ્રવાહી શૈલીમાં અંગૂલીનિર્દેશ કરવામાં આવ્યો હતો. શાંતિ અને ચિત્તની પ્રસન્નતા કેળવવા ફરી ભર્યાભાદર્યા અને કિલ્લોલ કરતાં કૌટુંબિક જીવન તરફ ફરી વળવું પડશે. પરમતત્વના અનુસંધાન માટેની ઝંખના પ્રગટાવવી પડશે. સમાજ તરફ એક સંવેદનશીલ દ્રષ્ટિ રાખતા શીખવું પડશે. આ બધી બાબતો આપણને પેઢીઓ સુધી સહજ હતી. અનેક કારણોસર તેનાથી વિખૂટા પડવાની સ્થિતિ ક્રમશ: અકળાવનારી બની છે. આમ થવાના કેટલાક કારણો સાંપ્રત સ્થિતિને કારણે અનિવાર્ય લાગે તેવા હોવાની પણ સંભાવના છે. આમ છતાં એકવાર ફરી જો વ્યક્તિગત રીતે નિરધાર કરીને તથા ચિત્તની પ્રસન્નતા મેળવવા સાચી દિશા પારખીને લાંબાગાળાના વૈયક્તિક અને સામુહિક હિત માટે વિશ્વાસપૂર્વક ડગલા માંડીશું તો સિધ્ધિ મેળવવી અશક્ય નથી. સાચી દિશામાં ડગ ભરવાની શક્તિ તો આપણા દરેકમાં છેજ. કવિ રાજેન્દ્ર શાહ કહે છે તેમ આપણે ‘રાંક બીચારા’ તો નથીજ.
આપણે ના કંઇ રંક
ભર્યો ભર્યો માહ્યલો કોશ અપાર
આવવા દો જેને આવવું
આપણે મૂલવશું નિરધાર
આભ ઝરે ભરે આગ
હસી હસી ફૂલ ઝરે ગુલમહોર.
આપણાં આ માહ્યલા કોશને સંકોરવા કે સમૃધ્ધ કરવાનો નિરધાર તો આપણેજ કરવો પડશે. આગ જ્યાં લાગી હોય ત્યાંજ ઓલવવી પડશે. સુખ – સુવિધાઓના અનેક નવા ઉપકરણો જરૂર ઉપલબ્ધ થયા છે. ઉપયોગી પણ થયા છે. તે બધાનો સમજપૂર્વક સ્વીકાર અને સદ્દઉપયોગ કરવાની ફરજ તો આપણેજ બજાવવી પડશે. સમાજને જો આજની સ્થિતિમાં અજંપા કે અસંતોષની ઘંટડી વાગતી સંભળાતી હોય તો સવેળા જાગવું પડશે. જાગૃતિ તરફના આવા પ્રયાણની બાગડોર વિચારશીલ યુવાનોએજ સંભાળવી પડશે. ગાડરીયા માર્ગે વહી જવાની સ્થિતિ હોય તો તે હિંમત તથા નિર્ધાર કરીને બદલવી પડશે. ગયા વર્ષેજ આપણી વચ્ચેથી જેમણે ચિરવિદાય લીધી તેવા શ્રી નારાયણ દેસાઇ તેમની ગાંધીકથામાં આવી સામાજિક ચેતનાની જાગૃતિ માટેની અહાલેકનો બૂલંદ સૂર હમેશા પ્રગટાવતા હતા.
જાગ ! તરુણ જાગ !
તારા ઘરમાં લાગી આગ !
હાથવગાં ઓઝાર ઉપાડી
ઝટ ઓલવ તું આગ !
ગાડરિયા પ્રવાહને છોડી
ગોતને નવા માગ !
જાગ ! તરુણ જાગ !
નવજાગૃતિના ઉજ્વળ પ્રતિક સમાન સૂર્ય નારાયણ સાથે આપણે પણ વિચારોનું સંક્રમણ આ મકરસંક્રાંતિએજ ગોઠવીએ તો કેવું !
Leave a comment